હિન્દુ મહાસભાના પ્રમુખ બનેલા હકીમ અજમલ ખાન કોણ હતા?

ઇમેજ સ્રોત, MUNEEB AHMAD KHAN
- લેેખક, વિવેક શુક્લા
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
રાજધાની દિલ્હીમાં કનૉટ પ્લૅસથી પંચકુઈયા રોડ તરફ આગળ વધીએ ત્યારે આર.કે. આશ્રમ મેટ્રોથી થોડે દૂર સફેદ રંગનો એક જર્જરીત દરવાજો જોવા મળે છે. તેની બહાર ઘણી અવરજવર હોય છે. એ દરવાજો પાર કરીને બસ્તી હસન રસૂલમાં દાખલ થાવ, ત્યારે ત્યાં નાનાં-નાનાં ઘરોની બહાર અનેક કબરો જોવા મળે છે. આ કબ્રસ્તાન છે કે કોઈ રહેણાંક વિસ્તાર, તે સમજાતું નથી. કબરની આસપાસ ગપસપ કરતા લોકો જોવા મળે છે. ઘરોમાંથી ઢોલક વાગવાના અને સંગીતનો રિયાઝ કરતા કેટલાક લોકોનો અવાજ પણ સંભળાય છે.
તમે હકીમ અઝમલ ખાનની કબર બાબતે એક વૃદ્ધ સજ્જનને પૂછો છો, ત્યારે તેઓ રમજાન નામના એક સજ્જનને ઇશારો કરીને જણાવે છે.
તમે એ બુલંદ વ્યક્તિની અત્યંત મામૂલી જણાતી કબર પાસે ઊભા રહો છો, જેમણે કૉંગ્રેસ, મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા એમ ભારતના રાજકારણ અને સમાજ પર અસર છોડી જનારાં એ ત્રણેય સંગઠનોના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું હતું. તેઓ ટોચના યુનાની ચિકિત્સક હતા. તેઓ રોજ સેંકડો દર્દીઓની સારવાર કરતા હતા.
કેટલાક લોકો તેમને ‘મસીહા-એ-હિન્દ’ પણ કહેતા હતા. હકીમ અઝમલ ખાનની કબર પાસે આધેડ વયની એક મહિલા બેઠી છે. તેમનું નામ ફૌઝિયા છે. તેઓ કહે છે, “હું હકીમ સાહેબની કબરની સંભાળ રાખું છું. અહીં કુરાન ખાની તથા ફાતિયાના પાઠ કરું છું.”
હકીમ સાહેબની કબર પર ગુલાબની સુકાયેલી પાંખડીઓ પડી છે.
ફૌઝિયા કહે છે, “કોઈ વિખ્યાત વ્યક્તિ કે હકીમ સાહેબના કોઈ પરિવારજનો આ કબર પર શ્રદ્ધાંજલિ આપવા નથી આવતા.”
જોકે, હકીમ સાહેબના પ્રપૌત્ર અને સુપ્રીમ કોર્ટના વકીલ મુનીબ અહેમદ ખાન આ આરોપને ફગાવી દે છે.
તેઓ કહે છે, “હકીમ સાહેબની જયંતિ (11 ફેબ્રુઆરી)એ હું મારા ભાઈ અને પરિવારના સભ્યો સાથે કબર પર જરૂર જાઉં છું. અહીંનું કમ્પાઉન્ડ અમારા પરિવારનું હતું. અમારા વડીલોને અહીં દફનાવવામાં આવ્યા હતા, પણ આ જગ્યા અન્ય લોકોએ કબજે કરી લીધી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનો ઇશારો એ મહિલા તરફ છે, જેઓ હકીમ સાહેબની કબરની રખેવાળી કરવાનો દાવો કરતાં હતાં.
હકીમ સાહેબ ગાંધીજીને મળ્યા ત્યારે શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
મુનીબ અહમદ ખાન દિલ્હી-6ની વિખ્યાત લાલ કુઆંની શરીફ મંઝિલ નામની હવેલીમાં રહે છે, જેમાં હકીમ સાહેબનું ઘર હતું.
એ શરીફ મંઝિલમાં હકીમ સાહેબને મળવા ગાંધીજી અને કસ્તૂરબા ગાંધી 1915ની 13 એપ્રિલે ગયાં હતાં. ગાંધીજી 1915ની 12 એપ્રિલે પ્રથમ વખત દિલ્હી આવ્યા અને ત્યારે કાશ્મીરી ગેટ પર આવેલી સૅન્ટ સ્ટીફન્સ કૉલેજમાં રોકાયા હતા.
હકીમ સાહેબ ગાંધીજી અને કસ્તૂરબાને દિલ્હી દર્શન માટે 14 એપ્રિલે લાલ કિલ્લા અને કુતુબ મિનાર લઈ ગયા હતા. બધા ઘોડાગાડીમાં બેસીને જ ગયા હશે. હકીમ સાહેબે અહીં જ ગાંધીજી માટે વૈષ્ણવ ભોજનની વ્યવસ્થા કરી હતી.
દિલ્હીના ઇતિહાસકાર આર.વી. સ્મિથ કહેતા, “દિલ્હીમાં ગાંધીજીની મુલાકાત, તેમનાથી છ વર્ષ મોટા હકીમ અફઝલ ખાન સાથેની મુલાકાત દીનબંધુ સી. એફ. ઍન્ડ્રુઝ મારફત થઈ હતી. તેમના આગ્રહથી ગાંધીજી સૅન્ટ સ્ટીફન્સ કૉલેજમાં રોકાયા હતા. ઍન્ડ્રુઝ સૅન્ટ કૉલેજમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા અને દિલ્હી બ્રધરહૂડ સોસાયટી સાથે જોડાયેલા હતા.”
ચહેરો જોઈને રોગ જાણી લેતા હતા

ઇમેજ સ્રોત, MUNEEB AHMAD KHAN
હમદર્દ દવાખાના અને જામિયા હમદર્દ યુનિવર્સિટીના સ્થાપક હકીમ અબ્દુલ હમીદે આ લખનારને 1995માં તેમના કૌટિલ્ય માર્ગ ખાતેના ઘરમાં જણાવ્યું હતું કે હકીમ અજમલ ખાન સાહેબ પાસે સ્ત્રીઓના માસિક ધર્મ અને વાઈની અચૂક દવા હતી.
એ દવાઓનાં સેવનને લીધે રામપુરના નવાબનાં બેગમ મૃત્યુશૈયા પરથી બેઠાં થયાં હતાં. તેમણે નવ વર્ષ સુધી રામપુરના નવાબના હકીમ તરીકે કામ કર્યું હતું.
તેમનું નિધન પણ રામપુરમાં જ થયું હતું. દિલ્હીના જૂના લોકો દાવો કરતા હતા કે હકીમ સાહેબ એટલા કુશાગ્ર હતા કે માત્ર દર્દીનો ચહેરો જોઈને કોઈ પણ બીમારીનો તાગ મેળવી લેતા હતા.
તિબ્બિયા કૉલેજ ખોલવાની સલાહ કોણે આપી?
ગાંધીજી અને હકીમ અઝમલ ખાન વચ્ચે પહેલી મુલાકાતથી જ ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. ગાંધીજીએ જ હકીમ અઝમલ ખાનને સલાહ આપી હતી કે તેમણે દિલ્હીમાં એક મોટી હૉસ્પિટલ શરૂ કરવી જોઈએ, જેથી અહીંના તમામ લોકો તેનો લાભ લઈ શકે. ત્યાં સુધી હકીમ સાહેબ લાલ કુઆં વિસ્તારમાં જ પ્રૅક્ટિસ કરતા હતા.
લાલ કુંઆ વિસ્તારની બહારના દર્દીઓની સારવાર પોતે કરશે, એવું તેમણે ક્યારેય વિચાર્યું ન હતું. તેમને ગાંધીજીની સલાહ ગમી હતી. એ પછી કરોલ બાગમાં નવી હૉસ્પિટલ તથા કૉલેજ માટે જમીન પસંદ કરવામાં આવી હતી. એ પછી હકીમ સાહેબે ગાંધીજીના હસ્તે તિબ્બિયા કૉલેજ અને હૉસ્પિટલનું 1921ની 13, ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરાવ્યું હતું.
શરીફ મંઝિલ કેટલી જૂની છે?

ઇમેજ સ્રોત, MUNEEB AHMAD KHAN
હકીમ સાહેબની પૈતૃક હવેલીને 2020માં 300 વર્ષ થયાં હતાં. તેનું નિર્માણ 1720માં કરવામાં આવ્યું હતું. શરીફ મંઝિલને દિલ્હીના સૌથી જૂનાં આબાદ ઘરો પૈકીનું એક માની શકાય. હવે તેમાં હકીમ સાહેબના પ્રપૌત્ર હકીમ મસરૂર અહમદ ખાન તેમના પરિવાર સાથે રહે છે.
હકીમ સાહેબે ગાંધીજીના અસહકાર આંદોલનમાં સાથ આપ્યો હતો. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ ચૂંટાયા હતા તથા 1921માં અમદાવાદમાં આયોજિત કૉંગ્રેસના એક અધિવેશનમાં અધ્યક્ષપદ પણ સંભાળ્યું હતું.
હકીમ સાહેબ કૉંગ્રેસના અધ્યક્ષ બનનારા પાંચમા મુસ્લિમ હતા. એ પહેલાં 1919માં તેઓ મુસ્લિમ લીગના અધ્યક્ષ બન્યા હતા. તેમણે 1906માં ઢાકામાં યોજાયેલા મુસ્લિમ લીગના પ્રથમ સંમેલનમાં ભાગ લીધો હતો.
તેઓ 1920માં અખિલ ભારતીય ખિલાફત કમિટીના અધ્યક્ષ પણ હતા. દિલ્હી સરકારની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે હકીમ સાહેબ હિન્દુ મહાસભાના અધ્યક્ષ પણ હતા.
ચાચા ગાલિબ કોના ભાડૂત હતા?

ઇમેજ સ્રોત, Getty Images
મિર્ઝા ગાલિબનું સ્મારક શરીફ મંઝિલથી માત્ર બે મિનિટ દૂર આવેલું છે. મિર્ઝા ગાલિબનું પોતાનું કોઈ ઘર નહોતું. તેઓ ભાડાનાં મકાનોમાં જ રહ્યા હતા. મિર્ઝા ગાલિબ તેમની જિંદગીનાં છેલ્લાં છ વર્ષ જે મકાનમાં રહ્યા હતા, તે ઘર હકીમ અજમલ ખાનના પિતા હકીમ ગુલામ મહમૂદ ખાને તેમને ભાડે આપ્યું હતું.
ગાલિબ સાહેબ પાસેથી ટોકન ભાડું લેવામાં આવતું હતું. આજે જ્યાં ગાલિબનું સ્મારક છે, તે જગ્યાના માલિક પણ હકીમ સાહેબના પિતા જ હતા.
આર. વી. સ્મિથના જણાવ્યા મુજબ, હકીમ સાહેબે ઉદ્યોગ ભવન પાસેની સુનહરી મસ્જિદ 1920માં રીડેવલપ કરી હતી. ગત દિવસોમાં સુનહરી મસ્જિદ ચર્ચાનું કેન્દ્ર બની હતી, કારણ કે નવી દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન તેને હટાવવા ઇચ્છતી હતી.
કૉર્પોરેશનનો દાવો છે કે તે રસ્તાની વચ્ચે ગોળાકારમાં આવેલી છે. ક્યારેય તે ચક્કરને ‘હકીમજી કા બાગ’ કહેવામાં આવતું હતું. એ નાનકડા બાગમાં સુનહરી મસ્જિદ આવેલી છે.
જામિયા મિલિયા ઈસ્લામિયાનું નિર્માણ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
હકીમ અજમલ ખાન જામિયા મિલિયા ઇસ્લામિયાના સ્થાપકો પૈકીના એક હતા. 1920ની 22 નવેમ્બરે તેમની પસંદગી આ યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે કરવામાં આવી હતી અને 1927માં તેમના મૃત્યુ સુધી તેમણે આ પદ સંભાળ્યું હતું.
એ દરમિયાન તેમણે યુનિવર્સિટીને અલીગઢથી દિલ્હી ખસેડી હતી અને આર્થિક તથા અન્ય મુશ્કેલીઓના સમયમાં વ્યાપક ભંડોળ એકઠું કરવાની સાથે સાથે પોતાના અંગત પૈસાનો ઉપયોગ કરીને તેમણે તેને સહાય પણ કરી હતી.
જામિયા મિલિયા ઇસ્લામિયાના હિન્દી વિભાગમાં પ્રોફેસર આસિફ ઉમરના કહેવા મુજબ, જામિયાની સ્થાપના ગાંધીજીના આશિર્વાદથી જ થઈ હતી.
સંસ્થાનવાદી શાસન દ્વારા સમર્થિત અથવા સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો બહિષ્કાર કરવાની ગાંધીજીની હાકલને પગલે રાષ્ટ્રવાદી શિક્ષકો અને વિદ્યાર્થીઓના જૂથે બ્રિટિશ તરફી લાગણીના વિરોધમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી છોડી દીધી હતી.
તે આંદોલનના અગ્રણીઓમાં હકીમ અઝમલ ખાન, ડૉ. મુખ્તાર અહમદ અંસારી અને અબ્દુલ મજીદ ખ્વાજાનો સમાવેશ થાય છે.
જામિયા અલીગઢથી કરોલબાગ અને પ્રેમચંદ
હકીમ અઝમલ ખાને જામિયાને 1925માં અલીગઢથી દિલ્હીના કરોલ બાગમાં ખસેડી હતી.
આ યુનિવર્સિટીના કૅમ્પસમાં મુનશી પ્રેમચંદે તેમના મૃત્યુના થોડા દિવસ પહેલાં તેમની અંતિમ વાર્તા ‘કફન’ લખી હતી.
હકીમ સાહેબે શરૂઆતના તબક્કામાં જામિયાનો મોટાભાગનો ખર્ચ પોતાના ખિસ્સામાંથી કર્યો હતો.
હકીમ સાહેબની કબરની ખરાબ હાલત જોઈને એવો વિચાર જરૂર આવે છે કે જે માણસે દિલ્હીમાં તિબ્બિયા કૉલેજ અને જામિયાનું નિર્માણ કર્યું હતું, તેને દિલ્હી ભૂલી ગયું છે.












