નીરજ ચોપરાનાં માતાએ અરશદ નદીમ માટે એવું શું કહ્યું કે પાકિસ્તાનમાં ચારેકોર ચર્ચા થઈ

ઇમેજ સ્રોત, ANI
પેરિસ ઑલિમ્પિકમાં ભાલાફેંકની રમતમાં પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ અને ભારતના નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો છે.
મેડલ જીતવાની સાથે-સાથે અરશદ નદીમે નવો ઑલિમ્પિક રેકૉર્ડ પણ બનાવી લીધો છે. અરશદ નદીમે 92.97 મીટર દૂર ભાલો ફેંકીને ઑલિમ્પિકના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા. નીરજ ચોપરાનો બેસ્ટ થ્રો 89.45 મીટર રહ્યો હતો.
નીરજ ચોપરા આ સાથે જ ઑલિમ્પિકમાં ભાલાફેંકની રમતમાં સતત બે વાર મેડલ જીતનારા પહેલા ભારતીય બન્યા છે. તેમણે આ પહેલાં ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મેડલ જીત્યા બાદ નીરજ ચોપડાએ જણાવ્યું હતું, "કોઈ દિવસ કોઈ એક ખેલાડીનો હોય છે. આજે અરશદનો દિવસ હતો. જ્યારે ખેલાડીનો દિવસ હોય છે ત્યારે તેનું શરીર એકદમ અલગ હોય છે. દરેક વસ્તુ એકદમ પરફેક્ટ હોય છે જેમ આજે અરશદ માટે હતું. ટોક્યો, બુડાપેસ્ટ અને એશિયન ગેમ્સમાં મારો દિવસ હતો."
નીરજ ચોપડાનાં માતા સરોજ દેવીએ અરશદ નદીમ માટે જણાવ્યું, ''અમે બહુ ખુશ છીએ. અમારા માટે તો સિલ્વર મેડલ પણ ગોલ્ડ મેડલની જેમ જ છે. ગોલ્ડ મેડલ જીતનાર પણ આપણો દીકરો છે. તે મહેનત કરે છે.''
સરોજ દેવીના નિવેદનની પાકિસ્તાનમાં ઘણી ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકો તેમના નિવદેનમાં અરશદ માટે પોતીકાપણાનાં વખાણ કરી રહ્યાં છે.
પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે સોશિયલ મીડિયામાં લખ્યું, ''જેને ગોલ્ડ મેડલ મેળવ્યો છે, તે અમારો પણ દીકરો છે. આ વાત માત્ર એક મા જ કહી શકે છે. કમાલ છે.''
પાકિસ્તાનના પત્રકાર એહતિશામ ઉલ હકે નીરજ ચોપરાનાં માતાનો વીડિયો શૅર કરીને કૅપ્શનમાં લખ્યું છે કે કઈ રીતે તેમને અરશદની જીત માટે ખુશી વ્યક્ત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એહતિશામ લખે છે, ''આ સુંદર મૅસેજ માટે તમારો આભાર મા.''
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર અબ્દુલ્લાહ ઝફર લખે છે, ''એમાં કોઈ શંકા નથી કે તેઓ એક ચૅમ્પિયનનાં માતા છે.''
અન્ય એક યૂઝર વસીમ ઍક્સ પર લખે છે, ''નીરજનાં માતા, એક બહાદુર મહિલા.''
પાકિસ્તાની મીડિયાએ કેવી પ્રતિક્રિયા આપી

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના જિયો ટીવીની વેબસાઇટમાં ટૉપ ત્રણ ન્યૂઝ અરશદ નદીમ પર છે.
પ્રથમ હેડલાઇન છે – ''પાકિસ્તાનના ભાલાફેંક ખેલાડી અરશદ નદીમે પેરિસ ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો, 40 વર્ષથી જોવાતી રાહનો અંત આવ્યો.''
નીરજ ચોપરા માટે વેબસાઇટમાં લખવામાં આવ્યું છે કે સતત બીજા ઑલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાની આશા રાખી રહેલા નીરજ ચોપરાએ 89.45 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો છે.
વેબસાઇટમાં બીજી હેડલાઇન છે – ''દેશનું ગૌરવઃ પાકિસ્તાને અરશદ નદીમનાં ભરપેટ વખાણ કર્યાં.''
આ સમાચારમાં અરશદનાં માતાને ટાંકીને જિયો ટીવીએ લખ્યું છે, ''મેં મારા દીકરાની સફળતા માટે ઘણી દુઆઓ કરી હતી. સમગ્ર પાકિસ્તાને મારા દીકરાની સફળતા માટે દુઆ કરી હતી.''
પાકિસ્તાનની વેબસાઇટ ડોનના હોમ પેજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેવું તમે વેબસાઇટ ખોલશો તો વિવિધ રંગોની રિબન દેખાય છે. ખુશીની પળોમાં જે પ્રકારની રિબન દેખાય છે તે પ્રકારના રિબન વેબસાઇટમાં છે.
પાકિસ્તાનની વાટ પૂરી થઈ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉન વેબસાઇટમાં સમાચારની હેડલાઇન છે, "ભાલાફેંકના સ્ટાર ખેલાડી અરશદ નદીમે ઑલિમ્પિક મેડલ માટે 40 વર્ષથી વાટ જોતા પાકિસ્તાનનો ઇંતેજાર પૂરો કર્યો."
સમાચારમાં નીરજ અને અરશદ વિશે લખવામાં આવ્યું છે કે, "આજે રાત્રે ફાઇનલમાં પાકિસ્તાન અને ભારતની હરીફાઈ જોવા મળી, જે નદીમ અને ચોપરાએ વર્ષોથી જીવંત રાખી છે. ગયા વર્ષે આ જોડી 1-2 પર હતી, જ્યારે વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ચોપરાએ ગોલ્ડ અને નદીમે સિલ્વર મેડલ જીત્યો હતો.
વેબસાઇટ પર દેખાતી લગભગ બધા ટોચના સમાચાર અરશદ નદીમને લઈને છે. ડૉને એક વીડિયો પણ શૅર કર્યો છે જેમાં પાકિસ્તાની લોકો ઢોલના તાલે ડાન્સ કરી રહ્યા છે.
પાકિસ્તાની વેબસાઇટ ‘ધ ઍક્સપ્રેસ ટ્રિબ્યુન’માં પણ આ જીતની ચર્ચા છે.
સમાચારનું શીર્ષક છે- "અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો, પાકિસ્તાનનો 32 વર્ષનો દુષ્કાળ ખતમ થયો."
છેલ્લાં 40 વર્ષમાં પહેલી વાર પાકિસ્તાનને વ્યક્તિગત શ્રેણીમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. 32 વર્ષ બાદ પાકિસ્તાનનો ઑલિમ્પિકમાં આ પ્રથમ મેડલ છે.
પાકિસ્તાને 40 વર્ષથી કોઈ ગોલ્ડ મેડલ જીત્યો નથી. 1992માં પાકિસ્તાનની હોકી ટીમે બાર્સેલોના ઑલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
પાકિસ્તાનના નેતાઓની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન શહબાઝ શરીફે લખ્યું, "શાબાશ અરશદ. ઇતિહાસ રચી નાખ્યો છે. પાકિસ્તાનના પ્રથમ પુરુષ ભાલાફેંક ચૅમ્પિયન અરશદ નદીમ પેરિસ ઑલિમ્પિક્સ 2024માંથી ગોલ્ડ મેડલ ઘરે લાવી રહ્યા છે! તમે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે."
પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને લખ્યું, "પાકિસ્તાન માટે ગોલ્ડ મેડલ જીતવા પર અરશદ નદીમને અભિનંદન. પહેલી વાર કોઈ પાકિસ્તાનીએ વ્યક્તિગત રીતે ઍથ્લેટિક્સમાં ઑલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો છે."
બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ઍક્સ પર લખ્યું, "ભાલાફેંકમાં 92.97 મીટરનો ઑલિમ્પિક રેકૉર્ડ તોડવા બદલ અરશદ નદીમને અભિનંદન. પાકિસ્તાન માટે ગોલ્ડ મેડલ... તમારા કારણે અમને બધાને ગર્વની અનુભૂતિ થઈ છે."
પીએલએલ-એન પાર્ટીએ ઍક્સ એકાઉન્ટ પર એક પોસ્ટને રીટ્વીટ કરીને લખ્યું છે, "બંને વખત પીએમએલ-એનની સરકાર હતી."
રીટ્વીટ પોસ્ટમાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને અરશદ નદીમની તસવીર છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમે ઇમરાન ખાનની કપ્તાનીમાં વર્લ્ડકપ જીત્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સામાન્ય લોકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ફખર જમાન નામના એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવ્યું, "ઑલિમ્પિકમાં ગોલ્ડ જીતવા બદલ અરશદ નદીમને અભિનંદન. તમારી સિદ્ધિ પર પાકિસ્તાનને ગર્વ છે."
પાકિસ્તાન ક્રિકેટના ઑફિશિયલ હેન્ડલે લખ્યું, "પેરિસમાં ઇતિહાસ રચાયો. અરશદ નદીમે 92.97 મીટરના થ્રો સાથે પાકિસ્તાનને 1984 પછી પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો."
મલાલા યુસૂફઝાઈએ ઍક્સ પર લખ્યું, "અભિનંદન અરશદ નદીમ. તમે ઇતિહાસ રચ્યો છે. તમે કાયમ પાકિસ્તાનના યુવાનોને પોતાનાં સપનાં પર ભરોસો કરવા માટે પ્રેરિત કરનાર ચૅમ્પિયન તરીકે રહેશો."
ફ્રાન્સમાં પાકિસ્તાની દૂતાવાસે પોતાના ઍક્સ પર પોસ્ટ કર્યું, "કેટલી ગર્વની ક્ષણ. અરશદ, તમે અમને બધાને ગૌરવ અપાવ્યું છે. અભિનંદન."
કરાચીસ્થિત પત્રકાર ફૈઝાન લાખાનીએ ઍક્સ પર પોસ્ટ કર્યું, ''મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે મારા જીવનમાં મને આ દિવસ જોવા મળશે. આ એક સ્વપ્ન જેવું છે જેમાં પાકિસ્તાને ગોલ્ડ મેડલ જીત્યો છે અને તે પણ રેકૉર્ડ સાથે. અરશદ નદીમનો આભાર. તમે યુવાપેઢીને બતાવ્યું છે કે શું શક્ય છે. ઇતિહાસ રચવા બદલ તમારો આભાર અરશદ નદીમ."
અરશદ નદીમ વિશે મહત્ત્વની વાતો

ઇમેજ સ્રોત, Getty Images
સાલ 2016થી અરશદ નદીમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે પરંતુ 2019 સુધી તેઓ લાઇમલાઇટમાં આવ્યા નહોતા.
2016માં ભારતના ગુવાહાટીમાં યોજાયેલા સાઉથ એશિયન ગેમ્સમાં અરશદ નદીમે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. 2017માં બાકુમાં યોજાયેલી ઇસ્લામિક ગેમ્સમાં પણ તેઓ ત્રીજા ક્રમે આવ્યા હતા.
2018 એશિયન ગેમ્સમાં તેમણે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો, પરંતુ તે જ વર્ષે ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં તેઓ આઠમા ક્રમે રહ્યા હતા.
2019માં અરશદ નદીમની કારકિર્દીમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે નેપાળમાં આયોજિત સાઉથ એશિયન ગેમ્સમાં તેમણે 86.29 મીટરના અંતરે ભાલો ફેંકીને નવો રેકૉર્ડ બનાવ્યો હતો. આવું કરીને તેઓ ટોક્યો ઑલિમ્પિક માટે ક્વૉલિફાય થવામાં સફળ થયા હતા.
પાકિસ્તાનના ઍથ્લેટિક્સ ઇતિહાસમાં આ પ્રથમ વખત હતું જ્યારે કોઈ ખેલાડીએ સીધા ઑલિમ્પિક માટે ક્વૉલિફાય કર્યું હોય. તેના પહેલા પાકિસ્તાનના ખેલાડીઓ વાઇલ્ડ કાર્ડ ઍન્ટ્રી થકી જ ઑલિમ્પિકમાં સામેલ થતા હતા.
ઑલિમ્પિક પહેલાં અરશદ નદીમે ઈરાનમાં ઍથ્લેટિક્સ સ્પર્ધામાં 86.38 મીટર સાથે પોતાનો રાષ્ટ્રીય રેકૉર્ડને વધુ સારો કર્યો હતો.
ટોક્યો ઑલિમ્પિકમાં તેઓ 84.62 મીટરથી આગળ વધી શક્યા નહોતા અને પાંચમા ક્રમાંકે સ્થાને આવીને સંતોષ માનવો પડ્યો હતો. પરંતુ તેમણે સંકેત આપી દીધો હતો કે આવનારી મૅચમાં તેઓ પોતાના હરીફોને પડકારી શકે તેવી સ્થિતિમાં હશે.
પેરિસ ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને અરશદ નદીમે પોતાના સંકેતને વાસ્તવિકતામાં ફેરવી દીધો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












