સુરત ભાજપનાં કાઉન્સેલર સામે આમ આદમી પાર્ટીએ કરેલા કથિત સ્ટિંગ ઑપરેશનનો વિવાદ શું છે?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

આમ આદમી પાર્ટી દ્વારા આજે એક પ્રેસ કૉન્ફરન્સમાં એક કથિત સ્ટિંગ ઑપરેશનનો વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો.

આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ કથિત સ્ટિંગ ઑપરેશનના વીડિયોમાં સુરત ભાજપના એક કાઉન્સેલરે પોતાના વિસ્તારમાં બાંધકામનું એક કામ કરાવવા માટે 1.50 લાખ રૂપિયા માગ્યા હતા.

આપના નેતાઓએ આ કથિત વીડિયો પત્રકારોને બતાવ્યો હતો.

આમ આદમી પાર્ટીના નેતાઓએ ઍન્ટી કરપ્શન બ્યૂરો પર આરોપ લગાવ્યો કે તેમને ફરિયાદ કર્યા બાદ એસીબીએ છટકું તો ગોઠવ્યું પરંતુ માહિતી લીક થઈ ગઈ જેને કારણે આરોપીઓ પકડાયા નહીં.

આપના આ કથિત વીડિયોને લઈને ગુજરાતમાં રાજકારણમાં ગરમી આવી ગઈ છે.

એસીબીએ કહ્યું છે કે અરજદારે પેનડ્રાઇવ સાથે અરજી કરી હતી. એસીબીની પ્રેસ રિલીઝ મુજબ, "અરજદારને નિવેદન માટે જાણ પણ કરવામાં આવી હતી. અને તેમનું નિવેદન પણ લેવાયું હતું. પછી પેનડ્રાઇવને ફૉરેન્સિક લેબમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવી હતી. હવે તેના રિપોર્ટ પછી આગળની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે."

ભાજપના નેતાઓ આ કથિત સ્ટિંગ ઑપરેશનને નાટક ગણાવે છે.

જોકે આમ આદમી પાર્ટીએ જે કથિત સ્ટિંગ ઑપરેશનનો વીડિયો રજૂ કર્યો તે કોણે કર્યું હતું તેની માહિતી છૂપાવવામાં આવી છે.

આપનો દાવો હતો કે તેઓ પીડિતની માહિતી છતી કરવા નથી માગતા કારણકે તેમને શંકા છે કે સત્તાપક્ષ તેમને વધુ હેરાન કરી શકે છે.

આમ આદમી પાર્ટીનું કથિત સ્ટિંગ ઑપરેશન કોની સામે છે?

આમ આદમી પાર્ટીએ પત્રકારો સમક્ષ રજૂ કરેલા પોતાના કથિત સ્ટિંગ ઑપરેશનમાં સુરત ભાજપના એક મહિલા કાઉન્સેલર દેખાય છે.

આમ આદમી પાર્ટીનો આરોપ છે કે આ વીડિયોમાં આ મહિલા કાઉન્સેલર પોતાના વિસ્તારમાં બાંધકામ કરાવવા પેટે 1.50 લાખ રૂપિયા માગી રહ્યાં છે.

સુરત મહાનગર પાલિકામાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ ભાજપના નેતાઓ પર આરોપ કરતા કહ્યું, "ભાજપના કાઉન્સેલર વૈશાલીબહેન પાટીલ તથા તેમના પતિ રાજેન્દ્રભાઈ પાટીલ તથા તેમના સાથી ભરતભાઈ પટેલે પોતાના વિસ્તારમાં બાંધકામ કરાવવા માટે 1.50 લાખ રૂપિયા માગ્યા હતા."

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી પણ આ પ્રેસ કૉન્ફરન્સમાં ઉપસ્થિત હતા.

તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, "આ સ્ટિંગ ઑપરેશને ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે."

ઈસુદાન ગઢવીએ વધુ આરોપ કર્યો કે, "ભ્રષ્ટાચારથી મળેલા રૂપિયાનો ઉપયોગ ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓને ખરીદવામાં કરી રહ્યા છે."

અમે આ મામલે જેમના પર પૈસા માગવાનો આરોપ છે તે વૈશાલીબહેન પાટીલનો વારંવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

જોકે સુરત મહાનગરપાલિકામાં શાસકપક્ષના નેતા અમિતસિંહ રાજપૂતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ આ કથિત વીડિયોમાં પૈસાની લેવડદેવડ થઈ હોવાનું જણાતું નથી. પરંતુ છતાં અમે ભાજપના વરિષ્ઠ નેતાઓને જાણ કરીને અમારા સ્તરે તપાસ શરૂ કરી છે.

અમિતસિંહે બીબીસી ગુજરાતીને કહ્યું,"મને મીડિયાના માધ્યમથી જ આ કથિત સ્ટિંગ વિશેની જાણ થઈ."

"આપના નેતાઓ દુનિયાભરના ખોટાં કામો કરે છે અને પછી બીજા પર આરોપો લગાવે છે. અમને સુરતની જનતા જાણે છે. છતાં અમે અમારા સ્તરે આ બનાવના ઊંડાણમાં જઈને તેની તપાસ શરૂ કરી છે."

આપે ઍન્ટી કરપ્શન બ્યૂરોને કરી ફરિયાદ

આમ આદમી પાર્ટીએ આ કથિત વીડિયોને આધાર બનાવીને ભાજપના નેતાઓ સામે ઍન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ નોંધાવી છે.

જોકે, આપ નેતાઓનો આરોપ છે કે આ ઘટનામાં જે પીડિત છે તેમણે 5 એપ્રિલના રોજ આ અંગેની અમદાવાદ એસીબીને ફરિયાદ કરી હતી પરંતુ આ ઘટનાને ઘણો સમય થયો છતાં એસીબીએ કોઈ કાર્યવાહી કરી નથી.

ઈસુદાન ગઢવી એસીબી પર આરોપ લગાવતા કહે છે, "એસીબીએ છટકું ગોઠવ્યું હતું. પરંતુ તે છટકાંમાં મહિલા કાઉન્સેલર કે તેમના પતિ અથવા તો તેમના મળતીયા ભરત પટેલ આવ્યા જ નહીં.”

"જ્યારે એસીબીએ છટકું ગોઠવ્યું તો ભાજપના નેતાઓ ત્યારે જ નહીં આવ્યા હોય જ્યારે તેમને આ વિશે આગોતરી જાણ થઈ ગઈ હોય. તો તેમને જાણ કોણે કરી?"

આમ આદમી પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવેલા આ કથિત વીડિયોમાં જે વાતચીત થઈ રહી છે તેમાં હોઠોની હિલચાલના સમયમાં અને સંવાદના સમયમાં થોડો ફરક દેખાય છે.

આ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે આપ નેતા ધર્મેશ ભંડેરીએ જવાબ આપ્યો, "હા, વાત સાચી છે કે હોઠોની હિલચાલ અને અવાજ મળતા નથી. આ વીડિયોને એસીબીએ સાંભળ્યો છે. એસીબીએ અમને ખાતરી આપી હતી કે આ તો વીડિયો છે પણ ઑડિયો હોય તો પણ અમારે માત્ર તેમનો વૉઇસ મૅચ કરવાનો હોય છે."

સુરતના મેયર હેમાલી બોઘાવાલા આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "જો આપના નેતાઓને બીજું કંઈ આવડતું નથી. ભાજપના નેતાઓ જનતાની વચ્ચે જઈને કામ કરવામાં માને છે. એસીબીમાં ફરિયાદ જો થઈ હોય તો એજન્સી તેનું કામ કરશે."

"મને આ સ્ટિંગ ઑપરેશનના વીડિયોની જાણ નથી. બાકી જનતાના સેવકો હોય તો આરોપો થાય."

અમે જ્યારે આ મામલે સુરત ખાતેના એસીબી વિભાગના પીઆઈ કલ્પેશ ધડૂક સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તમામ વિગતો અમદાવાદ ખાતેની હેડ ઑફિસમાંથી મળશે.

જ્યારે અમે અમદાવાદની એસીબીની હેડ ઑફિસનો સંપર્ક કર્યો તો તેઓ કહે છે કે જો એસીબીનું છટકું નિષ્ફળ ગયું હોય તો ત્યાંના પીઆઈ જ કહી શકે કે તે કેમ નિષ્ફળ ગયું.

અમે ફરીથી કલ્પેશ ધડૂકનો સંપર્ક સાધ્યો. કલ્પેશે કહ્યું, "ડીજી સાહેબનો પરિપત્ર છે. અમે પ્રેસને માહિતી ન આપી શકીએ. પ્રેસને અમદાવાદની કચેરી ખાતેથી જ માહિતી આપવામાં આવે છે."

એસીબી પર આપે લગાવેલા આરોપો મામલે જવાબ મેળવવા અમે સુરત ખાતેના એસીબીના મદદનીશ નિયામક અંજનાબા જાડેજાનો સંપર્ક પણ સાધ્યો. અંજનાબા જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "હું હાલ ઇન્ચાર્જમાં છું. મારા અગાઉના અધિકારીઓએ શું કર્યું હોય તે વિશે હું નહીં કહી શકું. વળી છટકું ગોઠવવા માટે જે અધિકારીને જવાબદારી આપવામાં આવે છે તે ગુપ્ત રાખવામાં આવે છે. તેથી માહિતી લીક ન થાય."

એસીબીએ શું કહ્યું?

ઍન્ટી કરપ્શન બ્યૂરો તરફથી પ્રેસ રિલિઝ જાહેર કરાઈ છે જેમાં એસીબીએ કહ્યું છે કે, "અરજદાર જ્યારે પહેલી વાર એ.સી.બી સુરતનો સંપર્ક કરવામાં આવેલ ત્યારે તેઓ પાસે લાંચની માગણી અંગેની હકીકત રજૂ કરતી સ્પષ્ટતા ન હતી."

"આ અંગે અરજદાર દ્વારા તા. 05/04/2023ના રોજ એ.સી.બી મુખ્યમથક ખાતે એક પેનડ્રાઇવ સાથેની અરજી કરવામાં આવેલી જે બ્યૂરોની કાર્યપદ્ધતિને અનુસરીને સુરત એકમ ખાતે તપાસમાં મોકલી આપેલ."

"અરજદારને નિવેદન માટે જાણ પણ કરવામાં આવી હતી. અને તેમનું નિવેદન પણ લેવાયું હતું. પછી પેનડ્રાઇવને ફૉરેન્સિક લેબમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવી હતી. હવે તેના રિપોર્ટ પછી આગળની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે."

શું કહેવું છે કૉંગ્રેસનું?

કૉંગ્રેસે પણ આ મામલે ઝંપલાવ્યું છે. કૉંગ્રેસનો આરોપ છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની જ ડમી પાર્ટી છે.

સુરત કૉંગ્રેસ નેતા દર્શન નાયક બીબીસી ગુજરાતી સાથે વાત કરતા આપ અને ભાજપ એમ બંને પર આરોપ લગાવતા કહે છે, "ગુજરાત રાજ્યમાં છેલ્લાં 30 વર્ષથી ભાજપનું રાજ છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપનું 35 વર્ષથી રાજ છે. સુરતમાં ભાજપ ભ્રષ્ટાચારનો પર્યાય છે."

"આપના નેતાઓ પણ તેમના જેવા જ છે. આપ જ્યારે ભાજપના નેતાઓનું સ્ટિંગ ઑપરેશન કરે છે ત્યારે મજાક લાગે છે."

દર્શન નાયક વધુમાં ઉમેરે છે, "આપના નેતાઓએ સુરતના લોકોને સુવિધા મળે, રોજગાર મળે તે માટે અવાજ ઉઠાવવાને બદલે આ પ્રકારના ગતકડાં કરે છે."

"જોકે, ભ્રષ્ટાચારને કૉંગ્રેસ હંમેશા વખોડે છે અને આ ઘટના પણ જો ઘટી હોય તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માગ છે."