'મારી ટ્રાન્સ ઓળખ માટે મારી માતા બધું ગુમાવવા તૈયાર હતી'

ઇમેજ સ્રોત, Chithra Jeyaram/ BBC
- લેેખક, મેઘા મોહન
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ જેન્ડર ઍન્ડ આઇડૅન્ટિટી કૉરસપૉન્ડન્ટ
2019ના કોર્ટના ઐતિહાસિક ચુકાદા પછી શ્રીજા તામિલનાડુ રાજ્યમાં કાયદેસર રીતે લગ્ન કરનારાં પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા બન્યાં છે. નવી દસ્તાવેજી ફિલ્મ 'અમ્માઝ પ્રાઇડ'એ શ્રીજાનાં લગ્નની માન્યતા મેળવવાની લડાઈ અને તેમનાં માતા વલ્લીનાં અતૂટ સમર્થનને કૅમેરા પર કંડાર્યું છે.
45 વર્ષીય વલ્લી બીબીસી સાથે વાત કરતાં કહે છે, "શ્રીજા મને મળેલી એક ભેટ જેવી છે." આમ કહેતાં માતા-પુત્રી એકબીજાને ભેંટી પડે છે.
તામિલનાડુના થુથુકુડીનાં શ્રીજા (ઉં.વ. 25) કહે છે, "હું જાણું છું કે બધા ટ્રાન્સ લોકો પાસે મારી પાસે જે છે તે નથી હોતું."
"મારું શિક્ષણ, મારી નોકરી, મારાં લગ્ન બધું જ મારી માતાનાં સમર્થનને કારણે શક્ય બન્યું."
શ્રીજા અને તેમનાં માતા પહેલી વાર 'અમ્માઝ પ્રાઇડ'માં (માતાનું ગૌરવ) પોતાની દાસ્તાન કહી રહ્યાં છે. જે ભારતના દક્ષિણ રાજ્ય તામિલનાડુમાં કાયદેસર રીતે લગ્ન કરનારાં પ્રથમ ટ્રાન્સ મહિલા તરીકે શ્રીજાના અનોખા અનુભવની વાત કરે છે. તેનો વિષય ટ્રાન્સ મહિલા અને બિન-ટ્રાન્સ પુરુષ વચ્ચે તામિલનાડુનાં પ્રથમ કાયદેસર રીતે નોંધાયેલાં લગ્ન પણ છે.
વાદળી ટી-શર્ટ પહેરેલો 29 વર્ષનો ભારતીય પુરુષ પચીસ વર્ષની ભારતીય મહિલાની પાસે હાથ જોડીને ઊભો છે. તેણે કાળા અને સફેદ પૅટર્નવાળાં સલવાર કમીઝ પહેર્યાં છે. તેના વાળ પાછળથી વાળેલા છે. તેણે સોનાનાં ભારતીય ઘરેણાં પહેર્યા છે.
પ્રેમ, પરિવાર અને પડકાર

ઇમેજ સ્રોત, Arun Kumar / BBC
શ્રીજા 2017માં તેના ભાવિ પતિ અરુણને એક મંદિરમાં મળ્યાં હતાં. તેઓનાં મિત્રમંડળ પરસ્પર હોવાનું જાણ્યા પછી તેઓએ ટૂંક સમયમાં જ એકબીજાને નિયમિતપણે મૅસેજ કરવાનું શરૂ કર્યું.
શ્રીજાની ઓળખ પહેલેથી જ ટ્રાન્સજેન્ડર તરીકે જાહેર હતી અને તેમણે પોતાનું પરિવર્તન શરૂ પણ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સાથે વાત કરતા અરુણ કહે છે, "અમે ઘણી વાતો કરી. તેણે મને ટ્રાન્સ મહિલા તરીકેના તેના અનુભવો વિશે જણાવ્યું."
મહિનાઓ બાદ બંને પ્રેમમાં પડ્યા અને નક્કી કર્યું કે તેઓ પોતાનું જીવન સાથે વિતાવવા માંગે છે.
શ્રીજા કહે છે, "અન્ય દંપતીઓની જેમ જ અમારે પણ સામાન્ય જીવન જીવવું હતું એટલે અમે ઇચ્છતાં હતાં કે અમારા સંબંધને કાયદેસરની માન્યતા મળે."
"લગ્નને કાયદેસરની માન્યતાથી જે કોઈ સંરક્ષણ મળે, તે અમે અમારાં સંબંધ માટે ઇચ્છતાં હતાં."
જેમાં દંપતીમાંથી એકનું મૃત્યુ થાય તો સંપત્તિ તથા રોકડના હસ્તાંતરણ જેવી સલામતી પણ તેઓ ઝંખતાં હતાં.
વર્ષ 2014માં ભારતની સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડર લોકો માટે અમુક સંરક્ષણાત્મક નિર્દેશ આપ્યા હતા, જેમ કે, શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને લગ્ન માટે સમાન અધિકાર. જોકે, ભારતમાં હજુ પણ સમલૈંગિક વિવાહને માન્યતા મળેલી નથી.
ડૉક્યુમેન્ટ્રીના ડાયરેક્ટર શીવા ક્રિશના કહેવા પ્રમાણે, 'ભારતભરમાં ક્વિર કે ટ્રાન્સજેન્ડર કપલ્સ છે, પરંતુ ભેદભાવને કારણે અનેક કપલ્સ પોતાનાં સંબંધને ગુપ્ત રાખે છે. જોકે, શ્રીજા, અરુણ અને વલ્લી આ બાબતમાં અલગ છે. તેમણે પોતાનું રોજબરોજનું જીવન સાર્વજનિક રીતે જીવવાનું નક્કી કર્યું છે.'

ઇમેજ સ્રોત, Getty Images
જોકે 2018 માં થયેલાં તેમનાં લગ્નની નોંધણી કરાવવાના તેમના પ્રયાસને નકારી કાઢવામાં આવ્યો હતો. જેમાં રજિસ્ટ્રારએ દલીલ કરી હતી કે 1955 ના હિન્દુ કાયદામાં લગ્નને "કન્યા" અને "વરરાજા" વચ્ચેનાં જોડાણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું, જેના કારણે ટ્રાન્સ મહિલાઓ આમાંથી બાકાત રાખવામાં આવ્યાં હતાં.
પરંતુ LGBT કાર્યકરો દ્વારા સમર્થિત આ દંપતીએ તેમના સંબંધોને સાર્વજનિક કર્યાં, આ પ્રયાસથી તેમને ઘણી મદદ પણ મળી.
2019 માં ચેન્નાઈમાં મદ્રાસ હાઇકોર્ટે લગ્ન કરવાના તેમના અધિકારને સમર્થન આપતાં તેમણે વૈશ્વિક સ્તરે લોકોનું ધ્યાન ખેંચ્યુ. જેમાં કહેવામાં આવ્યું કે 1955નાં હિન્દુ લગ્ન કાયદા દ્વારા વ્યાખ્યાયિત ટ્રાન્સજેન્ડર લોકોને "કન્યા" અથવા "વરરાજા" તરીકે ઓળખવા જોઈએ.
LGBT કાર્યકરો દ્વારા આ ચુકાદાને ભારતમાં ટ્રાન્સજેન્ડર લોકોની સ્વીકૃતિમાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવ્યું. જેમાં શ્રીજા અને અરુણ રુઢિગત ધારાધોરણોને પડકારવા માટે સ્થાનિક રીતે જાણીતાં બન્યાં, પરંતુ મીડિયા કવરેજે નકારાત્મકતાને પણ આમંત્રણ આપ્યું.
પરિવહન ક્ષેત્રમાં મજૂર તરીકે કામ કરતા અરુણ કહે છે,"સ્થાનિક સમાચાર કવરેજ પછીના દિવસે મને મારી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો." તેમનું માનવું છે કે આમ 'ટ્રાન્સફોબિયા'ને કારણે બન્યું હતું.
ઑનલાઇન ટ્રોલિંગ થયું
અરુણ કહે છે, "લોકોએ ટ્રાન્સજેન્ડર મહિલા સાથે લગ્ન કરવા બદલ મારી ટીકા કરતા અપમાનજનક સંદેશા મોકલ્યા." આ તણાવમાં આવી જઇને દંપતી થોડા સમય માટે અલગ થઈ ગયું.
આમ છતાં શ્રીજા પોતાનાં શિક્ષણમાં પ્રગતિ કરતાં રહ્યાં અને ઘણીવાર તેઓ હાઇસ્કૂલમાં વર્ગમાં પ્રથમ આવતાં.
તેમણે તામિલનાડુની એક યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં ડિગ્રી લીધી અને ઉચ્ચ શિક્ષણ મેળવનારાં તેમના પરિવારની એકમાત્ર વ્યક્તિ બન્યાં.
વલ્લી માટે આ ગર્વની બાબત હતી, કારણ કે તેમણે માત્ર 14 વર્ષની ઉંમરે જ શાળા છોડી દીધી હતી.
રાજ્ય દ્વારા તેનાં લગ્નને માન્યતા મળે તે માટે સંઘર્ષ કરતાં પહેલાં જ શ્રીજા અને તેના પરિવારને તિરસ્કાર અને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો.
શ્રીજા 17 વર્ષની ઉંમરે ટ્રાન્સજેન્ડર મહિલા તરીકેની ઓળખ સાર્વજનિક કરી એ પછી પરિવારના ઘણા સભ્યોએ તેમની સાથે વાત કરવાનું બંધ કરી દીધું.
મકાનમાલિકે શ્રીજા, તેમનાં માતા તથા ભાઈ ચીનાને ઘરમાંથી કાઢી મૂક્યાં, પરંતુ શ્રીજાની માતા અને ભાઈ તેમના સમર્થનમાં અડગ રહ્યાં.
'હું હંમેશા મારી પુત્રીની પડખે રહીશ'

ઇમેજ સ્રોત, Arun Kumar / BBC
વલ્લી કહે છે, "હું હંમેશા મારી પુત્રીની પડખે રહીશ."
"બધા ટ્રાન્સ લોકોને તેમના પરિવારે ટેકો આપવો જોઈએ."
શ્રીજા માત્ર છ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. એ સમયે માતા વલ્લી એક શાળાનાં રસોડામાં કામ કરતાં હતાં.
સામાન્ય આવક હોવા છતાં વલ્લીએ તેમની પુત્રી શ્રીજાનાં લિંગપરિવર્તન માટેનાં ખર્ચમાં પણ મદદ કરી. અંશતઃ તેનાં કેટલાંક ઘરેણાં વેચીને અને પછી તેની સંભાળ રાખીને.
શ્રીજા કહે છે, "તે મારી સારી સંભાળ રાખે છે."
'આશા છે કે લોકોની માનસિકતા બદલાશે.'
વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં અંદાજે 20 લાખ ટ્રાન્સજેન્ડર લોકો છે. જોકે કાર્યકરો કહે છે કે આ સંખ્યા આનાથી ઘણી વધુ છે.
જ્યારે દેશમાં ટ્રાન્સજેન્ડર લોકોનાં અધિકારો અને કલ્યાણનું રક્ષણ કરવા અને કાયદામાં "ત્રીજા લિંગ" ને માન્યતા આપવા સહિત ટ્રાન્સ-ઇન્ક્લુઝિવ કાયદો પસાર થયો છે, પરંતુ તેમના પ્રત્યે ભેદભાવ હજુ પણ વ્યાપક છે.
અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ભારતમાં મોટા ભાગનાં ટ્રાન્સજેન્ડર લોકોને દુર્વ્યવહાર, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમજ શિક્ષણ, રોજગાર અને આરોગ્ય સંભાળ બાબતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણાને ભીખ માંગવા અથવા તો સેક્સ વર્કમાં જવાની ફરજ પાડવામાં આવે છે.
વૈશ્વિક સ્તરે યુએન કહે છે કે મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર લોકોને તેમના પરિવારો તરફથી અસ્વીકારનો સામનો કરવો પડે છે.
અમ્માઝ પ્રાઇડના ડિરેક્ટર શિવ ક્રિષ કહે છે, "ભારતમાં કે દુનિયામાં પણ ઘણા ટ્રાન્સ લોકોને તેમના પરિવારોનો ટેકો નથી મળતો."
"પરંતુ, શ્રીજા અને વલ્લીની વાર્તા અનોખી છે."
શ્રીજા કહે છે કે તેમને આશા છે કે આ ફિલ્મ ટ્રાન્સ લોકો વિશેનાં રૂઢિપ્રયોગો અને જૂથો વિશે મીડિયામાં પ્રસારિત થતી જાતભાતની વાર્તાઓને પડકારવામાં મદદ કરશે. ખાસ કરીને જે આઘાત અને દુર્વ્યવહાર પર કેન્દ્રિત છે.
શ્રીજા કહે છે, "આ ડૉક્યુમેન્ટ્રી દર્શાવે છે કે અમે લીડર પણ બની શકીએ છીએ. હાલમાં હું એક મૅનેજર છું."
"જ્યારે લોકો ટ્રાન્સ લોકોની નવા પ્રકારની વાર્તાઓ જુએ છે ત્યારે આશા છે કે તેમની માનસિકતા પણ બદલાશે."
'હું ટૂંક સમયમાં નાની બનવા માંગુ છું'

ઇમેજ સ્રોત, Getty Images
આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં પ્રીમિયર થયા પછી 'અમ્માઝ પ્રાઇડ' હવે ભારતીય પ્રેક્ષકો સુધી પહોંચશે, જેની શરૂઆત ચેન્નાઈમાં LGBT સમુદાયના સભ્યો માટેનાં એક ખાસ સ્ક્રિનિંગથી થશે.
ચેન્નાઈનાં સ્ક્રિનિંગ પછી એક વર્કશૉપ યોજાશે જ્યાં નાનાં જૂથોમાં સહભાગીઓ ટ્રાન્સ વ્યક્તિઓ માટે કુટુંબની સ્વીકૃતિ અને સમુદાય સમર્થન વિશે ચર્ચા કરશે.
'અમ્માઝ પ્રાઇડ' સાથે જોડાયેલા ફિલ્મનિર્માતા ચિત્રા જેયારામ ઉમેરે છે, "અમને આશા છે કે અમારાં સ્ક્રિનિંગ ઇવેન્ટ્સ ટ્રાન્સ વ્યક્તિઓ, તેમના પરિવારો અને સ્થાનિક સમુદાયો વચ્ચે જોડાણોને પ્રોત્સાહન આપશે."
શ્રીજા અને અરુણની વાત કરીએ તો તેઓ હવે ખાનગી કંપનીઓમાં મૅનેજર તરીકે કામ કરે છે. તેઓ ટૂંક સમયમાં બાળકને દત્તક લઈને પરિવાર શરૂ કરવાની આશા રાખે છે.
શ્રીજા કહે છે, "અમે એક સામાન્ય ભવિષ્યની આશા રાખીએ છીએ."
વલ્લી હસતાંહસતાં ઉમેરે છે, "હું ટૂંક સમયમાં નાની બનવા માંગુ છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













