You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે નરેન્દ્ર મોદીએ નીતિન દેસાઈને કહ્યું, 'જોઈએ તો 500 એકર જમીન લઈ લો, પણ સ્ટુડિયો ગુજરાતમાં બનાવો'
- લેેખક, માનસી દેશપાંડે
- પદ, બીબીસી મરાઠી માટે
પ્રસિદ્ધ ફિલ્મ અને આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈનું 57 વર્ષની વયે નિધન થઈ ગયું.
તેમણે કરજતસ્થિત પોતાના એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી હતી.
નીતિન દેસાઈનું નામ હંમેશાં તેમની ફિલ્મો અને ધારાવાહિકોના શાનદાર સેટ, ઘણી ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકેનું તેમનું કામ, કાર્યક્રમો અને રેલીઓ માટે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા મંચો માટે વખાણવામાં આવ્યું છે.
તેમણે કામ કરતા-કરતા પોતાનો વિશ્વસ્તરીય સ્ટુડિયો સ્થાપિત કરવાનું સપનું જોયું અને તેને એનડી સ્ટુડિયો સ્વરૂપે પૂર્ણ કર્યું.
આવો જાણીએ નીતિન દેસાઈના એનડી સ્ટુડિયોના નિર્માણ પાછળની કહાણી...
પર્યટક આકર્ષણ
નીતિન દેસાઈએ સ્થાપેલ એનડી સ્ટુડિયો કરજત શહેરની પાસે લગભગ 52 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. આ સ્ટુડિયોનું ઉદ્ધાટન વર્ષ 2005માં થયું હતું.
ત્યારથી અહીં ઘણી ફિલ્મો, ધારાવાહિકો, રિયાલિટી શોનું શૂટિંગ થઈ ચૂક્યું છે.
આ સ્ટુડિયો વર્ષ 2018માં જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવાયો હતો. લોકો ટિકિટ ખરીદીને સ્ટુડિયોની મુલાકાત લઈ શકતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહારાષ્ટ્ર સરકારના પર્યટન વિભાગની વેબસાઇટ પર આ સ્ટુડિયોનું નામ કરજતનાં પ્રવાસન આકર્ષણોમાંથી એક તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યું છે.
સ્ટુડિયોના પરિસરમાં રૅસ્ટોરાં અને હૉટલ પણ છે.
સ્ટુડિયો પ્રોડક્શનના માલિક બનવાનું સ્વપ્ન
ઘણી પ્રખ્યાત અને સુપરહિટ ફિલ્મોમાં સફળતાપૂર્વક આર્ટ ડિરેક્શન કર્યા બાદ નીતિન દેસાઈને પોતાના સ્ટુડિયોની જરૂરિયાત કેમ ઊભી થઈ, તેની પાછળ પણ કેટલીક કહાણીઓ છે.
જેનો ખુલાસો તેમણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.
એબીપી માઝાના કાર્યક્રમ 'માઝા કટ્ટા'માં તેમણે એનડી સ્ટુડિયો બનાવવા પાછળના વિચાર વિશે વાત કરી હતી.
તેમણે કહ્યું, "મને લાગ્યું કે એક સ્ટુડિયો નિર્દેશકના દૃષ્ટિકોણ અને નિર્માતાને સાથે લાવવાનું સ્થાન હોવું જોઈએ. ઑલિવર સ્ટોન નામક એક પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા ભારત આવ્યા હતા. તેમને બે ઑસ્કર મળી ચૂક્યાં છે. તેઓ ભારતમાં 650 કરોડમાં 'ઍલેક્ઝેન્ડર ધ ગ્રેટ' ફિલ્મ બનાવવા માગતા હતા."
"ફિલ્મ માટે મારી પસંદગી થઈ. ફિલ્મમાં સિકંદર અને પોરસ વચ્ચે યુદ્ધ થવાનું હતું. ભારતમાં આપણી પાસે હાથી છે, એટલે એ કરવું પણ શક્ય હતું. વાટાઘાટો આગળ ચાલી અને બધું જ અંતિમ તબક્કામાં હતું. તેમણે પરત જવાના એક દિવસ પહેલાં કહ્યું કે તેમને ફિલ્મ સિટી જોવી છે, જ્યાં આ સેટ બનશે."
"ત્યાર પછી ખબર નહીં શું થયું કે તેમણે ભારતની જગ્યાએ મોરક્કોની પસંદગી કરી. કદાચ તેમને અહીંથી ગયા બાદ તેમને ભારતમાં મળતી સુવિધાઓ અપર્યાપ્ત લાગી હોઈ શકે."
"હું મોરક્કો ગયો. મને એક પ્રશ્ન સતાવતો હતો કે મોટા ભાગની ફિલ્મો ભારતમાં બનતી હોવા છતાં તેમણે મોરક્કોની પસંદગી કરી અને બસ પાછો આવ્યા બાદ મેં ભારતમાં સ્ટુડિયો બનાવવા માટે જગ્યા શોધવાનું શરૂ કર્યું."
"મેં મુંબઈ, પુણે, નાસિક, અમદાવાદ જેવાં શહેરોમાં 60થી વધુ જગ્યાઓ જોયાં બાદ આ જગ્યા મળી."
નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું?
2003માં નીતિન દેસાઈએ મુંબઈમાં નરેન્દ્ર મોદી માટે રેલીની ડિઝાઈન તૈયાર કરી હતી. જેમાં એક વિશાળ કમળમાંથી તેમની એન્ટ્રી થવાની હતી.
આ સફળ પ્રયોગ બાદ નરેન્દ્ર મોદી નીતિન દેસાઈના કામથી ઘણા પ્રભાવિત થયા હતા.
'એબીપી માઝા'ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "બાદમાં મોદીએ મને ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે આગળ હું શું કરવા માગું છું. મારી પાસે સ્ટુડિયોના કૉન્સેપ્ટનું પ્રેઝન્ટેશન હતું, જે મેં તેમને બતાવ્યું."
"પ્રેઝન્ટેશન જોયા પછી તેમણે કહ્યું કે જ્યાં મહારાષ્ટ્ર પૂરું થાય છે અને રાજસ્થાન શરૂ થાય છે, વચ્ચેનું બધું જ (ગુજરાત) તમારા માટે છે. અહીં હું તમને 150 નહીં, 500 એકર જમીન આપીશ. ગુજરાતમાં આવો અને સ્ટુડિયો બનાવો. પરંતુ હું મહારાષ્ટ્રની ભૂમિ પર જ રહેવાનો દૃઢ નિશ્ચયી છું."
એનડી સ્ટુડિયોની સ્થાપના અને વિસ્તરણ
નીતિન દેસાઈ અનુસાર તેમના સ્ટુડિયોની સ્થાપનાનો ઉદ્દેશ દરેક ફિલ્મ નિર્દેશક અને નિર્માતા વચ્ચે પુલ બનવાનો હતો. ફિલ્મને લગતી નાનામાં નાની વસ્તુથી લઈને મસમોટા ભવ્ય સેટ સુધીની તમામ વસ્તુઓ, તમામ બજેટના ફિલ્મમેકર્સને મળી રહે તેવી એક જગ્યા તેઓ બનાવવા માગતા હતા.
એનડી સ્ટુડિયો બનાવતી વખતે તેમણે વૉર્નર બ્રધર્સ, ડિઝની સ્ટુડિયો, યુનિવર્સલ સ્ટુડિયો જેવા પ્રખ્યાત વિદેશી સ્ટુડિયોનાં ઉદાહરણોને ધ્યાનમાં રાખ્યાં.
જૂના અહેવાલો પ્રમાણે, 2005માં એનડી સ્ટુડિયો શરૂ થયા બાદ વિદેશી ફિલ્મોનાં શૂટિંગના કૉન્ટ્રાક્ટ પણ મળ્યા. સાથે જ એવા પણ અહેવાલો છે કે સ્ટુડિયોએ વિસ્તરણ માટે રિલાયન્સ સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
સમાચારપત્ર 'મિન્ટ'ના 2008ના અહેવાલ પ્રમાણે, એનડી સ્ટુડિયો અને 20th સૅન્ચ્યુરી ફૉક્સ વચ્ચે ચાર જગ્યાઓને 10 વર્ષ માટે ભાડાપટ્ટે આપવાની એક ડીલ થઈ હતી. વૉલ્ટ ડિઝની સાથે પણ 10 અઠવાડિયા માટે શૂટિંગની એક સમજૂતી થઈ હતી.
ત્યાર પછી એનડી સ્ટુડિયો જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવાયો હતો. દેસાઈના શબ્દોમાં, આ એક સફેદ હાથી છે, જેને તેઓ લોકો માટે ખુલ્લો મૂકવા માગતા હતા.
તેમણે 'એબીપી માઝા'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "મને લાગ્યું કે જો 10 લોકોનો પરિવાર છે, તો એમાંથી આઠ લોકોને બૉલીવુડ પસંદ હશે. ઘણા લોકોમાં એક ઝનૂન હોય છે. આજે પણ લોકો અમિતાભજી, શાહરૂખ, સલમાનનાં ઘર બહાર એકઠાં થાય છે. તેમના માટે સ્ટાર્સ જ ભગવાન છે."
"એટલે મેં વિચાર્યું કે તેને લોકો માટે ખુલ્લો મૂકવો જોઇએ. એ પહેલાં મેં પૂરતું રિસર્ચ કર્યું. કારણ કે ત્યાં ચાલતા શૂટિંગને સહેલાણીઓને કારણે અડચણ ન આવવી જોઈએ અને લોકોને ફરવામાં પણ સરળતા રહેવી જોઈએ. અમને પ્રતિભાવ પણ સારો મળ્યો."
દેસાઈએ કહ્યું હતું કે "આ સ્ટુડિયો માટે મેં મારી જાતને ગીરવી મૂકી છે."
સ્ટુડિયોમાં યુનિવર્સિટીનું સ્વપ્ન
દેસાઈનું સપનું માત્ર પોતાનો સ્ટુડિયો સ્થાપિત કરવા પૂરતું સીમિત નહોતું. તેના વિસ્તરણમાં એક મહત્ત્વપૂર્ણ પગલું ત્યાં યુનિવર્સિટી બનાવવાનું હતું.
જ્યાં નવી પેઢી ફિલ્મમેકિંગની કળા શીખી શકે. તેમણે છ કોર્સ શરૂ કર્યા હતા.
ઇન્ટરવ્યૂમાં નીતિન દેસાઈએ કહ્યું હતું, "જ્યાં સુધી મારું જીવન છે, ત્યાં સુધી હું અલગઅલગ તકો મેળવવાનો પ્રયાસ કરતો રહીશ. હું આસિસ્ટન્ટ આર્ટ ડિરેક્ટર હતો. પછી હું આર્ટ ડિરેક્ટર બન્યો. પછી સ્ટુડિયો પ્રોડક્શનમાં આવ્યો. આગળ શું કરવાનું છે એ દિમાગમાં છે. કળાની દુનિયામાં એક વિશ્વવિદ્યાલય બનાવવું છે. જેમાં અમારા ઉદ્યોગના 28 શિલ્પોને એકજૂટ કરીને ભણાવી શકાય. તેના માધ્યમથી યુવાનોને શિક્ષણ આપવું છે. મેં આ છ કોર્સને આગળ વધારીને 28 કરવાનો નિર્ણય લીધો છે."
એનડી સ્ટુડિયોમાં વિશેષ શું હતું?
વરિષ્ઠ ફિલ્મ પત્રકાર દીલિપ ઠાકુર કહે છે કે દેસાઈનો એક પ્રયાસ એક જ જગ્યાએ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો.
બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "એનડી સ્ટુડિયોનું પરિસર વિશાળ છે. ત્યાં એક પર્વત છે. ત્યાં પાણી છે, પાછળ રેલવે ટ્રેક છે. નીતિન ખૂબ જ મહેનતું અને ઝીણવટતાથી શીખનારા વ્યક્તિ હતા. તેઓ પોતાના સેટ પર પણ ઘણી મહેનત કરતા હતા, પરંતુ તેમની એક વિશેષતા એ પણ હતી કે તેઓ નવીનવી જગ્યાઓ શોધવા માટે પણ ખૂબ ફરતા હતા."
એનડી સ્ટુડિયોમાં તાળાબંધી અને આગ
કોરોના મહામારી દરમિયાન લાદવામાં આવેલા લૉકડાઉન દરમિયાન એનડી સ્ટુડિયોમાં આવેલા જોધા અકબરના સેટ પર આગ લાગી હતી.
લૉકડાઉન હોવાથી સ્ટુડિયોમાં કામકાજ તો બંધ હતું, પણ તે સમયે ત્યાં આગ પર ઝડપથી કાબૂ મેળવી શકે એ માટે પૂરતા માણસો પણ નહોતા.
નીતિન દેસાઈએ આ અંગે વાત કરતા કહ્યું હતું કે "લૉકડાઉનના કારણે ત્યાં માત્ર 20 સુરક્ષાકર્મીઓ હતા. ઠેકેદારે રેલવે ટ્રેક પાસે ઘાસ સળગાવવા માટે આગ લગાવી હતી. જે આગળ વધીને સેટ સુધી પહોંચી હતી. અમારી પાસે પૂરતા માણસો નહોતા."
"હું પહોંચ્યો ત્યારે ફાયરબ્રિગેડ આવી ચૂક્યું હતું. મારી 30 વર્ષના કામનો એક ભાગ એ 30 ફૂટની આગની જ્વાળામાં ભસ્મ થઈ ગયો હતો. મેં તેમને કહ્યું કે આની ભરપાઈ વળતરથી ન થઈ શકે. એનડી સ્ટુડિયો મેં મારી જાતને ગીરવે મૂકીને, મારું જીવન સમર્પિત કરીને બનાવ્યો છે."
"મેં મારી પત્ની અને બાળકોને એટલો સમય ન આપ્યો, જેટલો મેં મારા કરિયર અને સ્ટુડિયોને આપ્યો. આ બધું મેં કળા માટે કર્યું."