અશ્વિની કુમારઃ માત્ર એક કેળું ખાઈને આઈપીએલની પહેલી જ મૅચમાં ઇતિહાસ રચ્યો

બીબીસી ગુજરાતી આઈપીએલ અશ્વિની કુમાર સૂર્ય કુમાર રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અશ્વિની કુનારે પહેલી જ મૅચમાં ધારદાર બૉલિંગ કરી છે
    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, બીબીસી ન્યૂઝ

રોહિત શર્માના નિરાશાજનક દેખાવ વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સે શાનદાર જીત મેળવીને આઈપીએલમાં વિજયનું ખાતું ખોલ્યું છે.

મુંબઈની આ જીત માટે અશ્વિની કુમાર અને રાયન રિકલ્ટનને શ્રેય આપવામાં આવે છે.

રાયન રિકલ્ટને પોતાની ત્રીજી મૅચમાં અડધી સદી ફટકારી હતી. 43 બૉલ બાકી હતી ત્યારે જ જીત અપાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી. પરંતુ આ વિજય માટે સૌથી વધુ યોગદાન અશ્વિની કુમારનું હતું.

તેમણે પોતાની ડેબ્યૂ મૅચમાં ચાર વિકેટ ઝડપીને કેકેઆરની (કોલકતા નાઇટ રાઇડર્સ) ઇનિંગને 116 રનમાં સમેટી લેવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

ગઈ સિઝનમાં છેલ્લા સ્થાને રહેલી મુંબઈ ઇન્ડિયન્સ આ વખતે પહેલી બે મૅચ હારી ગઈ, ત્યારે એવું લાગ્યું કે તેનું નસીબ આ વખતે પણ ખરાબ છે.

પરંતુ સોમવારે મળેલી જીત પછી પૉઇન્ટ ટૅબલમાં છઠ્ઠા સ્થાને રહીને ટીમમાં નવો ઉત્સાહ આવ્યો છે.

રોહિત શર્મા માટે મુશ્કેલ સમય

બીબીસી ગુજરાતી આઈપીએલ અશ્વિની કુમાર સૂર્ય કુમાર રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રોહિત શર્મા આ વખતે મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા છે

રોહિત શર્મા આ સિઝનની પહેલી બે મૅચમાં બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. તેમણે શરૂઆતમાં પોતાના પર અંકુશ રાખ્યો અને પછી હર્ષિત રાણાના એક બૉલ પર સિક્સર ફટકારીને થોડો આત્મવિશ્વાસ મેળવ્યો હતો.

તે વખતે લાગતું હતું કે તેઓ પાછો રંગ જમાવશે, પરંતુ ત્યારે જ આંદ્રે રસેલના બૉલ પર કૅચ આપીને આઉટ થઈ ગયા.

તાજેતરમાં ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં રોહિત શર્માએ શાનદાર અર્ધસદી ફટકારી હતી, પરંતુ આઈપીએલની આ સિઝનમાં તેઓ પૅસ બૉલર્સ સામે મુશ્કેલી અનુભવી રહ્યા હોય તેમ જણાય છે.

અશ્વિની કુમારના રૂપમાં એક નવો સિતારો

બીબીસી ગુજરાતી આઈપીએલ અશ્વિની કુમાર સૂર્ય કુમાર રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અજિંક્ય રહાણેને આઉટ કરીને ઊજવણી કરી રહેલા અશ્વિની કુમાર

અશ્વિની કુમારે પોતાની પ્રથમ મૅચમાં જ શાનદાર પ્રદર્શન કરીને બધાને આંજી દીધા હતા.

કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ચોથી ઓવરમાં અશ્વિની કુમારને બૉલિંગ આપી, ત્યારે પહેલા જ બૉલ પર તેમણે અજિંક્ય રહાણેને તિલક વર્માના હાથે કૅચ કરાવી દીધા હતા.

ત્યાર પછી તેમણે રિંકુ સિંહ, મનીષ પાંડે અને આંદ્રે રસેલની વિકેટ ખેરવી અને કેકેઆરની ઇનિંગ તોડી પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેઓ આઈપીએલના ઈતિહાસમાં પદાર્પણ મેચમાં 24 રન આપીને ચાર વિકેટ ઝડપનાર પ્રથમ બૉલર બની ગયા. આ પ્રદર્શનના કારણે અશ્વિની કુમારને મૅન ઑફ ધ મૅચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

અશ્વિનીનો જન્મ મોહાલી નજીક ઝાંઝેરી ગામમાં થયો હતો. મુંબઈ ઇન્ડિયન્સે તેમને બેઝ પ્રાઇસ એટલે કે 30 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા.

ગઈ સિઝનમાં તેઓ પંજાબ કિંગ્સના ખેલાડી હતા, પરંતુ તેમને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નહોતું મળ્યું.

આઈપીએલે રાતોરાત બનાવ્યા હીરો

બીબીસી ગુજરાતી આઈપીએલ અશ્વિની કુમાર સૂર્ય કુમાર રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કેરળના વિગ્નેશ પુતુર (ડાબે) અને પંજાબના અશ્વિની કુમાર (જમણે)એ પોતાની રમતથી પ્રભાવિત કર્યા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉમેન્ટેટર આકાશ ચોપરાએ અશ્વિનીના પ્રદર્શન પર કહ્યું કે મુંબઈના કૅપ્ટને તેમને ચોથી ઓવર આપવાની જરૂર હતી. તેઓ જે રીતે બોલિંગ કરતા હતા તેનાથી તેઓ ડેબ્યૂ મેચમાં પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની શકે તેમ હતા.

તેમણે જે રીતે રસેલની વિકેટ ઝડપી તેના પરથી લાગતું હતું કે તેઓ મગજનો બહુ સારી રીતે ઉપયોગ કરે છે.

ઇનિંગ પૂરી થયા પછી કૉમેન્ટેટરે અશ્વિનીને પૂછ્યું હતું કે "તમે શું ખાઈને મેદાનમાં ઉતર્યા છો?" ત્યારે અશ્વિનીએ કહ્યું કે આઈપીએલની પ્રથમ મૅચ હોવાના કારણે થોડો ગભરાટ હતો. તેથી ભૂખ નહોતી લાગી અને માત્ર એક કેળું ખાઈને મેદાનમાં ઉતર્યો હતો.

અશ્વિનીને પૂછવામાં આવ્યું કે તમે કોઈ પ્લાન બનાવ્યો હતો કે કેમ? તેના જવાબમાં તેમણે કહ્યું, "મારા માટે મૅચમાં યોજના ઘડવામાં આવી હતી, પરંતુ કૅપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે તમારી પહેલી મૅચ છે તેથી વધારે કંઈ પણ વિચાર્યા વગર મૅચને આનંદ માણો અને જેવી બૉલિંગ કરતા હોવ તેમ કરો."

"મારા ગામમાં બધા લોકો મૅચ જોતા હશે જે ખુશ હશે તેવું વિચારીને હું પણ ખુશ છું."

કૉમેન્ટેટર નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, "ચમત્કારને નમસ્કાર કરવામાં આવે છે અને આઈપીએલ બહુ સારી રીતે આ કામ કરે છે."

"આઈપીએલે અશ્વિનીને રાતોરાત હીરો બનાવી દીધા છે. આ મૅચ પછી કદાચ જ કોઈ એવું હશે જે અશ્વિનીને ઓળખતા ન હોય."

સિદ્ધુએ કહ્યું, "અશ્વિનીનું શરીર હળવું છે અને તેઓ રિધમમાં બૉલિંગ કરે છે. તેમની બૉલિંગ જોઈને વસીમ અકરમની યાદ આવે છે. તેઓ પણ આવી જ રીતે બૉલિંગ કરતા હતા. પરંતુ આ પ્રકારની બૉલિંગ કરવા માટે ફિટનેસ પર ઘણું ધ્યાન આપવું પડશે."

સૂર્યકુમારની જબરજસ્ત ફટકાબાજી

બીબીસી ગુજરાતી આઈપીએલ અશ્વિની કુમાર સૂર્ય કુમાર રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ

ઇમેજ સ્રોત, ANI

સૂર્યકુમાર યાદવે જે રીતે 300ની સ્ટ્રાઇક રેટથી રમીને 27 રન બનાવ્યા તેના કારણે ટીમ જીત સુધી પહોંચી ગઈ હતી. તેણે સાબિત કરી દીધું કે તેમને 360 ડિગ્રી ખેલાડી શા માટે કહેવામાં આવે છે.

સૂર્યકુમારે પોતાના ટ્રેડમાર્ક શૉટથી રસેલને સિક્સર ફટકારીને મુંબઈને જીત અપાવી હતી.

તેઓ જે રીતે પિકઅપ શૉર્ટથી છગ્ગો ફટકારે છે તે જોવા જોવું હોય છે. સૂર્યકુમારે પોતાની નાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર મારી હતી.

કોલકાતાનો ફ્લૉપ શો

બીબીસી ગુજરાતી આઈપીએલ અશ્વિની કુમાર સૂર્ય કુમાર રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અશ્વિનીએ આંદ્રે રસેલને ક્લિન બૉલ્ડ કર્યા

કોલકાતાએ ગઈ સિઝનમાં ચૅમ્પિયન બનતી વખતે જોરદાર દેખાવ કર્યો હતો, પરંતુ આ વખતે દેખાવમાં એવી ચમક જોવા નથી મળી.

કેકેઆરના બૅટ્સમૅનોએ બિનજરુરી ઝડપથી રમવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે વિકેટ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો હોત તો તેઓ લડત આપી શકાય તેવી સ્થિતિમાં પહોંચી શક્યા હોત.

કૅપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું કે, "બેટિંગ માટે આ વિકેટ સારી હતી. આ સામૂહિક નિષ્ફળતાનું ઉદાહરણ છે. આ વિકેટ પર 180થી 190 રન એક સારો સ્કોર રહ્યો હોત."

"આ વિકેટ પર છેલ્લે સુધી ટકી રહે તેવા બૅટ્સમૅનની જરૂર હોય છે, પરંતુ અમે એવું કરી ન શક્યા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.