તુર્કીમાં 40 વર્ષ બાદ સંઘર્ષવિરામ: કુર્દ કોણ છે અને તેનું પ્રતિબંધિત સંગઠન PKK કેવી રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જૅરેમી હોવેલ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
પીકેકે અથવા કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી તુર્કી માટે સમસ્યા બની રહી હતી.
ડાબેરી મૂળ ધરાવતા આ જૂથની રચના 1970 ના દાયકાના અંતમાં થઈ હતી અને 1984 માં તુર્કી સરકાર સામે તેમણે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો હતો.
આ સગંઠન મારફત તેઓ તુર્કીમાં સ્વતંત્ર કુર્દીશ રાજ્યની માંગ કરી રહ્યા હતા.

હવે, જેલમાં બંધ પીકેકેના વડા અબ્દુલ્લા ઓકલાને પત્ર લખીને સંગઠનના ચળવળકર્તાઓને હથિયાર ત્યજીને તુર્કી સાથે શાંતિ પ્રસ્થાપિત કરવા આહ્વાન કર્યું હતું.
સમર્થકોમાં 'અપો' તરીકે વિખ્યાત ઓકલાનની અપીલ પછી પીકેકેએ સિઝફાયરની જાહેરાત કરી છે. સંગઠનને આશા છે કે તુર્કી સરકાર તેમના નેતા ઓકલાનને મુક્ત કરી દેશે.
કુર્દ બહુમતીવાળા વિસ્તારોમાં આ જાહેરાતના પગલે ખુશીની લહેર ફરી વળી હતી અને તેમણે આ જાહેરાતને આવકારી હતી.
જેના કારણે પાંચ દાયકાથી ચાલી રહેલી હિંસક ચળવળમાં નવો વળાંક આવી શકે છે અને તુર્કીના ઇતિહાસમાં નવો અધ્યાય લખાશે તેવી શક્યતા દેખાય રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કુર્દ મેસોપોટેમિયાનાં પર્વતો અને મેદાનોના સ્વદેશી લોકોમાંના એક છે. જે દક્ષિણ-પૂર્વ તુર્કી, ઉત્તર-પૂર્વ સીરિયા, ઉત્તર ઇરાક, ઉત્તર-પશ્ચિમ ઈરાન અને દક્ષિણ-પશ્ચિમ આર્મેનિયામાં વસવાટ કરે છે.
આ વિસ્તારમાં 25 થી 35 મિલિયન કુર્દ રહેતા હોવાનો અંદાજ છે. મધ્ય-પૂર્વ એશિયામાં આરબ, પર્શિયન અને તુર્ક પછી કુર્દોએ સૌથી મોટું વંશીય જૂથ છે. પરંતુ તેમની પાસે પોતાનું કોઈ રાષ્ટ્ર કે રાજ્ય નથી.
સેંકડો વર્ષો સુધી કુર્દ લોકો ઓટ્ટોમન સામ્રાજ્યના શાસન હેઠળ રહેતા. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જ્યારે આ સામ્રાજ્ય તૂટી પડ્યું ત્યારે ઘણા કુર્દ લોકોએ પોતાનું નોખું વતન બનાવવાનો વિચાર કર્યો.
જેને ઘણીવાર "કુર્દીસ્તાન" તરીકે ઓળખવામાં આવે છે. વિજયી પશ્ચિમી સાથી દેશોએ કહ્યું કે 1920ની સેવરેસ સંધિમાં આમ બની શકે છે.
જોકે 1923 માં લૌસેનની સંધિ દ્વારા આને રદ કરવામાં આવી. જેણે આધુનિક તુર્કીની સીમાઓ નક્કી કરી અને કુર્દીશ રાજ્ય માટે કોઈ જોગવાઈ કરી નહીં.
કુર્દોને તેઓ જ્યાં રહેતા હતા તે બધા દેશોમાં લઘુમતી તરીકે છોડી દેવામાં આવ્યા. આગામી 80 વર્ષોમાં સ્વતંત્ર દેશ સ્થાપિત કરવા માટે કુર્દોએ લીધેલાં તમામ પગલાંને દબાવી દેવામાં આવ્યાં.

કુર્દો વસ્તી તુર્કીની કુલ વસતિનાં 15% થી 20% ની આસપાસની છે.
1920 અને 1930 ના દાયકામાં તુર્કીમાં થયેલા બળવાના પ્રતિભાવમાં ઘણા કુર્દ લોકોને ફરીથી અહીં વસાવવામાં આવ્યા હતા, પરંતુ કુર્દીશ નામો અને પોશાકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
કુર્દીશ ભાષાના ઉપયોગ પર પણ પ્રતિબંધિત મુકવામાં આવ્યો અને કુર્દીશ વંશીય ઓળખના અસ્તિત્વને પણ નકારી કાઢવામાં આવ્યું. ત્યારબાદ આ લોકોને "માઉન્ટેન તુર્ક્સ" તરીકે ઓળખાવવામાં આવ્યા.
1978 માં દક્ષિણ-પૂર્વ તુર્કીના ડાબેરી રાજકીય કાર્યકર અબ્દુલ્લા ઓકલાનએ PKK ની સ્થાપના કરી. જેણે તુર્કીમાં સ્વતંત્ર રાજ્યની માંગ કરી અને 1984માં સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો.
ત્યારથી PKK અને તુર્કી સુરક્ષા દળો વચ્ચેની લડાઈનાં પરિણામે તુર્કીની અંદર અને તુર્કીની સરહદો નજીક સીરિયા અને ઇરાકના વિસ્તારોમાં આશરે 40 હજાર લોકો માર્યા ગયા છે. તુર્કીની અંદર લાખો લોકો વિસ્થાપિત થયા છે.
તુર્કી, યુએસએ, યુકે અને EUના દેશોમાં PKK ને આતંકવાદી જૂથ ગણી તેને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.

1990ના દાયકામાં પીકેકે સ્વતંત્ર રાજ્યની માંગણીમાંથી પીછેહઠ કરી હતી અને કુર્દો માટે વધુ સ્વાયત્તતાની માંગ કરી હતી.
2016માં બીબીસી સાથે વાત કરતા પીકેકેના લશ્કરી નેતા સેમિલ બાયિકે કહ્યું હતું કે "અમે તુર્કીથી અલગ રાષ્ટ્ર સ્થાપવા માંગતા નથી. અમે તુર્કીની સરહદોમાં અમારી પોતાની ભૂમિ પર મુક્તપણે રહેવા માંગીએ છીએ."
તેમણે કહ્યું હતું, "જ્યાં સુધી કુર્દોના જન્મજાત અધિકારો સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે."
જોકે તુર્કીનું કહેવું છે કે પીકેકે "તુર્કીમાં એક અલગ રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે".
1990 ના દાયકાના મધ્યમાં તુર્કી સુરક્ષા દળો અને પીકેકે વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી.
એ સમયે તુર્કીના દક્ષિણ-પૂર્વ અને પૂર્વમાં મોટાભાગે કુર્દીશ વસ્તી ધરાવતાં હજારો ગામોનો નાશ કરવામાં આવ્યો હતો. લાખો કુર્દ દેશના અન્ય ભાગોનાં શહેરોમાં હિજરત કરી ગયા હતા.

1999માં પીકેકેને મોટો ફટકો પડ્યો હતો જ્યારે તેના નેતા અબ્દુલ્લા ઓકલાનની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
થોડા સમય પછી પીકેકેએ પાંચ વર્ષના એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તેણે તેની છબી બદલવા આ અપીલને શાંતિપૂર્ણ રાજકારણ તરીકે આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.
જેમાં તુર્કીના રાજકારણમાં ભૂમિકા, દેશની કુર્દીશ વસ્તી માટે વધુ સાંસ્કૃતિક અધિકારો અને કેદ કરાયેલા PKK સભ્યોની મુક્તિની હાકલ કરવામાં આવી હતી.
તુર્કીએ તેની સાથે વાટાઘાટો કરવાનો ઇન્કાર કર્યો હતો અને તેના સભ્યોને ફક્ત મર્યાદિત માફી આપવાની ઑફર આપી હતી.
2009 અને 2011ની વચ્ચે PKK અને તુર્કી સરકારે નૉર્વેમાં ગુપ્ત વાટાઘાટો કરી હતી પરંતુ તે પણ પડી ભાંગી હતી.
માર્ચ 2013 માં ઓકલાને સરકાર સાથેની વાટાઘાટો બાદ વધુ લાંબા યુદ્ધવિરામની જાહેરાત કરી.
ઓકલાને PKK દળોને તુર્કીમાંથી પાછળ હઠી જવા વિનંતી કરી હતી. જોકે આ સંઘર્ષવિરામની સમજૂતિ જુલાઈ 2015 માં તૂટી પડી હતી.
સંશોધન સંસ્થા ક્રાઇસિસ ગ્રૂપ અનુસાર 2015 થી તુર્કી અને ઇરાકમાં તુર્કી સુરક્ષા દળો અને PKKના લડવૈયાઓ વચ્ચેની અથડામણમાં સાત હજારથી વધુ લોકો માર્યા ગયા છે.
2015 અને 2016 માં લડાઈ ખાસ કરીને ગંભીર હતી અને તે મોટે ભાગે તુર્કીના દક્ષિણ-પૂર્વમાં થઈ હતી.
2019 સુધીમાં તુર્કી સુરક્ષા દળોએ ઘણા PKK ચરમપંથીઓને દેશનિકાલ આપ્યો હતો. ત્યારબાદ મોટાભાગની લડાઈ ઉત્તરી ઇરાકના સ્વાયત્ત કુર્દિસ્તાન પ્રદેશ અને ઉત્તરી સીરિયા પૂરતી મર્યાદિત રહી હતી.
સીરિયામાં તુર્કી સૈનિકો (સીરિયન નૅશનલ આર્મી નામના સાથી લશ્કર સાથે) કુર્દીશ-નેતૃત્વ હેઠળના પીપલ્સ ડિફેન્સ યુનિટ્સ (YPG) સામે પણ લડી રહ્યા છે. જેને તુર્કી PKK ની સીરિયા દેશમાં રહેલી એક પાંખ માને છે.
ઑક્ટોબર 2024 થી તુર્કી સરકાર જમણેરી રાષ્ટ્રવાદી ચળવળ ચલાવતી પાર્ટીના નેતા દેવલેટ બહસેલી અને PKK સાથે વાટાઘાટો કરી રહી છે. જેમાં મારમારાના સમુદ્રમાં એક ઉચ્ચસુરક્ષા ધરાવતી ઇમરાલી આઇલૅન્ડ જેલમાં ઓકાલાનની મુલાકાત લેવાનો પણ સમાવેશ થતો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












