You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનો ઝંડો વિદેશમાં પહેલી વાર ફરકાવનાર મહિલાની કહાણી
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત આઝાદ થયું તેના ચાર દાયકા પહેલાં ઈ.સ. 1907માં વિદેશમાં પહેલી વાર ભારતનો ઝંડો એક મહિલાએ ફરકાવ્યો હતો.
46 વર્ષનાં પારસી મહિલા ભીકાજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ટમાં યોજાયેલી બીજી 'ઇન્ટરનૅશનલ સોશિયલિસ્ટ કૉંગ્રેસ'માં આ ઝંડો ફરકાવ્યો હતો. તે ભારતના અત્યારના ધ્વજથી અલગ, આઝાદીની લડાઈ દરમિયાન બનાવવામાં આવેલા ઘણા અનૌપચારિક ઝંડામાંથી એક હતો.
મૅડમ કામા પર પુસ્તક લખનાર રોહતક એમ.ડી. યુનિવર્સિટીના સેવાનિવૃત્ત પ્રોફેસર બી.ડી. યાદવ જણાવે છે, "એ કૉંગ્રેસમાં ભાગ લેનાર બધા લોકોના દેશોના ઝંડા ફરકાવાયા હતા અને ભારત માટે બ્રિટનનો ઝંડો હતો, તેને નકારતાં ભીકાજી કામાએ ભારતનો એક ઝંડો બનાવ્યો અને ત્યાં ફરકાવ્યો."
પોતાના પુસ્તક 'મૅડમ ભીકાજી કામા'માં પ્રો. યાદવ જણાવે છે કે ઝંડો ફરકાવતાં ભીકાજીએ જોરદાર ભાષણ આપ્યું અને કહ્યું, "ઓ સંસારના કૉમરેડ્સ, જુઓ, આ ભારતનો ઝંડો છે, આ જ ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, આને સલામ કરો."
મૅડમ કામાને ભીકાજી અને ભિકાઈજી, બંને નામથી ઓળખવામાં આવતાં હતાં.
આ એ સમય હતો જ્યારે બે વર્ષ પહેલાં ઈ.સ. 1905માં ભારતમાં બંગાળ પ્રાંતના ભાગલા થયા હતા, જેના કારણે દેશમાં રાષ્ટ્રવાદની લહેર પ્રસરી ગઈ હતી.
મહાત્મા ગાંધી હજુ દક્ષિણ આફ્રિકામાં જ હતા, પરંતુ ભાગલાથી ફૂટેલા ગુસ્સાથી બંગાળી હિંદુઓએ 'સ્વદેશી'ને મહત્ત્વ આપવા માટે વિદેશી કપડાંનો બહિષ્કાર શરૂ કરી દીધો હતો.
સૂર્ય અને ચંદ્રનો મતલબ
બંગાળી લેખક બંકિમચંદ્ર ચેટરજીના પુસ્તક 'આનંદમઠ'માંથી પ્રસિદ્ધ થયેલું ગીત 'વંદે માતરમ્' રાષ્ટ્રવાદી આંદોલનકારીઓમાં લોકપ્રિય થઈ ગયું હતું.
ભીકાજી કામા દ્વારા ફરકાવવામાં આવેલા ઝંડા પર પણ 'બંદે માતરં' લખેલું હતું. તેમાં લીલી, પીળી અને લાલ પટ્ટીઓ હતી.
ઝંડામાં લીલી પટ્ટી પર બનેલાં કમળનાં આઠ ફૂલ ભારતના આઠ પ્રાંતોને દર્શાવતાં હતાં.
લાલ પટ્ટી પર સૂર્ય અને ચંદ્ર બનેલા હતા. સૂર્ય હિંદુ ધર્મ અને ચંદ્ર ઇસ્લામનું પ્રતીક હતા. આ ઝંડો હવે પુણેની કેસરી મરાઠા લાઇબ્રેરીમાં જોવા મળે છે.
ત્યાર પછી મૅડમ કામાએ જેનિવાથી 'બંદે માતરમ' નામનું 'ક્રાંતિકારી' જર્નલ છાપવાનું શરૂ કર્યું. તેના માસ્ટરહેડ પર નામની સાથે એ જ ઝંડાની તસવીર છપાતી રહી જેને મૅડમ કામાએ ફરકાવ્યો હતો.
ભીકાજી પટેલ 1861માં બૉમ્બે (જે હવે મુંબઈ છે)માં એક સમૃદ્ધ પારસી પરિવારમાં જન્મ્યાં હતાં.
1885માં તેમનાં લગ્ન જાણીતા વેપારી રુસ્તમજી કામા સાથે થયાં. બ્રિટિશ હુકૂમત વિશેના બંનેના વિચાર ખૂબ જુદા હતા. રુસ્તમજી કામા બ્રિટિશ સરકારના હિમાયતી હતા અને ભીકાજી એક મુખર રાષ્ટ્રવાદી.
યુરોપમાં આઝાદીની ધૂણી
1896માં બૉમ્બેમાં પ્લેગની બીમારી ફેલાઈ અને ત્યાં મદદ માટે કામ કરતાં કરતાં ભીકાજી કામા પોતે બીમાર પડી ગયાં હતાં.
સારવાર માટે તેઓ 1902માં લંડન ગયાં અને તે દરમિયાન જ ક્રાંતિકારી નેતા શ્યામજી કૃષ્ણ વર્માને મળ્યાં.
પ્રો. યાદવ જણાવે છે, "ભીકાજી તેમનાથી ખૂબ પ્રભાવિત થયાં અને તબિયત સારી થયા પછી ભારત જવાનો વિચાર છોડી ત્યાં જ અન્ય ક્રાંતિકારીઓ સાથે ભારતની આઝાદી માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનાં કામમાં જોડાઈ ગયાં."
તેમના પર બ્રિટિશ સરકારની બાજનજર રહેતી હતી. લૉર્ડ કર્ઝનની હત્યા થયા બાદ મૅડમ કામા 1909માં પૅરિસ જતાં રહ્યાં, જ્યાં તેમણે 'હોમ રૂલ લીગ'ની શરૂઆત કરી.
તેમનું લોકપ્રિય સૂત્ર હતું, "ભારત આઝાદ થવું જોઈએ; ભારત એક પ્રજાસત્તાક બનવું જોઈએ; ભારતમાં એકતા હોવી જોઈએ."
ત્રીસ વર્ષ કરતાં વધારે સમય સુધી ભીકાજી કામાએ યુરોપ અને અમેરિકામાં ભાષણો અને ક્રાંતિકારી લેખો દ્વારા પોતાના દેશના આઝાદીના હકની માગને બુલંદ કરી.
આ સમયગાળામાં તેમણે વીડી સાવરકર, એમપીટી આચાર્ય અને હરદયાલ સહિત ઘણા ક્રાંતિકારીઓ સાથે કામ કર્યું.
ઘણાં પારસી વ્યક્તિત્વો પર સંશોધન કરનાર લેખક કેઈ એડુલ્જી દ્વારા ભીકાજી કામા પર લખાયેલા વિસ્તૃત લેખ અનુસાર, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમને બે વાર કસ્ટડીમાં લેવામાં આવ્યાં અને તેમના માટે ભારતમાં પાછા જવાનું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું.
રાષ્ટ્રવાદી કામ બંધ કરી દેવાની શરતે આખરે 1935માં તેમને વતન પાછા જવાની મંજૂરી મળી.
મૅડમ કામા એ સમય સુધીમાં ખૂબ બીમાર થઈ ચૂક્યાં હતાં અને નાદુરસ્ત તબિયતને કારણે 1936માં તેમનું મૃત્યુ થયું.
1962માં ભારતના તાર અને ટપાલ વિભાગે પ્રજાસત્તાક દિને મૅડમ ભીકાજી કામાની યાદગીરીમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
હવે દેશમાં ઘણા માર્ગો અને ઇમારતો તેમના નામે તો છે, પણ આઝાદીની લડાઈમાં તેમના યોગદાન વિશે બહુ ઓછા લોકો જાણે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન