પ્રેરક માંકડ : એ ગુજરાતી ક્રિકેટર જેણે IPLમાં લખનૌની હારને જીતમાં ફેરવી નાખી

પ્રેરક માંકડ લખનૌ સુપરજાયન્ટ્સ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રેરક માંકડ
    • લેેખક, અર્ણવ વસાવડા
    • પદ, બીબીસી ગુજરાતી
RED LINE

લખનૌ સુપરજાયન્ટ્સ વિરુદ્ધ સનરાઇઝર હૈદરાબાદ

  • લખનૌ હૈદરાબાદ સામે 7 વિકેટે જીત્યું
  • સનરાઇઝર હૈદરાબાદ-182/6 (20 ઓવર) ક્લાસેન 47(29), કૃણાલ પંડ્યા 2/24(4)
  • લખનૌ સુપરજાયન્ટ્સ-185/3 (19.2 ઓવર) પ્રેરક માંકડ 64 (45), નિકોલસ પૂરન 40 (13)
  • પ્રેરક માંકડ પોતાની ત્રીજી જ મૅચમાં ‘મૅન ઑફ ધ મૅચ’ બન્યા.
RED LINE

શનિવારે હૈદરાબાદમાં આઈપીએલ 2023ની 58મી મૅચ રમાઈ હતી. લખનૌ અને હૈદરાબાદની ટીમ આમને સામને હતી.

હૈદરાબાદે પહેલાં ટૉસ જીતી બેટિંગ કરી હતી. લખનૌ માટે 120 બૉલમાં 183નો ટાર્ગેટ સેટ કર્યો હતો.

લખનૌની ટીમને પ્લેઑફની રેસમાં રહેવા માટે આ મુકાબલો કોઈ પણ સંજોગોમાં જીતવાનો હતો.

લખનૌ તરફથી માયર્સ અને ડીકૉક પ્રથમ બૅટિંગ કરવા ઉતર્યા હતા.

વિસ્ફોટક બૅટ્સમૅન હોવા છતાં માયર્સના બૅટમાંથી પ્રથમ 11 બૉલમાં એક પણ રન નીકળ્યો નહોતો. અને હૈદરાબાદના સ્પિનર ગ્લૅન ફિલિપ્સની પાંચમી ઓવરમાં માયર્સ આઉટ થઈ ગયા હતા.

માયર્સ ભલે આઉટ થઈ ગયા હતા. ડીકૉક ભલે બેટિંગમાં સંઘર્ષ કરી રહ્યા હતા.

લખનૌને જીત માટે 10.43ની રન રેટ સાથે 96 બૉલમાં 167 રનનો પહાડ જેવો ટાર્ગેટનો પીછો કરવાનો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એવામાં લખનૌ એક યુવા ક્રિકેટર જેને તેમણે અંદાજે 20 લાખમાં ખરીદ્યો હતો તેને મેદાન પર ઉતારવાનો નિર્ણય કર્યો.

આ યુવા ક્રિકેટર બીજું કોઈ નહીં પરંતુ સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમતા ગુજરાતી ક્રિકેટર પ્રેરક માંકડ હતા.

પ્રેરક જ્યારે લખનૌ તરફથી બૅટિંગ કરવા ઉતર્યા ત્યારે લાગતું હતું કે લખનૌ આ મહત્ત્વનો મુકાબલો હારી જશે. પરંતુ પ્રેરકે પોતાની નેચરલ ગેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

સત્તાવાર રીતે આઈપીએલના ઇતિહાસમાં પોતાની ત્રીજી જ મૅચમાં 45 બૉલમાં 64 રન કરી નૉટાઉટ રહ્યા હતા.

એટલું જ નહીં લખનૌ તરફથી સૌથી વધુ સાત ચોગ્ગા અને બે છગ્ગા પણ લગાવ્યા હતા.

મૅચના અંતે લખનૌની જીતના સૂત્રધાર તરીકે 'મૅન ઑફ ધ મૅચ'નું ઇનામ પણ પોતાને નામ કર્યું હતું.

પ્રેરક માંકડને આ મૅચમાં ઑસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી સ્ટોઇનિસ અને વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક ખેલાડી નિકોલસ પૂરનનો પૂરતો સાથ મળ્યો.

સ્ટોઇનિસે આ મૅચમાં 25 બૉલમાં 40 રન નોંધાવ્યા હતા. જ્યારે પૂરને એક જ ઑવરમાં ત્રણ છગ્ગા મારી 13 બૉલમાં 22 રન નોંધાવ્યા હતા.

જેના લીધે લખનૌ ચાર બૉલ બાકી હતા અને સાત વિકેટે મૅચ પોતાને નામ કરી દીધી હતી.

GREY LINE

લખનૌ માટે ‘પ્રેરક’ અડધી સદી

લખનૌ સુપરજાયન્ટ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લખનૌની જીત બાદ પ્રેરક માંકડ અને પૂરન

લખનૌના કપ્તાન અને અન્ય ગુજરાતી ખેલાડી કૃણાલ પંડ્યાએ પણ મૅચ બાદ પોતાના ઇન્ટરવ્યૂમાં પ્રેરકની બૅટિંગનાં વખાણ કર્યાં હતાં.

તેમણે કહ્યું હતું કે પ્રેરકને આ ઇનિંગથી આત્મવિશ્વાસ મળશે અને તેઓ આ કક્ષાના ખેલાડી છે તેને લઈને ભરોસો વધશે.

જોકે શનિવારની મૅચ દરમિયાન પ્રેરકે આઈપીએલમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી હતી એ સમયે તેમના હાવભાવમાં ખુશી નહોતી જોવા મળી.

એ સવાલ પર પ્રેરકે કહ્યું હતું કે, "સ્કોર મારા માટે મહત્ત્વનો નહોતો. મારા માટે હું જે ટીમ તરફથી રમતો હોવ એ ટીમ વિજેતા હોય તેવો મારો પ્રયત્ન રહે છે. હું ત્યારે ખુશ નહોતો કારણ કે અમુક બૉલ હું ફટકારી નહોતો શક્યો."

GREY LINE

‘બોલતા પછી શીખ્યો પહેલાં બેટિંગ અને કૅચ શીખ્યો’

પ્રેરક માંકડ

ઇમેજ સ્રોત, Nilesh Mankad

ઇમેજ કૅપ્શન, પ્રેરક માંકડ તેમના પિતા નીલેશ માંકડ સાથે

સૌરાષ્ટ્ર ક્રિકેટની ટીમ છેલ્લા પાંચ વખતથી રણજીની ફાઇનલમાં રમી છે અને બેમાં તો વિજેતા પણ રહી છે.

પ્રેરક માંકડ આ તમામ મૅચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ હતા. આ સિવાય તેઓ સૌરાષ્ટ્ર અંડર-19 અને અંડર-22નો પણ હિસ્સો રહ્યા છે.

બીબીસી ગુજરાતીએ રવિવારે પ્રેરક માંકડના પિતા નીલેશભાઈ માંકડ સાથે વાત કરી હતી.

નીલેશભાઈ સાથે વાત કરતા જાણવા મળ્યું કે પ્રેરકને ક્રિકેટની પ્રેરણા તેમના પિતામાંથી જ મળી છે.

પ્રેરકના પિતા પોતે સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન તરફથી જિલ્લા સ્તરે રમાતી મૅચમાં 32 વર્ષ અમ્પાયરિંગ કરી ચૂક્યા છે.

નીલેશભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "પ્રેરકનો જન્મ આબુ રોડ રાજસ્થાનમાં થયો હતો."

"મારું સપનું હતું એટલે મેં તેને સાવ નાનો હતો ત્યારથી તાલીમ આપવાની શરૂ કરી હતી. અને પ્રેરકને બોલતા પછી આવડ્યું પણ કૅચ કરતાં અને બૅટિંગ કરતા પહેલાં આવડ્યું."

"બે-ત્રણ વર્ષની ઉંમરથી જ મેં એનામાં ઝનૂન ભર્યું હતું અને એ એણે સાબિત કરી દીધું."

પ્રેરક માંકડ

ઇમેજ સ્રોત, Nilesh Mankad

ઇમેજ કૅપ્શન, પ્રેરક માંકડ

નીલેશભાઈ જણાવે છે કે, "પ્રેરકની રણજી ટ્રૉફીમાં ઍન્ટ્રી પણ રસપ્રદ રહી હતી. વર્ષ 2016માં રણજી ટ્રૉફીની ફાઇનલમાં મુંબઈની સામે સૌરાષ્ટ્ર તરફથી પ્રેરકને સીધી જ આ મૅચમાં ડેબ્યુ કરવાનો અવસર મળ્યો હતો."

"સૌરાષ્ટ્ર એ મૅચ હારી ગયું હતું પરંતુ પ્રેરકે મહત્ત્વના 66 રન નોંધાવ્યા હતા.ત્યાંથી એની ક્રિકેટની સફર શરૂ થઈ."

બે વર્ષ પહેલાંની કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાયેલી મૅચ યાદ કરતા પ્રેરકના પિતા બીબીસને જણાવે છે કે, "વિજય હઝારે ટ્રૉફીની મૅચમાં ચંદીગઢની ટીમ સામે સૌરાષ્ટ્ર તરફથી રમતા પ્રેરકે વિસ્ફોટક બૅટિંગ કરી હતી. આ સાથે 130 બૉલમાં 174 રનની મૅરેથૉન ઇનિંગ રમી હતી."

નીલેશભાઈ જણાવે છે કે, "પંદર સોળ વર્ષે પ્રેરકે યુનવર્સિટી ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. અમે તેને 12માં ધોરણ બાદ જ ક્રિકેટ રમવાની સંપૂર્ણ આઝાદી આપી હતી."

GREY LINE

જયદેવ ઉનડકટ અને ચેતેશ્વર પૂજારાનું મળ્યું માર્ગદર્શન

પ્રેરક માંકડના માર્ગદર્શક

ઇમેજ સ્રોત, Getty Images

પ્રેરકના પિતા સાથેની વાતચીતમાં મને જાણવા મળ્યું કે જયદેવ ઉનડકટ અને ચેતેશ્વર પુજારા આ બે ભારતીય ખેલાડી તરફથી પ્રેરકને ખૂબ સારું માર્ગદર્શન મળ્યું છે.

નીલેશભાઈએ જણાવ્યું હતું કે,"જયદેવ ઉનડક અને ચેતેશ્વર પૂજારાએ પ્રેરકને ખુબ સારી સલાહ આપી છે. જેને પ્રેરક પોતાના પ્રદર્શનમાં ઉતારી રહ્યો છે. પૂજારા અને ઉનડકટને આ ક્ષણે યાદ કરવા જ પડે."

આ સિવાય પૂર્વ રણજી ટ્રૉફી ખેલાડી કમલ ચાવડાના માર્ગદર્શનમાં પ્રેરક માંકડે પોતાની ફિટનેસ પર કામ કર્યું છે.

પ્રેરકના પિતા જણાવે છે કે, "ચાવડા સાહેબ પ્રેરકને દર શનિવારે પંદર કિલોમિટર દોડાવતા અને પ્રેરક એક અક્ષર બોલ્યા વગર તેમની વાત માનતો."

"નીલેશભાઈના મતે આજે લખનૌના ફિલ્ડીંગ કૉચ જૉન્ટી રૉડ્સના વિશ્વાસુ તરીકે પ્રેરકની ગણના થઈ છે તો એની પાછળ પ્રેરકનો અને ચાવડા સાહેબનો અથાગ પરિશ્રમ છે. બાકી પ્રેરકમાં ટૅલેન્ટ ગૉડ ગિફ્ટ છે."

GREY LINE

ડૉમેસ્ટિક ક્રિકેટમાં પણ સારો દેખાવ

પ્રેરક માંકડ

ઇમેજ સ્રોત, Insta/@prerakmankad

ઇમેજ કૅપ્શન, સૌ. ઇસ્ટાગ્રામ/@prerakmankad
RED LINE

ડૉમેસ્ટિક ક્રિકેટમાં પ્રેરક માંકડનો સ્કોર

  • ફર્સ્ટ ક્લાસ (મૅચ-46, ઇનિંગ્સ – 73, રન-2006, સર્વશ્રેષ્ઠ – 124, વિકેટ – 43)
  • લિસ્ટ એ (મૅચ-53, ઇનિંગ્સ – 47, રન-1535, સર્વશ્રેષ્ઠ – 174, વિકેટ – 38)
  • ટી20 (મૅચ-44, ઇનિંગ્સ – 39, રન-941, સર્વશ્રેષ્ઠ – 72, વિકેટ – 22)

(સ્રોત : espncricinfo.com)

RED LINE

પ્રેરકે અત્યાર સુધીમાં 43 ફર્સ્ટ ક્લાસ મૅચ રમી છે. જેમાં 73 ઇનિંગ્સમાં 2006નો સ્કોર નોંધાવ્યો છે. અને તેમાં 126 સર્વશ્રેષ્ઠ સ્કોર છે. સાથે 43 વિકેટ પણ ઝડપી છે.

જ્યારે લિસ્ટ એમાં 53 મૅચ રમી છે. જેની 47 ઇનિંગ્સમાં પ્રેરકે 1535 રન નોંધાવ્યા છે. અને સર્વશ્રેષ્ઠ સ્કોર 174 નોંધાવ્યો છે. અને 38 વિકેટ મેળવી છે.

જ્યારે ટી20માં 44 મૅચની 39 ઇનિંગ્સમાં 941 રન પ્રેરકના નામ છે. જેમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 72નો રહ્યો છે. અને તેમાં 22 વિકેટ પણ મેળવી છે.

red
RED LINE