You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અજગરના મળમાં જોવા મળતો કૃમિ મહિલાના મગજમાંથી જીવતો કેવી રીતે મળ્યો?
- લેેખક, ફિલ મર્કર
- પદ, બીબીસી ન્યૂઝ, સિડની
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમને એક મહિલાના મગજમાંથી 8 સેન્ટિમીટર લાંબો જીવતો કૃમિ મળી આવ્યો છે. વિશ્વમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે.
કૅનબરામાં ગયા વર્ષે એક સર્જરી દરમિયાન ઑસ્ટ્રેલિયન મહિલાના મગજના આગળના ભાગમાંથી દોરી જેવું દેખાતો કૃમિ બહાર કાઢવામાં આવ્યો હતો.
ડૉ. હરી પ્રિયા બંદી જેમણે સર્જરી કરી હતી તેમનું કહેવું છે કે, “અમને આવી અપેક્ષા નહોતી. બધા જ ચોંકી ગયાં હતાં.”
64 વર્ષીય મહિલાને ચાર મહિનાથી પેટમાં દુખાવો, કફ અને રાત્રે પરસેવો વળી જવો જેવી સમસ્યાઓ હતી. તેનાથી તેમની યાદશક્તિ ઓછી થઈ રહી હતી અને તેઓ તણાવમાં રહેવા લાગ્યાં હતાં.
જાન્યુઆરી 2021માં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. તેમની તબીબી તપાસ પછી નિદાન થયું કે તેમના મગજના જમણી બાજુ આગળના ભાગમાં કંઈક છે.
જોકે વર્ષ 2022માં જૂન મહિનામાં ડૉ. બંદીએ બાયૉપ્સી કરી ત્યારે તેમની સમસ્યાઓનું કારણ જાણવા મળ્યું હતું.
ડૉક્ટરોનું કહેવું છે કે આ લાલ રંગનો કૃમિ તેમના મગજમાં બે મહિનાથી જીવતો હતો.
જે મહિલાના મગજમાં આ કૃમિ હતો તે ન્યૂ સાઉથ વેલ્સના દક્ષિણ-પૂર્વિય વિસ્તારમાં તળાવ પાસે રહેતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનુષ્યના મગજમાં કૃમિનું ઘૂસવું અને તેમાં તેનો વિકાસ પણ થવાની આ પહેલી ઘટના માનવામાં આવી રહી છે. ઇમર્જિંગ ઇન્ફેક્શિયસ ડિસિઝીસ જર્નલમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો. તેના સંશોધકોએ આ વાત જણાવી.
‘મેં તેને બહાર ખેંચ્યો અને એ જીવતો હતો’
મગજમાં કૃમિને શોધી લેનાર ન્યૂરોસર્જને જણાવ્યું હતું કે મહિલા દર્દીના મગજનો જે ભાગ સ્કૅન વખતે અલગ દેખાયો હતો તેને તેમણે સ્પર્શ કરવાનું તેમણે શરૂ કર્યું હતું ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો.
તેમણે કહ્યું, “મને એ ખૂબ જ વિચિત્ર લાગ્યું. આટલું અસાધારણ વસ્તુ તમે ક્યાંય નહીં જોઈ હોય.”
“પછી મને ખરેખર એ અનુભવાયું. મેં તેને બહાર કાઢ્યો. તેને જોઈને ચોંકી ગઈ. એ હલી રહ્યો હતો.”
“બધાં જ સ્તબ્ધ હતાં. અમે જે કૃમિ શોધીને બહાર કાઢ્યો એ ફરી રહ્યો હતો. મગજની બહાર કાઢ્યા બાદ તે સરળતાથી ફરી રહ્યો હતો.”
તેમણે ત્યાર બાદ તેમનાં સાથી તબીબ ડૉ. સંજયા સેનાનાયકે સાથે વાતચીત કરી કે હવે શું કરી શકાય.
ડૉ. સેનાનાયકેએ કહ્યું કે, “જ્યારે સર્જને ઑપરેશન થિયેટરમાં એ કૃમિ બહાર કાઢ્યો અને તે લાલ રંગનો 8 સેન્ટિમીટર લાંબો હતો. અમે બધાં જ ચોંકી ગયાં હતાં. તમને ભલે ચીતરી ચઢે એવું લાગે પણ આવું માનવ ઇતિહાસમાં પહેલાં ક્યારેય નથી નોંધાયું.”
સંશોધકો આ ઘટના બાદ એ વિશે ચેતવણી આપી રહ્યા છે કે પશુઓથી મનુષ્યને થનારા રોગોનું જોખમ કેટલું ગંભીર છે.
ઑફિડાસ્કૅરિસ રોબેર્ટસી કૃમિ મોટાભાગે કાર્પેટ પાયથોનમાં જોવા મળે છે. જે બિનઝેરી સાપ છે અને તે સમગ્ર ઑસ્ટ્રેલિયામાં મળી આવે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મહિલા જ્યારે ઘાસ ભેગું કરી રહ્યાં હશે ત્યારે તે શરીરમાં આવી ગયું હશે. વૅરિગલ ઘાસ જે તળાવ પાસે થાય છે. અને આ વિસ્તાર કાર્પેટ પાયથોનનો વસવાટવાળો વિસ્તાર છે.
જર્નલમાં ઑસ્ટ્રેલિયાના જીવજંતુ નિષ્ણાત મહેરાબ હોસેને લખ્યું છે કે મહિલા રાંધવા માટે જ્યારે ઘાસ ભેગું કરી રહ્યાં હશે ત્યારે પાયથોનનાં મળમૂત્ર અને પૅરાસાઇટનાં ઇંડાંથી પ્રદૂષિત થયેલા છોડના લીધે આકસ્મિકરીતે તેઓ એના સંપર્કમાં આવી ગયાં હોઈ શકે છે.
ડૉ. હોસેન કહે છે, “આ પહેલાં ક્યારેય કોઈના મગજમાં ઓફિડાસ્કૅરિસ કૃમિ ભરાઈ ગયો હોય એવું નોંધાયું નથી.”
“મનુષ્યના મગજમાં ત્રીજા તબક્કાના લાર્વાની હાજરી નોંધપાત્ર છે. કેમકે અગાઉ ઘેટાં, કૂતરા અને બિલાડી જેવા પશુઓમાં તેનો વિકાસ થયો હોવાનું નથી જોવા મળ્યું.”
ડૉ. સેનાનાયકે ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીમાં પણ ઍસોસિયેટ પ્રોફેસર છે. તમણે બીબીસીને જણાવ્યું કે આ કેસ ચેતવણીરૂપ છે.