'હું 13 દિવસ કામમાં એવો ડૂબેલો રહ્યો કે પરિવારને લાગ્યું ગુમ થઈ ગયો છું': ફિલ્મ લગાન, દેવદાસના સેટ બનાવનાર નીતિન દેસાઈ કોણ હતા?

જાણીતા ફિલ્મ અને આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ આત્મહત્યા કરી લીધી છે. કરજતમાં આવેલા તેમના એનડી સ્ટુડિયોમાં તેમણે આત્મહત્યા કરી લીધી. તેમના મોતથી ફિલ્મઉદ્યોગ શોકમાં છે.

(આ અહેવાલની વિગતો આપને વિચલિત કરી શકે છે. આત્મહત્યા એ એક ગંભીર સામાજિક-મનોવૈજ્ઞાનિક સમસ્યા છે અને તેને ટાળી શકાય છે. આને માટે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.)

સ્થાનિક ધારાસભ્ય મહેશ બાલ્દીએ કહ્યું, "જ્યારે તેઓ દોઢ મહિના પહેલાં મને મળ્યા હતા ત્યારે તેઓ આર્થિક તંગીમાં હતા. તેમની આત્મહત્યા પાછળ આ કારણ હોઈ શકે છે. મને હાલ આ સિવાય કોઈ અન્ય કારણ નથી લાગી રહ્યું."

10 કલાક પહેલાં નીતિન દેસાઈએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પંચનામું કરી રહી છે. ત્યાંથી કોઈ સ્યુસાઇડ નોટ પણ નથી મળી.

રાયગઢના એસપી (સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) સોમનાથ ઘાર્ગેએ કહ્યું કે, "નીતિન દેસાઈનો મૃતદેહ એનડી સ્ડુડિયોમાંથી મળી આવ્યો. અમે તપાસ કરી રહ્યા છીએ."

નીતિન દેસાઈ ઘણીવાર સ્ટુડિયોમાં આવતા હતા અને મોડી રાતે અથવા વહેલી સવારે પરત જતા હતા. આજે તેઓ નહીં આવ્યા. જ્યારે સિક્યૉરિટી ગાર્ડ જોવા ગયો ત્યારે તેને મૃતદેહ દેખાયો. પછી સવારે તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ કેસમાં 10 વધુ લોકોનાં નિવેદનો લીધાં છે.

નીતિન દેસાઈ કોણ છે?

નીતિન ચંદ્રકાત દેસાઈનો જન્મ દાપોલીમાં થયો હતો. તેઓ આર્ટ ડિરેક્ટર હતા. પછી પ્રોડક્શન ડિઝાઇનર, પ્રોડ્યુસર બન્યા. ઘણી ફિલ્મોના પ્રોડક્શનમાં તેમનો મહત્ત્વનો ફાળો છે.

તેમણે લગાન, દેવદાસ, જોધા અકબર, પ્રેમ રતન ધન પાયો સહિતની ફિલ્મોના સેટ બનાવ્યા હતા.

ઉપરાંત તેમણે બાળગંગાધાર અને હરિશચંદ્રની ફૅક્ટરી જેવી ફિલ્મોના સેટ પણ બનાવ્યા હતા.

તેઓ આશુતોષ ગોવારીકર, વિધુ વિનોદ ચોપરા, સંજય લીલા ભણસાલી સાથે પણ કામ કરી ચૂક્યા હતા. તેમની 20 વર્ષની કારકિર્દીમાં તેમણે ઘણા ડિરેક્ટરો સાથે કામ કર્યું.

આર્ટ ડિરેક્શન માટે તેમને નેશનલ ઍવૉર્ડ પણ મળ્યો હતો જ્યારે ત્રણ વખત ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો.

વર્ષ 2005માં તેમણે કરજતમાં એનડી સ્ટુડિયો શરૂ કર્યો હતો. વૈભવી સેટ તથા યુનિક આર્ટ દિગ્દર્શન માટે તેઓ જાણીતા હતા.

મુંબઈમાં પ્રખ્યાત લાલબાગ રાજા ગણપતિનો મંડપ-સેટ પણ તેઓ જ બનાવતા હતા.

(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

શરૂઆતી દિવસોનો સંઘર્ષ

નીતિન દેસાઈ એક મરાઠી મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ્યા હતા. તેમણે જેજે સ્કૂલમાંથી ફોટોગ્રાફીનો અભ્યાસ કર્યો હતો. પરંતુ એક વખત તેઓ ફિલ્મનો સેટ જોવા ગયા હતા અને ત્યાંથી તેમને એમાં રસ જાગ્યો.

તેમણે તમસ ટીવી સિરીયલથી કારકિર્દી શરૂ કરી હતી. પછી તેમણે ચાણક્ય સિરીયલ માટે આર્ટ ડિરેક્શન કર્યું. તેમને ‘1942, અ લવ સ્ટોરી’માં પહેલી વખત ફિલ્મનું કામ મળ્યું અને પછી તેમણે પાછળ વળીને જોયું જ નહીં.

તેમણે સહ્યાદ્રીને પોતાની કારકિર્દી વિશે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું, "હું એવા ઘરમાં ઉછર્યો છું જ્યાં બધા એવું માનતા કે ડૉક્ટર, એન્જિનિયર બનવું જોઈએ એટલે આર્ટના ક્ષેત્રમાં જવું પડકારજનક હતું. પરંતુ મારાં માતાપિતાએ મને ટેકો આપ્યો. હું બીડીડી ચાલમાં જન્મ્યો હતો. હું જેજે સ્કૂલમાં ફોટોગ્રાફીનું ભણ્યો હતો."

"પહેલી વખત મેં તમસના સેટ પર આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. ત્યાં મે 13 દિવસ અને 13 રાત સતત કામ કર્યું. એક સમયે મને લાગ્યું કે જાણે મને મારા જીવનનો ઉદ્દેશ્ય મળી ગયો છે. હું કામમાં એટલો ગળાડૂબ થઈ ગયો હતો કે ઘરે જ ન ગયો."

"મારો પરિવાર મારા ગુમ થયાની ફરિયાદ કરવાનો હતો. આ મારા શરૂઆતી દિવસો હતા. પણ મને એ ઘણા પસંદ હતા."

તેમનાં માતા સાથેનાં સ્મરણોને વાગોળતા તેમણે કહ્યું હતું, "મેં જ્યારે ચાણક્યનો સેટ સ્વતંત્રપણે તૈયાર કર્યો, ત્યારે મારાં માતા ત્યાં હતાં. પહેલાં તો તેમને કામ સમજમાં ન આવ્યું. પરંતુ પછી મેં તેમને સમજાવ્યું ત્યારે તેમને ઘણી ખુશી થઈ હતી."

‘દેવદાસ ફિલ્મ’નો સેટ બનાવ્યો

દેવદાસ ફિલ્મ માટે તેમને નેશનલ ઍવૉર્ડ મળ્યો હતો. એબીપી માઝાના કાર્યક્રમમાં તેમણે તેના સેટની તૈયારીઓ વિશે વાત કરી હતી.

તેમાં તેમણે કહ્યું હતું, "એ સમયે નવ વખત દેવદાસ બની ચૂકી હતી. અમે એફટીઆઈઆઈ જઈને તેની અગાઉની આવૃત્તિઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. એટલે તેમણે એક ભવ્ય સેટ બનાવવાનું નક્કી કર્યું."

"મેં સંજય લીલા ભણસાલી સાથે શરત કરી કે તેમણે આખો સેટ વાપરવો પડશે. કેમ કે ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મો આખો સેટ નહોતો વાપરવામાં આવ્યો."

“અમે ચંદ્રમુખીના પાત્ર માટે મંદિરના આર્કિટેક્ચરનો ઉપયોગ કર્યો. માધુરી દિક્ષીત લગ્ન કરીને અમેરિકા ગયાં હતાં. સંજય લીલા ભણસાલીએ તેમને અમેરિકાથી બોલાવ્યાં હતાં. તેમણે સેટ જોયો તો તેઓ ખુશ થઈ ગયાં હતાં. તેમણે કહ્યું કે ખૂબ જ સારો સેટ બન્યો છે અને મારે બેગણી પ્રૅક્ટિસ કરવી પડશે."

શું એનડી સ્ટુડિયો જપ્ત કરવામાં કરાશે?

નીતિન દેસાઈ વર્તમાન સમયમાં નાણાકીય સંકટમાં હતા અને તેમના કરજતના એનડી સ્ટુડિયો પર જપ્તીનું જોખમ હતું. કેટલાક દિવસો પહેલાં રાયગઢના દૈનિક ક્રિષિવાલે આ સમાચાર છાપ્યા હતા.

નીતિન દેસાઈએ સીએફએમ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન પાસેથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી. લોન કરાર વર્ષ 2016 અને 2018માં બે વખત થયા હતા. દેસાઈએ ત્રણ અલગ-અલગ સરવે નંબરની મિલકતો ગીરવે મૂકી હતી. જેમાં 26 એકર, 5-89 એકર અને 10.75 એકરનો સમાવેશ થાય છે.

કેટલાક સમય બાદ સીએફએમ દ્વારા તમામ લોન ઍડેલવીઝ ઍસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને અસાઇન કરવામાં આવી હતી.

પરંતુ લોન રિકવર નહોતી થઈ. હવે આ લોન 249 કરોડની થઈ ગઈ હોવાનું કહેવાય છે.

રાયગઢના ડૅપ્યૂટી કલેક્ટર સંદેશ શિર્કે અનુસાર કલેક્ટરે હજુ સુધી એનડી સ્ટુડિયો જપ્ત કરવાનું નક્કી નથી કર્યું.