ગુજરાતીઓ જે નાસ્તા વગર અધૂરા છે એ કેટલાં વર્ષો જૂના છે અને અસ્તિત્વમાં ક્યારે આવ્યા?

    • લેેખક, ધી ફૂડ ચેઇન પ્રોગ્રામ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

વેફર્સ, ગાંઠિયા, ચેવડો, સેવમમરા, ભાખરવડી... જે રીતે ગુજરાતી સંસ્કૃતિ ગુજરાતી થાળી વગર અધૂરી છે એ જ રીતે ગુજરાતી સ્વાદ ગુજરાતી નાસ્તા વગર અધૂરો છે.

સમય સાથે ગુજરાતી નાસ્તાઓમાં વૈવિદ્ય આવ્યું છે અને એનું માર્કેટિંગ પણ થયું છે અને એ જ રીતે વિશ્વભરમાં નાસ્તાના વિવિધ જાતોને બજારમાં વિવિધ રંગરૂપો સાથે ઉપલબ્ધ કરાવાઈ છે.

જોકે, ગુજરાતી નાસ્તાઓ અને એ જ રીતે વૈશ્વિક સ્તેર જોવા મળતા નાસ્તાઓ આજકાલના નથી. મનુષ્યો હજારો વર્ષોથી વિવિધ પ્રકારના નાસ્તાનો આનંદ લેતા આવ્યા છે, પરંતુ આધુનિક યુગમાં આ ક્ષેત્ર વાર્ષિક એક ખર્વ (ટ્રિલિયન) ડૉલરથી પણ વધુનું ટર્નઓવર ધરાવતા એક વિરાટ ઉદ્યોગ તરીકે ફાલ્યું-ફૂલ્યું છે.

આજે આપણી જીવનશૈલી એટલી ઝડપી બની છે કે ઘણા લોકો બે-ત્રણ વાર વ્યવસ્થિત ભોજન લેવાને બદલે દિવસ દરમિયાન વારંવાર નાસ્તો કરીને જ વધુ કેલરી મેળવતા થયા છે.

જોકે, આ પરિવર્તન પાછળ માત્ર સમયની અછત કે જીભના ચટાકા જ જવાબદાર નથી; ખાદ્ય ઉત્પાદક કંપનીઓના ચતુરાઈભર્યા માર્કેટિંગે પણ આપણા દૈનિક આહારમાં નાસ્તાને મુખ્ય સ્થાન અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

નાસ્તો એટલે શું?

તેની વ્યાખ્યા અને ઈતિહાસ જોઈએ તો 'કેમ્બ્રિજ ઈંગ્લિશ ડિક્શનરી' મુજબ, "બે ભોજનની વચ્ચે લેવામાં આવતો અલ્પ આહાર એટલે નાસ્તો (Snack)."

સામાન્ય રીતે નાસ્તાને 'જંક ફૂડ' સાથે જોડવામાં આવે છે, પરંતુ તે હંમેશાં પોષણરહિત કે રાંધેલો ખોરાક જ હોય તે જરૂરી નથી. બ્રિટિશ ફૂડ હિસ્ટોરિયન ડૉક્ટર એની ગ્રેના મતે, આધુનિક સમયમાં નાસ્તા પ્રત્યેનો દૃષ્ટિકોણ નકારાત્મક બન્યો છે. લોકો નાસ્તો તો કરે છે, પણ ઘણીવાર, ખાસ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકો પછી એક પ્રકારનો 'અપરાધભાવ' અનુભવતા હોય છે.

વાસ્તવમાં, નાસ્તો કરવાની પરંપરા ઘણી પ્રાચીન છે. ઇતિહાસ પર નજર કરીએ તો મનુષ્યનો સૌથી જૂનો નાસ્તો કદાચ સૂકા મેવા, બોર કે ફળો હશે. પુરાતત્ત્વવિદોને દક્ષિણ અમેરિકાની ગુફાઓમાંથી 7,000 વર્ષ જૂની મકાઈની ધાણી (પોપકોર્ન)ના અવશેષો મળ્યા છે, જે સૂચવે છે કે આધુનિક ગણાતા પોપકોર્ન વાસ્તવમાં સદીઓ જૂનો નાસ્તો

નાસ્તાનો પ્રારંભ અને સેન્ડવિચનો ઉદ્ભવ

'સ્નૅક' શબ્દનો ઉદભવ પ્રારંભિક આધુનિક ગાળામાં થયો હતો. મૂળ અંગ્રેજીમાં તેનો અર્થ 'કોઈ ચીજનો હિસ્સો કે ભાગ' એવો થતો હતો. 18મી સદી સુધીમાં આ શબ્દ ખાવાની આદતો સાથે જોડાઈ ગયો.

આ જ ગાળામાં વિશ્વના સૌથી લોકપ્રિય નાસ્તા 'સેન્ડવિચ'નો જન્મ થયો. કહેવાય છે કે સેન્ડવિચના ચોથા અર્લ જ્હોન મોન્ટેગ્યૂને પત્તાંની રમતનું એવું વળગણ હતું કે તેઓ રમત છોડવા માંગતા નહોતા.

1762ની એક સાંજે તેમણે રમતાં-રમતાં જ બ્રેડની બે સ્લાઈસ વચ્ચે રાંધેલું માંસ મૂકીને લાવવા જણાવ્યું, અને આમ સેન્ડવિચ અસ્તિત્વમાં આવી.

નાસ્તા ઉપર ઔદ્યોગિક ક્રાંતિ અને માર્કેટિંગનો પ્રભાવ

અમેરિકામાં ઔદ્યોગિક યુગ દરમિયાન ફેક્ટરીના કામદારોને ધ્યાનમાં રાખીને નાસ્તાનું વ્યાપારીકરણ શરૂ થયું. 1910માં 'ક્રિસ્પ્સ' (ચિપ્સ) નું પ્રથમવાર વ્યવસાયીકરણ થયું.

બીજા વિશ્વયુદ્ધ પછી ફૂડ પ્રોસેસિંગ અને પૅકેજિંગ ટૅક્નૉલૉજીમાં થયેલા સુધારા તેમજ લોકોની વધતી આવકે નાસ્તાના બજારને વેગ આપ્યો. નાઇટ્રોજન ગૅસ ભરેલી કોથળીઓને કારણે ચિપ્સ લાંબો સમય તાજી રહેવા લાગી અને પરિવહન સરળ બન્યું.

પ્રોક્ટર ઍન્ડ ગેમ્બલ (P&G) જેવી મોટી કંપનીઓએ બટાટાની ચિપ્સને કેનમાં પેક કરીને વેચવાનું શરૂ કર્યું. યુનિલિવરના પૂર્વ સીઈઓ પૌલ પોલમેન આ ઉદ્યોગને એક 'લશ્કરી વ્યુહરચના' સાથે સરખાવે છે, જ્યાં ઉત્પાદનની ગુણવત્તા, કિંમત, પૅકેજિંગ અને સ્ટોરમાં તેનું સ્થાન — આ બધું જ અત્યંત ચોકસાઈથી નક્કી કરવામાં આવે છે.

વિશ્વભરના કેટલાક મનપસંદ નાસ્તા કયા છે?

નાસ્તા પ્રત્યેનો પ્રેમ દુનિયાના દરેક ખૂણે જોવા મળે છે:

  • આર્જેન્ટિના: અહીંની બાર્બરા ઓયેવારીનો પ્રિય નાસ્તો 'ચિપા' છે, જે કસાવા, ચીઝ અને દૂધમાંથી બનેલું નાનું ગોળ બન છે.
  • ભારત: દિલ્હીનાં ડૉક્ટર સ્વાતિ મિશ્રા જણાવે છે કે ભારતમાં સમોસાં વગર કોઈ પણ પાર્ટી કે લગ્ન અધૂરાં છે. જોકે હવે અહીં પણ તાજા નાસ્તાનું સ્થાન 'રેડી-ટુ-ઈટ' પ્રોડક્ટ્સ લઈ રહ્યા છે.
  • નાઈજીરિયા: સ્ટેલા ઓસીગ્બુ અહીંની લોકપ્રિય બ્રેડ 'મદીગા' માંથી બનતા ફિશ રોલ પસંદ કરે છે.
  • થાઈલૅન્ડ: બેંગકોકના પેપચાયા નિપાનન માટે ચોકલેટ અને નાચોઝ જેવા કરકરા નાસ્તા રોજિંદા જીવનનો ભાગ છે.

નાસ્તાની ઝડપી વૃદ્ધિ અને ભવિષ્યનું બજાર

માર્કેટ રિસર્ચ મુજબ, અમેરિકામાં અડધોઅડધ પુખ્ત વયના લોકો દિવસમાં ત્રણથી ચાર વખત નાસ્તો કરે છે.

પોલમેન નોંધે છે કે જ્યારે તેમણે કારકિર્દી શરૂ કરી ત્યારે આ બજાર 300 અબજ ડૉલરનું હતું, જે આજે વધીને 1.2થી 1.5 ખર્વ ડૉલર સુધી પહોંચી ગયું છે. નિષ્ણાતોના મતે 2035 સુધીમાં આ ઉદ્યોગનું કદ હજુ બેવડાઈ જવાની શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન