રાજસ્થાન: રણથંભોરમાં 25 વાઘ ગુમ, તપાસ શરૂ થતાં બીજા દિવસે 10 'મળી ગયા'

    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, બીબીસી હિંદી માટે જયપુરથી

રાજસ્થાનના રણથંભોર ટાઇગર રિઝર્વમાં 77 વાઘ છે, પરંતુ એમાંથી 25 વાઘ 'ગુમ' થઈ ગયા હતા, જેને કારણે લોકો ચોંકી ગયા હતા.

આ અંગે તપાસ કરવા માટે કમિટી નીમવાના આદેશ આપવામાં આવ્યા હતા, જેના કારણે અનેક લોકો ચોંકી ગયા હતા.

જોકે, કમિટી નીમવાની જાહેરાતના બીજા દિવસે જ વનવિભાગને 10 વાઘ 'મળી આવ્યા' હતા.

સમિતિ છેલ્લા લગભગ એક વર્ષથી 'ગુમ' થઈ ગયેલા વાઘોની તપાસ હાથ ધરશે.

જોકે, વાઘોના ગુમ થવા પાછળ અનેક કારણો જવાબદાર થઈ હોય શકે છે, ક્યારેક ગણનાની ત્રુટિ પણ તેને અસર કરતી હોય છે.

રણથંભોરના લાપતા 'ટાઇગર્સ'

ગુમ થયેલા વાઘોની ભાળ મેળવવા માટે રાજસ્થાનના મુખ્ય વનસંરક્ષક (વન્યજીવ) પવનકુમાર ઉપાધ્યાયે ચોથી નવેમ્બરે સમિતિનું ગઠન કર્યું હતું.

ઉપાધ્યાયે કમિટી ગઠનના આદેશમાં લખ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી મૉનિટરિંગ દરમિયાન વાઘ ગુમ થઈ રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

આ અંગે રણથંભોર ટાઇગર રિઝર્વ ક્ષેત્રના નિદેશકને પત્ર મોકલવામાં આવ્યા હતા, પરંતુ કોઈ સંતોષજનક ફેરફાર જોવા નહોતો મળ્યો.

મુખ્યાલયને મળેલા મૉનિટરિંગના રિપોર્ટને ટાંકતા 14 વાઘ એક વર્ષ કે એનાથી ઓછા સમયથી મળી નથી રહ્યા. તેમને શોધવા માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જે બે મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપશે.

એપીસીસીએફ રાજેશ ગુપ્તાને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જયપુરના વનસંરક્ષક ડૉ. ટી. મોહનરાજ તથા ભરતપુરના નાયબ વનસંરક્ષક માનસસિંહને આ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા હતા.

તેમણે બીબીસીને જણાવ્યું, "અમે બધા સભ્યો તપાસની રણનીતિ ઘડીશું અને ફિલ્ડમાં જઈને માહિતી એકઠી કરીશું. વાઘોને ટ્રૅક કરવા માટે સઘનતાપૂર્વક પ્રયાસ કરીશું."

"હાલમાં ફિલ્ડ ઑફિસર આ કામગીરી કરી રહ્યા છે, પરંતુ અમે તેને વધુ સઘનતાથી કરીશું. કમિટી તમામ રેકૉર્ડ ચકાસશે તથા ક્યાં-ક્યાં સુધારાની જરૂર છે, તેની ભલામણ કરશે."

ઉપાધ્યાયે ઉમેર્યું, "વાઘ બાયૉલૉજિકલ ઍન્ટિટી છે, એટલે અનેક પ્રકારનાં જૈવિક પરિબળો તેને અસર કરતાં હોય છે. અમને વિશ્વાસ છે કે ટ્રૅકિંગ દરમિયાન બાકીના વાઘ પણ મળી જશે."

મુખ્ય વનસંરક્ષક પવનકુમાર ઉપાધ્યાયના કહેવા પ્રમાણે, સામાન્ય રીતે ચોમાસાની સિઝન દરમિયાન વાઘ વિશે નક્કર પુરાવા મળતા નથી. એટલે ફિલ્ડમાં જઈને તપાસ હાથ ધરવામાં આવશે.

રણથંભોરના વન્ય અધિકારીઓએ ગુમ થયેલા વાઘોને શોધી કાઢવા માટે કેવા પ્રયાસ કર્યા અને ટાઇગર મૉનિટરિંગ વિશે તપાસ હાથ ધરવામાં આવશે, જેથી કરીને કોઈ અધિકારી કે કર્મચારીએ બેપરવાહી છે કે નહીં, તે પણ સ્પષ્ટ થાય.

ઉપરાંત આ કમિટી વ્યવસ્થામાં સુધાર માટેની ભલામણો કરશે.

ટાઇગરોના ટ્રૅકિંગની ટેકનિક

વનવિભાગ દ્વારા વાઘોને ટ્રૅક કરવા માટે ત્રણ પ્રકારની ટેકનિક વાપરવામાં આવે છે, જો તેમાં લાંબા સમય સુધી ટાઇગરના સગડ ન મળે, તો તેને લાપતા માની લેવામાં આવે છે.

રાજ્યના મુખ્ય વનસંરક્ષક (વન્યજીવ) પવનકુમાર ઉપાધ્યાયે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "અમે વાઘોને તેમના પંજાનાં નિશાન મારફત, કૅમેરામાં ટ્રૅક થાય એના પરથી તથા સાઇટિંગ દ્વારા તેમની સંખ્યાને મૉનિટર કરીએ છીએ."

ઉપાધ્યાય ઉમેરે છે, "અત્યારે ચોમાસાની સિઝન હતી, એટલે ટાઇગર આમતેમ જતા રહે છે. જેના કારણે તેમને ટ્રૅક નથી કરી શકાતા. ગુમ થઈ ગયેલા 25માંથી 10 ટાઇગર કૅમેરામાં ટ્રૅક થઈ ગયા છે. આશા છે કે બાકીના પણ વેળાસર ટ્રૅક થઈ જશે."

ડૉ. ધર્મેન્દ્ર ખાંડલના કહેવા પ્રમાણે, "આ સિઝનમાં કૅમેરા બરાબર રીતે કામ નથી કરતા, સાથે જ વરસાદ દરમિયાન કૅમેરામાં વાઘને ટ્રૅક કરવામાં મુશ્કેલી પડે છે."

ટાઇગર જિંદા હૈ?

ડૉ. ધર્મેન્દ્ર ખાંડલ બે દાયકા કરતાં વધુ સમયથી 'ટાઇગર વૉચ' નામના બિનસરકારી સંગઠન સાથે જોડાયેલા છે. જે રણથંભોર ટાઇગર રિઝર્વ ક્ષેત્ર માટે કામ કરે છે.

ખાંડલ બીબીસીને જણાવે છે, "આ લોકો 15 વાઘને ગુમ ગણાવે છે. જંગલમાં વાઘો 15થી 17 વર્ષ સુધી જ જીવિત રહે છે. જે અત્યાર હજુ પણ ગુમ છે તેમાંથી મોટા ભાગના વયોવૃદ્ધ છે. અમુક તો 20થી 22 વર્ષના છે."

"ટાઇગર આટલાં વર્ષો સુધી જીવતા ન રહી શકે. તેમના મૃતદેહો નહીં મળવાને કારણે જ તેમને 'લાપતા' જાહેર કરી દેવાયા છે."

ડૉ. ખાંડલ વનવિભાગના અધિકારીઓની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા કહે છે, "આ પહેલાં રણથંભોરમાં વાઘ ગુમ થયા હતા, તે ખરેખરમાં ગુમ થયા હતા. પરંતુ આ વખતે વાઘ લાપતા નથી થયા, પરંતુ તેઓ ટ્રૅક નથી થઈ રહ્યા. વનવિભાગના અધિકારીઓ વચ્ચે લડાઈ (થઈ રહી) છે."

ડૉ. ખાંડલે ઉમેર્યું, "હદવિસ્તારની લડાઈને કારણે પણ વાઘોનાં મૃત્યુ થઈ જાય છે. તેમના મૃતદેહ નહીં મળવાને કારણે તેમને ગુમ જાહેર કરી દેવામાં આવે છે."

કેટલાક વાઇલ્ડ લાઇફ ઍક્સ્પર્ટ્સ પણ આ તર્ક સાથે સહમત છે. આ માટે તેઓ સાઇબેરિયન પક્ષીઓના માઇગ્રેશનનું ઉદાહરણ ટાંકે છે.

ડૉ. સતીશ શર્માના કહેવા પ્રમાણે, "માનો કે વાઘ કોઈ કૂવામાં પડી ગયો અથવા બીમાર થઈ ગયો અથવા તો બોડમાં જ મૃત્યુ પામ્યો, તો તે ટ્રૅક નહીં થાય."

"સાઇબેરિયાથી આપણે ત્યાં પક્ષીઓ આવે છે અને પરત જતા રહે છે. જેને ઍરિયલ માઇગ્રેશન કહેવામાં આવે છે. એવી રીતે વાઘો લૅન્ડ માઇગ્રેશન કરે છે. વાઘોને ગુમ જણાવાઈ રહ્યા છે, પરંતુ એ તેમની પ્રવૃત્તિ છે."

"તેઓ ભોજન માટે શિકારની શોધમાં, સલામતસ્થળની શોધમાં, તથા સંવનન માટે વાઘણની શોધમાં તેઓ માઇગ્રેશન કરે છે. આપણે જંગલ વિસ્તારોમાં દબાણ કરી રહ્યા છીએ, એટલે વાઘોએ સ્થળાંતર કરવું પડે છે."

ડૉ. શર્મા ઉમેરે છે, "વનવિભાગે ટાઇગરની શોધ હાથ ધરી છે, પરંતુ તે જ્યારે સામે આવશે, ત્યારે ટ્રૅક થશે. તેમાં સમય લાગે છે."

વાઘ 'મળી ગયા'

ઉપાધ્યાયે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "14 વાઘ છેલ્લા એક વર્ષ કે તેથી ઓછા સમયથી મળતા નહોતા. પાંચમી નવેમ્બરે તેમાંથી 10 વાઘનો પતો મળી ગયો હતો. તેમને કૅમેરામાં ટ્રૅક કરવામાં આવ્યા હતા."

"અમને આશા છે કે બાકીના ચાર વાઘ પણ ટૂંક સમયમાં મળી જશે. હવે, એક વર્ષ કરતાં વધુ સમયથી ગુમ થઈ ગયેલા 11 જેટલા વાઘોની તપાસ હાથ ધરશે."

રાજસ્થાનના વનવિભાગ માટે ગુમ થયેલા વાઘો ઉપરાંત વાઘોની હત્યા પણ પડકારજનક બાબત છે. વાઘોનો મૃતદેહ મળે અને તેની ઉપર ઈજાનાં નિશાન હોય તેવી ઘટનાઓ પણ નોંધાઈ છે, આ સિવાય તેમને ઝેર પણ આપવામાં આવે છે.

'ટાઇગર વૉચ' સાથે જોડાયેલા ડૉ. ધર્મેન્દ્ર ખાંડલના કહેવા પ્રમાણે, "ઝેર આપવાથી પણ વાઘોના મૃત્યુ થાય છે. વાઘો રણથંભોર ટાઇગર રિઝર્વની આસપાસનાં ગામોમાં દર વર્ષે 500 જેટલા પાળતુ પશુઓનું ભક્ષણ કરે છે. રાનીપશુઓ જે પ્રાણીને ઉઠાવી જાય છે, તેના વળતર પેટે બહુ થોડી રકમ ચૂકવવામાં આવે છે."

ખાંડલ કહે છે, "ક્યારેક એવું પણ બને છે કે ગ્રામજનો વાઘને મારીને તેને દફનાવી દે, જેના વિશે કોઈને જાણ નથી થતી. એટલે તેની ગણના પણ 'ગુમ' તરીકે જ થાય છે."

વાઘની વસતિ અને વાતો

ભારતમાં સિંહોની વસતિ પર નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથૉરિટી દ્વારા નજર રાખવામાં આવે છે. દેશમાં વર્ષ 2006માં પહેલી વખત વાઘોની ગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક હજાર 411 વાઘ સંરક્ષિત વિસ્તારોમાં નિવાસ કરતા હોવાનું માલૂમ પડ્યું હતું.

વર્ષ 2022ના આંકડા મુજબ, દેશમાં 53 ટાઇગર રિઝર્વ છે. આ સંરક્ષિત વિસ્તાર 75 હજાર વર્ગકિલોમીટર વિસ્તાર પર ફેલાયેલા છે.

વર્ષ 2023માં વાઘોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. એ સમયે દેશમાં ત્રણ હજાર 682 વાઘ નિવાસ કરતા હોવાનું માલૂમ પડ્યું હતું.

વર્ષ 2018માં વાઘોની ગણતરી થઈ, ત્યારે બે હજાર 967 વાઘ હોવાનું નોંધાયું હતું. આમ પાંચ વર્ષ દરમિયાન વાઘોની વસતિમાં 24 ટકા જેટલી વૃદ્ધિ થઈ હતી.

ભારતના મધ્ય પ્રદેશ (526), કર્ણાટકમાં (524), ઉત્તરાખંડમાં (442) અને મહારાષ્ટ્રમાં (312) વાઘોની સંખ્યાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ રાજ્યો છે.

તત્કાલીન ગણના પ્રમાણે, રાજસ્થાનના ચાર ટાઇગર રિઝર્વમાં 91 વાઘ વસે છે, જેમાં રણથંભોરમાં સૌથી વધુ 77 વાઘ નિવાસ કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.