IPL2023 : એ ફેરફારો જે આ વખતની મૅચોમાં પહેલી વાર જોવા મળશે

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, પરાગ ફાટક
- પદ, બીબીસી સંવાદદાતા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 16મી સિઝન આજથી શરૂ થશે. 10 ટીમના અંદાજે 243 ક્રિકેટર આઇપીએલની ટૉફી હાંસલ કરવા માટે 52 દિવસ એકબીજા સામે ટકરાશે.
કોરોના મહામારી પછી પહેલી વાર ટીમો પોતાના હોમગ્રાઉન્ડ પર દર્શકો સામે રમશે.
આ વર્ષે આઈપીએલ એક જ સમયે બે પ્રતિસ્પર્ધીઓના પ્રસારણ પ્લૅટફૉર્મ પર પ્રસારિત કરવામાં આવશે.
તેની સાથે નિયમોમાં ફેરફારને કારણે પણ આ વખતની આઈપીએલ દર્શકો માટે અલગ અનુભવ હશે.

ફેરફાર કેવો થશે?

ઇમેજ સ્રોત, BCCI-IPL
અત્યાર સુધી એવું થતું હતું કે ટૉસ ઉછાળતા પહેલાં બન્ને કૅપ્ટન પોતપોતાની ટીમની વિગત પ્રતિસ્પર્ધી કૅપ્ટનને આપતા હતા, પરંતુ આ વખત તે પ્રક્રિયા ટૉસ પછી થશે.
કૅપ્ટન ટૉસ વખતે બે ટીમશીટ એટલે કે પ્લેયરના નામ ધરાવતી બે અલગ-અલગ યાદી લઈને જશે.
ટૉસ થશે પછી બેટિંગ કરવી છે કે બોલિંગ તે નક્કી કર્યા બાદ કૅપ્ટન તે નિર્ણય અનુસારની ટીમશીટ પ્રતિસ્પર્ધી ટીમના કૅપ્ટનને આપશે.
પીચનું સ્વરૂપ, મેદાનનો આકાર, મૅચ કયા સમયે રમાઈ રહી છે, ઝાકળ પડવાની સંભાવના છે કે નહીં વગેરે જેવી બધી બાબતોને ધ્યાનમાં રાખીને કઈ ટીમની પસંદગી કરવી તેનો નિર્ણય કૅપ્ટન ટૉસ પછી કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અત્યાર સુધી ટૉસ પહેલાં ટીમની વિગત આપવામાં આવતી હતી. એ કારણે ટૉસ હારતી ટીમને નુકસાન થતું હતું.
દાખલા તરીકે, કોઈ પીચ ફાસ્ટ બૉલર્સને અનુકૂળ હોય અને ટૉસ જીતેલા કૅપ્ટને એ વાતને ધ્યાનમાં રાખીને પોતાની ટીમ બનાવી હોય અને તે પહેલાં બૉલિંગનો નિર્ણય કરે તો તેને ફાયદો થાય.
જોકે, એ પરિસ્થિતિમાં ટૉસ હારેલી ટીમે પહેલા બેટિંગ કરવી પડે અને તેને બૉલર્સને પ્રારંભિક સમયમાં જે મદદ મળવી જોઈએ તે ન મળે. નવા નિયમના અમલથી ટૉસ હારનારી ટીમને પણ ફાઇનલ ટીમની પસંદગી કરવાની તક મળશે.
થોડા મહિના પહેલાં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી ટ્વેન્ટી-20 લીગમાં આ નિયમનો અમલ કરવામાં આવ્યો હતો. સ્પર્ધામાં રમતા ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફ આ નિયમથી વાકેફ છે.
નવા નિયમો વિશે અમે 'ધ હિંદુ દૈનિક'ના સિનિયર સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ અમોલ કર્હાડકર સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે “નવા નિયમોને પગલે ગેમ ટૅક્ટિકલ થઈ જશે. જે ટીમ તેના કૅપ્ટન, કોચ અને ટીમ મૅનેજેમૅન્ટ વચ્ચે સમન્વય રાખી શકશે તેમજ ટૅકનિકલ રીતે આગળ હશે તે બહેતર સાબિત થશે.”
“નવા નિયમ મુજબ, ખેલાડી મૅચમાં બે-ત્રણ ઓવર રમીને પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમ વિશે ઑક્શન વખતે જ ટીમો માહિતગાર હતી. ઘણી ટીમોએ બહુ વિચારીને સ્થાનિક ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. ઑલરાઉન્ડર ખેલાડીઓની જરૂર ઘટી શકે છે, કારણ કે બેટિંગ પછી તેની જગ્યાએ બૉલરને પણ સામેલ કરી શકાય છે.”
તેમણે ઉમેર્યું હતું કે “બૅટ્સમૅનની જગ્યા બૅટ્સમૅન જ લે અને બૉલરની જગ્યાએ બૉલર જ આવે એવું જરૂરી નથી. દાખલા તરીકે, એક ટીમ પાંચ વિકેટ ગુમાવીને 40 રન કર્યા હોય તો બૉલર્સને સન્માનજનક ટોટલ આપવા માટે બૅટ્સમૅનની જગ્યાએ બૅટ્સમૅનને પણ સામેલ કરી શકાય છે. તેમાં વધારોનો બૉલર ન મળવાનું જોખમ છે, પરંતુ એવું બૉલિંગ કરતી વખતે પણ કરી શકાશે.”
અમોલે એમ પણ કહ્યું હતું કે “નાની-નાની સ્કિલ્સ ટીમ માટે સફળ સાબિત થઈ શકે છે. જે ખેલાડી ફિટનેસની બાબતમાં જાણીતા ન હોય એમને કામ પૂર્ણ થવાની સાથે જ બદલી શકાશે.”
આઈપીએલ-2023માં ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ હંગામા સાથે અમલી બનશે. તેનો હેતુ બૅટ્સમૅનના સ્થાને બૉલરને લેવાનો કે બૉલરની જગ્યાએ બૅટ્સમૅનને ટીમમાં સામેલ કરવાનો નથી. મૅચને નિર્ણાયક વળાંક આપવા માટે યોગ્ય સમયે જરૂરિયાતના હિસાબે ખેલાડીને ટીમમાં સામેલ કરી શકાશે.

શું છે આ નિયમો?

ઇમેજ સ્રોત, BCCI-IPL
સરળ શબ્દોમાં ઇમ્પૅક્ટ પ્લેયરનો અર્થ ફાઇનલ ઇલેવનમાં સામેલ એક ખેલાડીના સ્થાને નવો ખેલાડી સામેલ કરવો એવો થાય.
કૅપ્ટનો ટૉસ માટે મેદાનમાં ઊતરશે ત્યારે ટીમશીટમાં અંતિમ ઇલેવનની સાથે ચાર વધારાના વૈકલ્પિક ખેલાડીનાં નામ પણ આપવા પડશે.
ઇમ્પૅક્ટ પ્લેયર ક્યારે ટીમમાં સામેલ થશે?
દરેક ટીમ ચાર સબસ્ટીટ્યૂટ (વધારાના વૈકલ્પિક) ખેલાડી પૈકીના એક ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે સામેલ કરી શકશે. દરેક ઇનિંગમાં 14મી ઓવર પહેલાં ઇમ્પૅક્ટ પ્લેયરને સામેલ કરી શકાશે. દાવની શરૂઆતમાં ઓવર ખતમ થયા પછી અને કોઈ કારણસર બૅટ્સમૅન રિટાયર થાય ત્યારે ઇમ્પૅક્ટ પ્લેયરને સામેલ કરી શકાશે.
ઇમ્પૅક્ટ પ્લેયરને સામેલ કરવામાં આવ્યાની ખબર કેવી રીતે પડશે એની વાત કરીએ તો, કૅપ્ટન, કોચ, ટીમ મૅનેજર અને ચોથા અમ્પાયર આ બાબતે ઑનફિલ્ડ અમ્પાયરને જાણ કરશે. ઑનફિલ્ડ અમ્પાયર બન્ને હાથ ઊંચા કરીને ક્રૉસ સાઈન કરશે.
ઇમ્પૅક્ટ પ્લેયરના સમાવેશ પછી રિપ્લેસ્ડ ખેલાડીનું શું થશે એની જો વાત લઈએ તો, ઇમ્પૅક્ટ પ્લેયરને ટીમમાં સામેલ ખેલાડીના સ્થાને લીધા પછી એ ખેલાડી મૅચમાં કોઈ પણ રીતે સામેલ થઈ શકશે નહીં.

ઇમ્પૅક્ટ પ્લેયર વચ્ચેથી બૉલિંગ કરી શકશે?

ઇમેજ સ્રોત, ANI
બૉલિંગ કરી રહેલી ટીમે ઇમ્પૅક્ટ પ્લેયરને ચાલુ ઓવરે ટીમમાં સામેલ કર્યો હશે તો તે ખેલાડી બાકીની ઓવર પૂરી નહીં કરી શકે. ઇમ્પૅક્ટ પ્લેયરે બૉલિંગ માટે ઓવર પૂર્ણ થવાની રાહ જોવી પડશે.
આઈપીએલના નિયમ મુજબ, અંતિમ ઇલેવનમાં ચાર વિદેશી ખેલાડીઓ રમી શકે છે. આ નિયમને ધ્યાનમાં રાખતાં ઇમ્પૅક્ટ પ્લેયર ભારતીય ખેલાડી જ હોય તેવી શક્યતા વધી ગઈ છે.
અંતિમ ઇલેવનમાં અગાઉથી જ ચાર વિદેશી ખેલાડી હોય અને ઇમ્પૅક્ટ પ્લેયર પણ વિદેશી હોય તો એ સ્થિતિમાં વિદેશી ખેલાડીની કુલ સંખ્યા 5 થઈ જશે.
જોકે, આ નિયમથી ટીમોને એક તક મળી છે. કોઈ ટીમની અંતિમ ઇલેવનમાં ચારથી ઓછા વિદેશી ખેલાડી હોય તો એ ટીમને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે વિદેશી ખેલાડીને સામેલ કરવાની તક મળશે.
ઇમ્પૅક્ટ પ્લેયરને ટીમમાં સમાવેશ પછી ચાર ઓવર ફેંકવાની તક મળશે. તેને જે ખેલાડીના સ્થાને રિપ્લેસ કરવામાં આવ્યો હોય એ ખેલાડીએ ચાર ઓવરનો ક્વૉટા પૂર્ણ કર્યો હોય તો પણ ઇમ્પૅક્ટ પ્લેયર પોતાની ચાર ઓવર ફેંકી શકશે.
વરસાદને કારણે વિક્ષેપ પડ્યો હોય એવી મૅચમાં પણ ઇમ્પૅક્ટ પ્લેયર રમી શકશે. શરત એટલી જ છે કે તે મૅચ દસથી ઓછી ઓવરની ન હોવી જોઈએ.

અગાઉ ઇમ્પૅક્ટ પ્લેયર ક્યારે જોવા મળ્યો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
બીસીસીઆઈએ આઈપીએલમાં આ નિયમ અમલી બનાવ્યા પહેલાં સ્થાનિક ટ્વેન્ટી20 સ્પર્ધા સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં પ્રાયોગિક રીતે તેની શરૂઆત કરી હતી.
મણિપુર સામેની મૅચમાં દિલ્હીના ઋત્વિક શૌકીન પહેલા ઇમ્પૅક્ટ પ્લેયર બન્યા હતા. એ ટુર્નામેન્ટ દરમિયાન મુંબઈના બૉલર ધવલ કુલકર્ણીનું સ્થાન ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે સાઈરાજ પાટીલે લીધું હતું.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 2005માં સુપરસબ નિયમ અમલી બનાવ્યો હતો, પરંતુ એ નિયમ સફળ થયો ન હતો.
એ નિયમ મુજબ, કૅપ્ટને ટોસ પહેલાં સુપરસબ ખેલાડી નક્કી કરવાનો હતો. કૅપ્ટન ટૉસ હારી જાય તો સુપરસબથી તેને ખાસ લાભ થતો નથી.

આ નિયમોનો પણ અમલ થશે
- આઈપીએલની મૅચ નિર્ધારિત સમય કરતાં વધુ લાંબો સમય ચાલતી હોવાની ફરિયાદ કરવામાં આવે છે. તેને અટકાવવા માટે આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે. તેની સાથે-સાથે હવે ઑનફિલ્ડ પેનલ્ટી પણ લાગુ પડશે. કટ-ઑફ ટાઈમ પછી પણ દાવ ચાલુ રહેશે તો 30 યાર્ડ સર્કલમાં વધુ એક ફિલ્ડરને લાવવામાં આવશે. તેને લીધે બાઉન્ડરી પર ચાર જ ખેલાડી રહેશે.
- ફિલ્ડિંગ કરનાર ટીમનો વિકેટકીપર કોઈ અયોગ્ય હિલચાલ કરશે તો ડેડ બૉલ આપવામાં આવશે અને બેટિંગ કરી રહેલી ટીમને પેનલ્ટીના પાંચ રન મળશે. ફિલ્ડર અયોગ્ય હિલચાલ કરશે તો પણ ડેડ બૉલ સાથે પ્રતિસ્પર્ધી ટીમને પાંચ રન આપવામાં આવશે.
- નવી સિઝનમાં અમ્પાયર દ્વારા આપવામા આવેલા વાઈડ અને નો-બૉલના નિર્ણય સામે પણ ડીઆરએસની મદદ લઈ શકાશે.















