જોધપુર : રાજસ્થાનનું એ 'વાદળી' શહેર, જે ઓળખ ગુમાવતું જાય છે

    • લેેખક, અર્શિયા
    • પદ, બીબીસી માટે

બ્લૂ સિટી નામે જાણીતું રાજસ્થાનનું જોધપુર શહેર વાદળિયા રંગનાં મકાનોથી દુનિયાભરના લોકોને પોતાના તરફ ખેંચે છે.

લેખિકા અર્શિયા કહે છે કે હવે શહેરમાં વાદળી રંગની ઇમારતો તેની સુંદરતા અને રંગ ગુમાવી રહી છે.

જોધપુરના બ્રહ્મપુરીનો આ વિસ્તાર પ્રખ્યાત મેહરાનગઢ કિલ્લાની છાયામાં આવેલો છે. 1459માં રાજપૂત રાજા રાવજોધાએ મેહરાનગઢ નામના મોટા કિલ્લાની નજીક એક મજબૂત દીવાલબંધ શહેર બનાવ્યું હતું.

આ શહેરને રાજાના નામ પરથી જોધપુર કહેવામાં આવ્યું. વાદળી રંગનાં મકાનોથી છવાયેલા આ વિસ્તારને જોધપુરના જૂના અથવા મૂળ શહેર તરીકે ઓળખવામાં આવે છે.

જિંદલ સ્કૂલ ઑફ આર્ટ ઍન્ડ આર્કિટેક્ચરના સહાયક પ્રોફેસર એસ્થર ક્રિસ્ટિન શ્મિટ કહે છે કે વાદળી રંગ કદાચ 17મી સદી પહેલાં અપનાવાયો ન હતો.

પરંતુ ત્યારથી આ વિસ્તારના વાદળી રંગનાં હરબંધ મકાન જોધપુર શહેરની ઓળખનું વિશેષ પ્રતીક બની ગયાં હતાં. મેહરાનગઢ સંગ્રહાલયના ક્યુરેટર સુનયના રાઠોડ કહે છે, "રાજસ્થાનના જોધપુરને 'બ્લૂ સિટી' તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે છેલ્લાં 70 વર્ષમાં શહેર ફેલાયું હોવા છતાં બ્રહ્મપુરી તો શહેરનું દિલ જ છે."

બ્રહ્મપુરીનો અર્થ સંસ્કૃતમાં "બ્રાહ્મણોની નગરી" થાય છે. તે વિસ્તાર કહેવાતા ઉજળિયાત વર્ગના પરિવારોની વસાહત તરીકે બાંધવામાં આવ્યો હતો. અહીંના લોકોએ હિંદુ જાતિવ્યવસ્થા પ્રત્યેની તેમની વિશિષ્ટ સામાજિક-સાંસ્કૃતિક અને ધાર્મિક નિષ્ઠાના પ્રતીક તરીકે વાદળી રંગ અપનાવ્યો હતો.

તેઓ પોતાની ઓળખ એવી રીતે અલગ દર્શાવે છે જેવી રીતે મોરોક્કોના શેફચોનના યહૂદીઓ કે જેઓ 15મી સદીમાં સ્પૅનની કાયદાકીય પૂછપરછથી ભાગીને મદીના નામના શહેરના જૂના ભાગમાં સ્થાયી થયા હતા.

એવું માનવામાં આવે છે કે તેમણે પોતાનાં ઘર, દેવળ અને જાહેર કાર્યાલયોને પણ વાદળી રંગે રંગ્યાં છે, જેને યહૂદી ધર્મમાં પવિત્ર રંગ માનવામાં આવે છે.

આ રંગ અનેક રીતે ફાયદાકારક સાબિત થયો. ચૂનાના પ્લાસ્ટર સાથે મિશ્રિત વાદળી રંગ ઘરને અંદરથી ઠંડું રાખવામાં મદદ કરે છે. બ્રહ્મપુરીમાં પણ આવા જ દ્રાવણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ ઘરને તો ઠંડું કરે જ છે, પ્રવાસીઓને પણ આકર્ષે છે.

પરંતુ શેફચોનથી વિપરીત, જોધપુરમાં વાદળી રંગ ફિક્કો થવા લાગ્યો છે. આનાં ઘણાં કારણો છે.

ઐતિહાસિક રીતે, જોઈએ તો વાદળી રંગ સરળ રીતે ઉપલબ્ધ હોવાથી તે બ્રહ્મપુરીના લોકો માટે હાથવગો વિકલ્પ હતો.

રાજસ્થાનની પૂર્વ છેડે આવેલું બયાના શહેર ગળી ઉત્પાદકોનું મુખ્ય મથક હતું. ગળીનો પાક લેવાથી જમીનને નુકસાન પહોંચતું હોવાથી કાળાંતરે ત્યાં ગળીની ખેતી ઓછી થતી ગઈ હતી.

તાપમાનને લીધે સમસ્યા વધી

વધતા તાપમાને તેની સુંદરતાને ઝાંખપ લગાડી છે. હવે વાદળી રંગ મકાનોને ઠંડાં કરવાં માટે પૂરતો નથી. લોકોની આવકમાં વધારો થવાથી ધીમે ધીમે લોકો ઍર કંડીશનર (એસી) જેવી આધુનિક સુવિધા તરફ વળ્યા છે, જે લોકોને કાળઝાળ ગરમીથી રાહત આપે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઈઆઈટી), ગાંધીનગરના સિવિલ એન્જિનિયરિંગના સહાયક પ્રોફેસર ઉદિત ભાટિયા કહે છે કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં તાપમાનમાં ધીમે ધીમે વધારો થયો છે.

પ્રોફેસર ભાટિયા આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવેલી ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરે છે.

આઈઆઈટી ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવેલ વિશ્લેષણ દર્શાવે છે કે જોધપુરનું સરેરાશ તાપમાન 1950માં 37.5 ડિગ્રી સેલ્સિયસથી વધીને 2016માં 38.5 ડિગ્રી સે. થયું હતું.

ભાટિયા કહે છે કે મકાનને ઠંડું રાખવા ઉપરાંત, આ વાદળી પૅઇન્ટમાં જંતુ ભગાડનાર ગુણધર્મો પણ છે, કારણ કે કુદરતી ગળીને વાદળી કોપર સલ્ફેટ સાથે ભેળવીને રંગરોગાન કરવામાં આવે છે.

શહેરીકરણની દોટમાં પરંપરાગત ડહાપણ પાછળ છૂટી ગયું

પ્રોફેસર ભાટિયા કહે છે કે શહેરીકરણ ખરાબ નથી, પરંતુ તેના કારણે તે પરંપરાગત પદ્ધતિઓ જે તે વાતાવરણ અને આબોહવા પ્રમાણે યોગ્ય હતી તે છૂટી રહી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ જોધપુરની શેરીઓમાં બંને બાજુ વાદળી રંગનાં મકાનો છે ત્યાં આજે ચાલતી જશે અને આવતી કાલે એ શેરીઓમાં ફરશે જ્યાં ઘેરા રંગનાં મકાનો છે તો ઘેરા રંગનાં મકાનોવાળા વિસ્તારોમાં તેને વધારે ગરમીનો ફરક સ્પષ્ટ રીતે અનુભવાશે."

જેને હિટ આઇલૅન્ડ ઇફેક્ટ કહેવામાં આવે છે, જ્યાં તાપમાન વધારે આકરું ત્યારે અનુભવાય છે જ્યાં તમારી આસપાસનાં મકાનો કૉંક્રિટ, સિમેન્ટ અને કાચનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હોય અને ઘેરા રંગના હોય. આવા સ્થળ-સંજોગોમાં ગરમી વધારે અનુભવાય છે.

શહેરોમાં હવે મકાન બનાવવાની જૂની પદ્ધતિઓ છૂટી રહી છે. ઊંચા તાપમાનવાળાં સ્થળોએ, ઘરો બાંધવાં ચૂનાના પથ્થરનો ઉપયોગ થતો હતો, હવે તેનું સ્થાન સિમેન્ટ અથવા કૉંક્રિટે લઈ લીધું છે, જે વાદળી રંગને યોગ્ય રીતે શોષી શકતા નથી.

ગળીનું ઉત્પાદન ઘટ્યું અને ખર્ચ પણ વધ્યો

બ્રહ્મપુરીમાં રહેતા 29 વર્ષીય સિવિલ એન્જિનિયર આદિત્ય દવે કહે છે કે તેમના 300 વર્ષ જૂના પૈતૃક ઘરનો મોટો ભાગ વાદળી રંગથી રંગાયેલો છે.

જોકે, કેટલીક વાર તેઓ બહારની દીવાલોને અન્ય રંગોથી પણ રંગે છે. તેઓ આવું એટલા માટે કરે છે કે હાલના સમયમાં ગળીની અછતને કારણે રંગની કિંમત વધી ગઈ છે.

દસેક વર્ષ અગાઉ ઘરને વાદળી રંગે રંગવા માટે લગભગ 5,000 રૂપિયાનો ખર્ચ થતો હતો, પરંતુ આજે તેનો ખર્ચ 30,000 રૂપિયાથી વધુ છે.

દવે કહે છે, "આજકાલ મકાનોની આસપાસ ખુલ્લી ગટરો છે, જે વાદળી રંગને પ્રદૂષિત કરે છે અને દીવાલોને નુકસાન પહોંચાડે છે."

આ કારણસર, જ્યારે તેમણે પાંચ વર્ષ પહેલાં બ્રહ્મપુરીમાં પોતાનું ઘર બનાવ્યું, ત્યારે તેમણે ટાઇલ્સનો ઉપયોગ કર્યો, વારંવાર સમારકામની જરૂર પડતી નથી. તેઓ કહે છે કે "તે સસ્તું પણ છે."

શહેરની ઓળખ સામે ઊભું થયેલું જોખમ

જોકે, આને લીધે શહેરની ઓળખ ઝંખવાય છે. આ વિસ્તારના કાપડવિક્રેતા દીપક સોની કહે છે કે તેના કારણે અહીં આવતા પ્રવાસીઓને છેતરાયાનો અહેસાસ થશે. દીપક બ્રહ્મપુરીની વાદળી મકાનોની ઓળખ જાળવવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરે છે.

તેઓ પૂછે છે કે, "આપણે શરમ અનુભવવી જોઈએ કે જ્યારે કોઈ આપણા શહેરની ઓળખ જોવા આવે છે, ત્યારે તે વાદળી રંગનું ઘર જોવા નથી મળતું. ઘણા વિદેશીઓ જોધપુર શહેરની સરખામણી શેફચોન સાથે કરે છે. જો શેફચોનના લોકો સદીઓથી પોતાનાં મકાનોને વાદળી રાખી શકતાં હોય તો આપણે કેમ ન કરી શકીએ?

મૂળ બ્રહ્મપુરીના રહેવાસી સોની હવે જૂના જોધપુરની બહાર વિકસેલા નવા શહેરમાં રહે છે. તેમનું કહેવું છે કે 2018માં અધિકારીઓ અને સ્થાનિક લોકોએ સાથે મળીને આ શહેરની ઓળખ જાળવવાની જવાબદારી ઉપાડી હતી.

2019થી તેમણે દર વર્ષે 500 મકાનોની બહારની દીવાલોને વાદળી રંગવા માટે બ્રહ્મપુરીના રહેવાસીઓ પાસેથી સ્થાનિક સ્તરે ભંડોળ પણ ભેગું કર્યું હતું.

ઓળખ ટકાવી રાખવા માટે સહિયારો પ્રયાસ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે બ્રહ્મપુરીમાં લગભગ 3,000 મકાનમાલિકોને તેમના ઘરની બહારની દીવાલો અને છતને વાદળી રંગવા માટે સમજાવ્યા છે, જેથી કમસે કમ જ્યારે કોઈ બ્રહ્મપુરીમાં ફોટો લે ત્યારે તેની પાછળનો રંગ વાદળી દેખાય.

સોનીનો અંદાજ છે કે બ્રહ્મપુરીનાં 33,000 મકાનો પૈકી લગભગ અડધાં હાલ વાદળી રંગનાં છે.

તેઓ સ્થાનિક અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે મળીને મકાનોમાં લાઇમ પ્લાસ્ટર લગાવવાની યોજના પર કામ કરી રહ્યા છે જેથી વધુમાં વધુ ઘર રંગાઈ શકે.

તેઓ કહે છે કે, "જે શહેરને તેઓ પોતાનું ઘર માને છે તેના માટે આટલું તો કરી જ શકે છે. જો આપણે તેના વારસાની પરવા ન કરીએ અને તેને બચાવવા માટે કંઈ ન કરીએ, તો જોધપુરની બહાર રહેતા લોકો એની ચિંતા શું કામ કરે?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.