"અમે ગોળીબારથી ખૂબ ડરેલા હતા, હોટલના રૂમની લાઇટ બંધ કરી બેસી રહ્યા" સીરિયાથી પરત ફરેલા ભારતીયોની આપવીતી

- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી હિંદી, નવી દિલ્હી
"મારા પાસપૉર્ટ ઉપર અગાઉ બે વખત સીરિયાના વિઝા મળ્યા હતા. હું અલગ-અલગ કારણોસર જઈ નહોતો શક્યો. આ વખતે વિઝા મળ્યા એટલે મેં ચોક્કસપણે જવાનું નક્કી કર્યું."
"જોકે, ત્યાં જઈને મેં જે કંઈ જોયું તથા જે સ્થિતિમાં પરત ફર્યો છું, હવે ફરી ક્યારેય ત્યાં જવા નથી માગતો."
આ શબ્દ છે 44 વર્ષીય રવિ ભૂષણના. તેમની કંપની વીજઉત્પાદન ક્ષેત્રે કામ કરે છે. કંપનીના કામે તેઓ ત્રીજી ડિસેમ્બરે સીરિયા પહોંચ્યા હતા. રવિ ત્યાંની રાજકીય ઉથલપાથલની વચ્ચે ભારત સરકારની મદદથી 12મી ડિસેમ્બરે સ્વદેશ પરત ફર્યા હતા.
સીરિયામાં 13 વર્ષથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે અને ઓછામાં ઓછા એક કરોડ 20 લાખ લોકો વિસ્થાપિત થયા છે. સંયુક્ત રાષ્ટ્રે સીરિયાની સ્થિતિને 'વિશ્વનું સૌથી મોટું વિસ્થાપન સંકટ' ગણાવ્યું છે.
સીરિયામાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન પરિસ્થિતિ ખૂબ જ ઝડપભેર પલટાઈ. બળવાખોરોએ પાટનગર દમાસ્કસ સહિતનાં અનેક મહત્ત્વપૂર્ણ શહેરો ઉપર કબજો કરી લીધો અને પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડવા માટે મજબૂર બની ગયા.
સીરિયામાં હાલ બળવાખોરોની કાર્યવાહક સરકાર વહીવટ ચલાવવા માટે પ્રયાસરત છે તો બીજી તરફ, પાડોશી દેશ ઇઝરાયલે સીરિયાના અનેક ઠેકાણે હુમલા શરૂ કર્યા છે.
સમગ્ર ઘટનાક્રમની વચ્ચે લૂંટફાટ અને હિંસાની ઘટનાઓ પણ બહાર આવી રહી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે સીરિયાની વકરતી જતી પરિસ્થિતિને પગલે છઠ્ઠી ડિસેમ્બરે સૂચના જાહેર કરીને ભારતીયોને સીરિયાનો પ્રવાસ ન ખેડવાની સલાહ આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ત્યાં સુધીમાં 90 ભારતીયો સીરિયા પહોંચી ગયા હતા.

દમાસ્કસની સ્થિતિ કેવી છે?

ઇમેજ સ્રોત, ANI
ભારતીય વિદેશ મંત્રાલયે તા. 11મી ડિસેમ્બરે જણાવ્યું હતું કે અનેક દિવસોના પ્રયાસ પછી તેને 75 ભારતીય નાગરિકોને સીરિયામાંથી સલામત બહાર કાઢવામાં સફળતા મળી છે. રવિ ભૂષણ પણ તેમાંથી એક હતા.
બીબીસીએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રવિ ભૂષણની ઑફિસે તેમની સાથે મુલાકાત કરી. જ્યાં રવિએ જણાવ્યું, "અમે જે હોટલમાં ઉતર્યા હતા, તેની દિવાલો એક દિવસ સવારે અચાનક જ ધ્રૂજવા લાગી. એ આઠમી ડિસેમ્બર હતી. સવારે ત્રણ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી વિદ્રોહીઓએ ગોળીબાર કર્યા, ગાડીઓમાં તોડફોડ કરી, સામાન લૂંટ્યો, દુકાનો અને બૅન્કો પણ લૂંટી."
"અમે આ બધું અમારા રૂમની અંદરથી જોઈ શકતા હતા. અમે ખૂબ જ ડરેલા હતા. અમે તો રૂમસર્વિસના સ્ટાફ માટે પણ દરવાજો નહોતો ખોલ્યો. રૂમની લાઇટો બંધ કરી દીધી અને શાંતિપૂર્વક બેસી રહ્યા."

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
49 વર્ષીય સુનિલ દત્ત વ્યવસાયે મિકેનિકલ ઍન્જિનિયર છે. તેઓ ગત સાતેક મહિનાથી દમાસ્કસ પાસેના એક વિસ્તારમાં 13 સભ્યોની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા.
દિલ્હી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર બીબીસી સાથે વાત કરતા સુનિલ દત્તે જણાવ્યું, "એ સાત મહિના દરમિયાન અમને કોઈ પ્રકારે તકલીફ નહોતી પડી. અમે દિવસ હોય કે રાત દમાસ્કસમાં અવરજવર કરી શકતા હતા. ત્યાં જે કંઈ ઘટ્યું, તે ખૂબ જ ઝડપભેર બની ગયું, કોઈને પણ લાગતું ન હતું કે આવું કંઈક થશે."
સુનિલ દત્તે પોતાના અનુભવોને વર્ણવતા જણાવ્યું, "બળવાખોરોએ દમાસ્કસ ઉપર કબજો કર્યો કે લૂંટફાટ મચી ગઈ, પરંતુ ત્યાંની સેનાના સૈનિકો અમારી હોટલની બહાર આવી ગયા. તેમણે સ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો. નાના-નાના છોકરા હાથમાં બંદૂકો લઈને ફરી રહ્યા હતા."
બળવાખોરો આઠમી ડિસેમ્બરે પાટનગરમાં પહોંચી ગયા હતા. એ પછી તત્કાલીન રાષ્ટ્રપતિ બશર અલ-અસદ તથા તેમના પરિવારે દેશ છોડી દીધો હતો.
રવિ ભૂષણ જણાવે છે કે, "આગલી સાંજ સુધી દેશમાં પરિસ્થિતિ સામાન્ય હતી. બધાને લાગતું હતું કે બળવાખોરોને પાટનગર સુધી પહોંચતા એક અઠવાડિયા જેટલો સમય લાગશે. આ બધું બન્યું એની પહેલાંની સાંજે અમે બધા ડિનર પર મળ્યા હતા. બધું સામાન્ય હતું, બજારો પણ ખુલ્લી હતી."
ભારતીય રાજદૂતાલય સાથે સતત સંપર્ક
સીરિયામાં પરિસ્થિતિ વણસવા લાગતા ત્યાં ગયેલા ભારતીયોએ દૂતાવાસનો સંપર્ક સાધ્યો હતો. કેટલાક લોકોને દૂતાવાસે ફોન કર્યા હતા, તો અમુકે જાતે જ રાજદૂતાલયનો સંપર્ક સાધ્યો હતો.
પરત ફરનારા લોકોએ જણાવ્યું કે તેમને એકસાથે રહેવા તથા પોતાનો સામાન પોતાની પાસે જ રાખવાની તાકિદ કરવામાં આવી હતી. આ સિવાય બહુ ટૂંકી મુદ્દતમાં નીકળવું પડી શકે છે એવી સૂચના પણ આપવામાં આવી હતી. એ પછી 10મી ડિસેમ્બરે સંદેશ આવ્યો હતો.
રવિ ભૂષણ એ દિવસને યાદ કરતા જણાવે છે, "એમણે સવારે 11 વાગ્યે કૉલ કર્યો હતો કે ગમે ત્યારે ત્યાંથી નીકળવાનું થશે. છેવટે બે વાગ્યે અમે નીકળી શક્યા. પહેલા અમે ભારતીય રાજદૂતાલય પહોંચ્યા અને બાકી રહેલા લોકોની રાહ જોઈ."
"અમને ત્યાંથી લેબનોનની સરહદે લઈ ગયા. ત્યાંથી સીરિયાના દૂતાવાસે અમને લેબનોનસ્થિત ભારતીય દૂતાવાસને હવાલે કર્યા. અમે ભોજન પણ ત્યાં જ કર્યું. તેની વ્યવસ્થા અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી."
"ત્યાંનું તાપમાન ચારથી પાંચ ડિગ્રી હતું. બાકીના દેશના લોકો પોતાનાં કામ જાતે કરી રહ્યાં હતાં, પરંતુ અમારી સાથે દૂતાવાસના કર્મચારીઓ હતા. તેમણે બધું કામ કરી આપ્યું અને વિઝાની વ્યવસ્થા કરી આપી."
"અમે એ પછી બસ બદલીને બૈરુત માટે રવાના થયા. ત્યાં અમને એક હોટલમાં ઉતારો મળ્યો. આ અધિકારીઓએ બધાને હિંમત અપાવી. તેમણે એ પણ જણાવ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં અમને ભારત પરત મોકલી આપશે."
બધા ભારતીયોનું સ્વદેશાગમન થઈ ગયું ?

ગ્રેટર નોઇડામાં રહેતા રચિત કપૂર (ઉં.વ.42) સીરિયામાં કામ કરતા હતા અને 14મી ડિસેમ્બરે અન્ય કેટલાક ભારતીયોની સાથે દિલ્હી પહોંચ્યા હતા.
રચિત કપૂર જણાવે છે, "ત્યાંની અનેક બૉર્ડરો બંધ થઈ ગઈ હતી. એવામાં અમને સીરિયામાંથી બહાર કાઢવા માટેનો એક જ રસ્તો હતો. (ભારતીય) દૂતાવાસના અધિકારીઓએ અમને યોગ્ય સમયે ત્યાંથી બહાર કાઢ્યા. આ માટે હું તેમનો આભારી છું."
અમે જ્યારે રચિત કપૂરને પૂછ્યું કે સમગ્ર ઘટનાક્રમમાંથી શું બોધ મળ્યો, ત્યારે તેમણે જણાવ્યું, "મને સમજાયું કે જ્યારે તમે બહારના દેશમાં જાવ, ત્યારે તમારે તમારા દેશના દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ. ચાહે ત્યાં શાંતિ હોય. કોણ જાણે ક્યારે સ્થિતિ વણસી જાય."
શું તમામ ભારતીય પરત ફર્યા છે ? તેનો જવાબ છે – ના.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું, "કેટલાક ભારતીયો સીરિયામાં વસી ગયા છે. ત્યાં લગ્ન કર્યાં છે કે કામધંધો કરી રહ્યા છે. આવા લોકો હાલ પણ ત્યાં જ છે. જો તેઓ પરત ફરવા ઇચ્છશે, તો અમે તેમની મદદ કરીશું."
જે લોકોને સીરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા, તેમાંથી લગભગ 40 લોકો જમ્મુ-કાશ્મીરના રહિશ છે. જયસ્વાલના જણાવ્યા પ્રમાણે, "તેમાંથી અનેક તીર્થયાત્રાએ નીકળ્યા હતા. હવે તેઓ અલગ-અલગ સ્થળોના પ્રવાસે છે."
સ્મૃતિપટલ પર સીરિયા

ઇમેજ સ્રોત, Getty Images
સીરિયાથી સ્વદેશ પરત ફરેલા ભારતીયો પાસેથી અમે જાણવાનો પ્રયાસ કર્યો કે સીરિયાના લોકો તથા ત્યાં પ્રવર્તમાન સ્થિતિ અંગે તેઓ શું મત ધરાવે છે.
સુનિલ દત્ત જણાવે છે, "ત્યાંના લોકો અમને પરત આવવા દેવા તૈયાર નહોતા. તેઓ કહેતા હતા કે તેઓ અમારી સુરક્ષા કરશે. ટૂંક સમયમાં બધું થાળે પડી જશે. વાસ્તવમાં અસદની સરકાર છેલ્લાં 50 વર્ષથી શાસન કરી રહી હતી, પરંતુ પરિસ્થિત ખૂબ જ ખરાબ હતી."
"લોકો ભૂખે મરી રહ્યા હતા. સરકારે તેમની કોઈપણ પ્રકારે મદદ ન કરી. લોકોમાં ભારે નારાજગી હતી. હું કહીશ કે હાલમાં જે થયું તે એક દિવસે થવાનું જ હતું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













