સરફરાઝ રનઆઉટ થતાં રવીન્દ્ર જાડેજાની ટીકા કેમ થઈ?

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, Getty Images

રાજકોટમાં રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મૅચની શ્રેણીની ત્રીજી મૅચમાં પ્રથમ દિવસના અંતે ભારતે ટૉસ જીતીને ઇંગ્લૅન્ડ વિરુદ્ધ પહેલી બેટિંગ કરતા પાંચ વિકેટ ગુમાવીને 326 રન કર્યા છે.

પ્રથમ બેટિંગ કરતા ભારતની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ માત્ર 10 રન કરીને ઇનિંગની ચોથી જ ઓવરમાં માર્ક વૂડનો શિકાર બન્યા.

ત્યાર પછી માર્ક વૂડે ઇનિંગની છઠ્ઠી જ ઓવરમાં શુભમન ગિલને ખાતું ખોલ્યા વગર પેવેલિયન મોકલ્યા.

પોતાની બીજી જ ટેસ્ટ મૅચ રમી રહેલા રજત પાટીદાર પણ માત્ર પાંચ રનના સ્કોરે ઇંગ્લૅન્ડના સ્પીનર ટોમ હાર્ટલીની પહેલી જ ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી બેઠા.

આમ, ભારતે નવ ઓવરની અંદર જ ત્રણ વિકેટ ગુમાવીને માત્ર 33 રન જ ઉમેર્યા હતા.

જોકે, ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 204 રનની ભાગેદારી કરીને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉગારી હતી.

આ ઉપરાંત ભારત માટે પોતાની પહેલી મૅચ રમી રહેલા સરફરાઝ ખાને માત્ર 66 બૉલમાં નવ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી આક્રમક 62 રન બનાવ્યા હતા.

જોકે આ દરમિયાન સરફરાઝની રનઆઉટ થવાની ચર્ચા પણ ખૂબ રહી.

રોહિત અને જાડેજાની સદી

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, ANI

ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ એક આક્રમક શરૂઆત કરી હતી. જોકે, બીજા છેડે સતત વિકેટ પડતી હોવાને કારણે તેમણે એક છેડો સાચવી રાખ્યો.

ભારતે પ્રથમ નવ ઓવરની અંદર જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમે સરફરાઝને બેટિંગમાં મોકલવાને બદલે અનુભવી ડાબોડી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને બેટિંગમાં મોકલ્યા.

રોહિત શર્મા અને જાડેજાએ સાથે મળીને 200થી વધારે રનની ભાગેદારી કરીને ભારતીય ટીમને મુશ્કેલ સ્થિતિમાંથી ઉગારી હતી. આ ભાગેદારી દરમિયાન કૅપ્ટન રોહિતે પોતાની 11મી ટેસ્ટ સદી ફટકારી.

રોહિત પણ અંતે 296 બૉલમાં 14 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 131 રન કરીને 64મી ઓવરમાં માર્ક વૂડનો શિકાર બન્યા.

રોહિતના આઉટ થયા પછી પણ જાડેજાએ બીજો છેડો સંભાળી રાખ્યો.

સરફરાઝ પહેલી જ મૅચમાં રનઆઉટ

સરફરાઝ ખાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરફરાઝ ખાન

રોહિતની વિકેટ બાદ પોતાની પ્રથમ મૅચ રમી રહેલા સરફરાઝે મેદાન પર આવતાની સાથે જ આક્રમક બેટિંગ શરૂ કરી દીધી.

સરફરાઝે માત્ર 48 બૉલમાં જ સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અર્ધ સદી નોંધાવી. જાડેજા બીજા છોડે પોતાની સદી તરફ આગળ વધી રહ્યા હતા.

જોકે, મૅચની 82મી ઓવરમાં જાડેજા 99 રન પર રમી રહ્યા હતા અને સદીથી માત્ર એક જ રન દૂર હતા. તેમણે એન્ડરસનના બૉલને મીડ-ઑન તરફ ધકેલ્યો અને સરફરાઝને રન લેવા માટે કોલ આપ્યો.

જોકે, જાડેજાએ અંતિમ ધડીએ પોતાનો વિચાર બદલ્યો પણ સરફરાઝ ત્યાં સુધીમાં અડધી પીચ પર હતા અને માર્ક વૂડે તેમને ડાયરેક્ટ થ્રો મારીને રનઆઉટ કર્યા.

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, INSTAGRAM/RAVINDRAJADEJA

આમ, સરફરાઝની આક્રમક ઇનિંગનો અંત દુર્ભાગ્યરૂપે રનઆઉટથી થયો. જોકે, જાડેજાએ બીજા છેડો સાચવી રાખ્યો અને દિવસના અંતે તેઓ નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 112 રને અણનમ છે.

આ રનઆઉટ પર કૅપ્ટન રોહિત શર્માના રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહિત શર્મા ગુસ્સામાં પોતાની ટોપીને નીચે ફેંકતા જોવા મળે છે.

મૅચ પછી રવીન્દ્ર જાડેજાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સરફરાઝ ખાનના આઉટ થવા પર દુઃખ વ્યક્ત કર્યું અને સ્વીકાર્યું કે તેઓ તેમના ખોટા નિર્ણયને કારણે આઉટ થયા હતા.

જાડેજાએ લખ્યું, "સરફરાઝ ખાન માટે ખરાબ લાગ્યું. તે મારો ખોટો નિર્ણય હતો. તેઓ ખૂબ સારું રમ્યા."

જોકે, મૅચ પછી મીડિયા સાથેની વાતચીતમાં સરફરાઝે કહ્યું કે ક્યારેક થોડી ગેરસમજ થઈ જાય છે. આ રમતનો જ એક ભાગ છે. ક્યારેક રન થાય છે, ક્યારેક નથી થતા, તો ક્યારેક રનઆઉટ પણ થઈ જવાય. રમતમાં આવું તો ચાલ્યા કરે.

સોશિયલ મીડિયા પર જાડેજાની ટીકા

સરફરાઝ ખાન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, સોશિયલ મીડિયા પર લોકોનો અભિપ્રાય સાવ અલગ છે. સરફરાઝના આઉટ થવા માટે ઘણા લોકોએ રવીન્દ્ર જાડેજાને જવાબદાર ગણાવ્યા હતા.

સરફરાઝ ખાન રનઆઉટ થયા બાદ રોહિત શર્મા ગુસ્સામાં ટોપી કાઢીને ફેંકી રહ્યા હોવાનો વીડિયો પણ ઘણા યૂઝર્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે કૅપ્ટન જાડેજાથી નારાજ છે.

નવોદિત સરફરાઝ ખાનના આઉટ થવા પર એક યૂઝરે લખ્યું, "જાડેજા ખૂબ સ્વાર્થી હતો. રોહિત શર્મા સ્વાર્થી રવીન્દ્ર જાડેજાથી ગુસ્સે છે, જેણે સરફરાઝને આઉટ કર્યો."

એક યૂઝરે એ તમામ ઘટનાની યાદી પણ લખી છે જ્યારે સામેના ખેલાડીના રનઆઉટ થવાનું કારણ રવીન્દ્ર જાડેજા બન્યા હોય.

યૂઝરે લખ્યું, "જ્યારે હાર્દિક પંડ્યાએ 2017માં ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં 50 રન બનાવ્યા ત્યારે જાડેજા તેના રનઆઉટમાં સામેલ હતો. જાડેજા 2021માં બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીમાં અજિંક્ય રહાણેને આઉટ કરવામાં સામેલ હતો. સરફરાઝ ખાનના 2024માં 50 રન બનાવ્યા બાદ રનઆઉટ થવામાં જાડેજાની પણ ભૂમિકા હતી."

એક યૂઝરે લખ્યું છે કે, "સર જાડેજા મેદાન પર હોય તો રનઆઉટ જરૂરી છે. સરફરાઝ ખાન માટે ખરાબ લાગે છે."

જોકે કેટલાક લોકો રવીન્દ્ર જાડેજાની ઈનિંગનાં વખાણ પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા એક્સ પર એક યૂઝરે લખ્યું, "સરફરાઝ ખાનના રનઆઉટ સિવાય, રવીન્દ્ર જાડેજાએ આજે મજબૂત દેખાવ કર્યો. ઈજામાંથી પાછા ફરવું અને 100 રન બનાવવું સરળ નથી. ભારતને જોખમમાંથી બહાર કાઢવા માટે તે પ્રશંસાને પાત્ર છે."

જોકે સરફરાઝ ખાને કહ્યું કે રમત સમાપ્ત થયા પછી રવીન્દ્ર જાડેજાએ તેમને કહ્યું કે થોડી ગેરસમજ થઈ છે.

સરફરાઝે કહ્યું, "ઠીક છે. આ બધું થાય છે. એમાં કોઈ મોટી વાત નથી."