ઍન્ટિબાયૉટિક દવાઓની અસર ઘટવાથી 30 લાખ બાળકોએ જીવ ગુમાવ્યા, નવા અભ્યાસમાં શું સામે આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડોમિનિક હ્યૂજેસ
- પદ, બીબીસી સંવાદદાતા
વિશ્વમાં 30 લાખ કરતાં વધુ બાળકોનાં મોત ઍન્ટિબાયૉટિક દવાઓ સામે પ્રતિરોધક ક્ષમતા વિકસિત થવાને કારણે થવાની આશંકા છે. બાળ સ્વાસ્થ્યના ટોચના નિષ્ણાતોએ 2022માં કરેલા એક અધ્યયન બાદ આ વાત જણાવી છે.
આનો સૌથી વધુ ખતરો આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાનાં બાળકો પર હોવાનું જાણવા મળ્યું છે.
આ સ્થિતિને ઍન્ટિમાઇક્રોબાયલ રેઝિસટન્સ (રોગાણુરોધી પ્રતિરોધ) એટલે કે એએમઆઇ કહેવાય છે.
એએમઆર શરીરમાં ત્યારે વિકસિત થાય છે જ્યારે ચેપ પેદા કરતા રોગાણુ, એટલા તાકતવર થઈ જાય છે કે ઍન્ટિબાયૉટિક દવાઓની અસર થવાની બંધ થઈ જાય છે.
આને વિશ્વના સામે એક મોટો "સ્વાસ્થ્ય ખતરો" માનવામાં આવી રહ્યો છે.
આ નવા અધ્યયનથી ખબર પડી છે કે એએમઆર બાળકો પર કેવી ખરાબ અસર કરી રહ્યું છે.
અધ્યયન માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ) અને વિશ્વ બૅન્ક સહિત ઘણી સંસ્થાઓના આંકડા લેવામાં આવ્યા હતા. સંશોધન કરનારાનું અનુમાન છે કે વર્ષ 2022માં 30 લાખ કરતાં વધુ બાળકોનાં મૃત્યુ દવા સામે પેદા થયેલી પ્રતિરોધક ક્ષમતા સાથે જોડાયેલી છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે આ અધ્યયન માત્ર 30 વર્ષના સમયગાળામાં બાળકોમાં એએમઆરસંબંધી ચેપોમાં દસ ગણા કરતાં વધુ વૃદ્ધિને ઉજાગર કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોવિડ મહામારીને કારણે આ સ્થિતિ હજુ બદતર બની શકે છે.
ઍન્ટિબાયૉટિક દવાઓનો વધતો ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઍન્ટિબાયૉટિક્સનો ઉપયોગ ત્વચા સંક્રમણથી માંડીને ન્યૂમોનિયા સુધી ઘણા પ્રકારના જીવાણુજન્ય ચેપોના ઇલાજ કે નિવારણ કે રોકથામ માટે કરાય છે.
ક્યારેક ક્યારેક ચેપના ઇલાજને સ્થાને આનો રોકથામ માટે પણ ઉપયોગ કરાય છે. જેમ કે, કોઈનું ઑપરેશન થઈ રહ્યું છે કે કૅન્સર માટે કિમોથૅરપીનો ઇલાજ ચાલી રહ્યો હોય.
જોકે, સામાન્ય શરદી, ફ્લૂ કે કોવિડ જેવી બીમારીઓ અને વાઇરલ સંક્રમણો પર ઍન્ટબાયૉટિક્સની કોઈ અસર નથી થતી.
કેટલા જીવાણુઓએ હવે કેટલીક દવાઓ સામે પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લીધી છે. આના કારણે ઍન્ટિબાયૉટિક દવાઓનો ઉપયોગ ગેરવાજબી ગણાવાઈ રહ્યો છે.
નવી ઍન્ટિબાયૉટિક દવાઓનું ઉત્પાદન એક લાંબી અને મોંઘી પ્રક્રિયા છે અને એ ધીમી પડી ચૂકી છે.
રિપોર્ટના મુખ્ય લેખક ઑસ્ટ્રેલિયાના મર્ડોક ચિલ્ડ્ર્ન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં ડૉક્ટર યાનહોંગ જેસિકા હૂ અને ક્લિંટન હેલ્થ ઍક્સેસ ઇનિશિએટિવના પ્રોફેસર હર્બ હાર્વેલ ઍન્ટિબાયૉટિક દવાઓના ઉપયોગમાં જબરદસ્ત વૃદ્ધિ તરફ ઇશારો કરે છે.
2019 અને 2021 વચ્ચે 'વૉચ ઍન્ટિબાયૉટિક્સ' (પ્રતિરોધના ઉચ્ચ જોખમવાળી દવાઓ)નો ઉપયોગ દક્ષિણ પૂર્વ એશિયામાં 160 ટકા અને આફ્રિકામાં 126 ટકા વધી ગયો.
એ જ સમયે "રિઝર્વ ઍન્ટિબાયૉટિક્સ"નો પ્રયોગ દક્ષિણ પૂર્વ એશિયામાં 45 ટકા અને આફ્રિકામાં 125 ટકા વધી ગયો.
આ પ્રકારની ઍન્ટિબાયૉટિક્સનો ઉપયોગ ગંભીર પ્રતિરોધી ચેપો માટે કરાય છે.
ઘટતા જતા વિકલ્પ

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધકોએ ચેતવણી આપી છે કે જો બૅક્ટેરિયા આ ઍન્ટિબાયૉટિક દવાઓ સામે પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લે, તો મલ્ટિ-મેડિસિન પ્રતિરોધી ચેપોના ઇલાજ માટે ખૂબ ઓછા કે નગણ્ય વિકલ્પ બચશે.
પ્રોફેસર હાર્વેલ આ મહિનાના અંતમાં વિયેનામાં થઈ રહેલી યુરોપિયન સોસાયટી ઑફ ક્લિનિકલ માઇક્રોબાયોલૉજી ઍન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝની કૉંગ્રેસમાં પોતાના નિષ્કર્ષ રજૂ કરશે.
તેમણે કાર્યક્રમ પહેલાં કહ્યું, "એએમઆર એક વૈશ્વિક સમસ્યા છે. આ બધાને અસર કરે છે. અમે આ કામ ખરેખર તો એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કર્યો કે એએમઆર કેવી રીતે બાળકોને અસર કરે છે."
"અમારું અનુમાન છે કે સમગ્ર વિશ્વમાં રોગાણુરોધી પ્રતિરોધના કારણે 30 લાખ બાળકોનાં મૃત્યુ થયાં છે."
શું એએમઆરનું કોઈ સમાધાન છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)એ એએમઆરને હાલના સમયના સૌથી ગંભીર વૈશ્વિક સ્વાસ્થ્ય ખતરા પૈકી એક ગણાવ્યો છે, પરંતુ પ્રોફેસર હાર્વેલે ચેતવણી આપી છે કે આનો કોઈ સરળ જવાબ નથી.
તેમણે કહ્યું, "આ એક બહુપરિમાણીય સમસ્યા છે, જે ચિકિત્સાનાં તમામ પાસાં અને ખરા અર્થમાં માનવજીવન સુધી ફેલાયેલી છે. ઍન્ટિબાયૉટિક્સ આપણી ચારેકોર મોજૂદ છે. એ આપણા ભોજન અને પર્યાવરણમાં સમાઈ જાય છે, તેથી તેનું સમાધાન મેળવવું સરળ નથી."
તેમણે કહ્યું કે પ્રતિરોધી સંક્રમણથી બચવાની સૌથી સારી રીત છે ચેપથી સંપૂર્ણપણે બચીને રહેવું. આના માટે શુદ્ધ પાણી અને સફાઈ સાથે ઉચ્ચ સ્તરે રસીકરણ આવશ્યક છે.
"ઍન્ટિબાયૉટિક્સનો ઉપયોગ વધુ થશે, કારણ કે વધુ લોકોને તેની જરૂર છે, પરંતુ આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેનો યોગ્ય ઉપયોગ થાય અને યોગ્ય દવાઓનો ઉપયોગ કરાય."
કિંગ્સ કૉલેજ લંડમાં માઇક્રોબાયૉલૉજીનાં લેક્ચરર ડૉ. લિંડસે ઍડવર્ડ્સે કહ્યું કે નવો અભ્યાસ પાછલા આંકડાની સરખામણીએ મહત્ત્વપૂર્ણ અને ચિંતાજનક વૃદ્ધિ બતાવે છે.
તેમણે કહ્યું, "આ નિષ્કર્ષ સ્વાસ્થ્યક્ષેત્રમાં કામ કરનારા લોકો માટે ચેતવણી છે. આના પર નિર્ણાયક કાર્યવાહી વગર એએમઆર બાળ સ્વાસ્થ્યમાં થયેલી દાયકાઓની પ્રગતિને નબળી બનાવી શકે છે. વિશ્વનાં સૌથી નબળાં ક્ષેત્રોને એ ખૂબ નુકસાન પહોંચાડી શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












