ભૂતપૂર્વ શિક્ષણવિદ હરિની અમરાસૂર્યા શ્રીલંકાનાં નવાં વડાં પ્રધાન બનશે-ન્યૂઝ અપડેટ

શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ દેશનાં નવાં વડાં પ્રધાન તરીકે મહિલાની પસંદગી કરી છે. શ્રીલંકાના ઇતિહાસમાં ત્રીજી વખત એવું બનશે કે કોઈ મહિલા વડાં પ્રધાનપદે આવશે.

દિસાનાયકેએ મંગળવારે પ્રધ્યાપકથી સાંસદ બનેલાં હરિની અમરાસૂર્યાને વડાં પ્રધાન તરીકે પસંદ કર્યા છે. સાથે તેમને ન્યાય, શિક્ષણ અને શ્રમ મંત્રાલયની જવાબદારી પણ સોંપી છે.

દિસાનાયકે અને અમરાસૂર્યા એમ બંને વામપંથી તરફી નેશનલ પિપલ્સ પાવર ગઠબંધનના સભ્યો છે. આ ગઠબંધન પાસે 225 બેઠકો ધરાવતી શ્રીલંકાની સંસદમાં માત્ર ત્રણ સાંસદો છે. વચગાળાની કૅબિનેટમાં અન્ય વિભાગોની જવાબદારી બાકીના બે સાંસદોને સોંપવામાં આવી છે.

સમાચાર એજન્સી એએફપી પ્રમાણે પાર્ટીના સભ્ય નમલ કરુણારત્નેએ કહ્યું, “શ્રીલંકાના ઇતિહાસમાં અમારી સૌથી નાની કૅબિનેટ હશે.”

તેમણે કહ્યું કે સંસદને આવતા 24 કલાકમાં ભંગ કરવામાં આવી શકે છે.

કર્ણાટક હાઇકોર્ટના ચુકાદા બાદ સિદ્ધારમૈયાએ કહ્યું- ‘હું રાજીનામું નહીં આપું’

મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી જમીન મામલે કર્ણાટક હાઇકોર્ટના ચુકાદા પછી કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ રાજીનામું આપવાનો ઇન્કાર કરી દીધો છે.

તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ અને તેની સહયોગી પાર્ટી જેડીએસ તેમની સરકાર પાડવાની કોશિશમાં છે.

આ પહેલા આજે સવારે સિદ્ધારમૈયાની સામે કેસ ચલાવવાની રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે મંજૂરીને રદ કરવાની તેમની અરજી કર્ણાટક હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

ત્યારબાદ સિદ્ધારમૈયાએ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી.

તેમનો દાવો હતો કે હાઇકોર્ટે તપાસ કરવાની મંજૂરી આપી છે પરંતુ કેસ ચલાવવાની મંજૂરી નથી આપી.

બીએસઈ સેન્સેક્સ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો

મંગળવારે નબળી શરૂઆત બાદ બીએસઈ (બૉમ્બે સ્ટોક ઍક્સચેન્જ) સેન્સેક્સ પ્રથમ વખત 85 હજારને પાર કરી ગયો છે. જ્યારે નિફ્ટી 26 હજારની નજીક પહોંચી ગયો છે.

સ્ટીલ કંપનીઓ અને ઑટો કંપનીઓની સારી કામગીરીને કારણે સેન્સેક્સમાં આટલો વધારો જોવા મળ્યો છે. મંગળવારે ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યૂ અને પાવર ગ્રીડના શૅરની કિંમતમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો. બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ અને બજાજ ફાઇનાન્સના શૅરની કિંમતોમાં ધોવાણ થયું હતું.

અત્રે નોંધનીય છે કે ચાર દિવસ પહેલા જ બીએસઈ સેન્સેક્સે 84 હજારનો આંકડો પાર કર્યો હતો. 12 સપ્ટેમ્બરે બીએસઈ સેન્સેક્સે 83 હજારની સપાટી વટાવી હતી.

પહેલી ઑગસ્ટે બીએસઈ સેન્સેક્સે 82 હજારના આંકડાને પાર કર્યો હતો. આ રીતે જોવા જઈએ તો 12 અઠવાડિયાથી પણ ઓછા સમયગાળામાં સેન્સેક્સ 85 હજારના આંકડાને પાર કરી ગયો છે.

અમેરિકામાં નરેન્દ્ર મોદીએ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી

સોમવારે ન્યૂયૉર્કમાં દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. છેલ્લા એક મહિનામાં બન્ને નેતાઓની બીજી મુલાકાત છે.

અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રની 'ફ્યુચર સમિટ' યોજાઈ રહી છે. ફ્ચુયર સમિટમાં સામેલ થયા બાદ વડા પ્રધાન મોદી બીજા એક કાર્યક્રમમાં ઝેલેન્સકીને મળ્યા હતા.

ભારત સરકારના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર મુલાકાત વિશે લખ્યું, "બન્ને નેતાઓએ દ્વિપક્ષી સંબંધો વિશે વાત કરી હતી અને યુક્રેનની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન વડા પ્રધાને યુક્રેન સંકટને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવાની ભારતની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પીએમ મોદીએ 23 ઑગસ્ટે યુક્રેનની મુલાકાત લીધી હતી અને રશિયા-યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોમાં મદદ કરવાનું વચન આપ્યું હતું.

હાલમાં વડા પ્રધાન ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત ક્વાડના તમામ નેતાઓને મળ્યા હતા.

ધર્મનિરપેક્ષતા ભારતીય નહીં પરંતુ યુરોપિયન વિભાવના છે - તામિલનાડુના ગવર્નર આર એન રવી

તામિલનાડુના રાજ્યપાલ આર એન રવીએ કહ્યું છે, ''ધર્મનિરપેક્ષતા એ યુરોપિયન વિભાવના છે. આ જ કારણ છે કે તે પહેલા ભારતીય બંધારણનો ભાગ નહોતી. બાદમાં, એક 'અસુરક્ષિત વડાં પ્રધાને' કટોકટી દરમિયાન બંધારણમાં તેને સામેલ કરી હતી.''

રાજ્યપાલે તામિલનાડુમાં એક યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી જ્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, ''આ દેશના લોકો સાથે ઘણી છેતરપિંડી થઈ છે. તેમાં એક ધર્મનિરપેક્ષતાનું ખોટું અર્થઘટન પણ છે.''

પોતાના સંબોધનમાં તેમણે પ્રશ્ન કર્યો, "ધર્મનિરપેક્ષતા"નો શો અર્થ થાય છે? વાસ્તવમાં આ ભારતીય વિભાવના નથી. તેની ઉત્પત્તિ યુરોપમાં થઈ છે. ત્યાં ચર્ચ અને રાજા વચ્ચે થતાં વિવાદને સમાપ્ત કરવામાં માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવતું હતું.''

રાજ્યપાલની આ ટિપ્પણી પર રાજકીય પક્ષોએ આકરી પ્રતિક્રિયા આપી છે. કૉંગ્રેસે તેને અત્યંત વાંધાજનક અને અસ્વીકાર્ય ગણાવ્યું છે.

જ્યારે CPI(M)નાં નેતા વૃંદા કરાતે એ નિવેદનને શરમજનક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આર એન રવી જેવી વ્યક્તિને રાજ્યપાલના પદ પરથી તાત્કાલિક હટાવી દેવી જોઈએ.

સેનેગલમાં હોડીમાં 30 મૃતદેહ મળ્યા

સેનેગલના દરિયાકિનારે એક હોડીમાં 30 મૃતદેહો મળી આવતાં અધિકારીઓએ તપાસ આદરી છે.

સેનેગલની નેવીએ જણાવ્યું કે પાટનગર ડકારથી 70 કિલોમીટર દૂર દરિયાની અંદર બિસમાર હાલતમાં એક હોડી મળી આવી છે. હોડીમાં 30 મૃતદેહો છે જે એકદમ કોહવાઈ ગયેલી સ્થિતિમાં છે.

સેનેગલના સૈન્યે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "નેવી એ હોડી કિનારે લઈ આવી છે. મૃતદેહ એટલી ખરાબ હાલતમાં છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ થઈ રહી છે."

સેનેગલથી ગેરકાયદેસર રીતે સ્પેનના કૅનેરી ટાપુઓ પર જનારા લોકોની સંખ્યામાં છેલ્લા કેટલાક સમયથી વધારો થયો છે. સામાન્ય રીતે લોકો બહુ જોખમી રીતે આ મુસાફરી કરતા હોય છે.

ઘણી વખત 1500 કિલોમીટરની મુસાફરી લોકો નાનકી હોડીમાં કરતા હોય જેમાં ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડવામાં આવે છે.

ઑગસ્ટ 2024માં ડોમિનીક રિપબ્લિકમાં સ્થાનિક માછીમારોને 14 લોકો મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બધા લોકો સેનેગલના હોવાનું બહાર આવ્યું હતું.

સેનેગલમાં લાંબા સમયથી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે જેના કારણે દેશમાં ભંયકર બેરોજગારી અને ગરીબી છે. મોટી સંખ્યામાં યુવાનો જોખમ લઈને પણ યુરોપની મુસાફરી કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.