હૅકિંગની ચેતવણી આપ્યા બાદ ભારત સરકારે ઍપલને પણ ટાર્ગેટ કરી- વૉશિંગ્ટન પોસ્ટનો દાવો

પેગાસસ જાસૂસી ભારત સરકાર ઍપલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

આ વર્ષે 31 ઑક્ટોબરના રોજ સવારે સાડા નવ વાગ્યે તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ ઍક્સ પર લખ્યું હતું કે તેમને ઍપલ તરફથી એક ‘ચેતવણીનો મૅસેજ’ આવ્યો છે કે તેમના ફોનને ‘સ્ટેટ-સ્પૉન્સર્ડ’ ઍટેકર્સે હૅક કરવાની કોશિશ કરી છે.

મહુઆ મોઇત્રા સિવાય શિવસેના (યુબીટી)નાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, કૉંગ્રેસ નેતા શશિ થરૂર સહિત અનેક સાંસદો અને પત્રકારોએ દાવો કર્યો હતો કે તેમને ઍપલે આવી ચેતવણી આપી હતી.

એ સમયે સરકારે હૅકિંગની કોશિશના આરોપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે ઍપલના આ નોટિફિકેશનની તપાસ કરવા માટે આ મામલાની તપાસ થશે.

લગભગ બે મહિના પછી 28 ડિસેમ્બરે અમેરિકી અખબાર વૉશિંગ્ટન પોસ્ટ અને ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ સિક્યોરિટી લૅબે આ મામલે એક વિસ્તૃત રિપોર્ટ છાપ્યો છે.

આ રિપોર્ટ પ્રમાણે જે દિવસે ઍપલે વિપક્ષના સાંસદો અને પત્રકારોને આ વાતનું નોટિફિકેશન મોકલ્યું તે પછીના દિવસથી જ મોદી સરકારે ઍપલના અધિકારીઓ સામે ઝડપથી કાર્યવાહી કરી. ઍપલ ઇન્ડિયાના અધિકારીઓ પર એ વાતનું ‘દબાણ ઊભું કરવામાં આવ્યું કે આ ચેતવણીને તેઓ તેમની સિસ્ટમની ભૂલ ગણાવે અથવા તો કોઈ વૈકલ્પિક નિવેદન તૈયાર કરે.’

વૉશિંગ્ટન પોસ્ટના આ રિપોર્ટને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે વખોડતાં કહ્યું છે કે આ રિપોર્ટ અધૂરો અને સંપૂર્ણપણે મનઘડંત છે.

જ્યારે સાંસદોએ ઍપલના આ નોટિફિકેશનનો સ્ક્રીનશૉટ શૅર કરવાનું શરૂ કર્યું તો ભાજપના ઘણા નેતાઓએ આ ચેતવણી પર સવાલ ઉઠાવ્યો અને એ વાત તરફ ઇશારો કર્યો કે ‘આ ઍપલની ઇન્ટરનલ થ્રેટ અલ્ગોરિધમ હતી અને કદાચ ભૂલથી લોકોને મોકલાઈ ગઈ છે.’

પેગાસસ જાસૂસી ભારત સરકાર ઍપલ

ઇમેજ સ્રોત, @MahuaMoitra/X

પરંતુ વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર, આ પ્રકારના સાર્વજનિક દાવાઓથી દૂર મોદી સરકારના અધિકારીઓએ ઍપલના ભારતમાં પ્રતિનિધિને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે “કંપની આ ચેતવણીને કારણે થઈ રહેલી રાજકીય અસરને ખાળવા સરકારની મદદ કરે. એટલું જ નહીં સરકારે ઍપલના દેશની બહાર રહેતા સિક્યૉરિટી ઍક્સપર્ટને બોલાવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે આ નોટિફિકેશન અંગે ઍપલ તરફથી કોઈ સ્પષ્ટતા આપવા વિકલ્પ તૈયાર કરે.”

અમેરિકી અખબારનો એવો દાવો છે કે આ મામલા અંગે જાણકારી ધરાવતા ત્રણ લોકોએ નામ ન આપવાની શરતે આ દાવો કર્યો છે.

તેમાંથી એક વ્યક્તિએ કહ્યું કે, “સરકારના લોકો અતિશય નારાજ હતા.”

અખબારના દાવા અનુસાર, “ઍપલના વિદેશી અધિકારી કંપનીની ચેતવણીના પક્ષમાં મજબૂતીથી ઊભા હતા. પરંતુ જે પ્રકારે ભારત સરકારે ઍપલની વિશ્વસનીયતાને ઓછી કરવાનો પ્રયાસ કર્યો અને જે પ્રકારનું દબાણ સરકાર તરફથી કરવામાં આવ્યું તેની અસર છેક હૅડક્વાર્ટરમાં બેસેલા અધિકારીઓ પર પડી.”

આ સમગ્ર ઘટનાક્રમમાં એક વાત જોવા મળી હતી કે “દુનિયાની સૌથી મોટી ટૅક કંપનીને ભારતની સરકાર તરફથી દબાણનો સામનો કરવો પડ્યો. એ પણ જાણવું જરૂરી છે કે આવનારા દશકામાં ભારત ઍપલ માટે અગત્યનું બજાર બનવાનું છે.”

રિપોર્ટ પર સરકારનો જવાબ

પેગાસસ જાસૂસી ભારત સરકાર ઍપલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય સૂચના અને પ્રૌદ્યોગિકી મંત્રી રાજીવ ચંદ્રશેખર

કેન્દ્રીય સૂચના અને પ્રૌદ્યોગિકી મંત્રી રાજીવ ચંદ્રશેખરે વૉશિંગ્ટન પોસ્ટના આ રિપોર્ટનું સોશિયલ મીડિયા પર નિવેદન આપીને ખંડન કર્યું છે.

તેમણે તેમના સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “વૉશિંગ્ટન પોસ્ટની ખરાબ સ્ટોરી-ટેલિંગનો જવાબ આપવો એ થકાવી દેનારું કામ છે. પરંતુ કોઈએ તો જવાબ આપવો પડશે.”

“આ કહાણી અધૂરું સત્ય છે અને સંપૂર્ણ બનાવટી છે. નોટિફિકેશન લઈને હજુ તપાસ ચાલુ છે.”

તેમણે કહ્યું કે રિપોર્ટમાં 31 ઑક્ટોબરે ઍપલે આપેલા નિવેદનને નથી ટાંકવામાં આવ્યું.

“આઇટી મંત્રાલયનું આ મુદ્દે સ્પષ્ટ વલણ પહેલેથી જ રહ્યું છે. ઍપલે એ ચોખવટ કરવાની છે કે આવું કેમ થયું કે જેનાથી વૉર્નિંગ ટ્રિગર થઈ. ઍપલને ભારત સરકારની તપાસમાં સામેલ થવા કહેવામાં આવ્યું છે અને તપાસ શરૂ છે. આખી કહાણી માત્ર રચનાત્મક વિચાર જેવી છે.”

અદાણી પર રિપોર્ટ અને પત્રકારોને ઍપલની ચેતવણીનો સમય

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વર્ષે ઑક્ટોબરમાં 20 લોકોને ઍપલે ચેતવણી આપતું નોટિફિકેશન મોકલ્યું હતું. આ તમામ લોકો વિપક્ષના નેતાઓ અને પત્રકારો હતા.

અમેરિકી અખબારના દાવા અનુસાર, જે બે પત્રકારોને ઍપલે ચેતવણી હતી તેઓ આનંદ મંગનાલે અને સિદ્ઘાર્થ વરદરાજન હતા.

આનંદ મંગનાલે ‘ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રૉજેક્ટ- ઓસીસીઆરપી’ના દક્ષિણ એશિયાના સંપાદક છે. તે એક નોન-પ્રૉફિટેબલ સંસ્થા છે જે ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વ માટે પ્રખ્યાત છે.

તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટૅક્સ હેવન તરીકે ઓળખાતા દેશ મૉરિશિયસના બે ફંડ- ઇમર્જિંગ ઇન્ડિયા ફોકસ ફંડ (ઈઆઈએફએફ) અને ઈએમ રીસર્જન્ટ ફંડે (ઇએમઆરએફ) 2013થી 2018ની વચ્ચે અદાણી સમૂહની ચાર કંપનીમાં પૈસા રોક્યા હતા અને તેના શેરની લે-વેચ પણ કરી હતી.

ધ વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, આ વર્ષે 23 ઑગસ્ટના રોજ ઓસીસીઆરપીએ અદાણી જૂથને આ કહાણી પર તેમનું નિવેદન લેવા માટે મેઇલ કર્યો હતો. આ રિપોર્ટ મેઇલ મોકલ્યાના દસ દિવસ પછી આવ્યો હતો. પરંતુ એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા આનંદ મંગનાલેના ફોનની ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અદાણી ગ્રૂપને સ્ટોરી અંગે તેમનું વલણ જાણવા માટે મોકલવામાં આવેલા ઇ-મેઇલના 24 કલાકની અંદર જ તેમના ફોનમાં પેગાસસ સ્પાયવેર ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું હતું.

પેગાસસ એક સ્પાયવેર છે જે ઇઝરાયલની કંપની એનએસઓ ગ્રૂપ દ્વારા બનાવવામાં આવે છે અને કંપનીનું કહેવું છે કે તે તેને માત્ર દેશની સરકારોને જ વેચે છે.

ધ વૉશિંગ્ટન પોસ્ટને આપેલા જવાબમાં અદાણી જૂથે આરોપોને નકારી કાઢ્યા છે કે તે કોઈ પણ પ્રકારના હૅકિંગમાં સામેલ છે અને તેણે ઓસીસીઆરપી પર 'તેમની વિરુદ્ધ બદનક્ષીભર્યું અભિયાન' ચલાવવાનો આરોપ મૂક્યો છે.

અદાણી ગ્રૂપના કૉર્પોરેટ કૉમ્યુનિકેશનના વડા વર્ષા ચેનાનીએ વૉશિંગ્ટન પોસ્ટના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે - "અદાણી સમૂહ સર્વોચ્ચ સ્તરની સત્યનિષ્ઠા અને નિયમો સાથે કામ કરે છે."

એમનેસ્ટીએ શોધી કાઢ્યું હતું કે મંગનાલેના ફોનને હૅક કરવા માટે જે Apple IDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો જ ઉપયોગ વેબસાઇટ ધ વાયરના સહ-સ્થાપક સિદ્ધાર્થ વરદરાજનનો ફોન પણ હૅક કરવા માટે કરવામાં આવ્યો હતો. આ Apple ID હતું- [email protected]

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની તપાસમાં સહયોગ ન આપ્યો – વરદરાજન

સિદ્ધાર્થ વરદરાજન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સિદ્ધાર્થ વરદરાજન

બીબીસીએ સિદ્ધાર્થ વરદરાજન સાથે વાત કરી અને એ સમજવાની કોશિશ કરી કે ઍપલને દબાણ કરવા અંગે આવેલા આ રિપોર્ટને તેઓ કઈ રીતે જુએ છે.

તેમણે કહ્યું, "જ્યારે અમે ‘ફોરબિડન સ્ટોરીઝ’ના સહયોગથી 2021માં પેગાસસ સ્પાયવેર પર રિપોર્ટ કર્યો ત્યારે ખબર પડી કે તેનો ઉપયોગ ઘણા ફોનમાં થયો હતો, હું પણ તેમાંનો એક હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને મામલાની તપાસ પણ થઈ હતી, પરંતુ ત્યાં ખુદ સુપ્રીમ કોર્ટે કબૂલ્યું હતું કે તપાસ સમિતિને સરકારે તપાસમાં કોઈ સહકાર આપ્યો નથી."

"આ એક રીતે કોર્ટનો તિરસ્કાર હતો. મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો. મારો પ્રશ્ન એ છે કે સુપ્રીમ કોર્ટ આ બાબતને હળવાશથી કેમ લઈ રહી છે. ત્રણ વર્ષ પછી લોકોના ફોનને ફરીથી નિશાન બનાવવામાં આવ્યા છે."

સિદ્ધાર્થનું કહેવું છે કે 16 ઑક્ટોબરે તેમને ઍપલ તરફથી ચેતવણી મળી હતી.

તેઓ કહે છે, "તે સમયે હું આવા કોઈ સંવેદનશીલ રિપોર્ટ કરતો નહોતો. ઓસીસીઆરપીની જેમ અમે તે સમયે કોઈ રિપોર્ટિંગ કરતા ન હતા. પરંતુ ધ વાયર જે સમાચારો કરે છે તેમાંથી 90 ટકા સમાચારો સરકારને પસંદ નથી આવતા."

"હું અગાઉ પણ પેગાસસની પ્રથમ યાદીમાં હતો અને આ વખતે પણ છું. જ્યારે અમે કામ કરીએ છીએ ત્યારે અમને ખબર હોય છે કે સરકાર અમારા પર નજર રાખી રહી છે. આ પ્રકારના સૉફ્ટવૅરથી સરકારને અમે સમાચાર છાપીએ તે પહેલાં ખબર પડી શકે છે કે અમે કયા રિપોર્ટ પર કામ કરી રહ્યા છીએ અને અમારા સ્રોત કોણ છે."

રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઍપલ માટે ભારત એક મોટું બજાર છે. તાજેતરમાં એવા પણ અહેવાલો આવ્યા હતા કે ખેડૂતોના આંદોલન દરમિયાન ભારત સરકારે કથિત રીતે ટ્વિટરને કેટલાક લોકોનું ટ્વીટ ડિલીટ કરવા દબાણ કર્યું હતું. આવી સ્થિતિમાં તેઓ ઍપલના આવા દબાણમાં આવવાના દાવાને કેવી રીતે જુએ છે?

આ સવાલ પર સિદ્ધાર્થ કહે છે, "એપલ તેની સુરક્ષા માટે જાણીતું છે. તે વિશ્વની સૌથી મોટી કંપની છે પરંતુ રિપોર્ટમાં એ વાત સામે આવી રહી છે કે ભારત સરકારના દબાણ હેઠળ ઍપલે પોતાના નોટિફિકેશનને નબળા ગણાવ્યા છે. તેમણે નક્કી કરવું પડશે કે તમારે એવી કંપની બની રહેવું છે કે જે તેનાં ઉચ્ચતમ ધોરણો માટે વિશ્વાસપાત્ર છે અને સુરક્ષા માટે જાણીતી છે કે પછી સરકારોના દબાણ હેઠળ કામ કરતી કોઈ કંપની બની જવું છે."

‘ઍપલની ચેતવણી અને કંપનીના અધિકારીઓને સરકારનું આમંત્રણ’

પેગાસસ જાસૂસી ભારત સરકાર ઍપલ

ઇમેજ સ્રોત, Getty Images

વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં જણાવાયું છે કે ઑક્ટોબરમાં જ્યારે સાંસદોએ ઍક્સ પર ઍપલની ચેતવણી શૅર કરવાનું શરૂ કર્યું અને ચર્ચા શરૂ થઈ ત્યારે ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ઍપલ ઇન્ડિયાના મૅનેજિંગ ડિરેક્ટર વિરાટ ભાટિયાને બોલાવ્યા. આ વાત વિશે જાણતા બે લોકોએ વૉશિંગ્ટન પોસ્ટ સાથે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

તેમાંથી એક વ્યક્તિએ અખબારને જણાવ્યું હતું કે ભારતીય અધિકારીએ ઍપલને કહ્યું કે, "ઍપલ તેની ચેતવણી પાછી ખેંચી લે અને કહે કે તે ભૂલથી મોકલવામાં આવી હતી.”

આ અંગે સરકારી અધિકારી અને ઍપલના અધિકારી વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. ઍપલ ઇન્ડિયાના અધિકારીએ કહ્યું હતું કે, "તેઓ તેમની વેબસાઇટ પર જણાવ્યું છે તે પ્રમાણે વધુમાં વધુ કેટલીક ચેતવણીઓ પર ભાર મૂકતું નિવેદન બહાર પાડી શકે છે."

આ બાબતે સાંસદોના ટ્વીટના કલાકો પછી ઍપલ ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે "આવા હુમલાઓની ઓળખ ગુપ્તચર સંકેતો પર આધારિત હોય છે અને ઘણી વખત અચોક્કસ અને અપૂર્ણ હોય છે. એવું પણ શક્ય છે કે કેટલાક ચેતવણી સંદેશાઓ ખોટા ઍલાર્મ પણ હોઈ શકે અને હુમલાખોરો ક્યારેય શોધી પણ ન શકાય.”

"અમે કઈ પરિસ્થિતિઓમાં આ પ્રકારની માહિતી જાહેર કરીએ છીએ એ પણ અમે જણાવી ન શકીએ, કારણ કે તેનાથી સ્ટેટ-સ્પૉન્સર્ડ હુમલાખોરો ભવિષ્યમાં તેનાથી બચવા માટેની તરકીબ શોધી લે તેવી પણ શક્યતા છે."

જ્યારે ઍપલે આ નિવેદન બહાર પાડ્યું હતું ત્યારે તેમાંથી સ્પષ્ટપણે એ સંદેશ દેખાતો હતો કે કે ઍપલ પોતાની જ ચેતવણીને ગંભીરતાથી ન લેવા તરફ ઈશારો કરી રહ્યું છે.

એક વ્યક્તિએ ધ વૉશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે ભાટિયાએ કંપનીના લોકોને કહ્યું હતું કે "તેઓ સરકાર તરફથી ઘણા દબાણ હેઠળ છે. પરંતુ કંપનીના અન્ય એક્ઝિક્યુટિવે કહ્યું કે આપણે મજબૂતીથી ઊભા રહેવાની જરૂર છે."

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બે અગ્રણી ટેક પત્રકારોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઍપલ ઇન્ડિયાના કૉર્પોરેટ કોમ્યુનિકેશન્સ વિભાગે તેમને એવી સ્ટોરી કરવા કહ્યું હતું કે જે સાબિત કરે કે ઍપલની ચેતવણીઓ ખોટી પણ હોઈ શકે છે. એટલે કે એવો રિપોર્ટ બનાવવો જે ઍપલની જ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠાવે.

આજે અમારી જાસૂસી થાય, કાલે મુખ્ય ન્યાયાધીશની પણ થઈ શકે – પ્રિયંકા ચતુર્વેદી

પેગાસસ જાસૂસી ભારત સરકાર ઍપલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શિવસેના(યુબીટી)નાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદી

જે લોકોને ઍપલે 30મી ઑક્ટોબરે ચેતવણી મોકલી હતી તેમાં શિવસેના (યુબીટી)નાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પણ સામેલ હતાં.

પ્રિયંકા બીબીસી સાથે વાત કરતાં કહે છે, “મોંઘાં ઍપલનાં ઉપકરણો ખરીદવાનું કારણ એ જ છે કે અમારી સુરક્ષા મજબૂત રહે. પરંતુ જો વિશ્વની સૌથી મોટી કંપની સરકારના દબાણમાં આવશે, સરકાર સાથે હાથ મિલાવશે અથવા તેના વ્યવસાયને ધ્યાનમાં રાખીને તેની સાથે સમાધાન કરશે, તો તમે વિચારો કે આગળ શું-શું થઈ શકે?”

તેને મૂળભૂત અધિકાર તરીકે વર્ણવતાં પ્રિયંકા કહે છે, “સુપ્રીમ કોર્ટના સંદર્ભમાં હું કહેવા માગું છું કે- પ્રાઇવસી એક મૂળભૂત અધિકાર છે. જો આજે સુપ્રીમ કોર્ટ આ રીતે વિરોધ પક્ષો અને પત્રકારોની જાસૂસીની અવગણના કરશે તો કાલે આ સરકારની હિંમત એટલી વધી જશે કે ચીફ જસ્ટિસના ફોનને પણ તે નિશાન બનાવશે. કોઈ સુરક્ષિત રહેશે નહીં.”

"જ્યારે ફેસબુક પર આરોપ લગાવવામાં આવ્યો ત્યારે આપણે બધાએ એ જોયું કે અમેરિકી સંસદમાં કેટલા મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, માર્ક ઝકરબર્ગ પણ અસ્વસ્થ થઈ ગયા હતા. પરંતુ અહીં અમે કહીએ છીએ કે અમારા ફોન સાથે ચેડાં કરાઈ રહ્યાં છે તો તે અંગે કોઈ વાત જ કરાતી નથી."

ઍપલની ચેતવણી એ હૅકિંગ વિશે મોકલાઈ હતી જેના દ્વારા ફોનમાં કથિતપણે પેગાસસ સ્પાયવેર દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પેગાસસ એક એવું સોફ્ટવેર છે જેને ફોનમાં ઇન્સ્ટૉલ કરી દેવામાં આવે તો હૅકર દૂર બેસીને પણ ફોનનાં માઈક, ફોટા અને કૅમેરાનું ઍક્સેસ મેળવી શકે છે.

પ્રિયંકા ચતુર્વેદી કહે છે, "એક મહિલા હોવાને નાતે મારા માટે આ વધુ પરેશાન કરનારી બાબત છે. જ્યારે હું મારા મિત્રો અને પરિવાર સાથે હોઉં છું, મજાકમાં પણ હું એવું કંઈ બોલતી નથી કે જેનો અર્થ અલગ રીતે કરી શકાય. કોઈ સાંભળી રહ્યું છે કે કેમ તે અંગે મને હંમેશાં શંકા રહે છે. જે ચાર લોકો મારા પર નજર રાખવાના છે તેઓ મારા અંગત ફોટા જોઈ શકે છે."

"આપણે બધા જાણીએ છીએ કે આ લોકોનો ભૂતકાળ શું છે અને ગુજરાતમાં આ પહેલાં તેમણે શું કર્યું છે. પરંતુ આ માત્ર પ્રાઇવસીનું જ ઉલ્લંઘન નથી પણ તેની અસર આવનારી ચૂંટણીઓ પર પણ પડી શકે છે. લોકોની પસંદગીઓને પ્રભાવિત કરી શકાય છે, કારણ કે તમારી પાસે તેમનાં ડેટા અને ઉપકરણોનું પણ ઍક્સેસ છે."

‘સરકાર પોતાની સામે જ કઈ રીતે તપાસ કરશે’

પેગાસસ જાસૂસી ભારત સરકાર ઍપલ

ઇમેજ સ્રોત, Getty Images

તમે સતત સંભવિતપણે કોઈની નજરમાં છો અને આ વાતનો દરેક પળે અહેસાસ થવો એ માનસિકરૂપે કેટલું હેરાનગતિ કરનારું હોઈ શકે છે.

આ વાતનો જવાબ વરદરાજન અને પ્રિયંકા ચતુર્વેદી એક જ રીતે આપે છે.

વરદરાજન કહે છે કે, "કોઈ સરકારો કડક ટીકા પસંદ કરતી નથી પણ અંતર ફક્ત એટલું જ હોય છે કે કેટલીક સરકારોની સહનશક્તિ વધુ સારી હોય છે તો કેટલીક સરકારોને ટીકા બિલકુલ પસંદ આવતી નથી. પરંતુ અમારા જેવા લોકો જ્યારે આ વ્યવસાયમાં આવ્યા ત્યારે અમને એ વાતનો હંમેશાં ખ્યાલ રહ્યો છે કે પત્રકારત્વમાં ડર માટે કોઈ જગ્યા નથી. હું તો કહું છું કે લોકશાહીમાં પણ ડરનું કોઈ સ્થાન હોવું ન જોઈએ. જો લોકશાહીને બચાવી રાખવી હોય તો ડર સંપૂર્ણપણે ખતમ થઈ જવો જોઈએ."

પ્રિયંકા ચતુર્વેદી કહે છે, "જે પ્રકારની પરિસ્થિતિઓ છે એ જોતાં મને નથી લાગતું કે આ સર્વેલન્સ ઓછું થાય. પરંતુ દેશ માટે અવાજ ઉઠાવવાની જો આ જ કિંમત છે તો હું તેને ચૂકવવા માટે તૈયાર છું."

ધ વૉશિંગ્ટન પોસ્ટને આપેલા જવાબમાં ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફૉર્મેશન ટેકનોલૉજી મંત્રાલયે કહ્યું છે કે "અમે આ મામલે ટેકનિકલ તપાસ શરૂ કરી છે. અત્યાર સુધી ઍપલે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે."

અખબાર સાથે વાત કરતા ભારતની ટેકનિકલ નીતિઓ પર કામ કરતી ન્યૂઝ વેબસાઇટ મીડિયાનામાના સ્થાપક નિખિલ પહવાએ કહ્યું, "ભારત સરકાર પોતાની સામેના આરોપોની નિષ્પક્ષ તપાસ કેવી રીતે કરી શકે? ભારત સરકાર ફક્ત કહેવા ખાતર આ વાતો કહી રહી છે. આપણે ઘણી વાર સરકારને આવી વાતો કરતા જોઈ છે. તેઓ મામલો ઠંડો પાડવા માટે આવી વાતો કરે છે."

પેગાસસ વડે જાસૂસી

પેગાસસ જાસૂસી ભારત સરકાર ઍપલ

ઇમેજ સ્રોત, ANI

જુલાઈ 2021માં, એટલે કે બે વર્ષ પહેલાં ફૉરબિડન સ્ટોરીઝ સાથે મળીને દુનિયાની કેટલીક સંસ્થાઓએ કરાયેલા એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે દુનિયાના અનેક પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓના ફોન હૅક કરવામાં આવ્યા હતા.

પેગાસસ નામના જે સ્પાયવેરથી ફોન હૅક કરવાની વાત થઈ હતી તેને બનાવનાર કંપની એનએસઓએ તમામ આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે તેઓ માત્ર સંપ્રભુ દેશની સરકારોને જ તેનો સૉફ્ટવૅર વેચે છે અને તેનો ઉદ્દેશ્ય માત્ર "આતંકવાદ અને ગુનાખોરી સામે લડવાનો" છે.

તે સમયે ભારતમાં ‘ધ વાયર’એ આ રિપોર્ટ છાપ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં 40 પત્રકારો, ત્રણ વિપક્ષના મોટા નેતાઓ, એક બંધારણીય પદ પર બેસેલી વ્યક્તિ, મોદી સરકારના બે મંત્રીઓ, સુરક્ષા એજન્સીઓના હાલના અને પહેલાંના પ્રમુખો અને ઉદ્યોગપતિઓ સહિત અનેક લોકો પર પેગાસસનો ઉપયોગ થયો છે.

તે સમયે આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગૃહમાં નિવેદન આપતાં કહ્યું હતું કે અતિશય સનસનાટીભરી સ્ટોરીઓ ચાલી, મોટા-મોટા આરોપો લગાવાયા. ચોમાસુ સત્રના એક દિવસ પહેલાં જ આ પ્રકારની સ્ટોરીઓ ચાલવી એ માત્ર એક સંયોગ ન હોઈ શકે. આ ભારતના લોકતંત્રને બદનામ કરવાની કોશિશ છે. તેમણે એ સ્પષ્ટ કર્યું હતું કે આ જાસૂસીકાંડ સાથે સરકારને કોઈ લેવાદેવા નથી.

જોકે, ભારત સરકારે હજુ એ વાત સ્પષ્ટપણે કહી નથી કે તેણે એનએસસો ગ્રૂપ પાસેથી પેગાસસ સ્પાયવેર નથી ખરીદ્યું.

પેગાસસ કઈ રીતે કામ કરે છે?

પેગાસસ

પેગાસસ એક સ્પાયવેર છે જેને ઇઝરાયલી સુરક્ષા કંપની એનએસઓ ગ્રૂપ દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ એક એવો પ્રોગ્રામ છે કે જેને કોઈ સ્માર્ટફોનમાં દાખલ કરવામાં આવે તો હૅકર એ સ્માર્ટફોનનાં માઇક્રોફોન, કૅમેરા, ઑડિયો અને ટેક્સ્ટ મૅસેજ, ઇ-મેઇલ સહિત લોકેશનની જાણકારી પણ મેળવી શકે છે.

સાઇબર સુરક્ષા કંપની કૅસ્પરસ્કાયના એક રિપોર્ટ અનુસાર, પેગાસસ તમને ઍન્ક્રિપ્ટેડ ઑડિયો સાંભળવા અને ઍન્ક્રિપ્ટેડ મૅસેજ વાંચવા લાયક બનાવી દે છે.

આ પ્રકારના સંદેશાઓ મોકલનાર અને મેળવનાર લોકો સિવાય કોઈ વ્યક્તિ વાંચી શકતી નથી.

પેગાસસના ઉપયોગથી હૅક કરનાર વ્યક્તિને જે તે વ્યક્તિના ફોનની સંપૂર્ણ જાણકારી મળી શકે છે.

પેગાસસ સાથે જોડાયેલી જાણકારી પહેલી વાર વર્ષ 2016માં સંયુક્ત આરબ અમીરાતના માનવાધિકાર કાર્યકર્તા અહમદ મન્સૂર મારફતે મળી.

પેગાસસ

તેમને ઘણા મૅસેજ મળ્યા હતા જે તેમના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ હતા. તેમનું માનવું હતું કે તેમાં રહેલી લિન્ક્સ અન્ય કોઈ હેતુથી મોકલવામાં આવી હતી.

તેમણે પોતાનો ફોન યુનિવર્સિટી ઑફ ટૉરન્ટોની 'સિટીઝન લૅબ'ના નિષ્ણાતોને બતાવ્યો હતો. તેમણે અન્ય સાઇબર સિક્યૉરિટી ફર્મ 'લૂકઆઉટ'ની પણ મદદ લીધી.

મન્સૂરનું અનુમાન સાચું હતું. જો તેમણે લિંક પર ક્લિક કરી હોત તો તેમનો આઇફોન માલવેરથી સંક્રમિત થઈ ગયો હોત. આ માલવેરનું નામ પેગાસસ હતું. લૂકઆઉટના સંશોધકોએ તેને "ઍન્ડપૉઇન્ટ પર કરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી જટિલ હુમલા" તરીકે વર્ણવ્યો હતો.

નોંધનીય બાબત એ છે કે આ પ્રોગ્રામ ઍપલ ફોનની સુરક્ષાને ભેદવામાં સફળ રહ્યો હતો જે ઍપલ ફોનને સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે. જોકે, ઍપલ તેનો સામનો કરવા માટે એક અપડેટ લાવ્યું છે.

આ પછી 2017માં ન્યૂયૉર્ક ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ અનુસાર મૅક્સિકન સરકાર પર પણ પેગાસસની મદદથી મોબાઇલ જાસૂસી ઉપકરણ બનાવવાનો આરોપ લાગ્યો હતો.

રિપોર્ટ અનુસાર તેનો ઉપયોગ મૅક્સિકોમાં માનવાધિકાર કાર્યકર્તાઓ, પત્રકારો અને ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તાઓ વિરુદ્ધ કરવામાં આવી રહ્યો હતો.

પેગાસસ જાસૂસી ભારત સરકાર ઍપલ

ઇમેજ સ્રોત, AFP

જાણીતા મૅક્સિકન પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓએ તેમની સરકાર સામે મોબાઇલ ફોનથી જાસૂસી કરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેગાસસ સૉફ્ટવૅર મૅક્સિકન સરકારને ઇઝરાયલની કંપની એનએસઓ દ્વારા એ શરતે વેચવામાં આવ્યું હતું કે તેઓ તેનો ઉપયોગ માત્ર ગુનેગારો અને ચરમપંથીઓ વિરુદ્ધ કરશે.

ન્યૂયૉર્ક ટાઇમ્સ અનુસાર, આ સૉફ્ટવૅરની ખાસિયત એ છે કે તે સ્માર્ટફોન અને મૉનિટર કૉલ્સ, ટેક્સ્ટ અને અન્ય કૉમ્યુનિકેશનને મૉનિટર કરી શકે છે. તે ફોનનાં માઇક્રોફોન અથવા કૅમેરાને પણ સક્રિય કરી શકે છે.

આ કંપની પર સાઉદી સરકારને સૉફ્ટવૅર આપવાનો પણ આરોપ છે, જેનો ઉપયોગ કથિત રીતે પત્રકાર જમાલ ખાશોગીની હત્યા પહેલાં જાસૂસી કરવા માટે કરવામાં આવ્યો હતો.

એનએસઓ કંપનીએ હંમેશાં દાવો કર્યો છે કે તેણે આ પ્રોગ્રામને માત્ર માન્યતા પ્રાપ્ત સરકારી એજન્સીઓને જ વેચ્યો છે અને તેનો હેતુ "આતંકવાદ અને અપરાધ સામે લડવાનો" છે.

કંપનીએ કૅલિફોર્નિયાની કોર્ટને જણાવ્યું કે તે ક્યારેય તેના સ્પાયવેરનો ઉપયોગ કરતી નથી - માત્ર સાર્વભૌમ સરકારો જ તેનો ઉપયોગ કરે છે.