વકફ બોર્ડમાં કોઈ બિનમુસ્લિમોની નિયુક્તિ નહીં કરવામાં આવે, આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સરકારને શું કહ્યું

ઇમેજ સ્રોત, Getty Images
વકફ સંશોધન બિલને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી કરી હતી. અદાલતે સરકારને નિર્દેશ કર્યો હતો કે હાલના વકફમાં કોઈ સુધારો ન થવો જોઈએ અને વકફ કાઇન્સિલ કે વકફ બોર્ડમાં કોઈ બિન-મુસ્લિમની નિયુક્તિ ન કરવામાં આવે.
કેન્દ્ર સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને આશ્વાસન આપ્યું કે વકફ સંશોધન કાનૂન 2025ની કેટલીક જોગવાઈઓ પર હાલના તબક્કે અમલ નહીં કરવામાં આવે.
વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડમાં ગૈર મુસ્લિમની નિયુક્તિ નહીં કરવામાં આવે અને હાલની વકફની સંપત્તિઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટના મૌખિક આદેશ છે અને જલ્દી લેખિત આદેશ જાહેર કરવામાં આવશે. આ મામલે આગલી સુનાવણી તારીખ 5 મેના રોજ શરૂ થનારા સપ્તાહથી થશે.
હિન્દુઓના ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમો કે બિનહિન્દુ સામેલ થઈ શકે? વકફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટનો સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
વકફ સુધારા કાયદાને પડકારતી અરજીઓ પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આ મામલે ઘણી ટિપ્પણી કરી છે. આ અંગે ગુરુવારે ફરી સુનાવણી થશે.
સુપ્રીમની બેન્ચે કહ્યું છે કે તે આ કાયદાની કેટલીક કલમો અંગે વચગાળાનો આદેશ જારી કરવા વિચારે છે.
સાથે સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે શું હિંદુ સમુદાયના ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમો અથવા બિનહિંદુઓને સ્થાન આપવા વિચારે છે કે નહીં.
જોકે, કેન્દ્ર સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ નિવેદન આપ્યું હતું કે આ મામલે કોઈ પણ આદેશ આપતા પહેલાં તેમને પણ સાંભળવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વકફ અંગેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
વકફ સુધારા કાયદાને પડકારતી અરજીઓ પર પહેલાં દિવસે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. તેમાં અરજકર્તાઓ તરફથી કપિલ સિબ્બલ, રાજીવ ધવન અને અભિષેક મનુ સંઘવી જેવા વરિષ્ઠ વકીલો હાજર રહ્યા હતા.
વકીલોની દલીલ હતી કે વકફ સુધારા કાયદાના ઘણા સુધારા એવા છે જે ધાર્મિક બાબતોના વ્યસ્થાપનના મૌલિક અધિકારો પર અસર કરે છે.
સાથે સાથે તેમણે વકફ બાય યૂઝર, સરકારી અધિકારીઓ નક્કી કરે કે કોઈ સંપત્તિ સરકારી છે કે નહીં અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને સ્ટેટ વકફ બોર્ડમાં બિનમુસ્લિમ સભ્યોને સામેલ કરવાની જોગવાઈને પણ પડકારી હતી.
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કાયદાનો બચાવ કર્યો હતો.
તેમણે તર્ક આપ્યો કે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) સાથે સંસદમાં થયેલી ચર્ચા દરમિયાન પણ આ તમામ ચિંતાઓ કરાઈ હતી અને કેન્દ્રે તેના પર વિચાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી ચાલુ રહેશે, પરંતુ બુધવારે સુપ્રીમ કોર્ટે ઘણી વાતો કહી હતી.
મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું કે તે આ મામલે કેટલાક વચગાળાના આદેશ આપવા વિચારે છે.
પહેલી વાત એ કે અદાલતે જે સંપત્તિઓને વકફ જાહેર કરી છે, તેને ડિનોટિફાઇ કરવામાં નહીં આવે.
તેમાં એ જોગવાઈ પર પણ રોક લગાવવાનો વિચાર છે જેમાં જણાવાયું છે કે કોઈ સંપત્તિ સરકારી સંપત્તિ હોવા અંગે વિવાદ હોય તો જ્યાં સુધી અધિકારી તેના વિવાદ પર નિર્ણય ન કરે ત્યાં સુધી તેને વકફની સંપત્તિ માનવામાં નહીં આવે.
આ ઉપરાંત વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડમાં બે સભ્ય બિનમુસ્લિમ હોય તેવી જોગવાઈ સામે પણ રોક લગાવવાનું કોર્ટ વિચારે છે.
મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાએ આ કાયદો પસાર થયા પછી થયેલી હિંસાની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે હિંસા એ 'બહુ ચિંતાજનક' મામલો છે.
જસ્ટિસ ખન્નાએ કહ્યું કે 'તેઓ વિચારે છે કે તેઓ સિસ્ટમ પર દબાણ લાવી શકે છે.' આ સાથે તેમણે કહ્યું કે કાયદાના સકારાત્મક બિંદુઓને પણ દેખાડવા જોઈએ.
વકફ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારનારા અરજદારો કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે પ્રતિવાદી પક્ષ તરફથી ઘણા વકીલોને સાંભળવાના બાકી છે. તેથી આવતી કાલે બપોરે બે વાગ્યો ફરી આ મામલે સુનાવણી થશે.
તાજેતરમાં સંસદમાં પસાર થયેલા વકફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 10થી વધારે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અરજકર્તાઓએ વકફ સુધારા કાયદાની બંધારણીય યોગ્યતા સામે સવાલ ઉઠાવ્યા છે.
તેમાં એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી, ઍસોસિયેશન ફૉર ધ પ્રોટેક્શન ઑફ સિવિલ રાઇટ્સ, કેરળ જમિયતુલ ઉલેમા, ટીએમસીનાં સાંસદ મહુઆ મોઈત્રા અને આરજેડીના નેતા મનોજ ઝા જેવા અરજકર્તાઓ સામેલ છે.
આ મામલે એક અરજકર્તા અને પશ્ચિમ બંગાળના કૃષ્ણનગર સીટથી ટીએમસીનાં સાંસદ મહુઆ મોઇત્રાએ સુનાવણી પછી પ્રતિક્રિયા આપી હતી.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, "સુપ્રીમ કોર્ટે આજે વકફ કાયદાનાં ત્રણ બહુ મહત્ત્વનાં પાસાં પર રોક લગાવવાનો પ્રસ્તાવ રાખ્યો તથા સરકારને સવાલો પૂછ્યા તેનો મને આનંદ છે."
મહુઆ મોઇત્રાએ લખ્યું, "મને આશા છે કે આવતી કાલે મારી અરજીનો પૂરો અમલ કરવામાં આવશે. તૃણમૂલ કૉંગ્રેસ બંધારણને જાળવવા માટે કટિબદ્ધ છે."
આ દરમિયાન ભાજપશાસિત છ રાજ્યોએ આ કાયદાની બંધારણીય યોગ્યતાને ટેકો આપવા માટે અરજીઓ કરી છે. તેમાં ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને અસમ સામેલ છે.
આ તમામ રાજ્યોએ અલગ-અલગ અરજીઓ દાખલ કરીને આ કાયદો રદ થાય તો તેનાથી પડનારી કાયદેસરની અસરનો હવાલો આપ્યો છે.
વકફ અંગેનો વિવાદ કેમ થયો છે?

ઇમેજ સ્રોત, Getty Images
વકફ એ કોઈ પણ જંગમ અથવા સ્થાવર મિલકત હોય છે, જે ઇસ્લામમાં માનતી કોઈ પણ વ્યક્તિ અલ્લાહના નામે અથવા ધાર્મિક હેતુ અથવા સખાવતી હેતુઓ માટે દાન કરે છે.
આ મિલકત સમાજ કલ્યાણના હેતુથી આપવામાં આવે છે અને અલ્લાહ સિવાય તેનો કોઈ માલિક નથી હોતો અને હોઈ શકે નહીં.
વકફ વૅલફેર ફોરમના ચૅરમૅન જાવેદ અહેમદ કહે છે, "વકફ એક અરબી શબ્દ છે જેનો અર્થ કાયમી થાય છે. જ્યારે કોઈ મિલકત અલ્લાહના નામે વકફ તરીકે આપવામાં આવે છે, ત્યારે તે કાયમ માટે અલ્લાહના નામે થઈ જાય છે. પછી તેમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં."
ભારતની સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 1998માં પોતાના એક ચુકાદામાં કહ્યું હતું કે 'એકવાર મિલકત વકફ થઈ જાય પછી તે હંમેશા વકફ રહે છે.'
વકફ મિલકત ખરીદી કે વેચી શકાતી નથી અને તે કોઈને પણ ટ્રાન્સફર કરી શકાતી નથી.
લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર વક્ફ બોર્ડ પાસે સમગ્ર ભારતમાં હાલમાં લગભગ 8.7 લાખ મિલકતો છે, જે લગભગ 9.4 લાખ એકર જમીનમાં ફેલાયેલી છે. તેમની કુલ કિંમત લગભગ 1.2 લાખ કરોડ રૂપિયા જેટલી હોવાનો અંદાજ છે.
આખી દુનિયામાં સૌથી વધુ વક્ફ પ્રૉપર્ટી ભારતમાં છે. ભારતમાં આર્મી અને રેલવે પછી વકફ બોર્ડ પાસે સૌથી વધુ જમીન છે.
વકફની કઈ જોગવાઈઓ વિવાદમાં છે?
છેલ્લાં બે વર્ષમાં દેશની અલગ-અલગ હાઇકોર્ટમાં વકફ સંબંધિત લગભગ 120 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ આ કાયદામાં સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
કોર્ટમાં આપવામાં આવેલી અરજીઓમાં વકફ કાયદાની માન્યતાને એ આધારે પડકારવામાં આવી હતી કે આ પ્રકારના કાયદા જૈન, શીખ અને અન્ય લઘુમતીઓ સહિત અન્ય ધર્મોને લાગુ પડતા નથી.
નવા બિલની જોગવાઈ અનુસાર માત્ર એવી વ્યક્તિ જ દાન આપી શકે જેણે સળંગ પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કર્યું હોય, એટલે કે મુસ્લિમ હોય અને દાનમાં આપવામાં આવતી મિલકતનો માલિકી હક્ક હોય.
વકફ ઍક્ટમાં બે પ્રકારની વકફ મિલકતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલો વકફ અલ્લાહના નામે છે, એટલે કે, 'એવી મિલકત જે અલ્લાહને સમર્પિત કરવામાં આવી છે અને જેના માટે કોઈ વારસાનો હક બાકી નથી.'
બીજું વકફ- 'વકફ અલાલ ઔલાદ છે, એટલે કે એવી વકફ મિલકત જેની સંભાળ વારસદારો દ્વારા કરવામાં આવશે.'
બીજા પ્રકારના વકફમાં નવા બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે તેમાં મહિલાઓના વારસાગત અધિકારો ખતમ નહીં થઈ શકે.
એકવાર આવી દાનમાં આપેલી મિલકત સરકારના ખાતામાં આવી જાય પછી જિલ્લા કલેક્ટર તેનો ઉપયોગ વિધવા મહિલાઓ અથવા અનાથ બાળકોના કલ્યાણ માટે કરી શકશે.
જ્યારથી લોકસભામાં પ્રસ્તાવિત સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે ત્યારથી લોકોમાં એવો ડર છે કે સરકાર તેમની જમીન પર કબજો કરવા માગે છે.
પરંતુ સરકારનો દાવો છે કે આ બિલ લાવવાથી વકફ સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવામાં સરળતા રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












