ગુજરાતમાં ઑગસ્ટ બાદ સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે, કોઈ નવી સિસ્ટમ બનશે?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં વરસાદની કમી વર્તાઈ રહી છે અને છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં વરસાદ પડી રહ્યો નથી. જુલાઈમાં ભારે વરસાદ બાદ ઑગસ્ટમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.

હવે હવામાન વિભાગે આગામી બે અઠવાડિયાં માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે અને તેમાં આવનારા દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તેની માહિતી આપી છે.

ગુજરાતમાં જૂન મહિનામાં જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના કારણે ભારે વરસાદ થયો હતો અને ખેડૂતોએ વાવણી કરી દીધી હતી.

જે બાદ જુલાઈ મહિનો ગુજરાત માટે ખૂબ સારો ગયો અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થયો હતો.

આ વર્ષે ચોમાસાની શરૂઆત પહેલાં જ અલ નીનોની અસરની શક્યતા જણાઈ રહી હતી અને હવે એની અસર શરૂ થઈ હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.

બીબીસી

ઑગસ્ટના અંત સુધી ગુજરાતમાં વરસાદની કેટલી શક્યતા?

વીડિયો કૅપ્શન, ગુજરાતનું હવામાન પલટાશે, કયા જિલ્લામાં પડશે વરસાદ?

સામાન્ય રીતે ઑગસ્ટ મહિનામાં એકાદ અઠવાડિયા માટે થંભી જતો હોય છે પરંતુ આ વર્ષે તેનાથી પણ વધારે વિપરીત સ્થિતિ પેદા થઈ છે. ગુજરાતમાં લગભગ આખો મહિનો નહિવત્ જેવો વરસાદ પડ્યો છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે 18થી 22 ઑગસ્ટ સુધી મધ્ય ભારતમાં ચોમાસું ફરી સક્રિય થયું હતું પરંતુ તેની અસર ગુજરાતને થઈ નહોતી. એટલે કે રાજ્યમાં આ સિસ્ટમને કારણે વરસાદી ગતિવિધિમાં ખાસ કોઈ વધારો જોવા મળ્યો ન હતો.

હવે હવામાન વિભાગે આગામી અઠવાડિયા માટે જાહેર કરેલું પુનરાવર્તન પણ ચિંતાજનક દેખાઈ રહ્યું છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ઑગસ્ટના અંત સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિમાં કોઈ વધારો થાય તેવી શક્યતા દેખાતી નથી.

રાજ્યમાં આ આખો મહિનો સારા વરસાદ વિના જ પસાર થઈ જાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે દેશના પશ્ચિમના વિસ્તારોમાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ થશે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ જાય છે.

બીબીસી ગુજરાતી

સપ્ટેમ્બરની શરૂઆતમાં શું ગુજરાતમાં વરસાદ શરૂ થશે?

બીબીસી ગુજરાતી

જૂન મહિનાથી શરૂ થતા ચોમાસાના ચાર મહિનામાં લગભગ ત્રણ મહિના તો જતા રહ્યા છે અને સપ્ટેમ્બર એક જ મહિનો હવે બાકી રહ્યો છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર બાદનો વરસાદ ખેડૂતોના તૈયાર થયેલા ચોમાસુ પાક માટે નુકસાનકારક નિવડતો હોય છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું કહેવું છે કે ચોમાસાના છેલ્લા બે મહિનામાં અલ નીનોનો પ્રભાવ જોવા મળશે. ઘણા નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે હાલ ભારતનું ચોમાસું અલ નીનોથી પ્રભાવિત થઈ રહ્યું છે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ રાજ્યમાં વરસાદમાં કોઈ વધારો થવાની શક્યતા દેખાતી નથી. કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદ સિવાય નવો રાઉન્ડ આવવાની શક્યતા દેખાઈ રહી નથી.

ગુજરાતના ખેડૂતો માટે આવનારા દિવસો હજી પણ કપરા રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે જો પાછતરો વરસાદ નહીં થાય તો રવિ પાક પર પણ તેની અસર થશે.

આખો ઑગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરની શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં નવા વરસાદની રાઉન્ડની કોઈ શક્યતા દેખાઈ રહી નથી.

બીબીસી

ગુજરાતના ચોમાસા પર અલ નીનોની અસર?

પ્રશાંત મહાસાગરમાં હાલ અલ નીનોની સ્થિતિ વધારે મજબૂત થઈ રહી છે અને તેની અસર વિશ્વના ઘણા વિસ્તારોમાં વર્તાઈ રહી છે. ચોમાસા પહેલાં જ અનેક નિષ્ણાતો અને હવામાન સંસ્થાઓએ આગાહી કરી હતી કે ઑગસ્ટ સુધીમાં અલ નીનો વધારે મજબૂત બની જશે.

સરળ શબ્દોમાં સમજીએ તો મધ્ય પ્રશાંત મહાસાગર અને પૂર્વ મહાસાગરની સપાટીનું તાપમાન વધવા લાગે તેને અલ નીનોની સ્થિતિ કહે છે, જેની ભારતના ચોમાસા પર અવળી અસર થતી હોય છે.

ડાઉન ટુ અર્થના એક અહેવાલ પ્રમાણે હાલ ભારતના ચોમાસા પર અલ નીનોની અસર શરૂ થઈ ગઈ છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એક તરફ અલ નીનોની અસર થઈ રહી છે અને બીજી તરફ સ્થાનિક હવામાન પણ ચોમાસાને અનુકૂળ નથી. એટલે કે કોઈ લોકલ વેધર સિસ્ટમ પણ બની રહી નથી.

જોકે, સમગ્ર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન પણ વરસાદની શક્યતા ઓછી હોવાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની ઘટ ઊભી થશે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી