યુપીમાં શિક્ષિકા 'ગૂડ ટચ-બૅડ ટચ' સમજાવતાં હતાં અને બહાર આવ્યું 'શરમજનક કૃત્ય'

    • લેેખક, સૈય્યદ મોઝેઝ ઇમામ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાની એક સરકારી શાળાની શિક્ષકમિત્ર પર 'બૅડ ટચ'નો આરોપ લાગ્યો છે.

આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આરોપીએ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે.

આ ઘટના તાલબેહાટ પોલીસસ્ટેશન હેઠળ આવતા માધાપુરા ગામની છે.

અહીંની એક સરકારી શાળાની વિદ્યાર્થિનીઓએ મહિલા શિક્ષકોને જણાવ્યું કે, શિક્ષક તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરતા હતા.

જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. શિક્ષણ વિભાગે તપાસ માટે એક જિલ્લા કક્ષાની સમિતિની રચના કરી છે.

શાળાનાં આચાર્ય સુષમા રિછારિયા અનુસાર, કેટલીક વિદ્યાર્થિનીઓએ મહિલા શિક્ષકોને આ પ્રકારના વર્તન વિશે ફરિયાદ કરી હતી.

હકીકતમાં જ્યારે શાળાની મહિલા શિક્ષકો વિદ્યાર્થિનીઓને ગૂડ ટચ અને બૅડ ટચ વિશે માહિતી આપી રહ્યા ત્યારે આ મામલો સામે આવ્યો હતો.

વિદ્યાર્થિનીઓની ફરિયાદને ગંભીરતાથી લઈને આચાર્યે 18 ઑક્ટોબરે બ્લૉક ઍજ્યુકેશન ડિપાર્ટમેન્ટને આરોપી શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

22મી ઑક્ટોબરે ઍડિશનલ બેઝિક ઍજ્યુકેશન ઑફિસર તેમની ટીમ સાથે શાળામાં તપાસ માટે આવ્યા હતા. તેમની સાથે ગામના સરપંચ પણ હતા. તપાસમાં પણ વિદ્યાર્થિનીઓ પોતાની વાત પર મક્કમ રહી હતી.

ફરિયાદ અને ધરપકડ

જોકે, ગામના સરપંચ રૂપસિંહ યાદવે બીબીસીને જણાવ્યું કે, આરોપી શિક્ષકે આ તમામ આરોપોને ફગાવી દીધા છે.

શાળાનાં આચાર્ય સુષમા રિછારિયાએ બીબીસીને જણાવ્યું કે, હું 2016થી આ શાળામાં ભણાવી રહી છું. હું મેડિકલ લિવ પર હતી અને 14 ઑક્ટબરે ફરજ પર આવી છું. હું નોકરીએ ફરીથી જોડાઈ ત્યારે વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી હતી.

જોકે તેમનું કહેવું છે કે, આ પહેલાં આવી કોઈ ફરિયાદ મળી નથી.

શિક્ષણ વિભાગના અધિકારી સમરસિંહ ગૌર સાથે બીબીસી હિન્દીએ વાતચીત કરી હતી. તેમણે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, વિભાગે તપાસ માટે જિલ્લા કક્ષાની તપાસ સમિતિ બનાવી છે.

ગામના સરપંચ અનુસાર તપાસ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેઓ વિદ્યાર્થિનીઓને લાડ કરવા આમ કરતા હતા, પરંતુ એક છોકરીએ આક્ષેપ કર્યો છે કે તેઓ ખોટી રીતે સ્પર્શ કરતા હતા.

આક્ષેપ બાદ 22 ઑક્ટોબરના રોજ શિક્ષણ વિભાગે આરોપી શિક્ષકની શાળામાંથી બ્લૉક સ્તરના કેન્દ્રમાં બદલી કરી નાખી છે. હાલમાં જિલ્લા કક્ષાની સમિતિના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

પોલીસ ઑફિસર કુલદીપકુમારે જણાવ્યું કે, આરોપીની ધરપકડ બાદ તપાસ ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગામની સરકારી શાળાની ભણી ઘણી વિદ્યાર્થિનીઓએ ગામલોકોને ફરિયાદ કરી હતી કે, શાળાના શિક્ષક ખોટી રીતે સ્પર્શ કરે છે.

આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ શિક્ષક વિરુદ્ધ પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

તાલબેહટના સીઓ કુલદીપકુમારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું, ફરિયાદ બાદ સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.

મનોજકુમાર નામના એક વાલીએ આરોપ લગાવ્યો છે કે, શાળામાં છોકરીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે અને અશ્લીલ વીડિયો બતાવવામાં આવે છે. તેમણે માગ કરી છે કે શાળામાં સમગ્ર સ્ટાફની અન્યત્ર બદલી કરવામાં આવે.

ગામના સરપંચ અનુસાર જે શિક્ષક સામે આક્ષેપ કરવામાં આવ્યો છે તેઓ 2006થી શાળામાં કામ કરી રહ્યા છે અને અત્યાર સુધી ક્યારેય પણ આ પ્રકારની ફરિયાદ મળી નથી.

ગૂડ ટચ અને બૅડ ટચ શું?

શાળાઓમાં જાતીય સતામણી અંગે બાળકોને જાગૃત કરવા માટે સરકાર પણ અભિયાન ચલાવી રહી છે.

શમ્સી અકબર લખનઉની યુનિટી કૉલેજમાં મનોવિજ્ઞાનનાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે.

બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "તમારાં બાળકોને ગૂડ ટચ અને બૅડ ટચ વિશે માહિતગાર કરવી જરૂરી છે. માત્ર માહિતગાર કરવાથી કામ નહીં ચાલે, તેમને સારી રીતે સમજાવવા પડશે.

પ્રોફેસર શમ્સીએ જણાવ્યું, "જો કોઈ વ્યક્તિ પીઠ અથવા માથા પર થપ્પડ લગાવે છે તો તે ગૂડ ટચમાં આવે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ શરીરના અન્ય ભાગોને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે તો તે બૅડ ટચના દાયરામાં આવે છે."

બાળકોને જણાવવું જરૂરી છે કે આવી સ્થિતિમાં તેઓએ 'ના' કહેવું જોઈએ અથવા ત્યાંથી ભાગી જવું જોઈએ અને માતાપિતાને ઘટના વિશે જણાવવું જોઈએ.

તેઓ વધુમાં જણાવે છે કે, "એક સેફ સર્કલ હોય છે જેમાં સામાન્ય રીતે માતાપિતા, ભાઈબહેન અને દાદાદાદી હોય છે. એક અનસેફ સર્કલ હોય છે જેમાં માતાપિતાના મિત્રો, ઘરના નોકર, ડ્રાઇવર અને બહારના લોકો, જેમ કે શિક્ષકો અથવા અન્ય સંબંધીઓ હોય છે."

કેરળ સ્ટેટ લીગલ સર્વિસ ઑથૉરિટીએ હાઈકોર્ટમાં એક રિપોર્ટ આપ્યો છે, જેમાં બૅડ ટચ અને ગૂડ ટચની પરિભાષા હટાવી દેવામાં આવી છે. તેના સ્થાને સેફ ટચ, સિક્રેટ ટચ અથવા બિનજરૂરી ટચ જેવા શબ્દોનો ઉપયોગ કરવા માટે ભલામણ કરવામાં આવી છે.

બાળકોને માહિતગાર કરવા

શ્રીલંકાના ચાઇલ્ડ હેલ્થ જર્નલે હાલમાં જ એક ભારતીય સંશોધન છાપ્યું છે, જેમાં ઉત્તર ભારતનાં 200 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

લેખિકા રિમઝિમ ત્યાગી અને શારદા યુનિવર્સિટીનાં બિંદુ નાયરે આ સંશોધન કર્યું છે.

સંશોધન અનુસાર, જ્યારે વિદ્યાર્થીઓને ગૂડ ટચ-બૅડ ટચ વિશે પૂછવામાં આવ્યું ત્યારે 61 ટકા વિદ્યાર્થીઓને આ વિશે થોડી માહિતી હતી જ્યારે 39 ટકા વિદ્યાર્થીઓ આ વિશે અજાણ હતાં.

ગૂડ ટચ-બૅડ ટચ વિશે જાણતાં 61 ટકા વિદ્યાર્થીઓને તેમનાં જ્ઞાન અને જાગૃતિ પ્રમાણે જુદીજુદી કૅટગરીમાં મૂકવામાં આવ્યાં છે. 20 ટકા વિદ્યાર્થીઓ ઍક્સિલેન્ટ, 63 ટકા ગૂડ અને 17 ટકા સરેરાશ કૅટગરીમાં મૂકવામાં આવ્યાં છે.

નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના અહેવાલ પ્રમાણે 22 દેશનાં 65 સંશોધનમાં બહાર આવ્યું છે કે 7.9 ટકા બાળકો અને 19.7 ટકા છોકરીઓ 18 વર્ષની ઉંમર પહેલાં જ જાતીય સતામણીનો ભોગ બને છે.

ભોગ બનનારામાં સૌથી વધુ આફ્રિકામાં છે જે 34.4 ટકા છે. ત્યારબાદ યુરોપ આવે છે જ્યાં આ ટકાવારી 9.2 છે. અમેરિકામાં 10.1 ટકા અને એશિયામાં 23.9 ટકા બાળકો અને છોકરીઓ જાતીય હિંસાનો ભોગ બને છે.

ભારતમાં શું સ્થિતિ છે?

ભારતમાં બાળકોને જાતીય સતામણીથી બચાવવા માટે પોક્સો (POCSO) કાયદો બનાવવામાં આવ્યો છે, જેમાં આ માટે અલગથી જોગવાઈ કરવામાં આવી છે.

ડિસેમ્બર 2023માં સંસદમાં આપેલા જવાબમાં મહિલા અને બાળ-કલ્યાણમંત્રીએ જણાવ્યું હતું કે માર્ચ 2023 સુધી પોક્સો ઍક્ટ હેઠળ એક લાખ 31 હજાર 886 કેસ કોર્ટમાં પૅન્ડિંગ છે.

નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો (NCRB) અનુસાર 2021માં પોક્સો હેઠળ સમગ્ર દેશમાં 53874 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ સાત હજાર 129 કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા હતા. બીજા ક્રમે મહારાષ્ટ્ર હતું જ્યાં છ હજાર 200 કેસ નોંધવામાં આવ્યા હતા. ત્રીજા ક્રમે કેરળ હતું જ્યાં છ હજાર 70 કેસ નોંધાયા હતા.

સાલ 2007માં મહિલા અને બાળ-કલ્યાણ મંત્રાલય દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો.

સર્વે રિપોર્ટ અનુસાર એક લાખ 25 હજાર લોકો સાથે વાત કરતાં બહાર આવ્યું કે 53 ટકા બાળકો જાતીય સતામણીનો ભોગ બન્યાં હતાં. 20 ટકા છોકરા પણ તેનો ભોગ બન્યા છે.

સર્વે મુજબ જાતીય સતામણી કરનાર મોટા ભાગના ગુનેગારો કાં તો જાણકાર લોકો હતા અથવા એવા લોકો હતા જેઓ વિશ્વસનીય અને જવાબદાર હોદ્દા પર હતા.

પીઆઈબી મુજબ મે 2024 સુધીમાં વિવિધ હાઈકોર્ટમાંથી મળેલી માહિતી પ્રમાણે દેશનાં 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 755 ફાસ્ટટ્રેક વિશેષ અદાલત કાર્યરત્ છે જેમાંથી માત્ર 410 પોક્સો કોર્ટ છે. આ અદાલતોએ 2 લાખ 53 હજાર કેસોનો નિકાલ કર્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.