‘માઇગ્રન્ટ મહિલાઓના નકલી પતિ બનવા બ્રિટિશ પુરુષો લે છે હજારો પાઉન્ડ’ – બીબીસી ઇન્વેસ્ટિગેશન

- લેેખક, પૅટ્રિક ક્લાહાને, દિવ્યા તલવાર અને ખ્યૂ બી લૂ
- પદ, બીબીસી ન્યૂઝનાઇટ
બીબીસીની એક તપાસમાં બહાર આવ્યું છે કે, બ્રિટિશ પુરુષો માઇગ્રન્ટ મહિલાઓના નકલી પતિ બનવા માટે હજારો પાઉન્ડની રકમ લે છે.
તેમને 12525 પાઉન્ડ (અંદાજે 12 લાખ 83 હજાર 919 રૂપિયા) જેટલી રકમ ઑફર કરવામાં આવી રહી છે. આ રકમ બાળકના જન્મપ્રમાણપત્રમાં તેમનું નામ પિતા તરીકે લખાવવા બદલ ઑફર કરવામાં આવી રહી છે. જેથી બાળકને યુકેની નાગરિકતા મળી શકે અને મહિલાઓનો યુકેમાં રહેવાનો માર્ગ મોકળો થઈ શકે.
કૌભાંડીઓ આ કામકાજ કરવા માટેના પ્લૅટફૉર્મ તરીકે ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે, અને દાવો કરે છે કે તેમણે આ રીતે હજારો મહિલાઓને મદદ કરી છે.
જોકે ફેસબુકનું કહેવું છે કે તેના નિયમો પ્રમાણે આવું કન્ટેન્ટ પ્રતિબંધિત છે.
બીબીસી ન્યૂઝનાઇટ દ્વારા થયેલી તપાસમાં મળી આવ્યું કે યુકેમાં વિવિધ સમુદાયોમાં આ કૌભાંડ થઈ રહ્યું છે.
તેમાં સમગ્ર યુકેમાં જે એજન્ટો નકલી પિતા બનવા તૈયાર બ્રિટિશ પુરુષોને શોધે છે, એમને ઉઘાડા પાડી દીધા છે.
એક સંશોધકે પોતાની ઓળખ એક ગર્ભવતી મહિલા તરીકે આપી અને પોતે યુકેમાં ગેરકાનૂની રીતે રહે છે એવું દર્શાવ્યું અને જે લોકો આવી સર્વિસ આપે છે એમનો સંપર્ક કર્યો.
થાઈ નામના એક એજન્ટે તેમને કહ્યું કે તેમની પાસે એવા ઘણા બ્રિટિશ પુરુષો છે, જેઓ નકલી પિતા બનવા તૈયાર છે અને તેમનું પૅકેજ 11 હજાર પાઉન્ડ (લગભગ 11 લાખ 27 હજાર 594 રૂપિયા)નું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

એજન્ટ કઈ રીતે કામ કરે છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે આ પ્રક્રિયાને ખૂબ જ સરળ ગણાવી અને કહ્યું કે તે બાળકને યુકેનો પાસપોર્ટ મેળવી આપવા બધું જ કામ કરશે.
થાઈએ ફેસબુક પર જાહેરાત નથી કરી. તેમણે કહ્યું કે સરકારી અધિકારીઓને વાત ગળે ઉતારવા માટે તેઓ એક કહાણી બનાવે છે.
એજન્ટે પછી સંશોધકને એક એન્ડ્ર્યૂ નામના બ્રિટિશ પુરુષ સાથે મુલાકાત કરાવી. તેમણે કહ્યું કે તેઓ નકલી પિતા બનશે. એન્ડ્ર્યૂને કુલ ફીમાંથી 8 હજાર પાઉન્ડ ચૂકવવાના રહેશે.
મુલાકાત દરમિયાન એન્ડ્ર્યૂએ એ પણ કહ્યું કે તેમની પાસે યુકેનો પાસપોર્ટ છે. તેમણે પત્રકાર સાથે સૅલ્ફી પણ લીધી.
બીબીસીએ નકલી પિતાની ઑફર કરનારા કોઈ પણ એજન્ટને એક પણ પાઉન્ડની ચૂકવણી નથી કરી.
બાદમાં જ્યારે થાઈને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે આખા રૅકેટમાં પોતાની સંડોવણી હોવાની વાત નકારી અને કંઈ પણ ખોટું કર્યાનું નકાર્યું તથા કહ્યું કે તેમને આ વિશે કંઈ ખબર નહોતી.
બીબીસીએ એન્ડ્ર્યૂને પણ સવાલો પૂછ્યા પરંતુ તેમણે કોઈ પ્રત્યુત્તર નથી આપ્યા.
એક અન્ય એજન્ટ જેમણે પોતાનું નામ થી કિમ જણાવ્યું તેમનો દાવો હતો કે તેમણે હજારો ગર્ભવતી માઇગ્રન્ટ મહિલાઓને મદદ કરી હતી.
તેમણે કહ્યું કે તેઓ બ્રિટિશ પુરુષની વ્યવસ્થા કરી શકે છે અને એના માટે 10 હજાર પાઉન્ડ ખર્ચવા પડશે. ઉપરાંત તેમની પોતાની ફી 300 પાઉન્ડ રહેશે.
થી કિમે સંશોધકને કહ્યું, “હું જે લોકોનો ઉપયોગ કરું છું તેઓ અહીં જ જન્મેલા છે અને તેઓ આ પહેલા કોઈ પણ બાળક માટે પિતા તરીકે નોંધાયેલા નથી. મને ખ્યાલ છે બધું કેવી રીતે કરવું. તમારે પાસપોર્ટ નથી એ વાતની જરાય ચિંતા કરવાની જરૂર નથી. એ તમને જરૂર મળી જશે.”
થી કિમે પણ બીબીસીના સવાલોના કોઈ જવાબ નથી આપ્યા.
ઇમિગ્રેશન વકીલ એના ગોન્ઝેલેઝે આ નકલી પિતા સંબંધિત કૌભાંડને એક વ્યાપક કૌભાંડ ગણાવ્યું છે.
તેઓ કહે છે, “આ ખૂબ જ પદ્ધતિસર છે અને પોલીસ માટે કઠિન કામ છે. આ એ વાતનો પુરાવો છે કે માઇગ્રન્ટ મહિલાઓ તેમનો યુકેમાં રહેવા માટેનો અધિકાર સુરક્ષિત કરવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે.”
જો માઇગ્રન્ટ મહિલા યુકેમાં ગેરકાનૂની રીતે રહે છે અને બ્રિટિશ નાગરિકથી બાળક જન્મે અથવા જેની પાસે યુકેમાં અમર્યાદિત સમય સુધી રહેવાનો અધિકાર છે તેવા વ્યક્તિથી જન્મે તો, બાળક આપોઆપ જન્મથી બ્રિટિશ નાગરિક બની જાય છે.
પછી માતા ફૅમિલી વિઝા માટે અરજી કરી શકે છે, તેનાથી તેમને યુકેમાં રહેવાનો અધિકાર મળે છે, અને પછી સમય જતા નાગરિકતા મેળવવાનો અધિકાર પણ મળે છે.

ખુદ સંપર્ક કરવા ઇચ્છતી મહિલાઓ

એના ગોન્ઝેલેઝ કહે છે, “આ નિયમ બાળકની સુરક્ષા માટે છે અને યુકેમાં ગેરકાનૂની રહેતી મહિલાઓને વિઝા આપવા માટે નથી. આ નિયમમાં રહેલું કોઈ છીંડુ નથી અને એને એ રીતે ન જોવું જોઈએ.”
બીબીસી આ કૌભાંડનું કદ નથી તપાસી શકી કેમ કે ગૃહ વિભાગ તેણે કરેલી તપાસમાં મળી આવેલા કેસનો આંકડો નથી આપી શક્યું.
વળી બિન-યુકે માતાપિતાથી જન્મેલાં બ્રિટિશ બાળકોને અપાયેલા વિઝાની સંખ્યાનો ડેટા પણ પ્રકાશિત નથી કરતું.
જોકે ગત વર્ષે 4860 પરિવારોને વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા જેઓ અન્ય ડિપેન્ડન્ટ તરીકે હતા. આ એ શ્રેણી છે જેમાં માતાપિતા બ્રિટિશ બાળકના માતાપિતા તરીકે અધિકારથી વિઝા માટે અરજી કરતા હોય છે.
જન્મના પ્રમાણપત્રમાં ખોટી માહિતી આપવી એક ફોજદારી ગુનો છે.
ગૃહ વિભાગે બીબીસીને જણાવ્યું કે ખોટા જન્મપ્રમાણપત્ર વાપરી ઇમિગ્રેશન કૌભાંડનો ઓળખવા અને રોકવા પગલાં લેવાયા છે.
વિભાગ કહે છે કે, “માતાપિતા હોવા માટેનો એકમાત્ર પુરાવો જન્મપ્રમાણપત્ર ન હોઈ શકે. જે કેસમાં વધુ પુરાવાની જરૂર હોય એમાં વધારાના પુરાવા માગી શકાય છે જેથી સંતોષજનક ચકાસણી પૂરી કરી શકાય.”
પરંતુ ઇમિગ્રેશન વકીલ હરજાપ ભાંગલ આ વાતથી અલગ મત ધરાવે છે.
તેઓ કહે છે, “આ એક માત્ર ઘટના નથી. એની સંખ્યા વધુ છે. ગૃહ વિભાગે એ કામ હાથમાં લીધું નથી.”
તેઓ કહે છે કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નાઇજિરિયા અને શ્રીલંકા સહિતના સમુદાયોમાં જે અહીં રહે છે તેમાં આ પ્રકારની સમસ્યા પ્રવર્તે છે. એ વર્ષોથી થતું આવે છે.
ન્યૂઝનાઇટની તપાસમાં મળી આવ્યું કે કેટલાક વિયેતનામના ફેસબુક પેજ પર નોકરીવાંચ્છુ લોકો માટેના ગ્રૂપમાં આ ગેરકાનૂની કામની જાહેરાત મળી આવી હતી.
અમને તપાસમાં મળી આવ્યું કે હજારો એકાઉન્ટ એવાં હતાં જેમાં નકલી પિતા પોતાના કામની પ્રશંશા કરે છે અને વળી મહિલાઓ આવા પુરુષોને શોધી પણ રહી હોય.
એક એકાઉન્ટમાં પોસ્ટ હતી. એમાં લખ્યું હતું, “હું 4 મહિનાની ગર્ભવતી છું. મારે 25-45 વર્ષના બ્રિટિશ પુરુષની જરૂર છે જે નાગરિકતા માટે મારા બાળકનો પિતા બની શકે.”
એક અન્ય પોસ્ટમાં લખ્યું હતું,“મારી પાસે લાલ બુક છે (વિયેતનામમાં યુકેના પાસપોર્ટને સાધારણ લાલ બુક કહે છે). જો તમે ગર્ભવતી છો અને પિતા નથી મળ્યા તો મારો સંપર્ક કરશો.”
ફેસબુકની માલિકી ધરાવતી કંપની મેટાએ કહ્યું કે તે દત્તક લેવાની અથવા તો જન્મપ્રમાણપત્ર સંબંધિત બનાવટી ગતિવિધિને ચલાવી નથી લેતું. કંપનીએ કહ્યું કે તે તેની નીતિનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટને પ્લૅટફૉર્મ પરથી હઠાવી દે છે.
અમે એક મહિલા સાથે વાત કરી જેણે અમને કહ્યું કે તેમણે એક પુરુષ ને 9 હજાર પાઉન્ડ ચૂકવ્યા હતા જેથી તે તેમના બાળકના પિતા તરીકે અધિકારી સમક્ષ હાજર થઈ શકે.

'તે મારા કરતાં 30 વર્ષ મોટો હતો'
તેમણે કહ્યું,“તે મારા કરતાં 30 વર્ષ મોટો હતો. મને જાણવા મળ્યું હતું કે પહેલાં પણ એણે એક મહિલા માટે આ કામ કર્યું હતું.”
મહિલાએ કહ્યું કે તેની સાથે વધુ સંપર્ક નહોતો. બંને માત્ર 3 વખત મળ્યા હતા જેમાં તેઓ જન્મ પ્રમાણપત્ર નોંધણી માટે કચેરી ગયાં એ પણ સામેલ છે.
તેમણે કહ્યું કે તેમણે પુરુષને 10 હજાર પાઉન્ડ ચૂકવ્યા હતા. તેમને ત્યારે ખબર પડી કે તે વ્યક્તિએ ઇમિગ્રેશન સ્ટેટસ વિશે ખોટું બોલ્યું હતું.
“મારા બાળકનું પ્રમાણપત્ર બન્યા પછીના દિવસે ખબર પડી કે તેની પાસે નાગરિકતા જ નથી. હું ખૂબ જ પરેશાન થઈ ગઈ કેમ કે મેં તેનું નામ જન્મના પ્રમાણપત્રમાં લખાવી દીધું હતું અને હું એ બદલાવી નહોતી શકતી.”
હજુ પણ એ મહિલા પાસે બાળકના પિતા તરીકે આ જ વ્યક્તિ છે અને તેમની પાસે યુકેમાં રહેવાનો અધિકાર પણ નથી.
ગરજાપ ભાંગલ કહે છે કે ગૃહ વિભાગની કચેરીએ શંકાસ્પદ વિઝા અરજીઓની વધુ તપાસ કરવાની જરૂર છે.
“જો બાળક બ્રિટિશ હોય અને એક વ્યક્તિ બ્રિટશ હોય જ્યારે બીજી બ્રિટિશ ન હોય તો ડીએનએ ટેસ્ટ કરવાવો જોઈએ.”
યુકેમાં બાળકનું જન્મનું પ્રમાણપત્રની નોંધણી વખતે અથવા બ્રિટિશ બાળક માટે બ્રિટિશ પાસપોર્ટ અરજી કરતી વખતે ડીએનએ ટેસ્ટની જરૂરિયાત નથી હોતી.
વકીલ ભાંગલ કહે છે કે આવા ગુના માટે વધુ લોકો સામે ખટલો નથી ચાલ્યો. “એટલે લોકોને ડર નથી. તેમને એમ છે કે આનાથી કોઈ દુષ્પરિણામ નથી આવતાં.”














