ઈટાલીનાં વડાં પ્રધાને લીધેલો મહત્ત્વનો નિર્ણય ભારતને લાભકારક સાબિત થશે?

ઈટાલી

ઇમેજ સ્રોત, Reuters

ઈટાલીની સરકારે ચીનના બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઈ) પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીના વહીવટીતંત્રે ચીનને જણાવી દીધું છે કે ઈટાલી આ વર્ષ પૂર્ણ થતાં પહેલાં જ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જશે.

તાજેતરમાં સંયુક્ત આરબ અમિરાતમાં યોજાયેલા સીઓપી-28 સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત અનેક નેતાઓ સાથે થઈ હતી. તેમાં જ્યોર્જિયા મેલોની પણ સામેલ હતાં.

મેલોનીએ વડા પ્રધાન મોદી સાથે સેલ્ફી લીધી હતી અને તેને શેર કરતાં તેમણે નરેન્દ્ર મોદીને “સારા દોસ્ત” ગણાવ્યા હતા.

ચીનના સૌથી મહત્ત્વાકાંક્ષી વ્યાપાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બીઆરઆઈમાં 2019માં હસ્તાક્ષર કરનાર પશ્ચિમનો એકમાત્ર મુખ્ય દેશ ઈટાલી હતો.

એ સમયે અમેરિકા, યુરોપિયન સંઘ અને પશ્ચિમના અનેક દેશોએ ઈટાલીની ટીકા કરી હતી.

અમેરિકાનું કહેવું છે કે ચીન આ પ્રોજેક્ટ મારફત અનેક દેશોને “કરજની જાળમાં” ફસાવી રહ્યું છે અને તેનો ઉપયોગ પોતાના હિત માટે કરી રહ્યું છે.

ભારત માટે લાભકારક નિર્ણય?

ચીન

ઇમેજ સ્રોત, REUTERS

ઈટાલીનું બીઆરઆઈથી અલગ થવું ભારત માટે એક હકારાત્મક સમાચાર ગણવામાં આવે છે. ભારત બીઆરઆઈનો કાયમ વિરોધ કરતું રહ્યું છે. આ યોજનામાં પાકિસ્તાન પણ સામેલ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચાઈના-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર (સીપીઈસી) પણ બીઆરઆઈનો જ એક હિસ્સો છે. સીપીઈસી હેઠળ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘણું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. ભારત તેનો વિરોધ કરે છે અને કહે છે કે આ તેના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે.

બીઆરઆઈમાં ભારતને બાદ કરતાં દક્ષિણ એશિયાના અનેક દેશ સામેલ છે. પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને માલદીવ સહિતના ભારતના લગભગ તમામ પાડોશી દેશો બીઆરઆઈમાં સામેલ છે તથા તેને ભારત માટે આંચકો ગણવામાં આવે છે.

તેથી બીઆરઆઈથી ઈટાલીનું અલગ થવું ભારત માટે મોટી રાહત છે.

ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કૉરિડૉરને ચીનના બીઆરઆઈનો જવાબ ગણવામાં આવે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાયેલી જી-20 શિખર પરિષદમાં આ યોજનાનો પાયો નાખવામાં આવ્યો હતો.

આ યોજનામાં ભારત, ઇઝરાયલ, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત અને જૉર્ડન સામેલ છે. જોકે, ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને કારણે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કૉરિડૉર બાબતે સવાલ ઊઠવા લાગ્યા છે.

અગાઉ આર્જેન્ટિનાએ બ્રિક્સમાં સામેલ થવાના નિર્ણયમાંથી પાછીપાની કરી હતી. બ્રિક્સને બ્રિક્સ પ્લસમાં વિસ્તારવાની યોજના હેઠળ તેમાં સામેલ થવાનું નિમંત્રણ આર્જેન્ટિનાને પણ આપવામાં આવ્યું હતું. આર્જેન્ટિનાના આ નિર્ણયને પણ ચીન વિરુદ્ધનો ગણવામાં આવ્યો હતો.

જ્યારે ઈટાલીએ ચીન સાથે હાથ મિલાવ્યા

ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ચીન અને ઈટાલી વચ્ચેનો કરાર માર્ચ-2024માં ખતમ થઈને ઓટો-રીન્યૂ એટલે કે આપોઆપ ફરીથી અમલી બની જશે, પણ એ પહેલાં બન્ને પૈકીના એક પક્ષે બીજા પક્ષને કમસે કમ ત્રણ મહિના પહેલાં જણાવવાનું છે કે તેઓ આ કરારમાં આગળ વધવા ઇચ્છતા નથી, પરંતુ ઈટાલીએ હવે આ નિર્ણયની જાણ ચીનને કરી દીધી છે.

વડાં પ્રધાન મેલોનીએ બીઆરઆઈ પ્રોજેક્ટમાં ઈટાલીના સામેલ થવાના નિર્ણયને પાછલી સરકારની ગંભીર ભૂલ ગણાવ્યો હતો. ઈટાલી આ પ્રોજેક્ટમાંથી નીકળી જવા વિચારી રહ્યું હોવાનો સંકેત તેમણે અગાઉ પણ આપ્યો હતો.

ઈટાલીના તત્કાલીન વડા પ્રધાન ગ્યૂસેપ કોંટેએ 2019માં ચીન સાથે બીઆરઆઈ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ઈટાલીના તત્કાલીન નાણામંત્રી જિયોવાની ટ્રિયાની 2018ની ચીનની મુલાકાત બાદ ઈટાલીએ આ પ્રોજેક્ટમાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો.

જોકે, મેલોની સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે બીઆરઆઈ પ્રોજેક્ટમાંથી નીકળી જવા છતાં તે ચીન સાથે સારો સંબંધ જાળવી રાખવા ઇચ્છે છે.

ચીનમાંથી ઈટાલીની આયાત વધી

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

બીઆરઆઈ હેઠળ ચીને ઈટાલીમાં 20 અબજ યુરોનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જોકે, એ પ્રોજેક્ટનો એક નાનકડો હિસ્સો જ હમણાં પૂર્ણ થયો છે.

ચીને ગયા વર્ષે ઈટાલીને 16.4 અબજ યુરોનો માલસામાન મોકલ્યો હતો, જ્યારે 2019માં તેની નિકાસ 13 અબજ યુરોની હતી.

તેનાથી તદ્દન ઊલટી રીતે આ સમયગાળામાં ઈટાલીમાં ચીનની નિકાસ 31.7 અબજ યુરોથી વધીને 57.3 અબજ યુરોની થઈ ગઈ છે.

યુરોપિયન યુનિયનના બે સૌથી મોટા અર્થતંત્ર ફ્રાન્સ તથા જર્મની બીઆરઆઈના સભ્ય ન હોવા છતાં ચીન સાથે ઘણા મોટા પ્રમાણમાં વેપાર કરે છે.

ગયા વર્ષે વડાં પ્રધાન બન્યાં પછી મેલોનીએ તેમના પુરોગામી વડા પ્રધાનોની તુલનામાં વધારે પશ્ચિમ તથા નાટો સમર્થક નીતિ અપનાવવાની તરફેણ કરી છે.

ઈટાલીનો આ નિર્ણય યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મહત્ત્વની બેઠક પહેલાં આવી પડ્યો છે.

આ બેઠક દરમિયાન ડેર લેયેન યુરોપિયન સંઘમાં સૉલર પેનલ તથા ઇલેક્ટ્રિક મોટરકાર સહિતના સસ્તા માલસામાનનો પુરવઠો રોકવા માટે શી જિનપિંગને ચેતવણી આપે તેવી શક્યતા છે.

શું છે ચીનનો બેલ્ટ ઍન્ડ રોડ પ્રોજેક્ટ

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

બીઆરઆઈ પ્રોજેક્ટનો ખ્યાલ ઐતિહાસિક સમયગાળાના સિલ્ક રૂટને ફરીથી બનાવવાના વિચાર પર આધારિત છે. આ પ્રોજેક્ટ મારફત ચીન યુરોપ અને બીજા દેશો સાથે જોડાવા માગે છે.

ઈસવી પૂર્વે 130થી 1453 એટલે કે લગભગ 1,500 વર્ષ સુધી પૂર્વ એશિયા અને યુરોપના દેશો માટે વેપારીઓ આ જ માર્ગોનો ઉપયોગ કરતા હતા.

સિલ્ક રૂટ કોઈ એક સડક કે માર્ગ ન હતો, પરંતુ એ રસ્તાઓનું નેટવર્ક હતો અને તેની મારફત માત્ર વેપાર જ નહીં, પરંતુ સાંસ્કૃતિક આદાનપ્રદાન પણ થતું હતું.

આ ખ્યાલને હકીકતમાં બદલવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 2013માં બીઆરઆઈ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ પ્રોજેક્ટ મારફત ચીન સમગ્ર વિશ્વમાં એવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે, જેના દ્વારા માલસામાન લાવવા-લઈ જવાનું શક્ય હોય.

ચીનના ટીકાકારો માને છે કે આ મહત્ત્વાકાંક્ષી યોજના ચીનનું હથિયાર છે અને તેના દ્વારા ચીન ભૂરાજકીય અને આર્થિક પ્રભાવ વિસ્તારવાના પ્રયાસ કરી રહ્યું છે.

ચીનનો હેતુ બીઆરઆઈ મારફત સમગ્ર એશિયા અને યુરોપમાં લગભગ એક ટ્રિલિયન ડૉલરનું રોકાણ કરવાનો છે.

ચીને બીઆરઆઈ પ્રોજેક્ટમાં લગભગ 100થી વધુ દેશોને જોડ્યા છે. દુનિયાભરમાં બીઆરઆઈની લગભગ 2,600 પરિયોજનાઓ ચાલી રહી છે. આ પરિયોજનાઓ મારફત ચીને જે દેશો સાથે કરાર કર્યા છે તેમાં તે 770 અબજ ડૉલરથી વધુનું રોકાણ કરી ચૂક્યું છે.

ભારતનો વિરોધ

પાકિસ્તાનનું ગ્વાદર બંદર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનનું ગ્વાદર બંદર

ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર પણ ચીનના મહત્ત્વાકાંક્ષી બીઆરઆઈ પ્રોજેક્ટનો હિસ્સો છે. એ લગભગ 3,000 કિલોમીટર લાંબો છે, જે ચીનના ઉત્તર-પશ્ચિમથી પાકિસ્તાનના પશ્ચિમી પ્રાંત બલુચિસ્તાનમાંના ગ્વાદર બંદરને જોડે છે.

પાકિસ્તાનની મદદથી ચીન ગ્વાદર બંદરના વિકાસના પ્રયાસ પણ કરી રહ્યું છે, જેથી તે સમુદ્રમાર્ગે યુરોપ સુધી આસાનીથી માલસામાન મોકલી શકે.

ભારત શરૂઆતથી જ ચીનના આ પ્રોજેક્ટનો વિરોધ કરતું રહ્યું છે, કારણ કે એ માર્ગ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થાય છે.