ઑસ્ટ્રેલિયાએ નવી સ્ટુડન્ટ વિઝા નીતિ જાહેર કરી, ભારતીય વિદ્યાર્થીઓને શું અસર થશે?

ઑસ્ટ્રેલિયાની સરકારે શૈક્ષણિક વર્ષ 2026 માટે સ્ટુડન્ટ વિઝા પોલિસીમાં સુધાર કર્યો છે. સરકારે સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં આઠ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

ઑસ્ટ્રેલિયા સરકારે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન વિઝા ફીમાં વૃદ્ધિ, સ્ટુડન્ટોની સંખ્યામાં ઘટાડો, અંગ્રેજી ભાષા કૌશલ્યમાં કડકાઈ વગેરે જેવાં પગલાં લઈને સ્ટુડન્ટ વિઝાની સંખ્યાને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.

ત્યારે આ જાહેરાતથી ભારત અને ચીનના વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે. દરવર્ષે મોટી સંખ્યામાં ગુજરાત, પંજાબ તથા દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ ઑસ્ટ્રેલિયામાં ભણવા જાય છે.

ઑસ્ટ્રેલિયાનું ઇમિગ્રેશન વિભાગે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરનારાઓને કેટલીક બાબતોની કાળજી લેવા માટે સૂચન પણ કર્યું છે.

ઑસ્ટ્રેલિયન સરકાર દેશના વ્યાપક શૈક્ષણિક, સામાજિક કૂટનીતિક અને હાઉસિંગ સંબંધિત પરિસ્થિતિને ધ્યાને લઈને પોતાની સ્ટુડન્ટ વિઝા નીતિમાં ફેરફાર કરતી હોય છે.

સ્ટુડન્ટ સંખ્યામાં વધારો

ઑસ્ટ્રેલિયાએ રાષ્ટ્રીયકક્ષાએ સ્ટુડ્ન્ટ વિઝાની બે લાખ 70 હજાર વિદ્યાર્થીની ટોચમર્યાદાને વધારીને બે લાખ 95 હજાર કરવાનો નિર્ણય લીધો છે.

નવી જાહેર થયેલી સંખ્યા વર્ષ 2025ની સરખામણીમાં વધુ છે, છતાં ટોચ કરતાં આઠ ટકા ઓછી સંખ્યા છે. કોવિડ પછી તરત જ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ટોચ ઉપર પહોંચી હતી.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2023 દરમિયાન ઑસ્ટ્રેલિયા છ લાખ સ્ટુડન્ટ વિઝા આપ્યા હતા, કારણ કે કોવિડ દરમિયાન હજારો વિદ્યાર્થી પોત-પોતાનાં વતન જતા રહ્યા હતા અને અભ્યાસ માટે પરત ફર્યા હતા.

ઑસ્ટ્રેલિયાની સરકારે મોટાં શહેરોમાં આવેલી યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરી હતી. દેશના કહેવા પ્રમાણે, ટોચનાં શહેરો પહેલાંથી જ ગીચ છે. આ વિદ્યાર્થીઓને પ્રાદેશિક યુનિવર્સિટીઓ તરફ વાળવામાં આવશે, જેને તેમની જરૂર છે.

જોકે, નવી નીતિ મુજબ, દરેક શિક્ષણ પ્રદાતાને કમ સે કમસ તેના વર્તમાન ક્વોટા જેટલા વિદેશી વિદ્યાર્થી લેવાની છૂટ રહેશે, તેમ જણાવવામાં આવ્યું છે.

સરકારના કહેવા પ્રમાણે, વર્ષ 2040ના લક્ષ્યાંકોને ધ્યાને રાખીને તે દક્ષિણએશિયાના વિદ્યાર્થીઓ સાથે ઍંગેજમેન્ટ વધારવા માગે છે. સાથે જ સ્થાનિક અને વિદેશી વિદ્યાર્થીને સલામત અને સુરક્ષિત રહેઠાણ મળી રહે, તે સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.

આ વધારા અંગે ઑસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જેસન ક્લૅરે કહ્યું હતું, "આપણા નિકાસક્ષેત્ર માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ આ વિકાસ સાતત્યપૂર્ણ હોય, તે જોવું રહ્યું."

"આંતરરાષ્ટ્રીય શિક્ષણ દ્વારા આપણે માત્ર પૈસા નહીં, પરંતુ મિત્રો પણ બનાવવાના છે. સ્થાનિક વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીઓ તથા રાષ્ટ્રીય હિતો જળવાય રહે, તે રીતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેની ખાતરી કરવી રહી."

જો સંસદમાં કાયદો પસાર થઈ જશે, તો વર્ષ 2027થી ઑસ્ટ્રેલિયન ટૅરિટરી ઍજ્યુકેશન કમિશન ઉચ્ચઅભ્યાસમાં નિયમનની કામગીરી કરશે. એવું માનવામાં આવે છે કે તેનાથી આ ક્ષેત્રમાં સ્થિરતા અને નિતિવિષયક સ્પષ્ટતા રહેશે.

વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું?

ઑસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન વિભાગ દ્વારા સમયાંતરે વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ માર્ગદર્શિકા કે ટીપ્સ આપવામાં આવતી હોય છે. વિભાગે નવા શૈક્ષણિક વર્ષ પહેલાં કેટલીક બાબતો ધ્યાને લેવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું. જે મુજબ:

  • ઑસ્ટ્રેલિયામાં ભણવા માટે સ્ટુડન્ટ વિઝા જતા હોય, તો જૅન્યુઇન સ્ટુડન્ટ રિક્વાયરમેન્ટ (જી.એસ.આર.) ધ્યાને લેવી
  • ઑસ્ટ્રેલિયામાં શા માટે ભણવું છે તથા તેનાથી તમને શું લાભ થશે, તે સમજાવવું રહ્યું
  • વર્તમાન નોકરી, આર્થિકસ્થિતિ, પરિવાર તથા સમુદાય સાથે સંબંધ વિશે માહિતી આપો તથા એના માટે જરૂરી પુરાવા જોડો.
  • અભ્યાસ તથા ઇમિગ્રેશનસંબંધિત માહિતી પ્રમાણિકપણે આપો
  • તમે શા માટે ઑસ્ટ્રેલિયામાં ભણવા માગો છો તેના કારણો તથા તેના સમર્થનમાં શું અભ્યાસ કર્યો છે, તેની માહિતી રાખો

ઑસ્ટ્રેલિયા માટે વિદેશી વિદ્યાર્થી મહત્ત્વપૂર્ણ

ઑસ્ટ્રેલિયાની ટોચની ત્રણ નિકાસ ખનીજ ઉત્પાદનો છે, જ્યારે ચોથા ક્રમે શિક્ષણ આવે છે. એક અનુમાન મુજબ, તે લગભગ 32 અબજ અમેરિકન ડૉલરની ઇન્ડસ્ટ્રી છે.

ભારત અને ચીનમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે જાય છે, જેની અસર મકાનોની ઉપલબ્ધતા તથા ભાડાં ઉપર પણ પડતી હોય છે.

ઑસ્ટ્રેલિયાની સરકારે સ્ટુડન્ટ વિઝાના નામે આવનારા અને ગેરકાયદેસર વસવાટ કરનારાઓને નાથવા માટે નૉન-રિફંડેબલ વિઝા ફીમાં બમણો વધારો, અંગ્રેજી ભાષાકૌશલ્યને કડક કરવું, વધુ અભ્યાસ કરવા માંગનારાઓની ઊંડાણપૂર્વક તપાસ વગેરે જેવાં પગલાં લીધાં છે.

ઑસ્ટ્રેલિયાની સરકારે જ્યારે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો, ત્યારે દેશની ટોચની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરનારા સંગઠન 'ગ્રૂપ ઑફ ઍઇટ'એ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

તેમનું કહેવું હતું કે ઑસ્ટ્રેલિયાની સરકારે આ નિર્ણય લેતા પહેલાં તેમની સાથે મસલત નહોતી કરી. સંગઠનના કહેવા પ્રમાણે, તેના કારણે અર્થતંત્રને અસર થશે, નોકરીઓ જશે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઑસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠાને નુકસાન થશે.

ગ્રૂપના કહેવા પ્રમાણે, ન કેવળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, પરંતુ સ્થાનિક સ્ટુડન્ટ્સને પણ તેની અસર પડશે, કારણ કે ઑસ્ટ્રેલિયામાં સરેરાશ વિદેશી વિદ્યાર્થી સ્થાનિક વિદ્યાર્થી કરતાં બમણી ફી ભરે છે. જેનાથી યુનિવર્સિટીઓનું, સ્કૉલરશિપનું, સંશોધનનું તથા સ્થાનિક વિદ્યાર્થીઓના અભ્યાસની ફીની ભરપાઈ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન