You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મચ્છરોને સેક્સ કરતા અટકાવીને ડેગ્યુ-મલેરિયાથી બચવાની અનોખી પદ્ધતિ કેવી રીતે કામ કરે છે?
- લેેખક, મિશેલ રૉબર્ટ્સ
- પદ, ડિજિટલ હૅલ્થ ઍડિટર, બીબીસી ન્યૂઝ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડેન્ગ્યુ, યેલો ફીવર તથા ઝીકા વાઇરસ જેવા મચ્છરજન્ય રોગોથી બચવા માટે અનોખી રીત શોધી કાઢી છે.
જેમાં નર મચ્છરોને બહેરા બનાવી દેવામાં આવે છે, જેથી કરીને તેઓને માદા સાથે સંબંધ બાંધવામાં મુશ્કેલી પડે અને તેમની સંખ્યાવૃદ્ધિ ધીમી પડે.
અવાજથી આકર્ષણ અને આમંત્રણ
મચ્છરો હવામાં ઉડતા-ઉડતા સંસર્ગ કરે છે. નર મચ્છર માદાને શોધવા માટે તેના પંખધ્વનિ ઉપર આધાર રાખે છે.
સંશોધકોએ એક પ્રયોગ કર્યો હતો, જેમાં નર મચ્છરની શ્રવણેન્દ્રીયના આનુવાંશિક માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો.
પરિણામે એક જ પાંજરામાં ત્રણ દિવસ સુધી સાથે રહેવા છતાં નર મચ્છરે માદા સાથે સંબંધ નહોતા બાંધ્યા.
મોટાભાગે માદા મચ્છરો દ્વારા જ લોકોમાં રોગો ફેલાતા હોય છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે માદા દ્વારા મચ્છરોને પેદા કરવામાં આવે છે.
જો તેમાં અવરોધ ઊભો કરવામાં આવે, તો તેમની કુલ સંખ્યામાં ઘટાડો કરવામાં પણ આ પદ્ધતિ મદદ રૂપ થશે.
કૅલિફોર્નિયા વિશ્વવિદ્યાલયની ટીમે ઍડિસ ઍજિપ્તી Aedes aegypti મચ્છરોનો અભ્યાસ કર્યો. આ પ્રજાતિના મચ્છરોને કારણે દરવર્ષે લગભગ 40 કરોડો લોકોમાં વાઇરસ ફેલાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંશોધકોએ મચ્છરો દ્વારા હવામાં કરવામાં આવતી પ્રજનનક્રિયાનો ધ્યાનથી અભ્યાસ કર્યો.
મચ્છરોની સંસર્ગક્રિયા અમુક સેકન્ડથી લઈને એક મિનિટ કરતાં ઓછો સમય સુધી ચાલે છે. ત્યારબાદ રિસર્ચર્સે તેમાં કેવી રીતે વિક્ષેપ ઊભો કરવો, તેનો રસ્તો શોધી કાઢ્યો.
જો સંભળાશે નહીં, તો સંસર્ગ નહીં
સંશોધકોએ trpVa નામના પ્રોટિનને ટાર્ગેટ કર્યું છે, જેને મચ્છરમાં શ્રવણશક્તિ માટે જરૂરી માનવામાં આવે છે.
પંખધ્વનિ અથવા તો ગણગણાટ દ્વારા મચ્છર તેના વિજાતીય પાત્ર તરફ આકર્ષાય છે. પરંતુ જે મચ્છરોમાં સુધાર કરવામાં આવ્યો હતો, તેમનામાં અવાજ ઉપર પ્રતિક્રિયા કરતા ન્યૂરૉન્સ નિષ્ક્રિય રહ્યા હતા.
માદા મચ્છરનું સંસર્ગ માટેનું ઇજન બહેરા કાને અથડાયું હતું.
આથી વિપરીત જંગલી નર મચ્છર ઝડપથી તથા અનેક વાર સહવાસ માટે તૈયાર થઈ ગયા હતા. એટલું જ નહીં તેમણે પોતાના પાંજરામાં રહેલી લગભગ બધી માદાને પરાગાધાન કરાવ્યું હતું.
કૅલિફોર્નિયા વિશ્વવિદ્યાલય, સાન્ટા બાર્બરાના શોધકર્તાઓનું સંશોધન પીએનએએસ (PNAS) પત્રિકામાં પ્રકાશિત થયું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જનીન નૉક-આઉટની અસર "સંપૂર્ણ" હતી, કારણ કે બધીર નરમાં પ્રજનનેચ્છાની કોઈ શક્યતા નહોતી રહી.
સમસ્યાનું સમાધાન કે સમસ્યાની શરૂઆત?
જર્મનીમાં ઑલ્ડનબર્ગ વિશ્વવિદ્યાલયના ડૉ. જ્યૉર્જ આલ્બર્ટ, મચ્છરોમાં પ્રજનનક્રિયાના વિશેષજ્ઞ છે અને મેં જ્યારે તેમને પૂછ્યું કે તેઓ આ સંશોધન વિશે શું માને છે.
ત્યારે તેમણે જણાવ્યું કે મચ્છરોના નિયંત્રણ માટે તેમની શ્રવણેન્દ્રિયને નુકસાન પહોંચાડવાનો રસ્તો અસરકારક સાબિત થઈ શકે છે, પરંતુ આના વિશે વધુ અભ્યાસ અને નિયમન કરવાની જરૂર છે.
"મૉલેક્યુલર બાબતે આ પહેલો પ્રત્યક્ષ અભ્યાસ છે. જે દર્શાવે છે કે મચ્છરોમાં સાંભળવું એ ન કેવળ પ્રજનન પૂરતું, પરંતુ અન્ય બાબતો માટે પણ જરૂરી છે."
"નર મચ્છરની સાંભળવાની ક્ષમતા વિના અને અવાજથી પાઠલાગ ન કરે તો માદા મચ્છર વિલુપ્ત થઈ જવાની શક્યતા છે."
ડૉ. આલ્બર્ટે કહ્યું કે આ સિવાયની એક પદ્ધતિ પર પણ શોધકાર્ય ચાલી રહ્યું છે. જેમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાયો હોય તેવા વિસ્તારોમાં અણુપજાઉ મચ્છરો છૂટા મૂકવા.
મચ્છર રોગ ફેલાવે છે, પરંતુ તે ખોરાકચક્રનો મહત્ત્વપૂર્ણ હિસ્સો પણ છે, ઉદાહરણ તરીકે માછલી, પક્ષીઓ, ચામાચિડીયાં અને દેડકાં માટે તે પોષક ખોરાક છે, તો પરાગરજના મહત્ત્વપૂર્ણ વાહક પણ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન