ચાંદીના ભાવમાં ઉછાળો કેમ આવ્યો? રોકાણકારોને વળતર આપવામાં ચાંદી સોનાને પાછળ રાખી દેશે?

બીબીસી ગુજરાતી સોનું ચાંદી ગોલ્ડ સિલ્વર ઇટીએફ રોકાણ ભાવ મેટલ, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં ટૅક્સ સહિત એક કિલો ચાંદીનો ભાવ એક લાખ રૂપિયાને વટાવી ગયો છે
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જારી છે. ફિઝિકલ માર્કેટમાં ભારતમાં 21 મેએ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ રૂપિયાને વટાવી ગયો હતો અને ત્યારથી તે એક લાખની નજીક જ છે.

ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન (આઈબીજેએ) ની વેબસાઇટ મુજબ 3 જૂન, મંગળવારે 999 ગ્રેડની એક કિલો ચાંદીનો ભાવ 97392 હતો.

તેમાં ત્રણ ટકા જીએસટી ઉમેરવામાં આવે તો એક કિલોનો ભાવ એક લાખ રૂપિયાની ઉપર જાય છે. ચાંદીએ ચાલુ વર્ષમાં બીજી વખત એક લાખ રૂપિયાની સપાટી પાર કરી છે.

બીજી તરફ સોનું પણ વધી રહ્યું છે અને 10 ગ્રામ સોનાનો ભાવ એક લાખ રૂપિયાની નજીક છે.

તેના કારણે રોકાણકારોમાં સવાલ થાય છે કે આ બંને કિંમતી ધાતુઓમાંથી કઈ ધાતુનો ભાવ આગળ જતાં વધારે વધશે? શું આગામી દિવસોમાં સોના કરતાં ચાંદી વધારે રિટર્ન આપી શકશે?

સોના અને ચાંદીના ભાવની સરખામણી

બીબીસી ગુજરાતી સોનું ચાંદી ગોલ્ડ સિલ્વર ઇટીએફ રોકાણ ભાવ મેટલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાલમાં એક ઔંસ સોનું ખરીદવા લગભગ 102 ગ્રામ ચાંદીની જરૂર પડે છે.

ચાંદી એક અત્યંત ઉપયોગી ઔદ્યોગિક ધાતુ છે, પરંતુ સોનાની ચમક સામે તે હંમેશાં ઢંકાઈ જાય છે.

ઐતિહાસિક રીતે જોવામાં આવે તો 25 વર્ષનો સોના અને ચાંદીના ભાવનો ગુણોત્તર (રેશિયો) 68:1 જેટલો ગણવામાં આવે છે, એટલે કે ચાંદી કરતાં સોનાનો ભાવ લગભગ 68 ગણો વધારે હોય છે.

પરંતુ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની મૉર્નિંગસ્ટારના એક અહેવાલ પ્રમાણે, હાલમાં સોના અને ચાંદી વચ્ચે 102:1 આસપાસનો રેશિયો ચાલી રહ્યો છે એટલે કે ચાંદી કરતાં સોનું લગભગ 102 ગણું મોંઘું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક કિલો ચાંદીનો ભાવ એક લાખ પર પહોંચ્યો છે, ત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ પણ એક લાખ રૂપિયાની નજીક છે.

તેનો અર્થ એવો થયો કે હાલમાં ચાંદી અંડરપર્ફૉર્મ કરી રહ્યું છે અને આગળ જતાં તે વધવાની શક્યતા વધુ છે.

સમાચાર સંસ્થા રૉઇટર્સના અહેવાલ પ્રમાણે, ચાલુ વર્ષમાં સોનાના ભાવમાં 26 ટકા વધારો થયો છે અને એપ્રિલમાં 3500 ડૉલરની રેકૉર્ડ હાઈ સપાટી બની હતી.

ભૂરાજકીય અનિશ્ચિતતા અને ઈટીએફના (એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ) કારણે સોનાની ખરીદી વધતી જાય છે. બીજી તરફ 2025માં ચાંદીનો ભાવ અત્યાર સુધીમાં 12 ટકા વધ્યો છે.

પરંતુ જો છેલ્લા 12 મહિનાના આંકડા જોવામાં આવે, તો સોનાના ભાવમાં 40 ટકા કરતાં વધુ વધારો થયો છે, જ્યારે ચાંદીનો ભાવ 15 ટકા વધ્યો છે.

ઑક્ટોબર 2023થી સોનામાં જોરદાર તેજીની શરૂઆત થઈ છે તેમ કહી શકાય. ઑક્ટોબર 2023માં એક ઔંસ (લગભગ 28.35 ગ્રામ) સોનાનો ભાવ 1850 ડૉલર હતો.

ત્રણ વર્ષ કરતાં ઓછા સમયમાં તે વધીને 3500 ડૉલર સુધી પહોંચ્યો એટલે કે 90 ટકા જેવું રિટર્ન આપ્યું છે.

બીજી તરફ ચાંદીમાં તેજી મોડેથી આવી છે. ફેબ્રુઆરી 2024 સુધી ચાંદીનો ભાવ ધીમી ગતિએ ચાલતો હતો. ત્યાર પછી 14 મહિનામાં ચાંદીનો ભાવ 23 ડૉલરથી વધીને 34 ડૉલર સુધી પહોંચ્યો એટલે કે 48 ટકા વળતર આપ્યું છે.

મંગળવારે આંતરરાષ્ટ્રીય બજારમાં એક ઔંસ ચાંદીનો ભાવ 34 ડૉલરથી ઉપર ચાલી રહ્યો હતો. નવી દિલ્હીમાં 24 કૅરેટ શુદ્ધતાના સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 97 હજાર આસપાસ રહેવા પામ્યો હતો.

છેલ્લા એક વર્ષના પર્ફૉર્મન્સને જોવામાં આવે તો એક વર્ષ અગાઉ એક ઔંસ સોનું ખરીદવા માટે 84.7 ગ્રામ ચાંદીની જરૂર પડતી હતી. જ્યારે અત્યારે એક ઔંસ સોનું ખરીદવા 102 ગ્રામ ચાંદીની જરૂર પડી રહી છે.

સોનું વધારે રિટર્ન આપશે કે ચાંદી?

બીબીસી ગુજરાતી સોનું ચાંદી ગોલ્ડ સિલ્વર ઇટીએફ રોકાણ ભાવ મેટલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોલર પેનલ બનાવવા માટે ચાંદીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે

અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ગોલ્ડમૅન સૅક્સે પોતાના તાજેતરના રિપોર્ટમાં કહ્યું છે કે સોનામાં હજુ નવી રેકૉર્ડ સપાટી બની શકે છે.

ગોલ્ડમૅનના અંદાજ પ્રમાણે, હાલમાં સોનાનો ભાવ 3359 ડૉલર પ્રતિ ઔંસ હતો, જે ચાલુ વર્ષના અંત સુધીમાં વધીને 3700 ડૉલર થઈ શકે છે.

મંદીની સ્થિતિમાં સોનાનો ભાવ એક ઔંસ દીઠ 3880 ડૉલર સુધી જઈ શકે તેવું ગોલ્ડમૅન સૅક્સ કહે છે. 2026ના મધ્ય સુધીમાં સોનું 4000 ડૉલર સુધી પહોંચી શકે તેવો તેનો અંદાજ છે.

જોકે, ચાંદી માટે આ ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક માને છે કે તે સોના જેટલું વળતર નહીં આપી શકે, તેનું કારણ છે કે દુનિયાભરની સેન્ટ્રલ બૅન્કો સોનાની ખરીદી વધારી રહી છે.

છેલ્લાં કેટલાક વર્ષોથી સોલર પૅનલ બનાવવા માટે ચાંદીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, પરંતુ સોલર પેનલના સૌથી મોટા ઉત્પાદક દેશ ચીનમાં તાજેતરમાં ઓવરસપ્લાયના કારણે નરમાશ ચાલી રહી છે. તેથી ચાંદીના ભાવ સોના જેટલા નહીં વધે તેમ ગોલ્ડમૅને પોતાના રિપોર્ટમાં કહ્યું છે.

બીજી તરફ કોમૉડિટી બજારના નિષ્ણાતોના મતે ચાંદીનો ભાવ કેટલાક સમયથી દબાયેલો છે અને હવે તેમાં તેજીની સંભાવના છે.

એચડીએફસી સિક્યૉરિટીઝના સિનિયર રિસર્ચ ઍનાલિસ્ટ (કોમૉડિટી) સૌમિલ ગાંધીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "સોનાની સરખામણીમાં ચાંદી ઘણા સમયથી અંડરપર્ફૉર્મ કરી રહી છે, તેથી તેમાં તેજીની સંભાવના વધારે છે. ચાંદીની જે ડિમાન્ડ છે તેની સામે પુરવઠો ઓછો છે."

"છેલ્લાં ચાર વર્ષથી દુનિયાભરમાં ચાંદીની ડિમાન્ડ સારી છે, પણ સોનાની તુલનામાં ચાંદીનો ભાવ ઓછો વધ્યો છે."

તેમણે કહ્યું , "વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં દુનિયાભરની સેન્ટ્રલ બૅન્કો અને હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (એચએનઆઈ) દ્વારા સોનાની ખરીદી થતી હોય છે, કારણ કે તે સેફ હેવન ગણાય છે. જ્યારે ચાંદીનો દેખાવ ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ પર રહેલો છે."

સૌમિલ ગાંધીએ કહ્યું, "અમેરિકાના ટ્રેડ વૉરનો પ્રશ્ન ઉકેલાય અને મૅન્યુફૅક્ચરિંગમાં રિકવરી આવે તો ચાંદીનો ભાવ ઝડપથી વધી શકે છે. ચાંદીના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને સોલર પેનલ તથા ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સના ઉત્પાદનમાં તેની ડિમાન્ડ રહેવાની છે."

ચાંદીની માંગ વધતી જશે?

બીબીસી ગુજરાતી સોનું ચાંદી ગોલ્ડ સિલ્વર ઇટીએફ રોકાણ ભાવ મેટલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દુનિયામાં ચાંદીની લગભગ 50 ટકા ડિમાન્ડ ઔદ્યોગિક હેતુઓ માટે હોય છે

ભૂરાજકીય અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનાની ડિમાન્ડ વધી જતી હોય છે, પરંતુ ઔદ્યોગિક હેતુથી ચાંદીની ડિમાન્ડ વધારે રહે છે.

ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન (આઈબીજેએ)ના ડાયરેક્ટર હરેશ આચાર્યએ બીબીસીને કહ્યું, "સોનું અને ચાંદી એ એકદમ અલગ કૅટેગરીની ધાતુઓ છે. દુનિયામાં અનિશ્ચિતતા રહે ત્યાં સુધી સોનાની ડિમાન્ડ સતત વધતી જશે."

"સોનું એ કરન્સીનું બૅન્કિંગ ધરાવતી ધાતુ છે અને વિશ્વભરની સેન્ટ્રલ બૅન્કો સોનું ખરીદે છે. બીજી તરફ ચાંદી એ ઇન્ડસ્ટ્રિયલ કોમૉડિટી છે અને તેમાં મોટા પાયે ખરીદી જોવા મળતી નથી."

હરેશ આચાર્યએ ઉમેર્યું હતું, "ભારતમાં હાલમાં સોના અને ચાંદીનો ભાવ રેકૉર્ડ સપાટીએ પહોંચવાથી બંને ધાતુમાં ફિજિકલ ડિમાન્ડ ઘણી ઓછી છે."

તેમના માનવા પ્રમાણે સોનાનો ભાવ હજુ પણ વધે તેવી શક્યતા છે, પરંતુ ચાંદીમાં એવી સંભાવના ઓછી છે.

દુનિયામાં ચાંદીની લગભગ 50 ટકા ડિમાન્ડ ઔદ્યોગિક હેતુઓ માટે હોય છે, જેમાં સોલર પેનલ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (ઈવી), ઇલેક્ટ્રોનિક્સ, અને 5G ટેકનૉલૉજીનો સમાવેશ થાય છે.

ચાંદીના ઉદ્યોગ પર નજર રાખતી સિલ્વર ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે, 2025માં ચાંદીની ડિમાન્ડ ત્રણ ટકા વધીને પહેલી વખત 70 કરોડ ઔંસને પાર કરી જશે.

રોકાણકારો માટે ચાંદીમાં રોકાણનો કયો વિકલ્પ સારો?

બીબીસી ગુજરાતી સોનું ચાંદી ગોલ્ડ સિલ્વર ઇટીએફ રોકાણ ભાવ મેટલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીયો ચાંદીના ઘરેણાં, સિલ્વર બાર અથવા ઈટીએફમાં રોકાણ કરતા હોય છે

ભારતીયો પરંપરાગત રીતે ચાંદીમાં ફિઝિકલ રોકાણ કરવા માટે જાણીતા છે. એટલે કે તેઓ ચાંદીના ઘરેણાં, સિલ્વર બાર (લગડી કે પાટ) વગેરેમાં રોકાણ કરતા હોય છે, પરંતુ હવે ઈટીએફનો વિકલ્પ વધારે લોકપ્રિય બની રહ્યો છે.

કોમૉડિટી માર્કેટના સિનિયર ઍનાલિસ્ટ સૌમિલ ગાંધીએ કહ્યું, "ચાંદીમાં રોકાણ કરવા માટે ઈટીએફ સૌથી સારો રસ્તો છે."

સિલ્વર ઈટીએફમાં ચાંદીને સાચવવાની કોઈ ચિંતા રહેતી નથી, ખરીદી અને વેચાણમાં પારદર્શિતા રહે છે અને ટૅક્સ પણ ઓછો લાગે છે.

ભૌતિક સ્વરૂપે ચાંદી ખરીદી હોય તો વેચતી વખતે બજાર કરતાં નીચો ભાવ મળે છે. જ્યારે ઈટીએફમાં ફિઝિકલ સ્ટોરેજની જરૂર પડતી ન હોવાથી ખર્ચ ઓછો આવે છે અને ગમે ત્યારે ખરીદી કે વેચી શકાય છે.

જોકે, સિલ્વર ઈટીએફ મારફત ચાંદીમાં રોકાણ કરો, ત્યારે મૅનેજમેન્ટ ફી, ઍક્સપેન્સ રેશિયો વગેરેનો વિચાર કરવો જરૂરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન