You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાતીય સતામણીના આરોપમાં સપડાયેલા સાંસદ પ્રજ્વલ રેવન્નાની જર્મનીથી બેંગલુરુ પહોંચતા જ ધરપકડ
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી હિન્દી માટે, હાસનથી
ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને સંસદીય ચૂંટણીના ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાને સંડોવતી અશ્લીલ વીડિયો ક્લિપ્સની પેન ડ્રાઇવ જાહેર સ્થળોએ વહેંચવામાં આવ્યા બાદ 27 એપ્રિલે જર્મની જતા રહેલા પ્રજ્વલ રેવન્ના 35 દિવસ બાદ પરત ફર્યા છે.
તેમની બેંગલુરુ ઍરપૉર્ટ પરથી જ આ મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીએ ધરપકડ કરી છે. અશ્લીલ વીડિયો ક્લિપ્સની પેન ડ્રાઇવના મામલે તેમના મતવિસ્તાર હાસનમાં બેચેની ફેલાયેલી છે.
એચડી દેવગૌડાની છ દાયકા લાંબી રાજકીય કારકિર્દીમાં લગભગ પાંચ દાયકાથી કર્ણાટકનો હાસન જિલ્લો તેમનો ગઢ બની રહ્યો છે.
દેવગૌડા પ્રાદેશિક પક્ષ જનતા દળ (સેક્યુલર)ના પ્રમુખ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પક્ષના સહયોગી છે. દેવગૌડાના પૌત્ર અને વર્તમાન સંસદસભ્ય પ્રજ્વલ રેવન્ના ગઠબંધનના ઉમેદવાર છે.
આ વિસ્તારમાં દેવગૌડા પરિવારના પ્રભાવ કેટલો મોટો છે તેનો તાગ એ હકીકત પરથી પામી શકાય કે દેવગૌડાના એક પુત્ર એચડી કુમારસ્વામી બે વખત મુખ્ય મંત્રી બન્યા છે, જ્યારે બીજા પુત્ર એચડી રેવન્ના મંત્રી રહ્યા છે તથા રાજ્ય વિધાનસભાના વર્તમાન સભ્ય છે. રેવન્નાના બીજા પુત્ર સૂરજ રેવન્ના રાજ્ય વિધાન પરિષદના સભ્ય છે.
એક યુવાન દુકાનદારે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને કહ્યું હતું, “અમારા જિલ્લામાં જે થયું તેના વિશે વાત કરવી બહુ શરમજનક છે.”
“અમારા જિલ્લાનું નામ ખરાબ થયું છે”
હસન સંસદીય મતવિસ્તારમાં 26 એપ્રિલે યોજાયેલી ચૂંટણીના માત્ર ચાર દિવસ પહેલાં 21 એપ્રિલના રોજ, 2960 વીડિયો ક્લિપ્સ ધરાવતી પેન ડ્રાઈવ્સ બસ સ્ટેન્ડ્સ, પાર્ક્સ અને અન્ય સ્થળોએ મૂકવામાં આવી હતી. વિવાદ વકર્યો તે પછીના દિવસે મળસ્કે પ્રજ્વલ રેવન્ના દેશ છોડી ગયા હોવાના સમાચાર આવ્યા હતા.
સોમવારે પ્રજ્વલ જાહેરમાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેઓ ખાસ તપાસ ટુકડી (સીટ) સમક્ષ 31 મેના રોજ સવારે દસ વાગ્યે હાજર થશે. તેમણે વીડિયોમાંના જાતીય સતામણીના આક્ષેપોને “ખોટા” ગણાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વીડિયો મેસેજમાં તેમણે મહિલાઓના જાતીય સતામણીના આરોપોને “રાજકીય કાવતરું” ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે એ કારણે તેઓ “ડિપ્રેસ્ડ” હોવાથી આ બાબતે અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને અલિપ્ત થઈ ગયા હતા.
તેમણે વધુમાં કહ્યું હતું, “મતદાનના દિવસે મારી સામે કોઈ કેસ ન હતો. મારો વિદેશપ્રવાસ પૂર્વનિર્ધારિત હતો. ત્રણ દિવસ પછી હું યૂટ્યૂબ ચેનલો જોઈ રહ્યો હતો ત્યારે મને આ વિશે (જાતીય સતામણીના આરોપો) ખબર પડી હતી. મેં એસઆઈટી દ્વારા મોકલવામાં આવેલી નોંધનો જવાબ આપ્યો હતો અને મારા વકીલ મારફત એસઆઈટીને એક નોટ મોકલીને હાજર થવા માટે સાત દિવસનો સમય માગ્યો હતો.”
“મને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને મને ખાતરી છે કે હું આ કેસમાંથી સાંગોપાંગ બહાર આવીશ.”
કથિત પીડિતાઓ પૈકીની એક પોલીસ ફરિયાદમાં પ્રજ્વલ રેવન્ના પર ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો. સત્તાવાર બંગલામાં પ્રજ્વલ રેવન્નાએ તેના પર 2021ની પહેલી જાન્યુઆરીથી 2024ની 25 એપ્રિલ દરમિયાન જાતીય સતામણી કરવાનો આરોપ પણ પીડિતાએ ફરિયાદમાં મૂક્યો હતો. પીડિતાએ મૅજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું સત્તાવાર નિવેદન પણ નોંધાવ્યું હતું.
જોકે, પીડિતાનું આ પગલું પરિવારને ગમ્યું ન હતું. દાયકાઓથી જનતા દળ (સેક્યુલર)ના આ વફાદાર કાર્યકર દંપતીને હસન છોડવાની ફરજ પાડવામાં આવી હતી. તેમના પરિવારો, મિત્રો અને ભાઈ-બહેનોએ તેમની સાથેનો તમામ સંબંધ કાપી નાખ્યો હતો. કેટલાકે રેવન્નાના પરિવાર પર તેમને બચાવવાનો આક્ષેપ પણ કર્યો હતો.
એક પીડિતાના સંબંધીએ સવાલ કર્યો હતો, “તમે એમ માનો છો કે દેવગૌડા અને એચડી રેવન્ના વિવિધ સરકારી ઑફિસોમાં ફાઇલોની ગતિવિધિ પર બારીક નજર રાખતા હોય છે ત્યારે તેઓ તેમના પુત્ર અને પૌત્રની પ્રવૃત્તિથી અજાણ હશે?”
પ્રજ્વલના પિતા અને કર્ણાટકના વિધાનસભ્ય એચડી રેવન્નાને પણ પરિવારના એક ભૂતપૂર્વ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે. તેમણે આરોપોનો ઇનકાર કર્યો છે અને તેને રાજકીય ષડ્યંત્ર ગણાવ્યા છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન દેવગૌડાએ તેમના પૌત્રને આકરી ચેતવણી આપી હતી અને પોલીસ સામે હાજર થવા જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પરના એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું, “પ્રજ્વલની પ્રવૃત્તિથી હું અજાણ હતો એ વાતની ખાતરી હું લોકોને કરાવી શકતો નથી. હું તેમને એ ખાતરી પણ કરાવી શકતો નથી કે તેમનું રક્ષણ કરવાની મારી કોઈ ઇચ્છા નથી. મને તેની પ્રવૃત્તિ વિશે કોઈ માહિતી નથી અને તેના વિદેશપ્રવાસ વિશે હું કશું જાણતો નહોતો, એની ખાતરી પણ હું લોકોને કરાવી શકતો નથી. હું મારા અંતરાત્માને જવાબ આપવામાં માનું છું. મને ભગવાનમાં શ્રદ્ધા છે અને હું જાણું છું કે સર્વશક્તિમાન સચ્ચાઈ જાણે છે.”
એક અન્ય ફરિયાદકર્તાએ રાજ્ય મહિલાપંચનો સંપર્ક સાધ્યો પછી રાજ્ય સરકારે ખાસ તપાસ ટુકડીની રચના કરી હતી. કથિત જાતીય સતામણીની બે અન્ય ફરિયાદો પણ નોંધવામાં આવી છે.
જાતીય સતામણીનો શિકાર બનેલી મહિલાઓના ચહેરા બ્લર કર્યા વિના પેન ડ્રાઈવ્સ જાહેરમાં ફેંકવાને કારણે પારિવારિક સંબંધો પર માઠી અસર થઈ છે.
કાર્યકર રૂપા હસને કહ્યું હતું, “ઘણા પરિવારો જિલ્લો છોડીને ચાલ્યા ગયા છે. ઘણા સપ્તાહોથી તેમના ઘરની બહાર નીકળ્યા નથી.”
પ્રજ્વલ રેવન્નાનો પાસપૉર્ટ રદ કરવા રાજ્ય સરકારે મેની શરૂઆતમાં વડા પ્રધાનને પત્ર લખ્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નહોતી.
ભૂતપૂર્વ સરકારી વકીલ બીટી વૅંકટેશે બીબીસીને કહ્યું હતું, “સંસદીય ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે પછી જ કેન્દ્ર સરકાર કોઈ કાર્યવાહી કરશે એવું આસાનીથી ધારી શકાય.”
વિરોધ પક્ષે આ પ્રકરણની ઝાટકણી કાઢી છે.
માર્ક્સવાદી પક્ષના નેતા ધર્મેશે બીબીસીને કહ્યું હતું, “પેન ડ્રાઇવ્ઝના વિતરણ પછી દેવગૌડા જાતે તેમના પૌત્રના પ્રચાર માટે ગામડાંમાં ગયા હતા. તેઓ અજાણ હતા એવું ન કહી શકાય.”
જમીની સ્તરે શું અસર થઈ છે?
હસનના સામાન્ય રીતે મિલનસાર લોકો પેન ડ્રાઇવ્ઝ જાહેરમાં ફેંકવામાં આવ્યા પછી મોકળાશથી વાત કરતાં ખચકાય છે.
સ્થાનિક સરકારી સાયન્સ કૉલેજની બે વિદ્યાર્થિનીઓએ આ બાબતે વાત કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એ પૈકીની એકે કહ્યું હતું, “આ ઘૃણાસ્પદ છે. છોકરાઓ આ વિશે વાત કરે છે તેની અમને ખબર છે, પરંતુ અમને લાગે છે કે જે કંઈ થયું છે તેની વાત સાંભળવી એ પણ ઘૃણાસ્પદ છે.”
એક રિયલ એસ્ટેટ એજન્ટે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યુ હતું, “લોકો પોતાના ટીવી સેટ બંધ કરી દે છે, કારણ કે તેમાં આ શરમજનક પ્રકરણ જ દેખાડવામાં આવે છે. લોકો તેનાથી ત્રાસી ગયા છે. હસન અગાઉ આટલું બદનામ ક્યારેય થયું નથી.”
એક દુકાનદારે કહ્યું હતું, “પરિવારના રાજકીય પ્રભાવને લીધે પરિણામનો ડર રહે છે.”
આ માટે કોણ જવાબદાર?
સંસદીય ચૂંટણી ચાલુ હતી એ દરમિયાન આ વીડિયો ક્લિપ્સ બહાર પાડવા બાબતે પણ જબરી ચર્ચા થઈ છે.
એક ગૃહિણી માલા રવિકુમારે સવાલ કર્યો હતો, “મહિલાને બ્લૅકમેલ કરવામાં આવી હતી કે બળપ્રયોગ કરવામાં આવ્યો હતો તેની અમને કેવી રીતે ખબર હોય? આ તો રાજકારણ છે.”
જોકે, કાર્યકર રૂપા હસન માને છે કે કથિત પીડિતો પૈકીનાં મોટા ભાગનાં પક્ષના કાર્યકરો છે અને એ કારણસર પીડિતો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ગયાં નથી.
દેવગૌડા પરિવારનો પ્રભાવ
રાજ્યમાં રાજકીય રીતે શક્તિશાળી વોક્કાલિગા સમુદાયના નેતા દેવગૌડાનો હસન પર પાંચ દાયકાથી વધુ સમયથી પ્રભાવ રહ્યો છે.
દેવગૌડા 70ના દાયકાના અંતમાં કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા હતા. કર્ણાટકમાં મુખ્ય મંત્રી રામકૃષ્ણ હેગડેના વડપણ હેઠળ પ્રથમવાર બિન-કૉંગ્રેસી સરકાર રચાઈ ત્યારે દેવગૌડાને પ્રસિદ્ધિ મળી હતી.
1996માં પ્રાદેશિક પક્ષો દ્વારા રચાયેલી ગઠબંધન સરકારમાં તેઓ કર્ણાટકના મુખ્ય મંત્રીપદેથી વડા પ્રધાનપદે પહોંચ્યા ત્યારે તેમનો પ્રભાવ વધ્યો હતો. હવે તેમના પુત્ર એચડી રેવન્ના છેલ્લા બે દાયકાથી જિલ્લામાં શક્તિશાળી નેતા બન્યા છે.
જનતા દળ (સેક્યુલર)ના એક વરિષ્ઠ મહિલા કાર્યકરે બીબીસીને જણાવ્યું હતું કે પેન ડ્રાઇવ્ઝ બહાર પાડવામાં આવી એ પછી પક્ષના કાર્યકરો “ઉદાસ અને અસ્વસ્થ” હતા.
તેમણે કહ્યું હતું, “અમે બધા દેવગૌડાના વિસ્તૃત પરિવાર જેવા છીએ, પરંતુ અમારામાંથી કોઈને આવું થવાની અપેક્ષા નહોતી.”