સચીન ધસ : અંડર-19 વર્લ્ડકપમાં ધૂમ મચાવનાર ખેલાડીએ એવા છગ્ગા માર્યા કે બૅટ તપાસાયું

સચીન ધસ ક્રિકેટ ભારત વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, SACHIN DHAS

    • લેેખક, નિતિન સુલતાને
    • પદ, બીબીસી માટે

સચીન અને ભારતીય ક્રિકેટ વચ્ચે એક ખાસ પ્રકારનો અને ક્યારેય જેનો અંત ન આવે એવો સંબંધ બની ગયો છે. સચીન તેંડુલકરે ક્રિકેટની દુનિયામાં કેવી છાપ છોડી છે તેના વિશે સૌ કોઈ જાણે છે, પરંતુ હાલમાં સચીન નામના જ વધુ એક ખેલાડીની ચર્ચા થઈ રહી છે.

આ ખેલાડીનું નામ છે સચીન ધસ, જેઓ વર્લ્ડકપની ફાઇનલમાં જગ્યા બનાવનાર ભારતની અંડર-19 ટીમનો ભાગ છે અને પોતાની જોરદાર બેટિંગને કારણે તેઓ સ્ટાર ખેલાડી તરીકે ઓળખાવા લાગ્યા છે.

રવિવારે દક્ષિણ આફ્રિકાના બેનોનીમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અંડર-19 વર્લ્ડકપની ફાઇનલ મૅચ રમાશે, ત્યારે સચીન ધસ એ ખેલાડીઓમાંના એક છે જેમની પર ભારતીય ટીમની આશા ટકેલી છે.

મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારથી આવતા સચીને દક્ષિણ આફ્રિકા સામે સેમિફાઇનલમાં 96 રનની મૅચ-વિનિંગ ઇનિંગ રમી હતી.

તેમણે કૅપ્ટન ઉદય સહારન સાથે મળીને એ સમયે ભારતની ઇનિંગ સંભાળી હતી, જ્યારે ભારતીય ટીમે 32 રનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

સચીન આ ટુર્નામેન્ટમાં પહેલા પણ સારું પ્રદર્શન કરી ચૂક્યા છે, પરંતુ સેમિફાઇનલની ઇનિંગ બાદ તેમને વધુ નામના મળી છે.

પિતાનું સ્વપ્ન પૂરું કરી રહ્યા છે સચીન

સચીન ધસ ક્રિકેટ ભારત વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, SANJAY DHAS

સચીન ધસ ક્રિકેટના મેદાન પર પોતાના પિતાનું સ્વપ્ન પૂરું કરી રહ્યા છે.

તેમના પિતા સંજય ધસે બીબીસી સાથેની ખાસ વાતચીતમાં આ માહિતી આપી હતી. સંજય ધસના કહેવા પ્રમાણે, સચીનનો જન્મ થયો તે પહેલાં જ તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ પોતાના પુત્રને ક્રિકેટર બનાવશે.

પરંતુ સચીનનાં માતા આ નિર્ણયની વિરુદ્ધ હતાં. સચીનના પિતા સંજય ધસ આરોગ્યવિભાગમાં કામ કરે છે, જ્યારે તેમનાં માતા પોલીસ અધિકારી છે.

સંજય ધસે કહ્યું, "સચીનની માતા મને કહેતી હતી કે છોકરો અભ્યાસમાં સારો છે, તેનું ધ્યાન ન ભટકાવો, ફરીથી વિચાર કરો. અમે આ મુદ્દે દલીલો કરતાં હતાં. પરંતુ મારો ઇરાદો મક્કમ હતો. તેની રમત જોયા પછી મને વધુ વિશ્વાસ બેઠો કે તે ચોક્કસપણે કંઈક કરી શકે છે."

3 ફેબ્રુઆરી, 2005ના રોજ જન્મેલ સચીન બાળપણથી જ ક્રિકેટ રમી રહ્યા છે. તેઓ અભ્યાસમાં પણ ખૂબ જ સારા છે. તેથી તેમનાં માતા ઇચ્છતાં હતાં કે તે પોતાનું શિક્ષણ પૂર્ણ કરે અને કોઈ અન્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવે.

સચીન નામ પાછળની કહાણી

સચીન ધસ ક્રિકેટ ભારત વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images

સચીન ધસના પિતાએ તેમના નામકરણ પાછળની કહાણી પણ જણાવી હતી. તેમના કહેવા પ્રમાણે તેઓ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરના મોટા ફેન છે.

સંજયે જણાવ્યું કે, “જ્યારે મારો દીકરો જન્મ્યો ત્યારે મેં તેનું નામ સચીન રાખ્યું હતું.”

તેઓ કહે છે, “સચીન નામમાં જ મોટી તાકત છે. જાણે કે નામના રૂપમાં જ આશીર્વાદ મળ્યાં છે અને તે સારું પ્રદર્શન કરી રહ્યો છે.”

સચીન ધસ અંડર-19 વર્લ્ડકપમાં નેપાળ સામે સદી પણ ફટકારી ચૂક્યા છે.

તેમના પિતાએ કહ્યું, “શરૂઆતની મૅચમાં તેણે ડૅથ ઓવરમાં સારું પ્રદર્શન કર્યું હતું. નેપાળ સામે તેને વધુ બૉલ રમવા મળ્યા અને તેણે મળેલા મોકાનો ફાયદો ઉઠાવ્યો.”

કેદાર જાધવે આપ્યો મોકો

સચીન ધસ ક્રિકેટ ભારત વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, SANJAY DHAS

સચીનના પિતા સંજય ધસ તેમના પુત્રની સફળતા માટે મહારાષ્ટ્ર પ્રિમિયર લીગમાં મળેલા અનુભવને મુખ્ય ગણાવે છે.

તેઓ કહે છે કે આ ટુર્નામેન્ટમાં કોલ્હાપુર ટસ્કર્સ ટીમના કૅપ્ટન અને પૂર્વ ભારતીય ક્રિકેટર કેદાર જાધવે સચીનને ટીમમાં મોકો આપ્યો.

તેઓ કહે છે કે કેદાર જાધવ અને અંકિત બાવને જેવા સિનિયરો સાથે ડ્રેસિંગ રૂમ શૅર કરવાથી સચીનને ઘણો ફાયદો થયો.

સંજય ધસે કહ્યું, "સચીને આ ટીમ સાથે દોઢ મહિના સુધી પ્રૅક્ટિસ કરી. ખાસ કરીને સિનિયરો સાથે તેણે પ્રૅક્ટિસ કરી. તેનાથી સચીનનો એટલો આત્મવિશ્વાસ વધ્યો કે તેના માટે બધું જ બદલાઈ ગયું."

એક જ શોટનો હજાર વખત અભ્યાસ

સચીન ધસ ક્રિકેટ ભારત વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, SANJAY DHAS

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સચીનના પિતા સંજય ધસ તેમની સફળતાનું શ્રેય કોચ શેખ અઝહરને આપે છે. સચીને તેમની પાસેથી 15 વર્ષ સુધી ટ્રેનિંગ લીધી છે. મહારાષ્ટ્રના બીડમાં તેમની ટ્રેનિંગ તેઓ ચાર વર્ષના હતા ત્યારે જ શરૂ થઈ ગઈ હતી.

સંજય ધસ કહે છે કે, “સચીને આજ સુધીમાં ક્રિકેટમાં જે પણ શીખ્યું તે બધું જ અઝહર સરે જ શીખવ્યું છે.”

કોચ અઝહર કહે છે, "સચીન તેની શિસ્તના કારણે જ આ સિદ્ધિ મેળવી શક્યો છે."

અઝહર કહે છે કે પ્રૅક્ટિસ કરતી વખતે સચીનને ક્યારેય કંટાળો આવતો નથી.

તેઓ જણાવે છે કે, "સચીન ચાર વર્ષની ઉંમરથી પ્રૅક્ટિસ કરી રહ્યો છે. ક્રિકેટ કૅમ્પ માટે અન્ય શહેરોમાં જવા ઉપરાંત તેણે બીડમાં ઘણો સમય પ્રૅક્ટિસ કરી છે. તે દરરોજ છથી સાત કલાક આકરી પ્રૅક્ટિસ કરતો હતો. પ્રૅક્ટિસ બાદ તે ભાંગી પડતો હતો. તેણે ક્યારેય હાર ન માની.”

કોચ અઝહર કહે છે કે દરેક શોટ કોઈ પણ ભૂલ વિના રમવા માટે, સચીને હજારો બૉલ રમીને તે શોટની પ્રૅક્ટિસ કરી છે.

કોચ જણાવે છે કે જ્યારે સચીન 12 વર્ષનો હતા ત્યારે કેટલાંક કારણોસર તેમને અંડર-14 ટીમમાં તક મળી ન હતી. તે સમયે તે ખૂબ જ નિરાશ થઈ ગયા હતા, પરંતુ આ પછી તેમણે ઘણી પ્રૅક્ટિસ કરી અને સારું પ્રદર્શન કર્યું હતું. કોચનું કહેવું છે કે આ પછી તેમણે પાછું વળીને જોયું નથી.

જ્યારે સચીને છગ્ગો માર્યો અને રેફરીએ બૅટ ચેક કર્યું

સચીન ધસ ક્રિકેટ ભારત વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, ANI

સચીનની બેટિંગની તકનીક સારી છે. તે મેદાનમાં મોટા શોટ ફટકારવા માટે પણ જાણીતા છે.

કોચ શેખ અઝહર કહે છે, “તે ખૂબ ઊંચા છગ્ગા ફટકારે છે અને જ્યારે પણ તેમને મોકો મળે છે ત્યારે તે બૉલને બાઉન્ડ્રીની બહાર મોકલી આપે છે.”

સચીનના પિતા સંજય ધસ તેની સાથે જોડાયેલી એક કહાણી પણ કહે છે.

તેઓ કહે છે, “એક વાર અંડર-16ની ટુર્નામેન્ટમાં સચીને એક મૅચમાં અનેક ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા અને સદી નોંધાવી હતી.”

સંજય ધસ કહે છે કે, “તે સમયે સચીનનું શરીર એટલું મજબૂત ન હતું અને રેફરીને શંકા ગઈ કે તે આટલા લાંબા છગ્ગા કેવી રીતે ફટકારી શકે?”

રેફરીએ ત્યાર બાદ આવીને ચેક કર્યું હતું કે બૅટ નિયમો પ્રમાણે છે કે નહીં.

અંડર-19 વર્લ્ડકપમાં તેમના આવા શોટ્સને કારણે જ વિરોધીઓ પરેશાન થઈ જાય છે. સંજય ધસ ઇચ્છે છે કે સચિન ફાઇનલમાં પણ દમદાર પ્રદર્શન કરીને ટીમને વર્લ્ડકપ અપાવે અને આગળ પણ સિનિયર ટીમમાં જગ્યા બનાવે.