ઓખા : જેટ્ટીના બાંધકામ દરમિયાન ક્રેન તૂટી પડતાં ત્રણ મજૂરોનાં મોત - ન્યૂઝ અપડેટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર ખાતે એક જેટ્ટીના બાંધકામ દરમિયાન બુધવારે સવારે એક ક્રેન તૂટી પડતાં ત્રણ શ્રમિકો તેની નીચે દબાઈ ગયા હતા. ગુજરાત પોલીસે બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયા સાથેની વાતચીતમાં આ મજૂરોનાં મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ કરી છે.

ઓખા મરિન પોલીસ સ્ટેશનના પીએસઆઇ રામજી ઝરૂએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ ઘટના બુધવારે સવારે 11 વાગ્યાની આજુબાજુ બની હતી. ક્રેનના કેબલ તૂટતાં ક્રેનનું બૂમ નીચે પટકાયું હતું. બે મજૂર આ લોખંડના બૂમ નીચે દબાઈ જતાં તેમના ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં હતાં. ત્રીજો મજૂર ક્રેન પડતા ઈજાગ્રસ્ત થઈને દરિયામાં પડી ગયો હતો. તેને દરિયામાંથી બચાવી લેવાયો હતો. તેમને નજીકના મીઠાપુર ખાતે આવેલ એક હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ થયું હતું."

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "ઘટના બાદ અહીં બાંધકામ અટકાવી દેવાયું છે. જીએમબી (ગુજરાત મેરિટાઇમ બોર્ડ) આ જેટ્ટી ઈન્ડિયન કોસ્ટગાર્ડ માટે બંધાવી રહ્યું છે અને બુધવારની ઘટના બાદ બાંધકામ હાલ પૂરતું અટકાવી દેવાયું છે,"

ઝરૂએ ઉમેર્યું હતું કે , "મૃત્યુ પામેલ ત્રણેય મજૂરોની ઓળખ પ્રસ્થાપિત કરવાની કાર્યવાહી થઈ રહી છે અને ત્રણેય મૃતદેહોને પીએમ (પોસ્ટમૉર્ટમ) માટે દ્વારકા ખાતેની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે."

ભારત સરકારે માર્ચ, 2024 માં બહાર પાડેલ એક સત્તાવાર યાદી અનુસાર, ઓખા બંદર ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડ એટલે કે ભારતીય તટરક્ષક દળ માટે હયાત જેટ્ટી ઉપરાંત 200 મીટર લંબાઈની જેટ્ટીનું બાંધકામ ચાલી રહ્યું છે.

કઝાખસ્તાનમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ઘણા લોકોનાં મોત, અત્યાર સુધી શું શું સામે આવ્યું?

કઝાખસ્તાનમાં પ્લેન ક્રૅશને કારણે ઘણાં લોકોનાં મોત થયાં છે. વિમાનમાં 67 લોકો સવાર હતા.

કઝાખસ્તાનના ઇમર્જન્સી મંત્રાલયે કહ્યું છે કે, "આ દુર્ઘટનામાં 25 લોકોના જીવ બચી ગયા છે."

આ વિમાન અઝરબૈઝાન ઍરલાઇન્સનું હતું. જ્યારે વિમાન અક્તાઉ શહેરમાં ઊતરી રહ્યું હતું ત્યારે તેમાં આગ લાગી હતી. ક્રૅશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

અઝરબૈઝાન ઍરલાઇન્સની ફ્લાઇટ નંબર J2-8243 રાજધાની બાકુથી રશિયાના ગ્રોઝની તરફ જઈ રહી હતી. અહેવાલો અનુસાર ગાઢ ધુમ્મસના કારણે વિમાનને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

ન્યૂઝ એજન્સી રૉયટર્સ તરફથી વેરિફાય કરાયેલા વીડિયોમાં વિમાનને ઝડપથી નીચે ઊતરતું જોઈ શકાય છે. તે દરમિયાન વિમાનનું લૅન્ડિંગ ગિયર પણ ડાઉન થઈ ગયું હતું.

પરંતુ જેવું વિમાન લૅન્ડ કરવાનો પ્રયાસ થયો ત્યાં જ તે આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.

આ વિમાનમાં 62 મુસાફરો અને 5 ક્રૂ મૅમ્બર હતા.

વિમાનમાં સવાર મોટા ભાગના લોકો અઝરબૈજાનના હતા, પરંતુ તેમાં રશિયા, કઝાખસ્તાન અને કિર્ગિસ્તાનના લોકો પણ હતા.

અધિકારીઓએ કહ્યું છે કે અક્તાઉ ઍરપૉર્ટ ખુલ્લું છે અને ત્યાં સંચાલન સામાન્ય છે.

બીબીસીએ આ બાબતે નિવેદન માટે અઝરબૈઝાન ઍરલાઇન્સનો સંપર્ક કર્યો છે.

'આપ'ની યોજનાઓ પર સરકારી વિભાગોએ ફટકારી નોટિસ, કેજરીવાલે શું કહ્યું?

આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીની વિધાનસભા ચૂંટણી પહેલાં ઘોષિત કરવામાં આવેલી બે યોજનાઓ પર સરકારી વિભાગોએ નોટિસ જારી કરી છે. જેમાં બતાડવામાં આવ્યું છે કે આ પ્રકારની યોજના દિલ્હીમાં અમલમાં નથી.

કેટલાક દિવસો પહેલાં પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે ઍલાન કર્યું હતું કે ચૂંટણી બાદ તેમની સરકાર બન્યા બાદ મહિલાઓને મળનારી નાણાકિય સહાય 1000 રૂપિયાથી વધારીને 2100 કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હીની તમામ હૉસ્પિટલોમાં 60 વર્ષથી વધુ વયના લોકોના મફત ઇલાજ માટે સંજીવની યોજનાની જાહેરાત પણ કરવામાં આવી હતી. તેના માટે રજિસ્ટ્રેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

જોકે, હવે દિલ્હી સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા નોટિસ જારી કરીને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની કોઈ યોજના અધિસૂચિત નથી કરવામાં આવી.

આ જ પ્રકારની નોટિસ દિલ્હીના આરોગ્ય વિભાગે આજના વર્તમાનપત્રોમાં છપાવડાવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સંજીવની યોજના જેવી કોઈ યોજના હાલ અધિસૂચિત નથી.

આ નોટિસ પર કેજરીવાલે ઍક્સ પર લખ્યું, "મહિલા સન્માન યોજના અને સંજીવની યોજનાને કારણે આ લોકો બઘવાઈ ગયા છે. આવનારા દિવસમાં ખોટો કેસ બનાવીને આતિશીની ધરપકડ કરવાની યોજના આ લોકોએ બનાવી છે. તેના પહેલા આપના નેતાઓના ઘરે છાપા પણ મારવામાં આવશે."

અફઘાનિસ્તાનનો દાવો- પાકિસ્તાને તેમના પર કરેલા હવાઈ હુમલામાં સેંકડોનાં મોત

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ તેમના દેશના પકતીકા પ્રાંતના બરમલ જિલ્લામાં હવાઈ હુમલાઓ કર્યા છે.

આ હુમલામાં કેટલાક લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે પાકિસ્તાની સેનાએ આ સમાચારની પુષ્ટિ નથી કરી.

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ત્રણ પોસ્ટ કરવામાં આવી. જેમાં દાવો કરવામાં આવ્યો કે માર્યા ગયેલા ઘણા લોકો વઝીરિસ્તાનથી આવેલા શરણાર્થીઓ હતા.

સંરક્ષણ મંત્રાલયે લખ્યું, "અમે તેની નિંદા કરીએ છીએ. આ હુમલા આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે. પાકિસ્તાને એ યાદ રાખવું જોઈએ કે આ પ્રકારના હુમલા એ સમસ્યાનું સમાધાન નથી."

પાકિસ્તાન ઘણી વખત કહી ચૂક્યું છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ 'તહરીક-એ-તાલિબાન સંગઠન' પાકિસ્તાન સામે કરે છે.

ટ્રેવિસ હેડ ભારત સામે ચોથી ટેસ્ટમૅચમાં રમશે કે નહીં, ઑસ્ટ્રેલિયાએ જણાવ્યું

ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ટ્રેવિસ હેડ ભારત સામે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી ટેસ્ટમૅચ માટે ફિટ છે.

26મી ડિસેમ્બરે શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટમાં રમવા માટે ટ્રેવિસ હેડે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે તેની જાણકારી આપી છે.

ટ્રેવિસ હેડે જણાવ્યું કે બ્રિસબેન ટેસ્ટ દરમિયાન તેમને માંસપેશીઓમાં ખેંચની સમસ્યા થઈ હતી. અટકળો લગાવાતી હતી કે હવે તેઓ ભારત સામેની ચોથી ટેસ્ટમૅચ નહીં રમી શકે. પરંતુ હવે તેઓ રમશે તેવી જાણકારી ઑસ્ટ્રેલિયાએ આપી છે.

ભારતીય ક્રિકેટ ટીમે સિરીઝની પહેલી મૅચ જીતી હતી પરંતુ બીજી મૅચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી.

મિસાઇલ પ્રોગ્રામ સાથે જોડાયેલી સંસ્થા પર અમેરિકી પ્રતિબંધ પછી પાકિસ્તાને શું કહ્યું?

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પાકિસ્તાનની ચાર કંપનીઓ પર હાલમાં જ લગાવાયેલા અમેરિકી પ્રતિબંધ પર કહ્યું કે તેનું કોઈ ઔચિત્ય નથી.

શહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમનો ઉદ્દેશ પાકિસ્તાનનું સંરક્ષણ કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે તેની સાથે કોઈ સમાધાન નહીં થાય.

બીબીસી ઉર્દુ પ્રમાણે શહબાઝ શરીફે કહ્યું, "નૅશનલ ડેવલપમેન્ટ કૉમ્પ્લેક્સ(એનડીસી) અને અન્ય પાકિસ્તાની સંસ્થાનો પર પ્રતિબંધ લગાવવો અનુચિત છે. પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ કોઈ રાજનૈતિક પાર્ટીનો નહીં પરંતુ 24 કરોડ લોકોનો છે. તેની સાથે કોઈ સમાધાન નહીં થાય."

હાલમાં જ બાઇડન પ્રશાસને પાકિસ્તાનના પરમાણુ હથિયારથી લાંબા અંતરની મારક ક્ષમતા ધરાવતી બૅલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામની સાથે કથિત રીતે જોડાયેલી ચાર સંસ્થાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં મિસાઇલની દેખરેખ રાખનારી સરકારી સંસ્થા નૅશનલ ડેવલપમેન્ટ કૉમ્પ્લેક્સ પણ સામેલ છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી: કૉંગ્રેસની બીજી યાદી જાહેર, મનીષ સિસોદિયા સામે ફરહાદ સૂરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસે બીજી યાદી બહાર પાડી છે. જેમાં 26 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

કૉંગ્રેસે જંગપુરાથી ફરહાદ સૂરીને ટિકિટ આપી છે. અહીંથી આમ આદમી પાર્ટીએ પૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

પાર્ટીએ આસિમ અહમદ ખાનને મટિયા મહલ અને દેવેન્દ્ર સહરાવતને બિજવાસનથી ટિકિટ આપી છે. બંને નેતા હાલમાં જ આમ આદમી પાર્ટી છોડીને કૉંગ્રેસમાં સામેલ થયા છે.

પાર્ટીએ પહેલી યાદીમાં 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ નથી પરંતુ ચૂંટણી ફેબ્રુઆરીમાં થવાની સંભાવના છે.

જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત

પહાડો પર બરફવર્ષા ચાલુ જ છે. ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો માઇનસ ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. પહાડો પર થયેલી બરફવર્ષાને કારણે જમીની વિસ્તારમાં પણ અચાનક ઠંડી વધી ગઈ છે. દિલ્હીથી લઈને પટના સુધી, લખનઉથી લઈને જયપુર સુધી ઠંડીનો માર યથાવત છે. કાશ્મીર ખીણમાં પારો શૂન્યથી નીચે છે. સોમવારે રાત્રે પહેલગામમાં ન્યૂનતમ તાપમાન માઇનસ 7.8 ડિગ્રી રહ્યું હતું જે કાશ્મીરમાં સૌથી ઠંડુ હતું. શ્રીનગરમાં પણ માઇનસ 6.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

યુપીના કેટલાક વિસ્તારોમાં અને દિલ્હીમાં વરસાદના ઝાપટા પડ્યા છે. જેને કારણે ઠંડી વધી ગઈ છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 28 ડિસેમ્બર સુધી આ પ્રકારની ઠંડી યથાવત રહેશે.

પૂર્વ ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાને મણિપુરના ગવર્નર બનાવાયા

રાષ્ટ્રપતિ ભવન તરફથી મંગળવારે જારી અધિસૂચનામાં પાંચ રાજ્યોના નવા ગવર્નરોની નિયુક્તિની જાણકારી આપવામાં આવી છે.

આ જાણકારીમાં સૌથી મહત્ત્વનું નામ ભારતના પૂર્વ ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાનું છે જેમને મણિપુરના ગવર્નર બનાવવામાં આવ્યા છે.

ભલ્લાની નિયુક્તિ એવા સમયે થઈ રહી છે જ્યારે મણિપુર હિંસાની આગમાં ભડકે બળી રહ્યું છે. મણિપુરમાં મે 2023 બાદ બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી હતી.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી પ્રમુખ વિજયકુમાર સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવાયા છે. કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાનને બિહારના રાજ્યપાલ બનાવાયા છે અને બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાખ અર્લેકરને કેરળ ખાતે ખસેડાયા છે.

ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ આ રાજીનામાનો સ્વીકાર કર્યો છે. મિઝોરમના ગવર્નર હરિ બાબૂ કંભમપતિને ઓડિશાના નવા ગવર્નર બનાવાયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.