એ સેક્સ કૌભાંડ જેમાં એક દેશની સરકારનું પતન થયું, મંત્રીએ પદ ગુમાવ્યું અને એક યુવતીનું જીવન બરબાદ થઈ ગયું

બીબીસી ગુજરાતી યુકે ક્રિસ્ટિન કિલર સેક્સ સ્કેન્ડલ સ્ટીફન વોર્ડ શૉગર્લ રાજકારણ સરકાર જોન પ્રોફ્યુમો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રિસ્ટિન કિલર
    • લેેખક, માયલ્સ બર્ક
    • પદ, બીબીસી ન્યૂઝ

બ્રિટનના રાજકારણમાં દાયકાઓ અગાઉ પ્રોફ્યુમો અફેર નામે એક સેક્સ કૌભાંડે હલચલ મચાવી દીધી હતી જેમાં 5 જૂન, 1963ના રોજ સરકારના એક મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું.

આ કહાણીના એક મુખ્ય પાત્ર ક્રિસ્ટિન કિલરે 1983માં બીબીસી સાથે વાત કરી હતી અને સેક્સ, જૂઠાણાં તથા કૉલ્ડ વૉરના ભ્રમ વિશેના ખતરાની કહાણીમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

ક્રિસ્ટિન કિલરે 1983માં બીબીસીના સુ લોલીને નૅશનવાઇડ કાર્યક્રમમાં કહ્યું કે, "છેલ્લાં 20 વર્ષથી મને લાગે છે કે હું જાણે અખબારનું એક કતરણ છું, મને કદી મારી વાત રજૂ કરવા નથી મળી."

તેઓ યુકેના એક ચર્ચાસ્પદ રાજકીય કૌભાંડ વિશે વાત કરતાં હતાં, જેણે તેમના જીવનમાં ઉથલપાથલ મચાવી હતી અને ઘેરઘેર જાણીતાં કરી દીધાં હતાં. આ કૌભાંડ એટલે 'પ્રોફ્યુમો અફેર.'

5 જૂન 1963ના રોજ જોન "જેક" પ્રોફ્યુમોએ યુકેના સંરક્ષણ મંત્રીના પદેથી રાજીનામું આપ્યું અને તેમણે સ્વીકાર્યું કે તેઓ પોતાના અફેર વિશે ખોટું બોલ્યા હતા.

આ ઘટના બાદ 21 વર્ષનાં મોડેલ ક્રિસ્ટિના કિલર સમાચારોમાં ચમકવાં લાગ્યાં.

બ્રિટિશ પ્રેસનો આરોપ હતો કે બે વર્ષ અગાઉ પોતાનાં અફેર દરમિયાન ક્રિસ્ટિના કિલર સોવિયેત નૌકાદળના અધિકારી યેવજેની ઇવાનોવને પણ મળ્યાં હતાં, જેઓ રશિયન જાસૂસ માનવામાં આવતા હતા.

બીબીસી ગુજરાતી યુકે ક્રિસ્ટિન કિલર સેક્સ સ્કેન્ડલ સ્ટીફન વોર્ડ શૉગર્લ રાજકારણ સરકાર જોન પ્રોફ્યુમો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રિસ્ટિન કિલરના જીવન પર પ્રોફ્યુમો પ્રકરણની અસર કાયમ માટે રહી

આ વાર્તામાં બધું જ હતુંઃ સેક્સ, શૉગર્લ અને બ્રિટિશ ઉચ્ચ વર્ગ સાથે જૂઠાણું, ગોળીબાર તથા કોલ્ડ વૉર સમયની જાસૂસી.

કિલર આ કૌભાંડ અંગે લગભગ અજાણ હતાં જેમાં તેઓ ફસાઈ ગયાં હતાં અને પરિણામે તેમણે યુકેની સરકારના પતનમાં ભૂમિકા ભજવી હતી.

1983માં તેમણે બીબીસીને કહ્યું, "હું માત્ર 19 વર્ષની અશિક્ષિત યુવતી હતી. રાજકારણ મારા ગજા બહારની વાત હતી."

કેસની વિગતો બહાર આવતાં જ યુકેના ટૅબ્લોઇડ અખબારો તેમની પાછળ પડી ગયાં અને તેમની નિંદા કરવા લાગ્યાં. પ્રેસના કવરેજના કારણે લોકોમાં તેમના વિશે ચોક્કસ ધારણા બંધાઈ.

એક ખુરશીમાં નિર્વસ્ત્ર બેઠેલાં કિલરનો એક ફોટોગ્રાફ છપાયો, આ તસવીર 1960ના દાયકાના લંડનમાં સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યાયિત કરતી એક તસવીર બની ગઈ.

ગરીબીમાં બાળપણ, જાતીય શોષણ અને અસ્તિત્વ માટે સંઘર્ષ

બીબીસી ગુજરાતી યુકે ક્રિસ્ટિન કિલર સેક્સ સ્કેન્ડલ સ્ટીફન વોર્ડ શૉગર્લ રાજકારણ સરકાર
ઇમેજ કૅપ્શન, બીબીસીના એક કાર્યક્રમમાં ક્રિસ્ટિન કિલરે પોતાની આપવીતી જણાવી હતી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રોફ્યુમો અફેર બહાર આવ્યું પહેલાંથી જ કિલર એક કઠિન અને પીડાદાયક જિંદગી જીવતાં હતાં.

1942માં યુકેનાં યુક્સબ્રિજમાં જન્મેલાં કિલર નાની વયનાં હતાં, ત્યારે જ તેમના પિતાએ પરિવારને તરછોડી દીધો હતો.

તેમનો ઉછેર ગરીબીમાં થયો હતો. કિશોરાવસ્થામાં સાવકા પિતા અને તેમના મિત્રોના હાથે કિલરનું જાતીય શોષણ થયું હતું.

17 વર્ષની ઉંમરે તેઓ એક અમેરિકન સૈનિક દ્વારા ગર્ભવતી થયાં હતાં. સૈનિક પાછો અમેરિકા જતો રહ્યો ત્યારે કિલરે ગર્ભપાતનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આખરે તેમણે એક પુત્રને જન્મ આપ્યો, જે માત્ર છ દિવસમાં મૃત્યુ પામ્યો.

15 વર્ષની ઉંમરે કોઈ પણ લાયકાત વગર ભણવાનું છોડી દીધાં બાદ તેમણે મૉડલ અને વેઇટ્રેસ તરીકે કામ કર્યું. ત્યાર પછી તેમને લંડનના સોહોમાં આવેલી મરે કેબ્રે ક્લબમાં શૉ-ગર્લ તરીકેની નોકરી મળી.

ક્લબમાં જ તેમની મુલાકાત 16 વર્ષનાં મેન્ડી રાઇસ-ડેવિસ સાથે થઈ, જેમણે બ્રિટનના ભદ્રવર્ગમાં પ્રવેશ અપાવે તેવા સ્ટીફન વૉર્ડ સાથે તેમની ઓળખાણ કરાવી.

વૉર્ડ એ હાર્લી સ્ટ્રીટના એક સફળ ઑસ્ટિઓપેથ (એક પ્રકારની હાડકા અને સ્નાયુની સારવાર પદ્ધતિના ચિકિત્સક) હતા, જેમના ક્લાયન્ટમાં કુલીન વર્ગના સભ્યો અને 1960ના દાયકાની શરૂઆતમાં સાંસ્કૃતિક ક્ષેત્રની કેટલીક જાણીતી હસ્તિઓનો સમાવેશ થતો હતો.

દેશના ઉચ્ચ વર્ગના પ્રભાવશાળી લોકો સાથે તેમના સંપર્કો હતા. તેમણે પોટ્રેટ કલાકાર તરીકે પણ કામ કર્યું હતું અને કેટલીક વખત તેમના સંપર્કમાં આવેલા લોકોના પોટ્રેટ પણ બનાવ્યા હતા.

તેમાં રાણી એલિઝાબેથ દ્વિતિયના પતિ પ્રિન્સ ફિલિપ અને તેમનાં બહેન પ્રિન્સેસ માર્ગારેટનો પણ સમાવેશ થાય છે.

રાઇસ-ડેવિસે 2013માં બીબીસીના 'વિટનેસ હિસ્ટ્રી' કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, "સ્ટીફન પોતે એક હેન્ડસમ, બુદ્ધિશાળી માણસ હતો. તેમની ઍડ્રેસ બુકમાં દેશની તમામ જાણીતી હસ્તિઓનાં સરનામાં હતાં. તેમના ક્લાયન્ટમાં લીઝ ટેલર, સૉફિયા લૉરેન અને ઇંગ્લૅન્ડના અડધોઅડધ કુલીન વર્ગનો સમાવેશ થતો હતો. એક રીતે જોવામાં આવે તો તેઓ ખૂબ શક્તિશાળી હતા."

વૉર્ડની ખાસિયત હતી કે તેઓ મોટી ઉંમરના અને વગદાર પુરુષો સાથે પોતાની યુવાન મહિલામિત્રોની જોડી બનાવી આપતા હતા.

આ બે શૉ-ગર્લ્સને મળ્યા પછી તેમણે બંનેને પોતાની સાથે રાખી. ક્રિસ્ટિન કિલર હવે વૉર્ડના ફ્લૅટમાં રહેવાં લાગ્યાં. તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી, છતાં તેમની વચ્ચે પ્લેટોનિક સંબંધ રહ્યાં.

ત્યારબાદ વૉર્ડે કિલર અને રાઇસ-ડેવિસને કુલીન અને ઉચ્ચવર્ગની પાર્ટીઓમાં લઈ જવાનું શરૂ કર્યું, જ્યાં તેમનો ઘણા શ્રીમંત અને પ્રભાવશાળી મિત્રો સાથે પરિચય કરાવ્યો અને તેમની વચ્ચે સંપર્ક વિકસાવી આપ્યા.

એ મુલાકાત જેનાથી ક્રિસ્ટિન કિલરનું જીવન બદલાઈ ગયું

બીબીસી ગુજરાતી યુકે ક્રિસ્ટિન કિલર સેક્સ સ્કેન્ડલ સ્ટીફન વોર્ડ શૉગર્લ રાજકારણ સરકાર

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, ક્રિસ્ટિનને નવ મહિનાની કેદ થઈ.

ક્રિસ્ટિન કિલરે બીબીસીને કહ્યું, "સ્ટીફનને મળનાર કોઈપણ વ્યક્તિ સમજી શકે કે તે ખૂબ જ આકર્ષક હતા, તેમાં એક ચાર્મ હતો અને હું તેની ખૂબ નજીક હતી."

"પણ મને લાગે છે કે તેનું વલણ ખોટું હતું, તેઓ અમુક હદે ખરાબ હતા. છતાં હું તેની બહુ પરવાહ કરતી હતી."

વૉર્ડના કારણે જ ક્રિસ્ટિન કિલર અને યુકેના મંત્રી જૉન પ્રોફ્યુમોની મુલાકાત થઈ હતી.

વૉર્ડના મિત્રોમાં ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ સાંસદ લૉર્ડ એસ્ટર પણ સામેલ હતા, જેઓ બકિંગહામશાયરમાં પોતાની ક્લાઇવડેન એસ્ટેટમાં દર સપ્તાહના અંતે પાર્ટીઓ યોજતા હતા.

8 જુલાઈ 1961ના રોજ આવા એક કાર્યક્રમમાં લૉર્ડ એસ્ટર દ્વારા આમંત્રિત પ્રતિષ્ઠિત મહેમાનોમાં પ્રોફ્યુમો અને તેમનાં અભિનેત્રી પત્ની વેલેરી હોબસન પણ હતાં. તેઓ 1935માં 'બ્રાઇડ ઑફ ફ્રેન્કેસ્ટાઇન'માં બૉરિસ કાર્લોફ સાથે અને 1946માં ડૅવિડ લીનની 'ગ્રેટ ઍક્સપૅક્ટેશન્સ'માં અભિનય કરવા માટે જાણીતાં હતાં.

સ્ટીફન વૉર્ડે લૉર્ડ એસ્ટર પાસેથી એસ્ટેટની એક કૉટેજ ભાડે લીધી હતી અને કિલર સહિત કેટલાંક મિત્રો સાથે ત્યાં ગયાં હતાં. તેમણે ક્લાઇવડેનના સ્વિમિંગ પૂલનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

બીબીસી ગુજરાતી યુકે ક્રિસ્ટિન કિલર સેક્સ સ્કેન્ડલ સ્ટીફન વોર્ડ શૉગર્લ રાજકારણ સરકાર જોન પ્રોફ્યુમો
ઇમેજ કૅપ્શન, બ્રિટિશ રાજકારણી જોન પ્રોફ્યુમો તેમનાં પત્ની વૅલેરી હૉબસન સાથે

કિલરે 2001માં બીબીસી 'વુમન્સ અવર'માં કહ્યું હતું, "સ્ટીફનને બાદ કરતા અમે બધાં સ્વિમિંગ કરી રહ્યાં હતાં, કારણ કે તેઓ ક્યારેય સ્વિમિંગ કરતા ન હતા. મને એક મોટી સાઇઝનો સ્વિમિંગ સૂટ મળ્યો હતો. સ્ટીફને મને કહ્યું, 'તને આના વિશે ફરિયાદ હોય તો તે ઉતારી નાખ.' તેથી મેં તેને ઉતારીને ફેંકી દીધો. તેવામાં બિલ એસ્ટર અને પ્રોફ્યુમો ત્યાં આવ્યા."

એક ટીનેજર યુવતીને નગ્નાવસ્થામાં જોઈને 46 વર્ષીય પ્રોફ્યુમો મોહિત થઈ ગયા.

જોકે, વૉર્ડના બીજા મિત્ર કૅપ્ટન ઇવાનોવ પણ આ જ કુટિરમાં રોકાયા હતા, જેઓ લંડનમાં રશિયન દૂતાવાસમાં નેવીના એટેચી હતા.

રાઇસ-ડેવિસે 2013માં બીબીસીને જણાવ્યું હતું, "તેઓ ખૂબ જ મોહક હતા. હું તેની સાથે સામ્યવાદના સિદ્ધાંતો વિશે વાત કરતી હતી, તે ખરેખર ઉમદા માણસ હતા."

તેમણે કહ્યું, "ઘણી વાર મેં સ્ટીફનને પૂછ્યું કે શું તમે જાસૂસ છો? તેઓ કહેતા, 'અરે ડાર્લિંગ, રશિયન દૂતાવાસમાં બધા જ જાસૂસો છે."

કિલરે પાછળથી સ્વીકાર્યું કે તેમણે એક વખત કૅપ્ટન ઇવાનોવ સાથે સહશયન કર્યું હતું, પરંતુ તેમની વચ્ચે કોઈ રિલેશનશિપ ન હતી.

તેમણે કહ્યું, "તમે મારા પુસ્તકમાં વાંચ્યું તે પ્રમાણે હું ક્યારેય ઇવાનોવની નજીક ન હતી. અમારી મુલાકાત થતી, પરંતુ અમે ક્યારેય પ્રેમી નહોતાં. પરંતુ પ્રોફ્યુમો સાથે મને લાગે છે કે હું થોડી ઉત્સુક હતી, કારણ કે તેઓ સંરક્ષણ મંત્રી હતા. મને ખ્યાલ ન હતો કે પરિસ્થિતિ આટલી બધી ખતરનાક બનશે. આ મામલે મારા તરફથી કોઈ ચાલાકી થઈ નહોતી."

પ્રોફ્યુમોએ તેમનો ફોન નંબર માંગ્યો, પરંતુ કિલરે 'વુમન્સ અવર'ને જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમણે પ્રોફ્યુમોને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ફોન નંબર માટે સ્ટીફનને પૂછવા કહ્યું કારણ કે "હું નહોતી ઇચ્છતી કે તેઓ મને ફોન કરે. તેઓ એક મોટી ઉંમરના હતા અને મને તે બિલકુલ ગમતા ન હતા."

"પરંતુ વૉર્ડ ચોક્કસ ઇચ્છતા હતા કે હું પ્રોફ્યુમો સાથે જાઉં, તેમણે મને તેમને (પ્રોફ્યુમોને) મળવા માટે મનાવી લીધી," એમ કિલરે 1983માં બીબીસીને જણાવ્યું હતું.

વૉર્ડના આગ્રહથી તેઓ રાજકારણી પ્રોફ્યુમો સાથે ડિનર પર જવા સંમત થયાં, બંનેનું અફેર શરૂ થયું જે "થોડાં અઠવાડિયા, અથવા વધુમાં વધુ એક મહિના" સુધી ચાલ્યું અને પછી સૌહાર્દપૂર્ણ રીતે સમાપ્ત થઇ ગયું.

જાસૂસીના આરોપો અને કોર્ટ કેસ

બીબીસી ગુજરાતી યુકે ક્રિસ્ટિન કિલર સેક્સ સ્કેન્ડલ સ્ટીફન વોર્ડ શૉગર્લ રાજકારણ સરકાર જોન પ્રોફ્યુમો
ઇમેજ કૅપ્શન, કોર્ટમાં ગુનો સાબિત થયા પછી ડૉ. સ્ટીફન વૉર્ડે જુલાઈ,1963માં પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

તેમના સંબંધોની વાતો મીડિયામાં ફેલાવા લાગી. પરંતુ ડિસેમ્બર 1962માં વૉર્ડના ફ્લૅટની બહાર કોઈ ઘટના બની ન હોત તો આ બાબત ક્યારેય જાહેર ન થાત.

ત્યાં સુધીમાં કિલરે બે અન્ય પુરુષો સાથે ડેટિંગ શરૂ કર્યું હતું. તેમાંથી એક ઍલોયસિયસ "લકી" ગૉર્ડન નામના જાઝ સિંગર હતા, જ્યારે બીજો માણસ જૉની એજકૉમ્બ નામનો એક સાધારણ અપરાધી હતો.

બંનેનો ભૂતકાળ હિંસક હતો અને તેઓ ક્રિસ્ટિન કિલર મામલે એકબીજાની ઇર્ષ્યા કરતા હતા. ક્રિસ્ટિને એજકૉમ્બ સાથેનો સંબંધ તોડી નાખ્યો, ત્યારે તે વૉર્ડના ફ્લૅટની બહાર આવી ગયો અને અંદર જવા દેવાની માંગણી કરવા લાગ્યો. રાઇસ-ડેવિસે જ્યારે ના પાડી ત્યારે તેણે પોતાની બંદૂક કાઢી અને દરવાજા પર ગોળીબાર કર્યો.

રાઇસ-ડેવિસે 2013માં વિટનેસ હિસ્ટ્રીને કહ્યું કે, "અમે પોલીસને ફોન કર્યો અને પોલીસ આવી. તેની પાછળ પાછળ પ્રેસના લોકો પણ આવી ગયા."

1960ના દાયકા સુધીમાં અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે શીત યુદ્ધ ચરમસીમાએ હતું. મીડિયાએ પહેલેથી જ ઘણી હાઇ-પ્રોફાઇલ જાસૂસી વાર્તાઓ આ મામલે આવરી લીધી હતી. 1961માં યુકે સિક્રેટ સર્વિસના ઑફિસર જ્યોર્જ બ્લૅકનો કેજીબીના ડબલ એજન્ટ તરીકે પર્દાફાશ થયો અને તે જ વર્ષે પૉર્ટલૅન્ડ સ્પાય રિંગ તરીકે ઓળખાતા પાંચ બ્રિટિશ નાગરિકો મૉસ્કોને સત્તાવાર રહસ્યો પહોંચાડવાનું કાવતરું ઘડતા પકડાયા હતા.

પ્રોફ્યુમો કૌભાંડના એક વર્ષ પહેલાં સોવિયેત યુનિયન દ્વારા એક ગે એડમિરલ્ટી ક્લાર્ક જોન વાસલને જાસૂસી કરવા માટે બ્લૅકમેઇલ કરવામાં આવ્યા હતા. એજકૉમ્બની ધરપકડના સમાચાર સાથે પ્રેસને ફરીથી સંરક્ષણ મંત્રીના પ્રેમ સંબંધોની અફવાઓમાં રસ પડ્યો. એવી શક્યતા પણ વ્યક્ત થઇ કે કિલરે તેમની પાસેથી રહસ્યો મેળવીને કૅપ્ટન ઇવાનોવને પહોંચાડ્યાં હશે.

અટકળો થવા લાગી ત્યારે ક્રિસ્ટિન કિલર એજકૉમ્બના કેસમાં જુબાની આપવાનું ટાળીને સ્પેન ભાગી ગયાં.

જીવલેણ હથિયાર રાખવા બદલ એજકૉમ્બને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. પરંતુ કિલર ગુમ થવાથી પ્રેસમાં તેમના અંગે વધુ તપાસ શરૂ થઈ. પ્રોફ્યુમો મામલાના આરોપો અને તેની રાષ્ટ્રીય સુરક્ષા પરની અસરો અંગે સંસદમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. જવાબમાં સંરક્ષણ મંત્રીએ સંસદમાં દાવો કર્યો કે કિલર સાથેના તેમના સંબંધોમાં કંઈ ખોટું ન હતું.

વેશ્યા હોવાનો આરોપ

બીબીસી ગુજરાતી યુકે ક્રિસ્ટિન કિલર સેક્સ સ્કેન્ડલ સ્ટીફન વોર્ડ શૉગર્લ રાજકારણ સરકાર જોન પ્રોફ્યુમો
ઇમેજ કૅપ્શન, સ્પેનના દરિયાકિનારે સનબાથિંગ કરી રહેલાં ક્રિસ્ટિન કિલર

લકી ગૉર્ડનને લગતા અન્ય એક અદાલતી મામલામાં કિલરની હાજરીના કારણે પ્રેસમાં કિલર અને પ્રોફ્યુમો વિશે વધુ હેડલાઇન્સ આવવા લાગી.

રાઈસ-ડેવિસે કહ્યું હતું કે, "પ્રેસ એકદમ પાગલ થઈ ગયું હતું. જોન પ્રોફ્યુમો માટે સ્થિતિ એટલી વિકટ થઈ ગઈ કે તેમણે હાઉસ ઑફ કૉમન્સમાં ઊભા થઈને કહેવું પડ્યું કે તેઓ ક્યારેય ક્રિસ્ટિનને કોઈ પણ પ્રસંગે મળ્યા નથી, સિવાય કે એક સામાજિક પ્રસંગમાં જ્યાં તેમનાં પત્ની પણ હાજર હતાં. જોકે, પ્રોફ્યુમો અને કિલરના સબંધોની પુષ્ટિ કરવા માટે મીડિયાએ મારો પણ સંપર્ક કર્યો હતો."

પોતાના અફેરનો ઇન્કાર કર્યાના દસ અઠવાડિયા પછી પ્રોફ્યુમોએ આખરે સ્વીકાર્યું કે તેઓ સંસદમાં જૂઠું બોલ્યા હતા અને તેમણે રાજીનામું આપ્યું.

પરંતુ વાત આટલેથી અટકે તેમ ન હતી.

પ્રોફ્યુમોના રાજીનામાના થોડા દિવસો પછી પોલીસે વૉર્ડની ધરપકડ કરી અને તેમના પર મહિલાઓનો ઉપયોગ કરીને તેમની પાસે અનૈતિક કામ કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો.

તેમની સામેના કોર્ટ કેસમાં ફરિયાદ પક્ષે કિલર અને રાઇસ-ડેવિસ પર સેક્સવર્કર હોવાનો અને વૉર્ડ પર તેમના દલાલ હોવાનો આરોપ મૂકાયો.

આ માટે રજૂ કરાયેલા પુરાવા એ હતા કે આ મહિલાઓને ક્યારેક તેમની સાથે સંબંધો ધરાવતા પુરુષો દ્વારા ભેટસોગાદો આપવામાં આવી હતી, તેઓ જ્યારે વૉર્ડના ફ્લૅટમાં રહેતાં, ત્યારે તેમણે વૉર્ડને વીજળી અને ખોરાક માટે રોકડા નાણાં આપ્યાં હતાં. આ બધા પુરાવા અપાયા.

સમાજના ભદ્ર વર્ગના લોકોના જાતીય જીવન વિશે માહિતી આપતો આ કેસ અને સાક્ષીઓની જુબાની અખબારોની હેડલાઇન્સ બનવા લાગી. આ કેસમાં સંડોવાયેલાં પાત્રોની એક ઝલક જોવા માટે દરરોજ કોર્ટમાં પત્રકારો અને સામાન્ય લોકોની ભીડ જામતી.

આવામાં રાઇસ-ડેવિસનું એક કથન બહુ ચર્ચાસ્પદ બન્યું. તેમને સાક્ષીના પાંજરામાં કહેવામાં આવ્યું કે લૉર્ડ એસ્ટરે તો તેમની સાથે સહશયન કર્યાનો ઇન્કાર કર્યો છે, ત્યારે તેમણે કહ્યું, "તેઓ (સહશયન) કરી શકે, શું તેઓ નહીં કરી શકે?"

બીબીસી ગુજરાતી યુકે ક્રિસ્ટિન કિલર સેક્સ સ્કેન્ડલ સ્ટીફન વોર્ડ શૉગર્લ રાજકારણ સરકાર જોન પ્રોફ્યુમો
ઇમેજ કૅપ્શન, કિલરના વિવાદાસ્પદ જીવન વિશે પુસ્તકો લખાયાં છે અને ફિલ્મ પણ બની છે.

વૉર્ડે જે વગદાર મિત્રોને કાળજીપૂર્વક રાખ્યા હતા, તેમાંથી કોઈ પણ તેના બચાવમાં જુબાની આપી શક્યું નહીં.

રાઇસ-ડેવિસે બીબીસીને જણાવ્યું, "સ્ટીફનને ખાતરી થઈ ગઈ કે હવે તે આ સ્થિતિને વધુ સંભાળી નહીં શકે, તેઓ વરુઓથી ઘેરાઈ ગયા હતા."

વૉર્ડ દોષિત હોવાનું જાહેર થયું તેના ત્રણ દિવસ પછી તેમણે આત્મહત્યા કરી લીધી.

વકીલ જ્યૉફ્રી રૉબર્ટસન ક્યુસી એવી વ્યક્તિઓ પૈકી છે જેઓ આ કેસને ન્યાયની નિષ્ફળતા માને છે. તેમની દલીલ છે કે બેમાંથી કોઈ યુવતી વેશ્યા ન હતી.

વૉર્ડ વાસ્તવમાં ઑસ્ટિયોપેથ તરીકેની પોતાની કમાણીમાંથી બંને યુવતીઓને મદદ કરતા હતા, પરંતુ તેઓ સરકારને બચાવવાની કવાયતનો ભોગ બન્યા હતા.

2017માં વૉર્ડની સજાની સમીક્ષા કરવાની અરજી નકારી કાઢવામાં આવી હતી. તેમના ટ્રાયલની સત્તાવાર સામગ્રી 2046 સુધી સીલબંધ રાખવામાં આવી છે.

કિલરના જીવન પર ઘટના છવાયેલી રહી

બીબીસી ગુજરાતી યુકે ક્રિસ્ટિન કિલર સેક્સ સ્કેન્ડલ સ્ટીફન વોર્ડ શૉગર્લ રાજકારણ સરકાર જોન પ્રોફ્યુમો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મેન્ડી રાઇસ ડેવિસ (ડાબે) અને ક્રિસ્ટિન કિલર એક કારમાં સાથે પ્રવાસ કરતી વખતે

વૉર્ડના મૃત્યુ પછી કિલર પણ કાયદાના સકંજામાં આવી ગયાં.

ડિસેમ્બર 1963માં અપીલ કોર્ટે ગૉર્ડનની ત્રણ વર્ષની સજા રદ કરી અને કિલર પર ટ્રાયલ દરમિયાન જૂઠું બોલવાનો આરોપ મૂકવામાં આવ્યો, કારણ કે તેમણે હુમલામાં હાજર બે પુરુષોને તેઓ ત્યાં હાજર ન હતા એવી જુબાની આપીને બચાવ્યા હતા. ખોટી જુબાની આપવા બદલ તેમને દોષિત ઠેરવવામાં આવ્યાં અને હોલોવે જેલમાં નવ મહિનાની સજા ફટકારવામાં આવી.

આ કૌભાંડના પગલે કન્ઝર્વેટિવ વડા પ્રધાન હેરૉલ્ડ મૅકમિલને પ્રોફ્યુમો પ્રકરણની તપાસનો આદેશ આપ્યો.

સપ્ટેમ્બર 1963માં લૉર્ડ ડૅનિંગના અહેવાલમાં તારણ કાઢવામાં આવ્યું કે 'રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ ચેડાં થયા નથી અને "ઘૃણાસ્પદ" જાતીય પ્રવૃત્તિની કેટલીક કહાણીને મંત્રીઓ સાથે સાંકળતા કોઈ પુરાવા મળ્યા નથી.'

જોકે, તેમણે આ કૌભાંડ મામલે સરકારની અયોગ્યતાની ટીકા કરી હતી. તેમણે મોટાભાગે "સંપૂર્ણપણે અનૈતિક" એવા વૉર્ડને દોષી ઠરાવ્યા.

આ અહેવાલ પર ઢાંકપીછોડો આરોપ મૂકવામાં આવ્યો અને પ્રોફ્યુમો કૌભાંડ અંગેની લૉર્ડ ડૅનિંગની ફાઇલોને જાહેરમાં પ્રકાશિત કરવાની મનાઈ ફરમાવાઈ. 2020માં કૅબિનેટ ઑફિસે 2048 સુધી આ ફાઇલોને ગુપ્ત રાખવાનો નિર્ણય લીધો હતો.

બીબીસી ગુજરાતી યુકે ક્રિસ્ટિન કિલર સેક્સ સ્કેન્ડલ સ્ટીફન વોર્ડ શૉગર્લ રાજકારણ સરકાર જોન પ્રોફ્યુમો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૉડલ અને શૉ-ગર્લ ક્રિસ્ટિન કિલર (જમણે) સાથે સ્ટીફન વૉર્ડ

આ સમગ્ર ઘટનાએ મૅકમિલનની સરકારની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું.

ઑક્ટોબર 1963માં વડા પ્રધાને નબળી તબિયતનું કારણ આપીને રાજીનામું આપ્યું અને કન્ઝર્વેટિવ પાર્ટી બીજા વર્ષે સામાન્ય ચૂંટણી હારી ગઈ.

પ્રોફ્યુમો ફરી ક્યારેય રાજકારણમાં આવી ન શક્યા અને બાકીના દિવસો પૂર્વ લંડનની ટોયન્બી હૉલ નામની ચૅરિટીમાં સ્વયંસેવક તરીકે ગાળ્યા. 1975માં મહારાણીએ તેમને સીબીઈ (કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર) ખિતાબ એનાયત કર્યો.

કિલર એટલા નસીબદાર ન હતાં. જેલમાંથી છૂટ્યાં પછી તેમને પોતાનું ગુજરાન ચલાવવા માટે કામ શોધવામાં ફાંફાં પડ્યાં.

1983માં તેમણે પોતાની ઘોસ્ટ રાઇટરે લખેલી આત્મકથા 'નથિંગ બટ...' અંગે બીબીસી સાથે વાત કરવા આવ્યાં ત્યાં સુધીમાં તેઓ બ્રિટનના સૌથી ચર્ચાસ્પદ મહિલાઓ પૈકીનાં એક બની ગયાં જેઓ પોતાના નાનકડા પુત્ર સાથે કાઉન્સિલના ફ્લૅટમાં રહેતાં હતાં અને સોશિયલ સિક્યૉરિટી પર નિર્ભર હતાં.

પ્રોફ્યુમો પ્રકરણના ઓછાયામાં બે દાયકા જીવ્યા પછી કિલરે બીબીસીનાં લોલીને કહ્યું કે આ પુસ્તકમાં તેમનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ છે. "બીજા લોકો મારા જીવન વિશે બકવાસ અને જૂઠાણાં સાથે લખી રહ્યા છે. એટલે મને લાગ્યું કે મારો પક્ષ મૂકવા માટે પુસ્તક પ્રકાશિત કરવું જોઈએ."

આ પુસ્તક કિલરનાં જીવન વિશે પ્રકાશિત થયેલાં પાંચ પુસ્તકોમાંનું એક હશે, જેમાં તેમને કુખ્યાત બનાવનાર ઘટના સાથેના તેના વિરોધાભાસી સંબંધોનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

તેમના એક પુસ્તક 'સ્કેન્ડલ' પરથી 1989માં આ જ નામની ફિલ્મ બની હતી. જેમાં જૉઆન વૉટલીએ તેમનું પાત્ર ભજવ્યું હતું.

કિલરના 2001ના સંસ્મરણો "ધ ટ્રુથ એટ લાસ્ટ" નામના પુસ્તકમાં તેમની સાથે કામ કરનારા લેખક ડગ્લાસ થૉમ્પસને 2017માં બીબીસીને કિલરનાં મૃત્યુ સમયે જણાવ્યું હતું કે કિલર હંમેશા પ્રોફ્યુમો પ્રકરણના ઓછાયા હેઠળ રહ્યાં.

તેમણે કહ્યું, "મને નથી લાગતું કે તેઓ ક્યારેય આમાંથી બહાર આવી શક્યા હોય. આ એક ટ્રૅજેડી હતી."

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન