You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલી સેનાએ કહ્યું, 'બંદી બનાવવામાં આવેલા એક શખ્સનો મૃતદેહ ગાઝાથી લાવવામાં આવ્યો'
ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે તેણે ગાઝાપટ્ટીના ખાન યુનિસ શહેરમાં રાતોરાત ઑપરેશન બાદ બંદી બનાવીને ગાઝા લઈ જવામાં આવેલા એક વ્યક્તિનો મૃતદેહ પાછો મેળવ્યો છે.
એલાદ કાત્ઝીર નામના આ વ્યક્તિને ગયા વર્ષે 7 ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલના કિબુત્ઝ નિર ઑઝથી હમાસના લડવૈયાઓ બંધક બનાવીને ગાઝા પટ્ટી લઈ ગયા હતા.
ઇઝરાયલની સૈન્ય (આઈડીએફ) અને ઇઝરાયેલ સિક્યોરિટી ઑથોરિટી (આઈએસએ)એ કહ્યું છે કે જપ્ત કરાયેલા મૃતદેહોને ઇઝરાયેલ પરત લાવવામાં આવ્યા છે.
તબીબી અધિકારીઓએ મૃતદેહની ઓળખ કરીને પરિવારને જાણ કરી છે.
આઇડીએફ અને આઈએસએએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, "અપહરણ કરાયેલા એલાદ કાત્ઝીરનો મૃતદેહ ખાન યુનિસમાંથી રાતોરાત મળી આવ્યો હતો અને તેને ઇઝરાયલી પ્રદેશમાં લાવવામાં આવ્યો હતો. ગુપ્ત માહિતી અનુસાર તેને બંધક બનાવીને આતંકવાદી સંગઠન ઇસ્લામિક જેહાદ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી."
નિવેદન અનુસાર 'સચોટ' ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને તેનો મૃતદેહ શોધવામાં આવ્યો હતો.
47 વર્ષીય એલાદ કાત્ઝિરનું તેમના 77 વર્ષીય માતા હેના સાથે અપહરણ કરવામાં આવ્યું હતું.
સોનિયા ગાંધીએ મોદી સરકારનાં દસ વર્ષના કાર્યકાળને નિરાશાજનક ગણાવ્યો
કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર બેરોજગારી, મોંઘવારી, આર્થિક સંકટ, અસમાનતા અને અત્યાચારને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જયપુરમાં પાર્ટીની એક રેલીને સંબોધિત કરતી વખતે આ આરોપ લગાવ્યા.
આ રેલીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગહલોત સહિત અન્ય નેતાઓ હાજર હતાં.
આ રેલીમાં કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાને સાર્વજનિક રૂપે જાહેર કરવામા આવ્યો હતો. પાર્ટીએ તેને ન્યાય પત્ર નામ આપ્યું છે.
સોનિયા ગાંધીએ કહ્યું, “આપણે દેશ 10 વર્ષથી એક એવી સરકારના ભરોસે છે જેને બેરોજગારી, મોંઘવારી, આર્થિક સંકટ, અસમાનતા અને અત્યાચારને પ્રોત્સાહન આપ્યું છે. મોદી સરકારે જે કર્યું તે બધાની સામે છે. એટલે જ આ નિરાશાજનક સમય છે. જોકે, નિરાશા સાથે જ આશાનો પણ જન્મ થાય છે.”
તેમણે કહ્યું, “મોદીજી પોતાને મહાન માનીને લોકતંત્ર અને દેશની મર્યાદાઓનું ચીરહરણ કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓને ડરાવી અને ધમકાવીને ભાજપમાં સામેલ કરવા માટે અલગ-અલગ પ્રકારના પેતરા અજમાવે છે. આપણા દેશનું લોકતંત્ર ખતરામાં છે. આપણા સંવિધાનને બદલવાનું ષડ્યંત્ર થઈ રહ્યું છે.”
ખડગેનો વડા પ્રધાન મોદી પર “ગૅરંટી” શબ્દની ચોરીનો આરોપ
પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન મોદી પર ગૅરંટી શબ્દની ચોરીનો આરોપ લગાડ્યો છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “તેઓ કહી રહ્યા છે કે મારી ગૅરંટી છે. ગૅરંટી તો અમારો શબ્દ છે, જેને વડા પ્રધાને ચોરી લીધો. અમે હિમાચલમાં ગૅરંટી આપી, અમે ત્યાં જે ગૅરંટી આપી તે લાગુ કરી. તેલંગણામાં અમે જે ગૅરંટીઓ આપી તેને લાગુ કરી. તમારી કઈ ગૅરંટી છે? મોદીજી હંમેશાં લોકોને ગેરમાર્ગે દોરે છે.”
તેમણે કહ્યું, “પ્રિયંકા ગાંધીજીએ અમારા ચૂંટણીઢંઢેરા વિશે લોકોને જણાવ્યું. અમારી જે પાંચ ન્યાય ગૅરંટી છે તે પ્રમાણે અમે 25 ગૅરંટી આપવાનો વાયદો કર્યો છે. અમે જુઠ્ઠુ બોલનારા નથી, જેમ વડા પ્રધાન મોદી બોલે છે. તેમણે અમારી પહેલાં કેટલી ગૅરંટીઓ આપી? કઈ ગૅરંટી લોકોને આપી છે જે લોકો સુધી પહોંચી છે?”
પ્રિયંકા ગાંધીએ પણ લગાવ્યો આરોપ
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સભામાં કહ્યું, “અમારા ચૂંટણીઢંઢેરાને અમે 'ન્યાય પત્ર' નામ આપ્યું છે. જેથી કરીને આ સ્પષ્ટ થાય કે આ માત્ર ઘોષણાઓની એક યાદી નથી જેને અમે ચૂંટણી પછી ભૂલી જઈશું. આ એક સંઘર્ષનો અવાજ છે, આ દેશનો અવાજ છે, જે આજે ન્યાય માંગી રહ્યો છે.”
તેમણે આરોપ લગાવ્યો, “તમે જે લોકો વોટ કરવા જશો તે દેશના લોકતંત્રને બચાવશે. તમે વિચારી રહ્યા હશો કે આપણું લોકતંત્ર ખતરામાં કેવી રીતે છે. આવું એટલે થઈ રહ્યું છે કારણ કે લોકતંત્રને મજબૂત કરવા જે મોટી-મોટી સંસ્થાઓ બનાવવામાં આવી છે, તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે નબળી બની છે. આજે સ્થિતિ એવી છે કે લોકો ઈવીએમ પર પણ ભરોસો નથી કરી રહ્યા.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- ‘કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ દેખાય છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાની સરખામણી મુસ્લિમ લીગના વિચારો સાથે કરી છે.
આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, “કૉંગ્રેસ એક સમયે આઝાદી માટે લડતી હતી, તેની સાથે મહાત્મા ગાંધી જેવા દિગ્ગજ નેતાઓ જોડાયેલા હતા, પરંતુ આજે દેશ એક અવાજે કહી રહ્યો છે કે આઝાદીની લડાઈ લડનારી કૉંગ્રેસ તો સમાપ્ત થઈ ચૂકી છે. હવે કૉંગ્રેસ પાસે રાષ્ટ્ર નિર્માણ માટે ન તો નીતિઓ છે કે ન તો કોઈ વિઝન છે."
તેમણે કહ્યું, "ગઈકાલે કૉંગ્રેસ દ્વારા જે પ્રકારનો ચૂંટણીઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો તે સાબિત કરે છે કે આજની કૉંગ્રેસ આજના ભારતની આશાઓ અને આકાંક્ષાઓથી સંપૂર્ણપણે વિમુખ થઈ ગઈ છે."
તેમણે કહ્યું, "કૉંગ્રેસનો ઢંઢેરો એ જ વિચારસરણીને પ્રતિબિંબિત કરે છે જે આઝાદીની ચળવળ દરમિયાન મુસ્લિમ લીગમાં હતી. કૉંગ્રેસનો ઢંઢેરો સંપૂર્ણપણે મુસ્લિમ લીગની છાપ ધરાવે છે અને આ મુસ્લિમ લીગના ઢંઢેરામાં જે કંઈ બાકી છે તેમાં ડાબેરીઓએ સંપૂર્ણપણે કબજો કરી લીધો છે."
આજે જ જયપુરમાં કૉંગ્રેસે એક રેલીમાં આ ઘોષણાપત્રને લૉન્ચ કર્યું હતું જેને તેમણે ન્યાયપત્રનું નામ આપ્યું છે. આ રેલીમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સામેલ થઈ રહ્યા છે.
કૉંગ્રેસે શુક્રવારે તેનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો હતો જેમાં તેણે 25 ગેરંટીઓનું એલાન કર્યું હતું. કૉંગ્રેસે ઇલેક્ટોરલ બૉન્ડના સંદિગ્ધ સોદાઓની તપાસ કરવાનું વચન પણ આપ્યું હતું.
કૉંગ્રેસની લોકસભા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, ગોવાના વર્તમાન સાંસદની ટિકિટ કપાઈ
લોકસભા ચૂંટણી 2024 માટે કૉંગ્રેસે વધુ એક યાદીમાં છ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.
આ યાદીમાં ગોવાની બન્ને સીટ, મધ્ય પ્રદેશની ત્રણ સીટ અને દાદરા અને નગર હવેલી (એસટી)ની એક સીટ સામેલ છે.
ગોવાથી વર્તમાન કૉંગ્રેસ સાંસદ ફ્રાન્સિસ્કો સરદિન્હાની ટિકિટ કપાઈ છે.
નૉર્થ ગોવાથી રમાકાંત ખલપ અને સાઉથ ગોવાથી કૅપ્ટન વિરિયાટો ફર્નાન્ડીઝને કૉંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
તો મધ્ય પ્રદેશના મુરૈનાથી સત્યપાલસિંહ સિકરવારને અને ગ્વાલિયરથી પ્રવીણ પાઠક તથા ખંડવાથી નરેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે.
કૉંગ્રેસે દાદરા અને નગર હવેલીથી અજિત રામજીભાઈ માહલાને ઉમેદવાર બનાવ્યા છે.
વડા પ્રધાન મોદી પર 'આપત્તિજનક' ટિપ્પણી મુદ્દે ભાજપે મમતા બેનરજી વિરુદ્ધ ચૂંટણીપંચને ફરિયાદ કરી
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કૂચબિહારની એક ચૂંટણી સભામાં ભાષણ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી વખતે ‘આપત્તિજનક’ શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
જોકે, તેમણે ભાષણ દરમિયાન જ આ બાબતે દુ:ખ વ્યકત કરતા કહ્યું હતું કે નારાજગીને કારણે તેમણે આવું કહ્યું હતું.
આ બાબતે ભાજપે ચૂંટણીપંચને કરેલી ફરિયાદમાં કહ્યું, “મમતા બેનરજીએ કૂચબિહારમાં કેન્દ્રીય પરિયોજનાઓની વાત કરતી વખતે વડા પ્રધાન મોદી વિરુદ્ધ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ દેશના વડા પ્રધાનનું તો અપમાન છે જ પરંતુ ચૂંટણી આચારસંહિતાનું પણ ઉલ્લંઘન છે.”
મમતા બેનરજીએ કહ્યું હતું, “કેન્દ્રીય યોજનાઓ માટે કેન્દ્ર સરકાર માત્ર અડધા જ રૂપિયા આપે છે. રાજ્ય સરકારે બાકીના રૂપિયા આપવા પડે છે. તેમ છતાં દરેક જગ્યાએ માત્ર વડા પ્રધાનની જ તસવીરો હોય છે. આવું શું કામ?”
ભાજપે પોતાના પત્રમાં લખ્યું કે ટીએમસીના ધારાસભ્ય અસિત મજૂમદારે પણ ભાજપના હુગલી સીટ પર ઉમેદવાર લૉરેટ ચેટરજી સામે અભદ્ર ટિપ્પણી કરી હતી.
પાર્ટીએ તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
ન્યૂયૉર્કમાં ભૂકંપના આંચકા, સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી હલવા લાગ્યું
અમેરિકાના ન્યૂયૉર્કમાં શુક્રવારે આવેલા ભૂકંપને કારણે શહેરની ગગનચુંબી ઇમારતો ડોલવા લાગી. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.8 હતી અને આ કારણે રસ્તાઓ પર તિરાડો પડી ગઈ.
ન્યૂજર્સી પાસે આવેલા આ ભૂકંપને કારણે આંચકા પેન્સિલ્વેનિયાથી લઈને કનેક્ટિકટ સુધી અનુભવાયા હતા.
લોકોએ કહ્યું કે ઘરમાં રહેલો સામાન નીચે પડી ગયો અને દીવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી.
અધિકારીઓ હવે આ ભૂકંપને કારણે થયેલા નુકસાનનું આકલન કરી રહ્યા છે.
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વે પ્રમાણે ભૂકંપ પછી લગભગ છ આફટરશૉક્સ અનુભવાયા હતા જેમાં એકની તીવ્રતા ચાર હતી.
સ્થાનિક નિવાસી જોન કૉક્સવેલે બીબીસીને જણાવ્યું કે તેમને લાગ્યું કે જમીનની નીચેથી ટ્રેન પસાર થઈ રહી છે. તેઓ ઇમારતના નવમા માળે લોવર મૈનહટ્ટનમાં રહે છે.
જે સમયે ભૂકંપ આવ્યો તે સમયે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના મુખ્યાલયમાં ગાઝાને લઈને એક બેઠક ચાલી રહી હતી. જોકે, ભૂકંપને કારણે આ બેઠકને થોડા સમય માટે રોકવામાં આવી હતી.
તે સમયે સેવ ધી ચિલ્ડ્રનના પ્રતિનિધિ જાંતી સોએરિપ્તોનું ભાષણ ચાલી રહ્યું હતું, ત્યારે તેમણે અચાનક જ કહ્યું, “શું આ ભૂકંપ છે?”
અમેરિકાનો પૂર્વતટીય વિસ્તાર સુરક્ષિત માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અહીં 140 વર્ષ પછી આ ભૂકંપ આવ્યો છે.
જિયોલૉજિકલ સર્વેનું કહેવું છે કે અહીં લાખો વર્ષો પહેલાં સક્રિય ટેક્ટોનિક પ્લેટ હતી, જે પછી નિષ્ક્રિય થઈ ગઈ. બની શકે તે પ્લેટમાં ફરીથી હલચલ શરૂ થઈ છે.