ગુજરાત : કથળેલા શિક્ષણને લઈને IAS 'અધિકારીનો પત્ર વાઇરલ', સરકારે શું કહ્યું?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણની કથળતી વ્યવસ્થાને લઈને એક સનદી અધિકારીએ ગુજરાતના શિક્ષણ સચિવને લખેલો પત્ર "વાઇરલ" થતાં ગુજરાત સરકાર પર સવાલ થઈ રહ્યા છે.

હાલમાં જ છોટા ઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન આઈએએસ અધિકારી ધવલ પટેલે આદિવાસી વિસ્તારમાં સરકારી શાળાઓ અને શિક્ષણની સ્થિતિ વિશે રાજ્યના શિક્ષણ સચિવને લખેલો પત્ર ચર્ચામાં આવ્યો હતો.

આ પત્ર વાઇરલ થઈ ગયો હતો. વાઇરલ થયેલા પત્ર બીબીસી ગુજરાતીને મળ્યો છે. જોકે, આ પત્રની સત્યતાથી બીબીસી ગુજરાતી પુષ્ટિ નથી કરતી.

જોકે, એ વાત ચોક્કસ છે કે ધવલ પટેલે જે-જે શાળાની મુલાકાત લીધી છે ત્યાં ભણતા વિદ્યાર્થીઓમાં પાયાનું જ્ઞાન ન હોવાનું માલૂમ પડ્યું છે.

ધવલ પટેલ ગુજરાત સરકારમાં ભૂસ્તર અને ખનિજ વિભાગના કમિશનર છે. વાઇરલ થયેલા પત્રમાં આ વિસ્તારમાં શિક્ષણના સ્તરને લઈને ચિંતા વ્યક્ત કરાઈ છે.

હવે આ મામલે રાજકીય રંગ પણ પકડ્યો છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ભાજપ સરકારને ઘેરવાનો મુદ્દો મળી ગયો છે.

જ્યારે કે ભાજપ સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું સ્તર આ પ્રકારનું ના હોવાનો દાવો કરી રહ્યો છે.

ઘવલ પટેલે તેમના અનુભવના આધારે રિપોર્ટ આપ્યો છે અને શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે નિવેદન આપ્યું છે કે શિક્ષણ સુધારા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.

શું છે ધવલ પટેલના પત્રમાં?

ગુજરાત સરકારમાં ભૂસ્તર અને ખનિજ વિભાગના કમિશનર ધવલ પટેલ શાળાપ્રવેશોત્સવ દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાની છ શાળાની મુલાકાતે ગયા હતા.

શાળામાં શિક્ષણની હકીકત જાણવાનું કામગીરી તેમને સોંપવામાં આવી હતી.

આ શાળાઓની મુલાકાત લીધા બાદ તેમણે શિક્ષણ સચિવને પત્ર લખ્યો, જે વાઇરલ થઈ ગયો.

તેમના દ્વારા લખાયેલા એ કથિત પત્રમાં જણાવાયું છે, "છ પૈકી પાંચ શાળાઓમાં કથળેલું શિક્ષણ જોઈને મારા હૃદયને અવર્ણનીય ગ્લાનિ થઈ."

"આ ગરીબ આદિવાસી બાળકો પાસે શિક્ષણ માટે કોઈ વિકલ્પ નથી. એમને આ પ્રકારનું સડેલું શિક્ષણ આપીને આપણે તેમની સાથે અન્યાય કરી રહ્યા છીએ."

પત્રમાં લખવામાં આવ્યું છે, "બાળકો અને વાલીઓ આપણા પર આંધળો વિશ્વાસ મૂકે છે. એમની સાથે આ પ્રકારનું છળ કરવું એ નૈતિક અધ:પતનની પરાકાષ્ઠા છે."

"પૂરતી ભૌતિક સગવડો અને શિક્ષકો હોવા છતાં આવું શિક્ષણનું સ્તર કેવી રીતે મળે છે તે એક કોયડો છે."

"આ બાળકો આઠ વર્ષ આપણી સાથે રહે અને તેમને આપણે સરવાળા-બાદબાકી ન શિખવાડી શકીએ તો (એ)આપણી ઘોર અસમર્થતાનું જ દ્યોતક છે."

જોકે, પત્રમાં શાળા રંગપુર(ઝોઝ) પ્રાથમિક શાળાનાં વખાણ પણ કરાયાં છે અને લખવામાં આવ્યું છે, "આ શાળાનાં સૂત્રધારો બાળકને સારું શિક્ષણ મળે તે માટે પ્રયત્નશીલ છે. તેઓ આ માટે અભિવાદનને પાત્ર છે."

બીબીસી ગુજરાતી દ્વારા ધવલ પટેલનો સંપર્ક સાધવાનો ઘણીવાર પ્રયત્નો કરવામાં આવ્યો. જોકે, સંપર્ક થઈ શક્યો નહોતો.

કઈ કઈ સ્કૂલમાં ગયા હતા ધવલ પટેલ?

વાઇરલ થયેલા પત્ર અનુસાર ધવલ પટેલ છોટા ઉદેપુર જિલ્લાના ટીમલા પ્રાથમિક શાળામાં ગયા ત્યાં તેમને માલૂમ પડ્યું કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ છૂટક અક્ષરો પણ વાંચી શકતા નહોતા. આંકડાના સરવાળા કરવામાં પણ આ વિદ્યાર્થીઓ વેઢાની ગણતરીનો સહારો લેવો પડતો અને તેમાં પણ કેટલાક જવાબ ખોટા હતા.

આ શાળામાં વાર્ષિક કસોટીમાં સમૂહમાં ચોરી કરવામાં આવી હોવાનું અવલોકન પણ પત્રમાં કરાયું છે.

ધવલ પટેલ રંગપુર(ઝોઝ) પ્રાથમિક શાળામાં ગયા. અહીંના અનુભવ વિશે વાઇરલ થયેલા પત્રમાં લખવામાં આવ્યું છે, "રંગપુરની શાળા શૈક્ષણિક રણમાં મીઠી વીરડી સમાન લાગી. અહીંના વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરીના જવાબ સાચા આપ્યા."

બોડગામ પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તર દયનીય લાગ્યું હોવાનું પત્રમાં જણાવાયું છે કે અહીંના વિદ્યાર્થીઓ 'અજવાળું' અને 'દિવસ' જેવા સાદા શબ્દોના વિરોધી શબ્દો પણ નથી જાણતા. નવાઈની વાત એ હતી કે ઉત્તરવાહીમાં એ બાળકોએ જવાબો સાચા લખ્યા હતા. અહીં ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ હિમાલય કે ગુજરાત ભારતમાં ક્યાં છે તેનો જવાબ સુધ્ધાં આપી શક્યા નહોતા.

કથિત પત્ર અનુસાર વઢવાણ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સહેલી વદ્દીવાળા દાખલા ગણી શકતા નહોતા. આ વિદ્યાર્થીઓએ વાર્ષિક પ્રશ્નપત્રની ઉત્તરવાહીમાં લીંબુ શરબત બનાવવાની આખી રીત અંગ્રેજીમાં લખી હતી પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પ્રશ્નપત્રમાં અંગ્રેજીમાં સૂચના કઈ આપવામાં આવી છે તો તે વાંચવા તેઓ અસમર્થ હતા.

આ અનુભવ પરથી અનુમાન લગાવાતા પત્રમાં લખવામાં આવ્યું છે, "શાળામાં શિક્ષકોએ જ પ્રત્યુત્તર લખાવ્યા હોય શકે છે. તેના વગર આ જાદુ સંભવી શકે નહીં."

જામલી શાળામાં વિદ્યાર્થીઓને સરવાળા-બાદબાકી આવડતા નહોતા.

રાણીખેડા પ્રાથમિક શાળામાં જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે સાબરમતી નદી પર કયો ડૅમ આવેલો છે તો પ્રશ્નના જવાબમાં તેમણે સરદાર સરોવર યોજના કહ્યું. આ શાળાના વિદ્યાર્થીઓને ભૂમિતિ કે ભૂગોળનું કોઈ જ્ઞાન નહોતું.

ટીમલા શાળાના આચાર્ય શું કહે છે?

ટીમલા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની રિનાને જ્યારે ધવલ પટેલ દ્વારા પૂછવામાં આવ્યું કે 'તેને વાંચતા કેમ નથી આવડતું?' તો તેની પાસે તેનો જવાબ નહોતો. રીનાને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે 'શું શિક્ષકો તેમને બરાબર ભણાવે છે ખરા?' તો રીનાએ જવાબમાં 'હા' કહ્યું. પણ ત્યારબાદ તે મૌન થઈ ગઈ.

રીટા નામની વિદ્યાર્થિનીને ધવલ પટેલે પૂછ્યું હતું કે તેને 'વાંચતા કેમ નથી આવડતું?' તો તેની પાસે તેનો જવાબ નહોતો.

આ પ્રાથમિક શાળાના આચાર્ય કેતન રાઠવાએ બીબીસી ગુજરાતીના છોટા ઉદેપુર જિલ્લાના સહયોગી સલમાન મેમણ સાથે વાત કરી.

કેતન રાઠવાએ કારણ આપતાં જણાવ્યું, "અમે તો અમારી કામગીરી બરાબર કરીએ જ છીએ. પરંતુ જો વિદ્યાર્થી ધ્યાન ન દેતા હોય તો અમે શું કરીએ?"

જોકે, કેતન રાઠવાએ એ કબૂલ્યું કે જ્યારથી આ ઇન્સ્પેક્શન થયું છે ત્યારથી તેઓ અને તેમની શાળાના શિક્ષકો સતર્ક છે અને વધુ સારી કામગીરી કરવા કટિબદ્ધ છે.

તેઓ કહે છે, "અમે આ અંગે કામ કરવા લાગી ગયા છીએ. આ અંગે અમે હવે દરરોજ કામનું મૂલ્યાંકન કરીએ છીએ."

સરકારનું શું કહેવું છે?

સનદી અધિકારી ધવલ પટેલના પત્ર વિશે પ્રતિક્રિયા આપતાં ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે "સરકાર રાજ્યમાં સારું શિક્ષણ આપવા કટિબદ્ધ છે."

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું, "ખુદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવની સમીક્ષા કરી ત્યારે તેમણે અધિકારીઓને જણાવ્યું હતું કે સારી વાત કહેવાના બદલે સાચી વાત કહો. મુખ્ય મંત્રીના આગ્રહ મુજબ ધવલ પટેલે તેમના અનુભવના આધારે રિપોર્ટ આપ્યો છે. શબ્દો સડેલા હોઈ શકે છે પણ સમગ્ર ગુજરાતનું શિક્ષણ નહીં."

રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોર જ્યારે ગોધરાની ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના પદવીદાન સમાહોરમાં હાજરી આપવા આવ્યા હતા ત્યારે તેમણે બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહને ધવલ પટેલના પત્ર વિશે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે હતું તેમના વિશે તેમને પણ મીડિયાના માધ્યમથી જાણ થઈ છે.

કુબેર ડીંડોરે વધુમાં કહ્યું, “હું પણ એ જ વિસ્તારમાંથી આવું છું. હકિકતલક્ષી રિપોર્ટ મેળવીશું અને શિક્ષણ સુધારવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે."

"આ વખતે સરહદી વિસ્તારમાં શિક્ષણની શું હાલત છે તેના પર વધુ ફૉકસ કરવાનું સૂચન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. તેથી અધિકારીઓએ તેમના અનુભવના આધારે રિપોર્ટ આપ્યા છે. જે ત્રુટીઓ હશે તેને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવશે."

જે પ્રકારે આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓને વાંચતા-લખતા આવડતું નથી તેવા અહેવાલ વિશે તેમણે કહ્યું, "આમ બનવું ન જોઈએ. પરંતુ નવી તાલીમનો ઉમેરો કરીને આવનારા સમયમાં બાળકો વાંચતાં-લખતાં થાય અને તેમને યોગ્ય જ્ઞાન મળે તે માટે વાલીઓ, શિક્ષકો અને સરકાર ભેગા મળીને પ્રયાસ કરશે.”

ગુજરાતના આદિવાસી વિસ્તારમાં શું છે શિક્ષણની સ્થિતિ?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પ્રમાણે હાલમાં વર્ષ 2023માં ધોરણ દસમાં બોર્ડનું જે પરિણામ આવ્યું તેમાં સૌથી ઓછું પરિણામ નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રનું હતું.

અહીં માત્ર 11.94 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું હતું. દાહોદ જિલ્લામાં માત્ર 40 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરવામાં આવે તો દાહોદનું પરિણામ 54 ટકા હતું. જ્યારે કે વિજ્ઞાન પ્વાહની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાનું પરિણામ માત્ર 29 ટકા હતું. નર્મદા જિલ્લાનું પરિણામ 36 ટકા હતું. તાપી જિલ્લાનું પરિણામ 43 ટકા હતું. જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું પરિણામ 36 ટકા હતું.

વર્ષ 2022માં પણ દાહોદ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ માત્ર 40 ટકાહતું. નમર્દા જિલ્લાનું 52% અને છોટા ઉદેપુર જિલ્લાનું પરિણામ 47 ટકા હતું.

વર્ષ 2021માં તો કોરોના મહામારીને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પણ જો વર્ષ 2020ની વાત કરીએ તો દાહોદ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ માત્ર 33 ટકા હતું જ્યારે કે ધોરણ દસનું પરિણામ 47 ટકા હતું. નર્મદા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 36% હતું. તાપી જિલ્લાનું પરિણામ 41 % અને છોટા ઉદેપુર જિલ્લાનું પરિણામ 32 ટકા હતું. તાપીનું દસમાં ધોરણનુ પરિણામ પણ 49 ટકા હતું.

વર્ષ 2019ની વાત કરવામાં આવે તો દાહોદનું સામાન્ય પ્રવાહ ધોરણ 12નું પરિણામ 51.53 ટકા હતું જ્યારે કે સાયન્સનું પરિણામ 34 ટકા હતું જ્યારે કે ધોરણ દસનું પરિણામ 49 ટકા હતું.

છોટા ઉદેપુરની વાત કરવામાં આવે તો 2019માં સાયન્સમાં માત્ર 29 ટકા, સામાન્ય પ્રવાહ 12માં 46.74 ટકા અને ધોરણ દસનું પરિણામ 46 ટકા હતું.

ક્યાંક શિક્ષકો નથી, તો ક્યાંક ઓરડાઓ

ગુજરાત વિધાનસભામાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો તેના જવાબમાં ખુદ સરકારે કબૂલ્યું હતું કે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 32,634 શિક્ષકો-આચાર્યોની ઘટ છે. પ્રાથમિક શાળાઓમાં 19128 ઓરડાઓની અછત છે.

વર્ષ 2020-21માં 927 નવા ઓરડાઓ બન્યા હતા પરંતુ 14 જિલ્લાઓ એવા હતા જ્યાં એક પણ ઓરડો બન્યો નહોતો.

આદિવાસી વિસ્તારોની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં 154 ઓરડાઓની ઘટ છે. દાહોદ જિલ્લામાં 1688 ઓરડાઓની ઘટ છે. નર્મદા જિલ્લામાં 183 ઓરડાઓની ઘટ છે. છોટા ઉદેપુરની વાત કરવામાં આવે તો અહીં 576 ઓરડાઓની ઘટ છે.બનાસકાંઠામાં 1532 ઓરડાની ઘટ છે. વલસાડમાં 759 ઓરડાની ઘટ છે. નવસારીમાં 352 ઓરડાની ઘટ છે જ્યારે કે તાપીમાં 162 ઓરડાની ઘટ છે. અરવલ્લીમાં 734 ઓરડાની ઘટ છે.

રાજ્યની 22 શાળાઓમાં વીજળી નથી.

જોકે સરકારનું કહેવું છે કે તેઓ રાજ્યમાં ગુણવત્તાભર્યું શિક્ષણ આપવા કટીબદ્ધ છે. શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસનોટમાં જણાવાયું હતું કે આગામી દિવસોમાં 28,973 વર્ગખંડોના નિર્માણ માટેનું આયોજન છે. આ માટે 5200 કરોડ રૂપિયાનો ખર્ચો થશે.

શિક્ષણ વિભાગે એમ પણ ખાતરી આપી હતી કે શિક્ષકોની ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.

શું કહે છે શિક્ષણશાસ્ત્રીઓ?

ગુજરાતના શિક્ષણશાસ્ત્રીઓ કહે છે કે સ્કૂલોમાં સ્ટાફના અભાવને કારણે શિક્ષણ કથળી રહ્યું છે. શિક્ષણશાસ્ત્રીઓનું માનવું છે કે લેખન, ગણન અને વાંચનની બાબતમાં ગુજરાતનું શિક્ષણ ચિંતાનો વિષય છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટ સરકારને સવાલ પુછતા કહે છે, "શિક્ષકો પાસે ભણાવવા સિવાયનાં 18 જેટલાં અન્ય કામો કરાવવામાં આવે છે, પછી શિક્ષકો પાસે કેવી રીતે સારા શિક્ષણની અપેક્ષા રખાય?"

તેમણે વધુમાં કહ્યું, "શિક્ષકો નથી, આચાર્યો નથી, પટાવાળા નથી. તેવા સંજોગોમાં શિક્ષણ કેવી રીતે સુધરે?"

પ્રિયવદન કોરાટનો આરોપ હતો કે સરકાર સત્તા પોતાની પાસે રાખે છે પરંતુ જવાબદારીથી છટકી જાય છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે સરકારી નીતિઓને કારણે સરકારી શાળાઓ લૂપ્ત થતી પ્રજાતિમાં આવી જશે.

જોકે કેટલાક શિક્ષણશાસ્ત્રી આ માટે આદિવાસી વિસ્તારની ગરીબીને પણ જવાબદાર ગણાવે છે. તેમનું કહેવું છે કે બધામાં માત્ર તંત્ર કે શિક્ષકોનો વાંક કાઢવો યોગ્ય નથી.

ગુજરાત રાજ્યના આચાર્ય સંઘના પ્રમુખ જે. પી. પટેલ બીબીસી ગુજરાતીને જણાવે છે, "વળી પ્રાથમિક શિક્ષણમાં નાપાસ કરવાની જોગવાઈ જ નથી. તેથી તમામ બાળકોને ઉપર ચઢાવવાં પડે છે. આવા સંજોગોમાં તમને દરેક વર્ગમાં 10-12 બાળકો એવાં મળી જ આવે કે જેમને વાંચતા-વખતા નહીં આવડતું હોય."

ધવલ પટેલના પત્ર પર રાજકારણ

કૉંગ્રેસે ગુજરાત સરકાર પર હુમલો બોલતાં કહ્યું છે કે 20 વર્ષથી પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલે છે પણ છતાં રાજ્યમાં શિક્ષણની આ હાલત છે.

કૉંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સરકાર પર આરોપ લગાવ્યો, "પ્રાથમિક શૈક્ષણિક વિભાગમાં 1201 શાળા માત્ર એક શિક્ષકથી ચાલે છે. 14562 ઓરડામાં એકથી વધુ ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. ગ્રામ્ય વિસ્તારની 5612 શાળાઓમાં સંખ્યા ઓછી છે તેવું કારણ આગળ ધરીને તેને તાળાં મારવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. તે પૈકી 1400 જેટલી શાળાઓને આસપાસની શાળાઓમાં ભેળવી દેવાઈ છે. આવા સંજોગોમાં કેવી રીતે ભણશે ગુજરાત, તેનો જવાબ આપે સરકાર?

તો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પણ આ મામલે ટ્વિટ કરીને ગુજરાત સરકાર પર હુમલો બોલ્યો હતો.

ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો, “ફક્ત છોટા ઉદેપુરમાં જ નહીં પરંતુ આખા આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ સારી નથી. લોકો ખાનગી શાળામાં વધુ ફી આપીને પોતાના બાળકોને મોંઘું શિક્ષણ આપવા મજબૂર છે.”

જોકે શિક્ષણ વિભાગનું કહેવું છે કે શાળા પ્રવેશોત્સવ દરમિયાન જે અધિકારીઓના સુચનો આવ્યાં છે તે બાબતમાં વિદ્યાસમીક્ષાકેન્દ્રને સુચનો આપી દેવામાં આવ્યાં છે અને તેના પર જલદી અમલ કરવામાં આવશે.