મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની કઈ ભૂલોને કારણે તેમની વિરુદ્ધ નિર્ણય આવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રના વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બુધવારનાં રોજ શિંદે અને ઉદ્ધવ જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પોતાનો નિર્ણય જણાવતા કહ્યું કે શિંદે જૂથ જ સાચી શિવસેના છે.
વિધાનસભા અધ્યક્ષે નિર્ણય જણાવતા કહ્યું, “21 જૂન, 2022નાં રોજ જ્યારે બે વિરોધી જૂથો બન્યાં ત્યારે શિંદ જૂથ જ સાચો શિવસેના રાજનૈતિક પક્ષ હતો. 21 જૂન 2022નાં રોજ શિવસેનામાં ભંગાણ પડ્યું. એ તારીખ પછી દંડક સુનિલ પ્રભુએ આપેલાં વ્હિપ લાગુ પડતાં નથી, તેથી દંડક તરીકે ભરત ગોગવાલેની નિયુક્તિ સાચી છે.”
સ્પીકરે એ પણ સ્પષ્ટતા કરીકે શિવસેનાનાં બન્ને જૂથમાંથી કોઈપણ વિધાયકને અયોગ્ય જાહેર કરવામાં નથી આવ્યા.
રાહુલ નાર્વેકરનાં નિર્ણય પછી ઉદ્ધવ ઠાકરેએ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા કહ્યું કે સ્પીકરે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી.
ઠાકરેએ કહ્યું, “આ દેશમાં લોકતંત્ર રહેશે કે નહીં? આ લોકોનું માનવું છે કે નહીં રહે. હવે આ લોકો સુપ્રીમ કોર્ટ સાથે પણ તે જ કરી રહ્યા છે.”
તેમણે ઉમેર્યું કે આ પક્ષપલટાના કાયદાને મજબૂત કરવાનો મોકો હતો, પરંતુ એવું થઈ ન શક્યું.
ઠાકરેએ કહ્યું કે તે લોકોના સથવારે લઈને પોતાની લડાઈ લડશે. ઠાકરે જૂથે ઉમેર્યું કે તે સ્પીકરનાં નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
જોકે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે હવે સ્પષ્ટ છે કે તેમનો પક્ષ જ સાચી શિવસેના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્પીકરે શું નિર્ણય આપ્યો?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નાર્વેકરે પહેલા કહ્યું હતું કે અરજીકર્તાઓની એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની માંગણી યોગ્ય નથી કારણ કે પક્ષના દંડક સુનિલ પ્રભુના વ્હિપ લાગુ નથી.
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બીબીસી મરાઠી સાથે વાત કરતા સ્પષ્ટતા કરી કે શિવસેનામાં 21 જૂન, 2022 બે જૂથ બન્યાં. તેથી તે દિવસ પછી પાર્ટી પર સુનીલ પ્રભુનું વ્હિપ લાગુ પડે નહીં અને એટલા માટે જ ભરત ગોગવાલેની નવા વ્હિપ તરીકે નિમણૂક યોગ્ય છે.
તેમણે ઉમેર્યું, “અરજીકર્તાઓની શિંદે ગ્રુપનાં 16 વિધાયકોને અયોગ્ય ઠહેરાવાની માંગ વાજબી નથી કારણ કે સુનીલ પ્રભુનું વ્હિપ માન્ય નથી.”
ભરત ગોગવાલેની વ્હિપ તરીકે નિમણૂક પર વાત કરતા સ્પીકરે કહ્યું કે કોર્ટે તેમની નિમણૂકને કાયમી રીતે અમાન્ય નથી ગણાવી. કારણ કે જ્યારે પાર્ટીનાં ઉપપ્રમુખે જ્યારે તેમની નિમણૂક કરી ત્યારે વ્હિપના પદ પર કોઈ બીજા વ્યક્તિનો દાવો ન હતો. જોકે જ્યારે પ્રમુખે નિર્ણય કર્યો ત્યારે વ્હિપના પદ પર બે વ્યક્તિએ દાવો કર્યો એ વાતથી સ્પષ્ટ છે કે પાર્ટી બે ભાગમાં વહેચાઈ ગઈ છે.
“આવી પરિસ્થિતિમાં, પક્ષપ્રમુખે કરેલી નિમણૂક ગેરકાયદેસર છે. કારણ કે તેમણે નિર્ણય રાજકીય પક્ષની તપાસ કર્યા વગર માત્ર વિધાયકોની ઇચ્છા અનુસાર કર્યો. જોકે કોર્ટે આદેશ કર્યો કે પાર્ટી કયા જૂથને મળશે તેનો નિર્ણય તમારે કયા જૂથ પાસે સંખ્યાબળ વધારે છે તેના આધારે કરવો. જોકે કોર્ટે પોતાના આદેશમાં ભરત ગોગવાલે વ્હિપ બની શકે નહીં તેનો ઉલ્લેખ કર્યો નથી.”
ઉદ્ધવ ઠાકરેના એકનાથ શિંદેને પક્ષમાંથી બહાર કરવાના નિર્ણય પર તેમણે કહ્યું, “ઉદ્ધવ ઠાકરેનો 2022માં એકનાથ શિંદેને પક્ષમાંથી બહાર કરવાનો નિર્ણય ખોટો હતો. કારણ કે ઉદ્ધવ ઠાકરે પાસે તેનો સંવૈધાનિક અધિકાર નથી.”
નાર્વેકરે આ નિર્ણય શિવસેના પક્ષના 1999ના સંવિધાનનાં આધારે લીધો છે.
સ્પીકરે કહ્યું, “ચૂંટણી પંચ પાસે પક્ષનું વર્ષ 1999નું સંવિધાન જ છે અને વર્ષ 2018નું સંશોધન કરેલ સંવિધાન નથી. આ માટે નિર્ણય 1999ના સંવિધાન મુજબ જ થશે.”
તેમણે ઉમેર્યું કે શિવસેના પક્ષના 1999ના સંવિધાન મુજબ રાષ્ટ્રીય કાર્યકારિણીનાં સભ્યો શિવસેનાનું નેતૃત્વ કરશે. જો કે 2018નું સંવિધાન કહે છે કે પક્ષ પ્રમુખનો નિર્ણય જ પક્ષનો અંતિમ નિર્ણય રહેશે.
પક્ષનાં 2018ના સંવિધાનને અમાન્ય ગણવામાં આવ્યું છે, તેથી શિવસેનાના પક્ષ પ્રમુખ પાસે કોઈપણ વ્યક્તિને પક્ષમાંથી બહાર કરવાનો અધિકાર નથી.
રાહુલ નાર્વેકરે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરતા કહ્યું કે ઉદ્ધવ ઠાકરેનો એકનાથ શિંદેને પક્ષમાંથી બહાર કાઢવાનો નિર્ણય સ્વીકાર્ય નથી.
આ નિર્ણયથી શિંદે જૂથનાં 16 વિધાયકોને રાહત મળી છે, જ્યારે ઉદ્વવ ઠાકરે જૂથને ઝટકો લાગ્યો છે.
શિવસેના ખતમ નહીં થાય, અમે સુપ્રીમ કોર્ટ જઈશું

ઇમેજ સ્રોત, ANI
મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષનાં નિર્ણય પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે કહ્યું કે આ ભાજપનું ષડ્યંત્ર હતું.
તેમણે કહ્યું, “આ તેમનું સપનું હતું કે એક દિવસ આપણે બાળાસાહેબ ઠાકરેની શિવસેનાને ખતમ કરી નાખીશું પરંતુ શિવસેના આ નિર્ણયથી ખતમ નહીં થાય, અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.”
શિવસેના ઉદ્વવ ઠાકરે જૂથની રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે સ્પીકરનાં નિર્ણયથી તેમને કોઈ આશ્ચર્ય નથી થયું. તેમણે કહ્યું કે આ નિર્ણય આઠ મહિના પહેલાના સુપ્રીમ કોર્ટનાં આદેશની વિરુદ્ધ છે.
તેમણે કહ્યું, “બાળપણથી અમે સાંભળતા આવ્યા છીએ કે જે કાંઈપણ થાય છે તે ઇશ્વરની મંજૂરીથી જ થાય છેે. આપણો દેશ એક લોકતાંત્રિક દેશ છે એટલે અહીં જે પણ થાય છે તે સંવિધાન અનુસાર થાય છે. જો કે 2014 પછી એક નવી પરંપરા શરૂ થઈ છે, જેમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીને જે મંજૂર હોય તે જ થાય છે.”
શિંદેએ કહ્યું કે ગિરવી રાખેલાં ધનુષ-બાણ છોડાવી લીધાં

ઇમેજ સ્રોત, ANI
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ સ્પીકરનાં નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે હવે બાળાસાહેબનું ચૂંટણી ચિહ્ન તેમનું થઈ ગયું છે.
સ્પીકરનો નિર્ણય ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચે શિવસેનાનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કરી દીધું હતું.
મુખ્ય મંત્રી એકનાથ શિંદે વિધાનસભ્યોની અયોગ્યતાની સુનાવણી પહેલાં હિંગોલીમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે કહ્યું, “છેલ્લાં દોઢ વર્ષથી લોકો બાળાસાહેબની શિવસેના સાથે જોડાઈ રહ્યાં છે. જો મેં કશું ખોટું કર્યું હોત તો તમે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત હોત? આપણે ગિરવી રાખેલાં ધનુષ-બાણ છોડાવી લીધાં છે. બાળાસાહેબ અને ધર્મવીર આનંદ દિઘેનાં આશીર્વાદ આપણી સાથે છે.”












