You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ઝિકા વાઇરસે દેખા દેતાં તપાસ હાથ ધરાઈ, ચેપ અને લક્ષણ વિશે જાણો
ગુજરાતના ગાંધીનગરમાં 70 વર્ષીય વૃદ્ધને ઝિકા વાઇરસનો ચેપ લાગ્યો હોવાની વાત બહાર આવી છે, જેના પગલે તંત્ર દોડતું થઈ ગયું છે.
આ કેસના પગલે તંત્ર ગાંધીનગરમાં અલગ-અલગ સ્થળોએ સરવે હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં કોઈ કેસ નહોતો મળ્યો.
એડિસ મચ્છરના કરડવાથી ઝિકા વાઇરસ થાય છે. ઉપરાંત તે ડેન્ગ્યુ અને યેલો ફિવર માટે પણ જવાબદાર છે.
સાઇન્સ જર્નલ લૅન્સેટ અનુસાર ભારતમાં ઝિકા વાઇરસનો સૌપ્રથમ કેસ 2016-17માં નોંધાયો હતો, જેમાં ચાર વ્યક્તિઓ સંક્રમિત મળી આવી હતી. એ જ અરસામાં ઝિકા વાઇરસના કેસ ગુજરાતમાં પણ નોંધાયા હતા.
અગાઉ ગુજરાત ઉપરાંત તામિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કર્ણાટકમાં પણ કેસ નોંધાયા છે.
ગાંધીનગરમાં ઝિકાનો કેસ
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપૉર્ટ મુજબ, અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં ગાંધીનગરના રહેવાસી વૃદ્ધને (ઉં.વ. 70) દાખલ કરવામાં આવ્યા હતા. જેમને ઝિકા વાઇરસનો ચેપ લાગ્યો હતો.
ઍડિશનલ ડાયરેક્ટર (પબ્લિક હૅલ્થ) નિલમ પટેલને ટાંકતા એજન્સી લખે છે, "ઑક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઝિકા વાઇરસનો કેસ નોંધાયો છે. 70 વર્ષીય દર્દીને સતત તાવ રહેતો હતો. ધ્રૂજારી ચઢતી હતી અને સાંધા દુખતા હતા."
"એમને અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક નિદાનમાં તેમને ઝિકા વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું જણાયું હતું. જેથી કરીને તેમના નમૂના પુનાસ્થિત નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરૉલૉજી ખાતે મોકલવામાં આવ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પટેલ ઉમેરે છે, "તા. 28 ઑક્ટોબરના તે દર્દીને ઝિકા વાઇરસ થયો હોવાની પુષ્ટિ થઈ હતી. જોકે, તબિયત સુધરતા તેમન તા. 27 ઑક્ટોબરના જ રજા આપી દેવામાં આવી હતી."
"અમે સૅક્ટર-5 ખાતેના તેમના નિવાસસ્થાને ટીમ મોકલી હતી. જેમાં તેમણે તાજેતરમાં પરપ્રાંત કે પરદેશનો પ્રવાસ ન ખેડ્યો હોવાનું બહાર આવ્યું હતું."
પટેલના કહેવા પ્રમાણે, તા. 29 ઑક્ટોબરથી ત્રીજી નવેમ્બર દરમિયાન અલગ-અલગ આરોગ્ય ટીમોએ આસપાસના 72 જેટલા સ્થાનોએ તપાસ હાથ ધરી હતી, પરંતુ તેમાં કોઈ સંદિગ્ધ કેસ નથી મળ્યો.
ઝિકા વાઇરસ શેનાથી ફેલાય છે?
WHO અનુસાર ઝિકા વાઇરસ એડીસ મચ્છરના કરડવાથી થાય છે, આ મચ્છર દિવસ દરમિયાન માણસને કરડે છે. ડૅન્ગ્યુ અને યલો ફીવર માટે પણ એડીસ મચ્છર જ જવાબદાર હોય છે.
ઝિકા વાઇરસના કેસ સૌપ્રથમ 1952માં આફ્રિકન દેશ યુગાન્ડા અને યુનાઇટેડ રિપબ્લિક ઑફ તાંઝાનિયામાં નોંધાયા હતા. 1960થી 1980 વચ્ચે મનુષ્યોને ઝિકા વાઇરસનો ચેપ લાગ્યો હોય, તેવા ઘણા કેસ સામે આવ્યા હતા.
2007માં ફેડરલ સ્ટેટ્સ ઑફ માઇક્રોનેશિયામાં ઝિકા વાઇરસના કેસ મોટી સંખ્યામાં નોંધાયા હતા, આ દુનિયાનો ઝિકા વાઇરસનો પ્રથમ વાવર હોવાનું મનાય છે.
2013માં ફ્રેન્ચ પોલિનેશિયામાં અને 2015માં બ્રાઝિલમાં મોટી સંખ્યામાં લોકો આ વાઇરસની ચપેટમાં આવ્યા હતા. અત્યાર સુધીમાં વિશ્વના 86 દેશોમાં ઝિકા વાઇરસના કેસ સામે આવ્યા છે.
ઝિકા વાઇરસનાં લક્ષણો શું છે?
WHO અને CDC પ્રમાણે ઝિકા વાઇરસનું સંક્રમણ ત્રણથી 14 દિવસ સુધી રહે છે અને મોટા ભાગના લોકોમાં તેનાં લક્ષણો દેખાતાં નથી.
કેટલાક લોકોમાં બેથી માંડીને સાત દિવસ સુધી હળવાં લક્ષણો જોવા મળે છે, જેમકે તાવ આવે, કળતર રહે અને માથું દુખે.
આ સિવાય કેટલાક લોકોને સાંધામાં દુખાવો રહે છે અને આંખો લાલ થઈ જતી હોય છે.
ડૉક્ટરની સલાહ પ્રમાણે લૅબોરેટરીમાં લોહી અથવા પેશાબના નમૂનાની તપાસ કરાવવાથી જાણી શકાય છે કે ઝિકા વાઇરસનો ચેપ લાગ્યો છે કે કેમ.
ઝિકા વાઇરસનો ચેપ જોખમી છે?
ઝિકા વાઇરસના કારણે ગુલિયન બેરે સિન્ડ્રોમ થઈ શકે છે, સાથે મગજ સંલગ્ન સમસ્યાઓ પણ થઈ શકે છે.
જો ગર્ભવતી મહિલાને ઝિકા વાઇરસનો ચેપ લાગે તો બાળક ખોડ સાથે જન્મી શકે છે. ચેપ લાગવાના કારણે કસુવાવડ પણ થઈ શકે છે.
WHO અનુસાર ગર્ભમાં ઊછરી રહેલા બાળકને માતા દ્વારા ચેપ લાગી શકે છે.
ચેપી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવાથી, ચેપીનું લોહી કોઈ અન્ય વ્યક્તિને ચઢાવવાથી પણ આ બીમારી ફેલાય છે.
ઝિકા વાઇરસની સારવાર
CDC પ્રમાણે ઝિકા વાઇરસની સારવાર માટે કોઈ દવા કે વૅક્સિન ઉપલબ્ધ નથી.
જો લોહી કે પેશાબના નમૂનાની તપાસ બાદ ઝિકા વાઇરસનું સંક્રમણ થયાની જાણ થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
સામાન્ય સંજોગોમાં ડૉક્ટર્સ દ્વારા તેનાં લક્ષણો, એટલે કે તાવ, કળતર, સાંધાનો દુખાવો વગેરે માટે દવા આપવામાં આવે છે.
ઝિકા વાઇરસથી સંક્રમિત વ્યક્તિએ ખૂબ આરામ કરવો જોઈએ.
ડિહાઇડ્રેશન ન થાય એ માટે જ્યૂસ જેવાં પ્રવાહી શક્ય હોય એટલાં વધારે લેવાં જોઈએ.
સંક્રમિત વ્યક્તિએ દવા લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને અગાઉથી તમે કોઈ રોગની દવા લઈ રહ્યા હોવ તો તે અંગે ડૉક્ટરને જાણ કરવી જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન