‘હું જિંકલમાંથી પેરુ તથા મેરિનની મમ્મી બની ગઈ હતી’ મહિલાઓ પોતાની સાથે જ લગ્ન કરવાનાં શું કારણો આપે છે?

સ્પેનમાં 2011માં 10 યુવતીઓએ સાથે મળીને જાહેરાત કરી હતી કે એ પૈકીની દરેક યુવતી પોતાની જાત સાથે લગ્ન કરી રહી છે. મસ્તી-મજાકમાં શરૂ થયેલી આ આશ્ચર્યજનક ‘પ્રથા’ પરંપરાગત દાંપત્ય જીવન વિરુદ્ધના બળવાનું એલાન હતી.

જોકે, વાસ્તવમાં એ યુવતીઓએ તેમના આ નિર્ણયમાંથી જે કંઈ મેળવ્યું હતું તેનો પ્રારંભ સમગ્ર વિશ્વમાં અગાઉ જ થઈ ચૂક્યો હતો અને તેનું નામ હતું સોલોગૅમી.

હવે દરેક યુવતી માટે પરંપરાગત લગ્ન જીવનનો મહત્ત્વનો ઉદ્દેશ નથી. બલ્કે સોલોગૅમીમાં વિશ્વાસ ધરાવતી યુવતીઓ બીજા કોઈને પ્રેમ કરતા પહેલાં ખુદને પ્રેમ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે.

સવાલ એ છે કે ખુદ સાથે પ્રેમની અભિવ્યક્તિની આ રીત વધારે પડતી અજબ છે કે પછી તે એક જૂની કહાણીનો નવો તથા આશ્ચર્યચકિત કરી દેતો અભિગમ છે?

માયા સીરાનો 11 વર્ષથી પરિણીત છે અને ખુશ પણ છે. તેમણે ખુદની સાથે લગ્ન કર્યાં છે એટલે કે તેમનો જીવનસાથી બીજું કોઈ નહીં, પણ તેઓ ખુદ જ છે.

તેઓ તેમના લગ્ન સંબંધને નવેસરથી તાજો કરવા એક સમારંભમાં ગયાં ત્યારે તેમણે જણાવ્યું હતું કે લગ્ન વખતે મેં સંકલ્પ કર્યો હતો કે હું મારા આત્માનો અવાજ સાંભળીશ અને દરરોજ મારી જાતને પૂછીશ કે મને શું જોઈએ છે, જેથી હું તે જરૂરિયાતને સંતોષી શકું.

માયાના આ શબ્દો સાંભળીને સમારંભમાં ઉપસ્થિત અન્ય મહિલાઓએ તાળી વગાડી હતી. સ્પેનના વતની માયાએ 2011થી અત્યાર સુધીમાં 70 સ્ત્રીઓને પોતાના પગલે ચાલવામાં મદદ કરી છે.

શું છે સોલોગૅમી?

સોલોગૅમી શબ્દ તમે અગાઉ ક્યારેય નહીં સાંભળ્યો હોય. સ્પેનમાં સરકારી રીતે આ શબ્દ ભાષાનું એક અંગ નથી, પરંતુ તેની શરૂઆત સ્પેનમાંથી જ થઈ હતી.

ખુદની સાથે લગ્ન કરવાનો રિવાજ દુનિયાના ઘણા દેશોમાં પ્રચલિત થઈ રહ્યો છે. તેમાં જાપાન, અમેરિકા, ઈટલી, બ્રિટન અને ભારતનો સમાવેશ થાય છે.

મોટાભાગના દેશોમાં ખુદ સાથે લગ્ન કરવા વિશેનો કોઈ કાયદો નથી ત્યારે અનેક મહિલાઓ એવું શા માટે કરે છે?

માયા સીરાનોએ કહ્યું હતું કે “મેં તો મજાકમાં એવું કર્યું હતું. લગ્નના દિવસ સુધી મારો હેતુ રોમૅન્ટિક પ્રેમ બાબતે સામાન્ય ચર્ચા શરૂ કરવાનો હતો, પરંતુ ખુદ સાથે લગ્ન કરવાના દિવસે મને અહેસાસ થયો હતો કે હું કશુંક મહત્ત્વપૂર્ણ કામ કરી રહી છું.”

“હું વિચારતી હતી કે હું તો ખુદને જ પ્રેમ કરું છું. હું મારી બહેતર દોસ્ત પણ છું. એ વખતે, એ ક્ષણે મેં સેંકડો લોકો સામે ખુદને વચન આપ્યું હતું કે હું મારી જાતનો ખ્યાલ રાખીશ અને સૌથી પહેલાં પોતાના વિશે વિચારીશ.”

નેવિસ ટ્રબજોસા જાતીય સંબંધોનાં નિષ્ણાત છે. તેમનું કહેવું છે કે જાતીય દૃષ્ટિથી આગળ વધીને દરેક માણસ માટે અંગત રીતે તેના વ્યક્તિત્વનો આદર થાય તે જરૂરી છે. ખુદને મહત્ત્વ આપવાનું પુરુષોને શીખવવામાં આવે છે ત્યારે સ્ત્રીઓ માટે તેમનું વ્યક્તિત્વ એક અડચણ શા માટે?

‘સ્ત્રી સમજે છે કે ખુદને પ્રેમ કરવો જરૂરી નથી’

મનોવિજ્ઞાની ઈસપ્રાંકા બોશ ફેવિલનું કહેવું છે કે જાતને પ્રેમ કરતાં શીખવું મહત્ત્વનું છે, કારણ કે તેનાથી આપણને આ દુનિયામાં પોતાનું સ્થાન નક્કી કરવામાં મદદ મળે છે.

“બીજી મહત્ત્વની વાત એ છે કે તેનાથી આપણને એ જાણવામાં પણ મદદ મળે છે કે આપણા પ્રેમનું હકદાર કોણ છે અને કોણ નથી.”

આપણે કોને અને કેવી રીતે પ્રેમ કરીએ છીએ તેનું ચલણ બદલાઈ રહ્યું છે. સ્પેનમાં અત્યારે પણ પરંપરાગત વૈવાહિક બંધનમાં બંધાયેલાં યુગલોની સંખ્યા વધારે છે, પરંતુ આંકડા પર નજર કરીએ તો એક મહત્ત્વની વાત નજરે ચડે છે. તે વાત એ છે કે અગાઉની સરખામણીએ હવે લગ્ન ઓછાં થઈ રહ્યાં છે અને બીજી તરફ છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે.

જોકે, જિંકલ જેવી, જેમણે બે વખત લગ્ન કર્યાં છે એવી સ્ત્રીઓની વાત અલગ છે. તેમણે પહેલીવાર એક પુરુષ સાથે લગ્ન કર્યાં હતાં અને બીજીવાર પોતાની જાત સાથે. તેમણે કહ્યું હતું કે “મેં ખુદ સાથે લગ્નનો નિર્ણય એટલા માટે કર્યો હતો કે એ સમયે મારી સૌથી નાની દીકરીનો જન્મ થયો હતો અને મને લાગ્યું હતું કે મારા જીવનમાં મારા પોતાના માટે જરાય સમય કે સ્થાન જ નથી.”

‘હું જિંકલમાંથી પેરુ તથા મેરિનની મમ્મી બની ગઈ હતી’

જિંકલના પતિ સર્ગીવે કહે છે કે, “તેણે ખુદ સાથે લગ્ન કરવાનું જણાવ્યું ત્યારે પહેલાં તો મને આશ્ચર્ય થયું હતું. હું દિગ્મૂઢ થઈ ગયો હતો."

તેમણે વાતને આગળ વધારતા કહ્યું, "પરંતુ જિંકલ ખુદને પ્રેમ ન કરતી હોય અને પોતાનાથી જ સંતુષ્ટ ન હોય તો તેની અસર મારા પર, અમારા સંતાનો પર અને તેના જીવન સાથે જોડાયેલા તમામ લોકોને થાય છે.”

“મને તો આ યોગ્ય લાગે છે”

નેવિસ ટ્રબજોસાનું કહેવું છે કે એક સમયે બૅન્ક ઍકાઉન્ટ ખોલાવવા માટે અને ડ્રાઈવિંગ લાઈસન્સ માટે સ્ત્રીએ ચર્ચમાં લગ્ન કર્યાં હોય તે જરૂરી હતું એ વાત યાદ રાખવી જોઈએ.

નેવિસે કહ્યું હતું કે “છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણી વાતોમાં પરિવર્તન આવ્યું છે. તેમ છતાં પરંપરાગત પરિવાર જ સમાજનો સૌથી મહત્ત્વનો સ્તંભ છે અને તેને સ્વાભાવિક ગણવામાં આવે છે.”

મનોવિજ્ઞાની ઈસપ્રાંકા બોશ ફેવિલનું કહે છે કે પરંપરાગત લગ્ન સ્ત્રી માટે મહદઅંશે એક જેલ જેવાં હોય છે.

તેમણે કહ્યું કે,“તેનું એક કારણ એ છે કે સ્ત્રીઓને સતત કહેવામાં આવે છે કે લગ્ન કરવાં તે અમારા જીવનનો મહત્ત્વનો ઉદ્દેશ છે. આંકડા સાબિત કરે છે કે લગ્ન પછી ઘરેલુ કામકાજ, સંતાનો, વડીલો તથા બીમાર પરિવારજનોનું ધ્યાન રાખવું એ માત્ર મહિલાઓની જવાબદારી બની રહ્યું છે.”

સ્પેનના સરકારી આંકડા અનુસાર, 2010માં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓએ ઘરના કામ બે કલાક વધારે કર્યાં હતાં. સોલોગૅમીથી આ આંકડાઓ બદલાશે?

નેવિસ ટ્રબજોસાનું માનવું છે કે સોલોગૅમી સમસ્યાનું નિવારણ નથી, પરંતુ તે પિતૃસત્તાક સમાજનું પ્રતીક છે.

શું-શું બદલાઈ રહ્યું છે?

રૉયલ સ્પેનિશ ઍકેડમીએ તેના ઇતિહાસમાં 300 વર્ષમાં પહેલી વખત, એક સમાન અનુભવ તથા પસંદ ધરાવતી મહિલાઓ માટે 2018માં એક શબ્દ પ્રચલિત કરાવ્યો હતો. તે શબ્દ છેઃ સોરોરેટી.

માયાએ કહ્યું હતું કે “હવે અમે સ્ત્રીઓ એક સ્થળે એકઠી થઈએ ત્યારે લાગે છે કે અમે દર્પણ સામે ઊભાં છીએ. સ્ત્રીઓ એકમેકની દુશ્મન હોય છે એવી ધારણા પિતૃસત્તાક સમાજની ઊપજ છે, જે ઇચ્છે છે કે સ્ત્રીઓ ક્યારેય એક ન થાય, પરંતુ વાસ્તવમાં તેનાથી તદ્દન ઊલટું થાય છે. અમે એકઠા થઈએ છીએ ત્યારે અમારી શક્તિ વધે છે.”

માયાએ સાથે મળીને સ્વિમિંગ કરતી સ્ત્રીઓનું એક સંગઠન 2017માં બનાવ્યું હતું. એ સંગઠનના પ્રારંભે માત્ર 14 મહિલાઓ તેની સભ્ય હતી. આજે એ સંખ્યા વધીને 140 થઈ ગઈ છે.

મહિલા અધિકાર માટે કામ કરતા નિષ્ણાતોનું કહેવું છે કે આવા ઉપાયથી મહિલાઓને તેમના અધિકાર પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.

માયાએ કહ્યું હતું કે “એક આહ્વાન અમને કહે છે કે ખુદને પ્રેમ કરો, કારણ કે બીજાની સરખામણીએ તમારે ખુદને પ્રેમ કરવાની વધારે જરૂર છે. આ બહુ નાનાં-નાનાં કામ છે, જેનાથી સ્ત્રીને એવી અનુભૂતિ થાય છે કે તે પોતાનું ધ્યાન રાખી રહી છે.”

“લોકો પૂછે છે કે અમે આવું કઈ રીતે કરી શકીએ?”

જિંકલે કહ્યું હતું કે “ક્યારેક આવું કરવાનું મુશ્કેલ હોય છે, કારણ કે લોકો આ વાત સમજતા નથી અને અમે સ્વાર્થી હોવાનો આક્ષેપ કરે છે, પરંતુ હકીકત એ છે કે ખુદ સાથે લગ્ન કર્યાં પછી મારા પતિ તથા સંતાનો સાથેનો મારો સંબંધ બહેતર થયો છે.”

માયાએ કહ્યું હતું કે “હું દર્પણમાં જોઉં છું તો સારું લાગે છે. 11 વર્ષ પહેલાં મેં મારી જાતને જે વચન આપ્યું હતું તે મેં નિભાવ્યું છે અને આજે પણ હું તેને વળગી રહી છું. હું ખુશ રહીશ તેની મને ખાતરી છે.”