સુખબીરસિંહ બાદલને સજા ફટકારી એ અકાલ તખ્ત શું છે અને તેનું શીખ સમુદાયમાં કેટલું મહત્ત્વ છે?

સુખબીરસિંહ બાદલ, અકાલી દળ, ધાર્મિક સજા, શીખ ધર્મ, પંજાબ, સુવર્ણમંદિર, રાજકારણ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, શીખ પરંપરાઓ અનુસાર, જો કોઈ શીખ, શીખ ધર્મના સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરે કે શીખ સમુદાયની ભાવનાઓથી જુદું કાર્ય કરે તો તેને અકાલ તખ્ત દ્વારા ધાર્મિક સજા સંભળાવી શકાય છે

શિરોમણિ અકાલીદળના અધ્યક્ષ અને પંજાબના પૂર્વ ઉપમુખ્ય મંત્રી સુખબીરસિંહ બાદલ પર સુવર્ણમંદિરના પ્રવેશદ્વાર પર ફાયરિંગની ઘટના બની છે.

બીબીસી પંજાબીના સંવાદદાતા રવિંદરસિંહ રૉબિન પ્રમાણે ગોળીબાર કરનાર વ્યક્તિ ભીડમાં સામેલ હતી.

ઘટનાના જે વીડિયો સામે આવ્યા છે, તેમાં હુમલાખોર સુખબીરસિંહ બાદલની ખૂબ નજીક હોય એવું દેખાઈ રહ્યું છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હુમલાખોરે બંદૂક કાઢતાં જ સુરક્ષાકર્મી તેમની તરફ આગળ વધ્યા અને તેને રોકી લેવાયો. આ દરમિયાન ફાયરિંગનો અવાજ પણ સંભળાયો.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણિ અકાલી દળના નેતા સુખબીરસિંહ બાદલને સોમવારે અકાલ તખ્ત દ્વારા ધાર્મિક સજા સંભળાવવામાં આવી હતી.

અકાલ તખ્ત શીખ ધર્મ સાથે સંકળાયેલી સૌથી મોટી ધાર્મિક સંસ્થા છે અને તેને એ અધિકાર છે કે ગુનાઓ માટે કોઈ પણ શીખને બોલાવે અને તેની સામે ધાર્મિક સજાની જાહેરાત કરે, જેને ‘તન્ખ્વાહ’ કહે છે.

શીખ પરંપરાઓ અનુસાર, જો કોઈ શીખ, શીખ ધર્મના સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરે કે શીખ સમુદાયની ભાવનાઓથી જુદું કાર્ય કરે તો તેને અકાલ તખ્ત દ્વારા ધાર્મિક સજા સંભળાવી શકાય છે.

બીજી ડિસેમ્બરે શીખ પ્રતિનિધિઓ અને શીખોનાં પાંચ મુખ્ય ધાર્મિક સ્થળોના વડાઓની અકાલ તખ્તમાં મીટિંગ થઈ હતી અને તેમાં સુખબીરસિંહ બાદલ સહિત 2007થી 2017ના સમયગાળા દરમિયાન તેમના કૅબિનેટમાં મંત્રી રહેલા મોટા ભાગના લોકોને ધાર્મિક સજા કરવામાં આવી.

અકાલ તખ્ત દ્વારા 2015માં શિરામણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (એસજીપીસી)ની કાર્યકારિણીના સભ્યો અને તખ્તોના કેટલાક પૂર્વ જથ્થેદારોને પણ સમન્સ મોકલાયાં હતાં.

વૉટ્સઍપ

અકાલી નેતૃત્વને શા માટે સજા કરવામાં આવી?

સુખબીરસિંહ બાદલ, અકાલી દળ, ધાર્મિક સજા, શીખ ધર્મ, પંજાબ, સુવર્ણમંદિર, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Akali Dal

ઇમેજ કૅપ્શન, અકાલી દળના નેતૃત્વ પર શીખ ધર્મના સિદ્ધાંતો અને શીખ સમુદાયની ભાવનાઓથી વિપરીત કાર્ય કરવાનો આરોપ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈ.સ. 2007થી 2017 દરમિયાન પંજાબમાં શિરોમણિ અકાલી દળ–ભાજપની ગઠબંધનની સરકાર હતી.

આ સરકારમાં દિવંગત અકાલી નેતા પ્રકાશસિંહ બાદલ મુખ્ય મંત્રી હતા, જ્યારે સુખબીરસિંહ બાદલ પાર્ટીના અધ્યક્ષ અને નાયબ મુખ્ય મંત્રી હતા.

અકાલી દળના નેતૃત્વ પર શીખ ધર્મના સિદ્ધાંતો અને શીખ સમુદાયની ભાવનાઓથી વિપરીત કાર્ય કરવાનો આરોપ છે.

ઈ.સ. 2015માં પંજાબના બરગારીમાં ગુરુગ્રંથસાહિબનું અપમાન થયું હતું. ગુરુગ્રંથસાહિબના અપમાનના વિરોધમાં થયેલા પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં બે શીખ યુવકનાં મૃત્યુ થયાં હતાં.

કથિત રીતે, અપમાન કરવાનો આરોપ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામરહીમના અનુયાયીઓ પર કરાયો હતો.

અપમાનના કેસમાં, રામરહીમ સામે ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટેમાં ફરીથી કાર્યવાહી શરૂ થઈ છે.

ઈ.સ. 2007માં બઠિંડાના સલબતપુરામાં એકઠા થયેલા પોતાના અનુયાયીઓ સમક્ષ રામરહીમે ગુરુ ગોવિંદસિંહની નકલ કરી હતી. આ ઘટના બાદ ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓ અને શીખો વચ્ચે સંઘર્ષ થયો હતો.

ઈ.સ. 2007માં અકાલ તખ્તે રામરહીમનો બહિષ્કાર કરવાનો આદેશ જાહેર કર્યો હતો.

આ સજા એ આરોપ હેઠળ કરવામાં આવી હતી, જેમાં 2007માં શીખ સમુદાયે રામરહીમનો બહિષ્કાર કર્યો હતો, તેમ છતાં અકાલી નેતૃત્વએ તેમની સાથે સંબંધ જાળવી રાખ્યા હતા.

એવો આરોપ પણ છે કે કથિત રીતે અકાલી નેતૃત્વએ અકાલ તખ્તના નેજા હેઠળ તેમને માફી અપાવામાં મદદ કરી હતી.

સજાની જાહેરાત કરતાં જથ્થેદારે પાર્ટીની કાર્યકારિણીને બાદલના રાજીનામાનો સ્વીકાર કરવા અને સભ્ય બનાવવાનું અભિયાન શરૂ કરવા માટે કમિટીના નિર્ણયની જાહેરાત કરવા કહ્યું હતું.

બીજી ડિસેમ્બરે અકાલ તખ્તમાં શું થયું?

સુખબીરસિંહ બાદલ, અકાલી દળ, ધાર્મિક સજા, શીખ ધર્મ, પંજાબ, સુવર્ણમંદિર, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ravinder Singh Robin

ઇમેજ કૅપ્શન, ઈ.સ. 2007માં અકાલ તખ્તે રામ રહીમનો બહિષ્કાર કરવાનો આદેશ જાહેર કર્યો હતો

જથ્થેદાર અકાલ તક્ત રઘબીરસિંહ અને અન્ય જથ્થેદારોએ અકાલ તખ્ત પરિસરમાં અકાલી નેતૃત્વને ઘણા સવાલ પૂછ્યા હતા.

અકાલ તખ્તના મંચ પર ઊભા રહીને જથ્થેદાર રઘબીરસિંહે સુખબીરસિંહ બાદલને સાત સવાલ પૂછ્યા, જેના તેમણે સકારાત્મક જવાબ આપ્યા.

જથ્થેદારે પૂછ્યું, “સરકારમાં હતા ત્યારે શું આપે શીખોની હત્યા માટે જવાબદાર અધિકારીઓની પદોન્નતિ કરવાનું અને તેમના પરિવારોને ટિકિટ આપવાનું પાપ કર્યું છે? શું આપે આપના ચંડીગઢના નિવાસસ્થાને જથ્થેદારોને બોલ્યા અને રામરહીમને માફી અપાવવાનું પાપ કર્યું છે?”

તેમણે આગળ પૂછ્યું, “શું આપે રામરહીમને માફી આપવાને યોગ્ય ઠરાવવા માટે અખબારોમાં જાહેરખબરો આપવા માટે એસજીપીસી ફંડનો દુરુપયોગ કરવાનું પાપ કર્યું છે?”

અકાલી નેતૃત્વને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ આ ઘટનાઓથી માહિતગાર હતા અને તેનો વિરોધ કર્યો હતો?

અકાલી નેતા કયા પ્રકારની સજા ભોગવી રહ્યા છે?

સુખબીરસિંહ બાદલ, અકાલી દળ, ધાર્મિક સજા, શીખ ધર્મ, પંજાબ, સુવર્ણમંદિર, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Akali Dal

ઇમેજ કૅપ્શન, સુખબીરસિંહને બે દિવસ સુધી બે બે કલાક વ્હીલચેરમાં દરબારસાહિબના દ્વાર પર બેસવા, એસજીપીસી કર્મચારીની વરદી પહેરવા અને હાથમાં ભાલો રાખવાની સજા સંભળાવવામાં આવી છે

શિરોમણિ અકાલી દળના નેતાઓના જવાબો સાંભળ્યા પછી, અકાલ તખ્તના જથ્થેદારો અને અન્ય શીખ પ્રતિનિધિઓએ નિર્ણય માટે એક બેઠક યોજી.

અકાલ તખ્ત મંચ પર ઊભા રહીને જથ્થેદાર રઘબીરસિંહે કહ્યું, “અકાલી નેતાઓએ પોતાની ભૂલો સ્વીકારી લીધી છે, તેથી તેઓ ત્રીજી ડિસેમ્બરથી સેવા (તન્ખ્વા) કરશે. તેઓ બપોરે 12થી 1 વાગ્યા સુધી સુવર્ણમંદિર પરિસરનાં શૌચાલયોની સફાઈ કરશે અને દરબારસાહિબ પ્રબંધક તેમની હાજરી લેશે. ત્યાર બાદ સ્નાન કરીને વાસણો ધોશે, ગુરબાણી સાંભળશે અને તેનો પાઠ કરશે. આ દરમિયાન તેઓ ગળામાં એક તખ્તી પણ લટકાવશે.”

પગમાં ઈજાના કારણે સુખબીરસિંહ અને અન્ય એક વરિષ્ઠ નેતા સુખદેવસિંહ ઢીંડસાના આરોગ્યને ધ્યાનમાં રાખીને તેમને બે દિવસ સુધી બે બે કલાક વ્હીલચૅરમાં દરબારસાહિબના દ્વાર પર બેસવા, એસજીપીસી કર્મચારીની વરદી પહેરવા અને હાથમાં ભાલો રાખવાની સજા સંભળાવવામાં આવી છે.

આ બંને નેતા, પંજાબનાં બે અન્ય તખ્તો અને ફતેહગઢસાહિબનાં ગુરુદ્વારામાં પણ બે બે દિવસ સેવા આપશે.

આ ઉપરાંત, જથ્થેદારે જાહેરાત કરી કે, “જેમણે કથિત રીતે બાદલ પરિવારના પ્રભાવમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામરહીમને માફ કરી દીધા હતા તે પૂર્વ જથ્થેદાર જ્ઞાની ગુરબચનસિંહને અપાયેલી બધી સુવિધાઓ પાછી લઈ લેવામાં આવશે.”

સાથે જ, તેમણે સુખબીરસિંહ બાદલ, સુચ્ચાસિંહ લંગાહ, ગુલઝારસિંહ, દલજિતસિંહ ચીમા, બલવિંદરસિંહ ભૂંદડ અને હીરાસિંહ ગાબરિયા પાસેથી ડેરા સચ્ચા સૌદા સંબંધિત જાહેરખબરો માટે ખર્ચ કરેલાં નાણાંની વ્યાજ સહિત વસૂલાતનો પણ આદેશ કર્યો.

બીજી ડિસેમ્બરે અપાયેલા ચુકાદામાં અકાલ તખ્ત દ્વારા 2011માં દિવંગત પ્રકાશસિંહ બાદલને અપાયેલી પંથ રતન ફખ્ર-એ-કૌમની ઉપાધિ પણ પાછી લઈ લેવામાં આવી છે. પ્રકાશસિંહ બાદલ પહેલા એવા રાજનેતા હતા જેમને આ ઉપાધિ આપવામાં આવી હતી.

અકાલ તખ્ત શું છે અને શીખ સમુદાય માટે તેનું શું મહત્ત્વ છે?

સુખબીરસિંહ બાદલ, અકાલી દળ, ધાર્મિક સજા, શીખ ધર્મ, પંજાબ, સુવર્ણમંદિર, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SGPC

ઇમેજ કૅપ્શન, શીખાનાં પાંચ તખ્તોમાં અકાલ તખ્ત સૌથી મુખ્ય છે

દરબારસાહિબ શીખોની આધ્યાત્મિક શક્તિસંસ્થા છે, જ્યારે આ પરિસરમાં બનેલું અકાલ તખ્ત શીખ સમુદાયની સ્વતંત્ર ઓળખનું પ્રતીક છે.

શીખોનાં પાંચ તખ્ત છે : અકાલ તખ્ત (અમૃતસર), તખ્ત કેશગઢસાહિબ (આનંદપુરસાહિબ), તખ્ત દમદમાસાહિબ (તલવંડી સાબો), તખ્ત શ્રી પટનાસાહિબ (બિહાર) અને તખ્ત શ્રી નાંદેડસાહિબ (મહારાષ્ટ્ર).

શીખાનાં પાંચ તખ્તોમાં અકાલ તખ્ત સૌથી મુખ્ય છે અને તે એકમાત્ર તખ્ત છે જેને શીખ ગુરુએ સ્થાપ્યું હતું.

અકાલ તખ્તને છઠ્ઠા ગુરુ, ગુરુ હરગોવિંદસાહિબે પોતે 15 જૂન 1606માં સ્થાપ્યું હતું. તેનું સાચું નામ અકાલ બંગા હતું.

શીખ ધર્મની પરમ્પરાઓ અનુસાર, અકાલ તખ્તનો દરજ્જો સૌથી ઉપર છે.

અકાલ તખ્ત દ્વારા શીખો માટે જાહેર કરાતા આદેશને હુક્મનામા કહેવામાં આવે છે, જેનું પાલન કરવું દરેક શીખ માટે ફરજિયાત છે.

સજા સંભળાવવાની પ્રક્રિયા શી છે?

સુખબીરસિંહ બાદલ, અકાલી દળ, ધાર્મિક સજા, શીખ ધર્મ, પંજાબ, સુવર્ણમંદિર, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SGPC

ભલે ને કોઈ શીખ ગમે તેટલા ગણમાન્ય અને શક્તિશાળી જ કેમ ન હોય, જો તેઓ શીખ ધર્મના સિદ્ધાંતો વિરુદ્ધ જાય તો કોઈ પણ શીખ અથવા સંગઠન તેમની ફરિયાદ અકાલ તખ્તને કરી શકે છે.

કોઈ મુદ્દો આવે ત્યારે અમૃતસરના અકાલ તખ્ત સચિવાલયમાં અકાલ તખ્તના જથ્થેદારના નેતૃત્વમાં પાંચ તખ્તોના પ્રતિનિધિઓની બેઠક યોજાય છે.

જો કોઈ તખ્તના જથ્થેદાર આ બેઠકમાં હાજર ન રહી શકે તો તેમના પ્રતિનિધિ સામેલ થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે, અથવા તો દરબારસાહિબ (સુવર્ણમંદિર)ના મુખ્ય ગ્રંથીને બેઠકમાં સામેલ કરવામાં આવી શકે છે.

આ બેઠકમાં જથ્થેદાર ફરિયાદ બાબતે વિચાર કરે છે અને સંબંધિત વ્યક્તિ પાસેથી ખુલાસો માગે છે. જો તેમના જવાબથી જથ્થેદાર સંતુષ્ટ ન થાય તો તે વ્યક્તિને દોષિત જાહેર કરી દેવાય છે.

ત્યાર બાદ તે વ્યક્તિને અકાલ તખ્ત સમક્ષ હાજર થવા બોલાવવામાં આવે છે. જથ્થેદાર અકાલ તખ્તના મંચ પર અને આરોપીને સંગતની સામે ઊભા કરવામાં આવે છે.

અકાલ તખ્ત જથ્થેદાર સંબંધિત વ્યક્તિ સામે આરોપો વાંચે છે અને તેમને તેના જવાબો આપવા માટે કહે છે. જો તેઓ પોતાનો ગુનો કબૂલી લે અથવા જથ્થેદારો અનુસાર તેના પર કરવામાં આવેલા આરોપો સાચા સાબિત થાય તો તેને ધાર્મિક સજા સંભળાવવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ સજાનો સ્વીકાર ન કરે અથવા અકાલ તખ્ત સમક્ષ હાજર ન થાય તો તેને સમુદાયમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવે છે.

પરંતુ, જો વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી લે અને અકાલ તખ્ત સમક્ષ હાજર થાય, તો તેને ધાર્મિક દંડ પણ આપી શકાય છે અને શીખ સમુદાયમાં ફરીથી દાખલ પણ કરી દેવાય છે.

અન્ય શીખનેતા જેમને ધાર્મિક સજા મળી ચૂકી છે

સુખબીરસિંહ બાદલ, અકાલી દળ, ધાર્મિક સજા, શીખ ધર્મ, પંજાબ, સુવર્ણમંદિર, રાજકારણ, બીબીસી ગુજરાતી

1984માં ઑપરેશન બ્લૂસ્ટાર પછી અકાલ તખ્તની ઇમારત ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. બાદમાં ભારત સરકારે તેનું સમારકામ કરાવ્યું હતું.

તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી બૂટાસિંહ અને બુઢા દલના સંતાસિંહે ભારત સરકાર દ્વારા તેના સમારકામની જવાબદારી લીધી હતી.

સરકારી મદદથી બનેલી આ ઇમારતને શીખોએ મંજૂરી આપી નહીં અને 1986માં સરબત ખાલસા (શીખોની બેઠક) બોલાવીને તેને પાડી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.

સંતાસિંહને શીખ સમુદાયમાંથી બહિષ્કૃત કરી દેવાયા અને ‘તંખાહિયા’ જાહેર કરી દીધા. તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને અકાલ તખ્તની સમક્ષ હાજર થયા હતા. તેમણે ધાર્મિક સજા સ્વીકારી હતી.

અકાલ તખ્તસાહિબ પર થયેલા હુમલા સમયે બૂટાસિંહ કેન્દ્રીય ગૃહમંત્રી હતા અને જ્ઞાની ઝૈલસિંહ રાષ્ટ્રપતિ હતા. બંને માફી માગવા માટે અકાલ તખ્તસાહિબની સમક્ષ હાજર થયા હતા.

2017માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી હાર્યા પછી 2018માં પ્રકાશસિંહ બાદલ આખા શિરોમણિ અકાલી દલ નેતૃત્વની સાથે અકાલ તખ્ત સમક્ષ હાજર થયા હતા અને સુવર્ણમંદિરમાં પગરખાં અને વાસણ સાફ કરવાની સેવા કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.