નિમિષા પ્રિયાની ફાંસીની સજાનો અમલ થાય તે પહેલાં તેમનાં માતાએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, યમન, કેરળ, નિમિષા પ્રિયા, કેરળનાં નર્સને યમનમાં ફાંસીની સજા, નિમિષા પ્રિયા કેસ
ઇમેજ કૅપ્શન, નિમિષાના પરિવારે કહ્યું કે જાહેરાત કરી દેવાઈ કે 16 જુલાઈના રોજ નિમિષા પ્રિયાને ફાંસી અપાશે
    • લેેખક, સિરાજ
    • પદ, બીબીસી તામિલ

યમનના સના ખાતે કેરળનાં નર્સ નિમિષા પ્રિયા પાછલાં કેટલાંક વર્ષોથી મધ્યસ્થ કારાગારમાં બંધ છે. તેમના પર યમનના નાગરિક તલાલ અબ્દો માહદીની હત્યાનો આરોપ છે. આ આરોપમાં તેમને મૃત્યુદંડની સજા કરાઈ છે.

યમનમાં શરિયત કાયદો લાગુ છે. તેથી માહદી કુટુંબ આ મામલામાં 'બ્લડ મની'ના બદલામાં માફી આપે તો નિમિષા મૃત્યુદંડથી બચે એવી આશા હતી. નિમિષા અને તેમનો પરિવાર આ આશાને આશરે હતો.

આ માટે નિમિષાનાં માતા પ્રેમાકુમારી એપ્રિલ 2024માં ભારત સરકાર પાસેથી ખાસ મંજૂરી મેળવીને યમન પહોંચ્યાં હતાં.

જોકે, નિમિષાના પરિવારે કહ્યું કે જાહેરાત કરી દેવાઈ કે 16 જુલાઈના રોજ નિમિષા પ્રિયાને ફાંસી અપાશે. આ જાહેરાતથી નિમિષા આશ્ચર્યચકિત હતી.

નિમિષાના પરિવાર વતી યમનમાં તેમનો કેસ હૅન્ડલ કરવા માટે ઑથૉરાઇઝ્ડ સેમ્યુઅલ જેરોમે બીબીસીને ઉપરોક્ત વાત જણાવી. જોકે, બીબીસી આ માહિતીની સ્વતંત્રપણે પુષ્ટિ નથી કરી શક્યું.

હવે જ્યારે સજાના અમલમાં અમુક દિવસ જ બાકી છે ત્યારે નિમિષા પ્રિયાનાં માતા પ્રેમાકુમારી અને સામાજિક કાર્યકર સેમ્યુઅલ જેરોમે 11 જુલાઈના રોજ બીબીસી સાથે ઑનલાઇન વીડિયો ઇન્ટરવ્યૂ મારફતે વાતચીત કરી.

નિમિષાને સજાની જાણ કરાઈ હતી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, યમન, કેરળ, નિમિષા પ્રિયા, કેરળનાં નર્સને યમનમાં ફાંસીની સજા, નિમિષા પ્રિયા કેસ
ઇમેજ કૅપ્શન, નિમિષાનાં માતાને આશા છે કે તેઓ તેમનાં પુત્રીને બચાવી લેશે (વર્ષ 2023માં કેરળમાં લીધેલ ફાઇલ તસવીર)

પ્રશ્ન : શું નિમિષાને મૃત્યુદંડની તારીખ અંગે જાણ કરાઈ હતી?

સેમ્યુઅલ જેરોમે જવાબ આપતાં કહ્યું કે, "7 જુલાઈએ સના સેન્ટ્રલ જેલના પ્રમુખે મને ફોન કરીને મૃત્યુદંડની તારીખ અંગે જાણ કરી હતી. જેલ સત્તાધીશોએ મને કહ્યું કે તેમણે આ માહિતી પહેલાંથી જ નિમિષાને આપી દીધી છે. હું ત્યારે મારા અંગત કામસર ભારતમાં હતો, પરંતુ આ સમાચાર મળતાં તરત જ હું યમન જવા માટે નીકળી ગયો."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રેમાકુમારીએ કહ્યં કે જાહેરાત બાદ નિમિષાએ જેલના સત્તાધીશો મારફતે તેમને એક મૅસેજ મોકલ્યો.

પ્રેમાકુમારી કહ્યું, "પરંતુ તેણે હાલની જાહેરાતનો કોઈ ઉલ્લેખ ન કર્યો. તેણે માત્ર મારા ખબરઅંતર પૂછ્યા. એ નહોતી ઇચ્છતી કે હું ચિંતા કરું તેથી એણે કંઈ ન કહ્યું. મને સેમ્યુઅલ જેરોમે કહ્યું ત્યારે બધી વાત ખબર પડી."

ગત વર્ષ દરમિયાન બે વખત યમન જઈ આવેલાં પ્રેમાકુમારી નિમિષાને જેલમાં બે વખત મળ્યાં હતાં.

પ્રશ્ન : જેલમાં નિમિષાને પ્રથમ વખત મળ્યાં ત્યારે તમે શું વાત કરી? વાત કરીને કેવું લાગ્યું?

પ્રેમાકુમારીએ જવાબ આપ્યો, "મેં નિમિષાને 12 વખત બાદ જોઈ હતી. પહેલી મુલાકાત 23 એપ્રિલ 2024માં થઈ હતી. 23 એપ્રિલે મારી સાથે દૂતાવાસના અધિકારીઓ પણ તેને મળવા પહોંચ્યા હતા. પરંતુ મને એ વાતની ચિંતા હતી કે કદાચ અમને નિમિષાને મળવા નહીં દેવાય. "

"બાદમાં, જ્યારે મેં તેને જોઈ, એ સમયે એ અન્ય બે વ્યક્તિ સાથે હતી, બધાએ એક જેવાં જ કપડાં પહેર્યાં હતાં. એ મારી તરફ દોડતી આવી અને મને ભેટીને રડી પડી. હું પણ રડી. બીજા લોકોએ અમને રડવાની ના પાડી. મેં તેને 12 વર્ષમાં પહેલી વાર જોઈ હતી. જો હું મરી જઉં તો પણ એ ક્ષણ નહીં ભૂલી શકું જ્યારે તે મારી સામે પોતે ખૂબ જ ખુશ હોવાનો દેખાડો કર્યો હતો."

બીબીસી ગુજરાતી, ગુજરાત, યમન, કેરળ, નિમિષા પ્રિયા, કેરળનાં નર્સને યમનમાં ફાંસીની સજા, નિમિષા પ્રિયા કેસ
ઇમેજ કૅપ્શન, નિમિષા પ્રિયાનાં માતા પ્રેમાકુમારી અને સેમ્યુઅલ જેરોમ

પ્રશ્ન : શું મૃત્યુદંડની જાહેરાત મામલે તમારી નિમિષાના પતિ ટોમી અને તેમની દીકરી સાથે કેરળમાં વાત થઈ ખરી?

"મેં ટોમી અને મારી દોહિત્રી સાથે વાત કરી. જ્યારે પણ હું તેની સાથે વાત કરું ત્યારે તે મને કહે છે કે, તમે મારાં મમ્મીને પાછાં લાવશો, બરાબર?"

પ્રેમાકુમારીએ કહ્યું, "તેણે કહ્યું કે એ એની મમ્મીને જોવા માગે છે અને તેમને ખૂબ યાદ કરે છે. મેં નિમિષા સાથે વાત કરી ત્યારે તેને આ વાત જણાવી હતી. મેં કહેલું, 'મેં તેમને કહ્યું છે કે હું તને પાછી લાવીશ. હું પરત ફરીને તેમનો સામનો કેવી રીતે કરીશ? હું તારા વિના પરત ન જઈ શકું.'"

બીબીસી ગુજરાતી, ગુજરાત, યમન, કેરળ, નિમિષા પ્રિયા, કેરળનાં નર્સને યમનમાં ફાંસીની સજા, નિમિષા પ્રિયા કેસ
ઇમેજ કૅપ્શન, વર્ષ 2015માં યમનમાં તત્કાલીન રાજ્ય કક્ષાના વિદેશમંત્રી વીકે સિંહ સાથે સેમ્યુઅલ જેરોમ

પ્રશ્ન : ભારતીય દૂતાવાસે આ મામલામાં કોઈ મદદ પૂરી પાડી છે ખરી?

સેમ્યુઅલ જેરોમે જવાબ આપ્યો, "ભારતીય દૂતાવાસ શરૂઆતથી મદદ કરી રહ્યો છે. જ્યારે 2017માં નિમિષા પ્રિયાની ધરપકડ થઈ ત્યારે ગૃહયુદ્ધને કારણે યમન ખાતે ભારતીય દૂતાવાસ ઑપરેશનલ નહોતો."

"એ સમયે યમનના એક સામાજિક કાર્યકરે મને ફોન કર્યો અને કહ્યું કે જો અમે ભારત સરકારનો સંપર્ક નહીં કરો તો નિમિષાના કેસની વાજબી સુનાવણી નહીં થાય. મેં એ સમયના ભારતના રાજ્ય કક્ષાના વિદેશમંત્રી વીકે સિંહ સંપર્ક કર્યો અને મદદ માગી."

જેરોમ આગળ કહે છે કે, "તેમણે મને તાત્કાલિક ફોન પર જ કહી દીધું કે આ મામલામાં કાર્યવાહી કરાશે. બાદમાં પૂર્વ આફ્રિકાના જિબુતીમાં ભારતીય દૂતાવાસના કૅમ્પ દ્વારા યમનને આધિકારિક રાજદ્વારી સંદેશો મોકલવામાં આવ્યો. અમે એ લઈને હૂતી વિદેશ મંત્રાલયને આપી દીધો. એ બાદ જ નિમિષાને અલ-બાયદાથી સના ટ્રાન્સફર કરાઈ. અને યોગ્ય તપાસ કરવામાં આવી."

સેમ્યુઅલ જેરોમે કહ્યું, "વીકે સિંહના પત્રને કારણે જ નિમિષા આજે જીવિત છે."

તલાલ અબ્દો માહદીના કુટુંબની ભૂમિકા

બીબીસી ગુજરાતી, ગુજરાત, યમન, કેરળ, નિમિષા પ્રિયા, કેરળનાં નર્સને યમનમાં ફાંસીની સજા, નિમિષા પ્રિયા કેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિમિષા પ્રિયાને યમનના સના ખાતે જેલમાં રાખવામાં આવ્યાં છે

પ્રશ્ન : શું માહદી કુટુંબે નિમિષાને માફી આપવાનો ઇનકાર કરી દીધો?

સેમ્યુઅલ જેરોમે જવાબ આપ્યો, "તેમણે આ બાબતમાં હજુ હા-ના કશું નથી કહ્યું."

પ્રશ્ન : શરૂઆતથી કોર્ટની સુનાવણી સુધી માહદી કુટુંબની શું ભૂમિકા હતી?

સેમ્યુઅલ જેરોમે કહ્યું, "આ હત્યા ઉત્તર યમનમાં થઈ હતી, પરંતુ નિમિષાની ધરપકડ મારિબ ખાતે થઈ હતી. માહદી કુટુંબ નિમિષાને મારિબ જેલમાંથી ઉત્તર યમન ખાતે પોતાના વાહનમાં લઈ આવ્યું હતું. જો નિમિષા દક્ષિણ યમનમાં રહી હોત તો તેની ત્યાં કાયદાકીય સુનાવણી ન થઈ હોત. તેથી માહદી કુટુંબે પણ વાજબી સુનાવણી માટે ભૂમિકા ભજવી, પરંતુ તેઓ તેને બીજા ઇરાદાથી પાછી લાવ્યા હતા."

તેમણે કહ્યું, "માહદીનું કુટુંબ ઓસબ આદિવાસી જૂથ સાથે સંબંધિત છે. તેઓ મૂળ સનાની પાસેના ધમારના છે, પરંતુ તેઓ અલ-બાયદામાં રહે અને વ્યવસાય કરે છે. સ્વાધિયા આદિવાસીઓ મૂળ અલ-બાયદાના છે."

હત્યા અલ-બાયદામાં થઈ હોવાને કારણે એ વાતનું જોખમ હતું કે સ્વાધિયા આદિવાસી જૂથ પર આ હત્યાનો આરોપ આવશે. યમનમાં બીજા જૂથની કોઈ વ્યક્તિ જો અન્ય કોઈ જૂથના ક્ષેત્રમાં મૃત્યુ પામે તો તેમના પર આરોપ લાગે છે. એ સમયે ખરેખર નિમિષા જ ગુનેગાર હતી કે કેમ એ વાતની ખબર નહોતી. એ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થવાનું જોખમ હતું.

"માહદી કુટુંબને સત્ય ખબર પડી ત્યારે તેઓ પોતાના વાહનમાં નિમિષાને મારિબ જઈને પરત લઈ આવ્યા. એ સમયે તેઓ ગુસ્સે ભરાયેલા હતા, તેથી તેઓ કંઈ પણ કરી શક્યા હોત, પરંતુ તેઓ તેને અલ-બાયદા ખાતે સુરક્ષિત લઈ આવ્યા."

જેરોમે કહ્યું, "બાદમાં જ્યારે હૂતી વિદેશ મંત્રાલયે નિમિષાને સના મોકલવાનો હુકમ કર્યો તો તેમણે તેનું સન્માન કર્યું."

યમનની જનતા અને મીડિયા નિમિષાને કેવી રીતે જુએ છે?

પ્રશ્ન : યમનની જનતા અને ત્યાંનું મીડિયા આ કેસને કઈ રીતે જુએ છે?

સેમ્યુઅલ જેરોમે કહ્યું, "યમનની જનતા અને ત્યાંનું મીડિયા નિમિષા પર ગુસ્સે છે. તેઓ નિમિષાને યમનના નાગરિકની હત્યા કરનારી વ્યક્તિ તરીકે જુએ છે, પરંતુ જે લોકો નિમિષાને જાણે છે તેમનું માનવું છે કે નિમિષાને બચાવી લેવી જોઈએ."

પ્રશ્ન : નિમિષાનો મૃત્યુદંડ પાછો ઠેલી શકાય એવો કોઈ રસ્તો ખરો?

સેમ્યુઅલ જેરોમે કહ્યું, "મને નથી ખબર. હું ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે વાત કરી રહ્યો છું. અમે શક્ય તમામ પ્રયાસ કરીશું."

હવે એક તરફ જ્યારે નિમિષા પ્રિયાને મૃત્યુદંડથી બચાવવાના આશયથી રચાયેલા જૂથે 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ' સુપ્રીમ કોર્ટમાં આ મામલે ભારત સરકારની દખલ માટે અરજી કરી છે.

ભારતીય નર્સને ફાંસીની સજાનો આખો મામલો શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, યમન, કેરળ, નિમિષા પ્રિયા, કેરળનાં નર્સને યમનમાં ફાંસીની સજા, નિમિષા પ્રિયા કેસ

ઇમેજ સ્રોત, Getty Images

તાલીમ પામેલાં નર્સ નિમિષા પ્રિયા 2008માં કેરળથી યમન ગયાં હતાં. તેમને રાજધાની સનાની એક સરકારી હૉસ્પિટલમાં નોકરી મળી હતી.

2011માં નિમિષા ટોમી થૉમસ સાથે લગ્ન કરવાં માટે કેરળ ગયાં અને પછી તેઓ બંને યમન ગયાં. ડિસેમ્બર 2012માં તેમને એક પુત્રીનો જન્મ થયો.

થૉમસે બીબીસીને જણાવ્યું કે તેમને યોગ્ય નોકરી મળી શકી નહીં, જેના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને 2014માં તેઓ તેમની પુત્રી સાથે કોચી પાછા ફર્યા.

તે જ વર્ષે, નિમિષાએ ક્લિનિક ખોલવા માટે તેમની ઓછી પગારવાળી નોકરી છોડી દેવાનું નક્કી કર્યું.

યમનના કાયદા હેઠળ, આમ કરવા માટે સ્થાનિક ભાગીદારની જરૂર પડે છે અને હવે આ મામલામાં મહદીની ઍન્ટ્રી થાય છે.

મહદી કપડાની દુકાન ચલાવતા હતા અને તેમનાં પત્નીએ નિમિષા જે ક્લિનિકમાં કામ કરતી હતી ત્યાં એક બાળકીને જન્મ આપ્યો હતો. જાન્યુઆરી 2015માં જ્યારે નિમિષા ભારત આવ્યાં ત્યારે મહદી તેમની સાથે આવ્યા હતા.

નિમિષા અને તેમના પતિએ મિત્રો અને પરિવાર પાસેથી લગભગ 50 લાખ રૂપિયા એકઠા કર્યા અને એક મહિના પછી, નિમિષા પોતાનું ક્લિનિક ખોલવા માટે યમન પાછાં ફર્યાં.

થૉમસ અને તેમની પુત્રીને પાછા લાવવાના પ્રયાસો શરૂ થયા હતા તે જ સમયે યમનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું.

તે સમય દરમિયાન, ભારતે યમનમાંથી તેના 4,600 નાગરિકો અને 1,000 વિદેશી નાગરિકોને બહાર કાઢ્યા, પરંતુ નિમિષા પરત ન આવ્યાં.

જોકે નિમિષાની હાલત ટૂંક સમયમાં જ બગડી ગઈ અને તેમણે મહદી વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું.

નિમિષાનાં માતા પ્રેમાકુમારીએ 2023માં દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, "મેહદીએ નિમિષાનાં લગ્નના ફોટા તેના ઘરમાંથી ચોરી લીધા હતા અને બાદમાં તેમાં છેડછાડ કરીને દાવો કર્યો હતો કે તેણે નિમિષા સાથે લગ્ન કર્યાં છે."

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મહદીએ નિમિષાને ઘણી વખત ધમકી આપી હતી અને "તેનો પાસપૉર્ટ પણ રાખ્યો હતો અને જ્યારે નિમિષાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી, ત્યારે પોલીસે તેને છ દિવસ માટે જેલમાં ધકેલી દીધી હતી."

નિમિષાના પતિ થૉમસને 2017માં મહદીની હત્યા વિશે ખબર પડી હતી.

થૉમસને યમનથી સમાચાર મળ્યા કે નિમિષાને તેમના પતિની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

થૉમસ માટે આ આઘાતજનક હતું, કારણ કે તેઓ પોતે નિમિષાના પતિ હતા.

મહદીનો વિકૃત મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો અને એક મહિના પછી, નિમિષાની સાઉદી અરેબિયા સાથેની યમનની સરહદ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.

બીબીસીના અહેવાલ મુજબ, "દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મેહદીએ ક્લિનિકના માલિકીના દસ્તાવેજ સાથે છેડછાડ કરી હતી અને તેને પોતાનો હોવાનો દાવો કર્યો હતો. તેણે ક્લિનિકમાંથી પૈસા પણ લેવાનું શરૂ કર્યું અને નિમિષાનો પાસપૉર્ટ પણ રાખ્યો હતો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન