તારેક ફતહ : એ 'પાકિસ્તાની મુસલમાન' જે ભારતના હિંદુઓમાં લોકપ્રિય હતા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

લેખક અને કર્મશીલ તારેક ફતહનું લાંબી બીમારી બાદ 73 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ઇસ્લામ અને ઉગ્રવાદ વિશે પ્રગતિશીલ વિચાર ધરાવતા હતા.

પોતાના વિચારોને કારણે કેટલાક તેમને નાપસંદ કરતા હતા, એટલે જ ભારતની યાત્રા સમયે તેમને સુરક્ષા આપવી પડી હતી. જોકે, હિંદુઓ અને ઉદારમતવાદી મુસ્લિમોનો એક વર્ગ તેમને પસંદ કરતો હતો.

તારક ફતહનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ તેઓ પોતાને ભારતીય સભ્યતાના સંતાન ગણાવતા હતા, તેઓ 1980ના દાયકામાં કૅનેડા હિજરત કરી ગયા હતા અને ત્યાં જ છેલ્લા શ્વાસ લીધા હતા.

તારકનાં દીકરી નતાશા ફતેહે ટ્વિટર પર પિતાના મૃત્યુની જાહેરાત કરતી વેળાએ તેમને 'પંજાબના શેર', 'હિંદુસ્તાનના દીકરા' અને 'કૅનેડાના ચાહક' ગણાવ્યા હતા.

મોતને વારંવાર હાથતાળી

તેમનો જન્મ તા. 20મી નવેમ્બર 1949ના રોજ પાકિસ્તાનમાં થયો હતો. બહુ થોડા લોકોને જાણ હશે કે તેઓ માત્ર 10 મહિનાના હતા, ત્યારે તેમના બંને પગ પરથી કાર પસાર થઈ ગઈ હતી, જેના નિશાન આજીવન તેમના પગ ઉપર રહ્યા હતા.

તારેક ત્રણ વર્ષના હતા ત્યારે સ્વિમિંગ-પુલમાં ડૂબતા-ડૂબતા બચ્યા હતા, એ સમયે તેમને પશ્તુન ડ્રાઇવરે બચાવ્યા હતા.

2011 આસપાસ તેમને કરોડરજ્જૂનું કૅન્સર થયું હતું અને લાંબા સમય સુધી હૉસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. એ સમયે કટ્ટરવાદી મુસ્લિમોએ તેમની બીમારી પર ખુશી વ્યક્ત કરી હતી અને એક વેબસાઇટે તો ત્યાં સુધી લખ્યું હતું કે, 'તેમને સમલૈંગિકોનું સમર્થન કરવાની સજા મળી છે.'

અમુક મહિનાની બીમારી પછી તેમણે કૅન્સરને માત આપી દીધી હતી. જોકે, પગ અને શરીરની બીજી બીમારીઓ પછીનાં વર્ષો દરમિયાન પણ તેમને કનડતી રહી હતી.

ભારતનો દીકરો

તારેક ફતહ તેમના જન્મસ્થાન પાકિસ્તાનની પર વાકપ્રહાર કરવાની કોઈ તક ચૂકતા ન હતા, જેના કારણે ભારતીય સમાજનો એક વર્ગ તેમનો પ્રશંસક હતો.

'ફ્રાઇડે ટાઇમ્સ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે તેઓ પાકિસ્તાનમાં જન્મેલા હોવા છતાં પોતાને 'ભારતીય મુસલમાન' તરીકે કેમ ઓળખાવે છે?

તેના જવાબમાં તારેક કહેતા : "ભારતીય સભ્યતા પાંચ હજાર વર્ષ જૂની છે. સિંધુ અને તેની સહાયક નદીઓની વચ્ચે જન્મેલાની ભારતીયતા ઉપર સવાલ ઉઠાવવાથી વધુ શરમજનક કશું ન હોઈ શકે. આ એવી જ વાત છે કે ફ્રાંસવાસીને કહેવામાં આવે કે તે યુરોપિયન નથી."

"બાળક અને યુવા તરીકે પાકિસ્તાનમાં રહેતો ત્યારે મને એ વાતનો અહેસાસ હતો કે હું જેટલો બાબા ફરીદ અને બુલ્લેશાહનો વંશજ છું, એટલો જ મહાન અશોકનો પણ છું."

પાકિસ્તાન વિશે ટિપ્પણી કરતા એ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "પાકિસ્તાન દ્વારા ભારત અને અફઘાનિસ્તાનને તેના દુશ્મન સમજવામાં આવે છે, વાસ્તવમાં તેમની સાથે સંયુક્ત સાંસ્કૃતિક વારસો ધરાવે છે. જ્યારે તેનું સન્માન નહીં કરનારા સાઉદી અરેબિયા અને ઈરાન તેના સૌથી મોટાં ખેરખાં છે."

તારેક કહેતા કે ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ નથી થતો એમ ન કહી શકાય, પરંતુ ત્યાં કમસે કમ વિચાર વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. ઇસ્લામના નામે જે દેશોમાં મહિલાઓને નિશાન બનાવવામાં આવતી હોઈ, ત્યાં રહેવાનો કોઈ ફાયદો ન હોવાનું તારેક માનતા. તેઓ ઉમેરતા કે સારા મુસલમાન બનવા માટે સાઉદી અરેબિયામાં જનમવું જરૂરી નથી.

ફતહનું વિચારવિશ્વ

કરાચીમાં અભ્યાસ દરમિયાન જ તેમને 'સન' નામના અખબારમાં નોકરી મળી. એ પછી તેઓ પાકિસ્તાન ટૅલિવિઝનમાં પ્રૉડ્યુસર પણ બન્યા.

પાકિસ્તાનની સૈન્ય સરકારનો વિરોધ કરવા બદલ તારેકને બે વખત જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. 1978માં તેમણે પાકિસ્તાન છોડી દીધું અને સાઉદી અરેબિયા ગયા, જ્યાં 10 વર્ષ સુધી તેમણે ઍડ્વર્ટાઇઝિંગની દુનિયામાં કામ કર્યું.

કટ્ટર ઇસ્લામનો વિરોધ કરનારા તારેક નાનપણમાં દર શુક્રવારે નમાજ પઢવા માટે મસ્જિદમાં જતા. તેમની ઉપર 'દક્ષિણપંથી'ની છાપ લાગેલી હોવા છતાં તેઓ અમેરિકાની અનેક નીતિઓનો વિરોધ કરતા.

તારેક માનતા હતા કે વિશ્વનો સૌથી મજબૂત લોકશાહી દેશ હોવા છતાં અમેરિકાએ સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને પાકિસ્તાન જેવા દેશોમાં સરમુખત્યારોનું સમર્થન કર્યું હતું. તેમના જ શબ્દોમાં કહીએ તો અમેરિકા મુસ્લિમ કટ્ટરપંથ કરતાં સામ્યવાદથી વધારે ડરતું રહ્યું છે.

તારેક ઉપર આરોપ લાગતા હતા કે તેઓ સમગ્ર મુસ્લિમ સમાજને એક જ બીબાંઢાળની જેમ જુએ છે. તેઓ અમુક લોકોના વ્યવહારને સમગ્ર સમાજના વ્યવહાર તરીકે જુએ છે.

1987માં તારેક કૅનેડાના ટૉરેન્ટોની પાસે એજેક્સમાં સ્થાયી થયા. જ્યાં તેઓ પત્ની સાથે મળીને ડ્રાઇક્લિનિંગની કંપની ચલાવતાં. સીટીએસ ચેનલ ઉપર તેઓ 'મુસ્લિમ ક્રૉનિકલ' નામનો કાર્યક્રમ કરતા. ભારતમાં એક ચેનલ પર તેઓ 'ફતહ કા ફતવા' નામનો કાર્યક્રમ હોસ્ટ કરતા, જેમાં ઇસ્લામને લગતા મુદ્દા ચર્ચતા અને તેના વિશે ઉદારમતવાદી વિચાર રજૂ કરતા.

ફતહનું સર્જનજગત

તારેક ફતહે 'ચેઝિંગ અ મિરાજ : ધ ટ્રૅજિક ઇલ્યુસન ઑફ એન ઇસ્લામિક સ્ટેટ' અને 'ધ જ્યૂ ઇઝ નૉટ માય ઍનિમી: અનવૅલિંગ ધ મિથ્સ ધૅટ ફ્યુઅલ મુસ્લિમ ઍન્ટિ સૅમિટિઝમ' જેવાં પુસ્તક લખ્યાં હતાં.

તેઓ ફેસબુક અને ટ્વિટર ઉપર પણ ખૂબ જ સક્રિય રહેતા, જેના કારણે ક્યારેક વિવાદ પણ ઊભા થઈ જતા.

તેમનાં દીકરી નતાશા પણ પત્રકાર છે. કૅનેડાની ચેનલ સીબીએસ માટે લખેલાં લેખમાં નતાશાએ પિતાના ફેસબુક પ્રત્યેના વળગણનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કૅન્સરનું ઑપરેશન પૂરું થયા બાદ તેમણે તરત જ પોતાના આઈફોન અને લૅપટૉપ માગ્યાં હતાં, જે હૉસ્પિટલ દરમિયાન તેમની સાથે જ હતાં.

ભણવામાં તેઓ ખૂબ જ હોશિયાર હતા, એટલે કરાચી યુનિવર્સિટીમાં ભણવા માટે તેમને સ્કૉલરશિપ આપવામાં આવી હતી.

ફતહે કરાચી યુનિવર્સિટીમાં તેમની સાથે જ ભણતાં શિયા નરગીસ તપાસ સાથે ચાર વર્ષ બાદ નિકાહ કર્યા હતા. એટલે તેઓ પોતાની બંને દીકરીઓને 'સુ-શિ' તરીકે ઓળખાવતાં, જે શિયા અને સુન્નીનું ટૂકુંરૂપ હતું.