COP28ના યજમાન તરીકે યુએઈએ ઑઇલ અને ગૅસના સોદા કરવાની યોજના બનાવી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેસ્ટીન રોલૅટ
- પદ, ક્લાઈમેટ એડીટર, બીબીસી ન્યૂઝ
સંયુક્ત આરબ અમિરાતે (યુએઈ) સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્લાઈમેટ વાટાઘાટોના યજમાન તરીકેની તેની ભૂમિકાનો ઉપયોગ ઑઇલ અને ગેસના સોદાઓ માટે કરવાની યોજના બનાવી હોવાનું બીબીસીને જાણવા મળ્યું છે.
15 રાષ્ટ્રો સાથે અશ્મિભૂત ઈંધણના સોદા બાબતે ચર્ચા કરવાની યોજના હોવાનું બ્રીફિંગના લીક થયેલા દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના સીઓપી28 શિખર પરિષદ માટે જવાબદાર એકમે બીબીસીને જણાવ્યું હતું કે યુએઈ પક્ષપાત કે સ્વાર્થ વગર કામ કરશે તેવી આશા છે.
યુએઈની ટીમે બિઝનેસ વાટાઘાટો માટે સીઓપી28ની બેઠકોનો ઉપયોગ કર્યો હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે “ખાનગી બેઠકો ખાનગી છે.”
બેઠકોમાં શું ચર્ચા થઈ એ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં તેમણે જણાવ્યું હતું કે “અમારું કામ આબોહવા સંબંધી અર્થપૂર્ણ મુદ્દાઓ પર કેન્દ્રિત છે.”
બીબીસી સાથે કામ કરતા સેન્ટર ફોર ક્લાયમેટ ચેન્જના સ્વતંત્ર પત્રકારોએ આ દસ્તાવેજો મેળવ્યા હતા. આ દસ્તાવેજો, યુએઈની સીઓપી28 ટીમ દ્વારા 30 નવેમ્બરથી શરૂ થનારી સીઓપી28 શિખર પરિષદ પહેલાં ઓછામાં ઓછી 27 વિદેશી સરકારો સાથેની બેઠકો માટે તૈયાર કરવામાં આવ્યા છે.
તેમાં ચીન સહિતના ચર્ચાના પ્રસ્તાવિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. ચીન કહેતું રહ્યું છે કે યુએઈની સરકારી માલિકીની કંપની ઍડનોક મોઝામ્બિક, કૅનેડા તથા ઑસ્ટ્રેલિયામાં “ઇન્ટરનેશનલ લિક્વિફાઇડ ગેસ (એલએનજી) સંબંધી તકોનું સંયુક્ત રીતે મૂલ્યાંકન કરવા તૈયાર છે.”
આ દસ્તાવેજોમાં કોલમ્બિયાના પ્રધાનને એવું જણાવવાનું સૂચન કરવામાં આવ્યું છે કે ઍડનોક કોલમ્બિયાને તેના અશ્મિભૂત ઈંધણ સંસાધનો વિકસાવવા માટે ટેકો આપવા તૈયાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં જર્મની અને ઇજિપ્ત સહિતના અન્ય 13 દેશો સાથેની ચર્ચાના મુદ્દા પણ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે એડનોક અશ્મિભૂત ઈંધણ પ્રકલ્પો વિકસાવવા એ દેશોની સરકારો સાથે કામ કરવા ઇચ્છે છે.
યુએઈ પર શું આરોપ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુએઈએ તેની સરકારી અક્ષય ઊર્જા કંપની મસ્દારના વ્યાપારી હિત માટે 20 દેશોની બેઠક પહેલાં ચર્ચાના મુદ્દા તૈયાર કર્યા છે. એ 20 દેશોમાં બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, નેધરલૅન્ડ્ઝ, બ્રાઝિલ, ચીન, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને કૅન્યાનો સમાવેશ થાય છે.
સીઓપી28 સંયુક્ત રાષ્ટ્રસંઘની આબોહવા સંબંધી વાટાઘાટોની નવીનતમ પરિષદ છે. આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘના યજમાનપદે તેનું આયોજન દુબઈમાં કરવામાં આવ્યું છે અને તેમાં પોપ તથા કિંગ ચાર્લ્સ તૃતીય સહિતના વિશ્વના 167 નેતાઓ હાજરી આપવાના છે.
આ શિખર પરિષદ, આબોહવા પરિવર્તનનો સામનો કેવી રીતે કરવો તેની ચર્ચા કરતી વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ બેઠકો પૈકીની એક છે.
સીઓપી28 વૈશ્વિક તાપમાનમાં લાંબા ગાળાના વધારેને 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી મર્યાદિત રાખવામાં મદદરૂપ થશે તેવી આશા છે. સંયુકત રાષ્ટ્રસંઘની આબોહવા વિજ્ઞાન સંસ્થાના જણાવ્યા મુજબ, આબોહવા પરિવર્તનની સૌથી માઠી અસરને ટાળવા માટે વૈશ્વિક તાપમાનમાંના વધારાને 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી મર્યાદિત રાખવો બહુ જરૂરી છે, પરંતુ એ માટે ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનમાં 2019ના સ્તરથી 2030 સુધીમાં 43 ટકા ઘટાડો કરવો પડશે.
શિખર પરિષદની તૈયારીના ભાગરૂપે યુએઈની સીઓપી28 ટીમે વિશ્વભરની સરકારો સાથે પ્રધાન સ્તરની સંખ્યાબંધ બેઠકોનં આયોજન કર્યું હતું.
આ બેઠકોનું યજમાનપદ સીઓપી28ના પ્રમુખ ડૉ. સુલતાન અલ-જાબેર કરવાના હતા. યજમાન રાષ્ટ્ર દર વર્ષે સીઓપીના પ્રમુખ તરીકે એક પ્રતિનિધિની નિમણૂંક કરે છે.
વિદેશી સરકારોના પ્રતિનિધિઓ સાથેની મુલાકાત સીઓપીના પ્રમુખની મુખ્ય જવાબદારીઓ પૈકીની એક જવાબદારી છે. પ્રમુખનું કામ વિવિધ દેશોને ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસ માટે પ્રોત્સાહિત કરવાનું પણ છે.
બીબીસીને જોવા મળેલા દસ્તાવેજો ડૉ. જાબેર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. ડૉ. જાબેર યુએઈની સરકારી માલિકીની વિરાટ કંપની ઍડનોકના અને સરકારની અક્ષય ઊર્જા કંપની મસ્દારના સીઈઓ પણ છે.
શું છે દસ્તાવેજોમાં?

ઇમેજ સ્રોત, Getty Images
દસ્તાવેજોમાં બેઠકોના ઉદ્દેશનો સારાંશ છે. તેમાં પ્રધાનો અથવા ડૉ. જાબેરની બેઠકોની અને તેમાં તેમણે, આબોહવા વાટાઘાટોને આગળ ધપાવવાના યુએઈના પ્રયાસો સંદર્ભે ક્યા મુદ્દા ઉઠાવવા જોઈએ તે સહિતની માહિતીનો સમાવેશ થાય છે.
આ દસ્તાવેજોમાં ઍડનોક અને મસ્દાર દ્વારા બે ડઝનથી વધુ દેશો સાથે ચર્ચા માટે તૈયાર કરવામાં આવેલા મુદ્દાઓ પણ છે.
લેટિન અમેરિકાની સૌથી મોટી ઑઇલ અને ગૅસ પ્રોસેસિંગ કંપની બ્રાસ્કેમમાં હિસ્સો ખરીદવાના પ્રયાસ સંદર્ભે “સહકાર અને સમર્થન” આપવા બ્રાઝિલના પર્યાવરણ પ્રધાનની મદદ માગવાની હતી. ઍડનોકે મહત્ત્વનો હિસ્સો ખરીદવા માટે આ મહિનાની શરૂઆતમાં 2.1 અબજ ડૉલરની ઓફર કરી હતી.
જર્મનીને ઍડનોકે એ જણાવવાનું હતું કે “અમે તમારા માટે એલએનજીની સપ્લાય ચાલુ રાખવા તૈયાર છીએ.”
ઍડનોકે સાઉદી અરેબિયા અને વેનેઝુએલાના ઑઇલ ઉત્પાદક દેશોને એવું જણાવવાનું સૂચન કર્યું હતું કે “કોઈ પણ દેશના કુદરતી સંસાધનોના સાતત્યસભર વિકાસ અને આબોહવા પરિવર્તન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વચ્ચે કોઈ સંઘર્ષ નથી.”
બીબીસીએ ઈ-મેલ દ્વારા થયેલો સંદેશાવ્યવહાર પણ જોયો છે. તેમાં સીઓપી28ના કર્મચારીઓને ઍડનોક તથા મસ્દારના ચર્ચાના મુદ્દાઓને બ્રીફિંગ નોટ્સમાં “કાયમ સામેલ રાખવા” જણાવવામાં આવ્યું છે. સીઓપી28ની ટીમે જણાવ્યું હતું કે આ વાત તદ્દન ખોટી છે.
ડૉ. જબેર અને તેમના સાથીઓએ વિદેશી સરકારો સાથેની સીઓપી28 બેઠકોમાં આ પૈકીના કેટલા મુદ્દા ઉઠાવ્યા હતા તે સ્પષ્ટ થયું નથી.
યુએઈની સીઓપી28 ટીમ દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં કમસેકમ એક દેશ સાથે, કમસેકમ એક વખત વ્યાપારી ચર્ચા કરવામાં આવી હોવાનું અમને જાણવા મળ્યું છે.
અલબત, 12 દેશોએ બીબીસીને જણાવ્યું હતું કે બેઠકો દરમિયાન વ્યાપારી પ્રવૃત્તિ વિશે કોઈ ચર્ચા થઈ ન હતી અથવા તો કોઈ બેઠક યોજાઈ ન હતી.
તેમાં બ્રિટનનો સમાવેશ થાય છે. બ્રિટનમાં લીક થયેલા દસ્તાવેજો દર્શાવે છે કે શેરિંગહામના દરિયા કાંઠે આવેલા વિન્ડ ફાર્મના કદ કરતાં બમણો હિસ્સો નોર્ફોકમાં મેળવવા માટે સરકારી સમર્થન મેળવવા સીઓપી28ના પ્રમુખને જણાવવામાં આવ્યું હતું. માસ્દાર નોર્ફોકેમાં ભાગીદાર છે.
સીઓપી પ્રક્રિયા દરમિયાન વ્યવસાયિક સોદાના પ્રયાસને, સીઓપીના પ્રમુખ દ્વારા આચારના અપેક્ષિત ધોરણોનો ગંભીર ભંગ માનવામાં આવે છે.
આ માપદંડો આબોહવા સંબંધી વાટાઘાટો માટે જવાબદાર સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાયમેટ ચેન્જ (યુએનએફસીસીસી) દ્વારા નક્કી કરવામાં આવે છે.
યુએનએફસીસીસીના કહેવા મુજબ, સીઓપીના પ્રમુખો અને તેમની ટીમો માટે “મુખ્ય સિદ્ધાંત નિષ્પક્ષતા પ્રત્યેની પ્રતિબદ્ધતા છે.”
તેણે બીબીસીને જણાવ્યું હતું કે સીઓપીના પ્રમુખો “પક્ષપાત, પૂર્વગ્રહ, તરફેણ, મનમરજી, અંગત હિતોની જાળવણી, અગ્રતા કે ધારણા વિના સ્વતંત્ર તથા નિષ્પક્ષ નિર્ણય કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.”
“તેમના વ્યક્તિગત વિચાર કે દૃષ્ટિકોણને કારણે, યુએનએફસીસીસીના અધિકારી તરીકે કામ કરતી વખતે સમાધાન ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાની આશા પણ તેમની પાસેથી રાખવામાં આવે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
પેરુમાં 2014માં યોજાયેલી સીઓપી20 શિખર પરિષદના વડા મૅન્યુઅલ પુલ્ગાર-વિડાલને એ વાતની ચિંતા છે કે ભરોસો ઘટવાનો અર્થ એ છે કે દુબઈમાં આબોહવા પરિવર્તન સંબંધી વાટાઘાટોમાં કોઈ પ્રગતિ નહીં થાય.
તેમણે બીબીસીને કહ્યું હતું, “સીઓપીના પ્રમુખ વિશ્વના નેતા હોય છે. તેઓ પૃથ્વી વતી સહમતિ સાધવાના પ્રયાસ કરતા હોય છે.”
“સીઓપીના કોઈ પ્રમુખ વ્યવસાયિક હિત સહિતના કોઈ ખાસ હિતના રક્ષણનો પ્રયાસ કરે તો તેનો અર્થ સીઓપીની નિષ્ફળતા એવો થઈ શકે.”
સંયુક્ત રાષ્ટ્રસંઘના આબોહવા રાજકારણના નિષ્ણાત અને શેફીલ્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માઈકલ જેકબ્ઝે બીબીસીને જણાવ્યું હતું કે સીઓપી28ની ટીમની હરકતો “આશ્ચર્યજનક રીતે દંભી” જણાય છે.
તેમણે કહ્યું હતું, “વાસ્તવમાં એ તેના કરતાં પણ વધુ ખરાબ હોય એવું હું માનું છું, કારણ કે યુએઈ આ ક્ષણે વૈશ્વિક ઉત્સર્જન ઘટાડવાની સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રક્રિયાનું કસ્ટોડિયન છે. તેમ છતાં, એ પ્રક્રિયામાં એ પોતાનાં હિતો સાધવાના પ્રયાસ કરી રહ્યું છે. તેનાથી વૈશ્વિક ઉત્સર્જનમાં વધારો થશે.”
બ્રીફિંગ દસ્તાવેજોમાં ઉલ્લેખિત સૂચિત પ્રોજેક્ટ્સમાં કેટલાક નવા ઑઇલ અને ગૅસ પ્રકલ્પો વિકસાવવાનો સમાવેશ થાય છે. વૈશ્વિક તકેદારી સંસ્થા ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ જણાવ્યું છે કે તાપમાનમાં વધારાને 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી મર્યાદિત રાખવા માટે કોઈ નવાં ગૅસ અને ઑઇલ ક્ષેત્રો વિકસાવવાં જોઈએ નહીં.
ગયા મહિને યોજાયેલી એક પત્રકાર પરિષદમાં સીઓપી28ના ડિરેક્ટર જનરલ માજિદ અલ-સુવૈદીએ જણાવ્યું હતું કે યુએઈની આબોહવા શિખર પરિષદ સંબંધી ટીમ ઍડનોક અને મસ્દાર બન્નેથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
તેમણે ઉમેર્યું હતું કે યુએનએફસીસીસી સાથેની ચર્ચામાં સીઓપી28 “સ્વતંત્રતા બાબતે એકદમ સ્પષ્ટ છે.”
સીઓપી28ની ટીમે એક નિવેદનમાં બીબીસીને જણાવ્યું હતું કે “ડૉ. સુલતાન અલ-જાબેર સીઓપી28ના નિયુક્ત પ્રમુખ તરીકેની તેમની ભૂમિકા ઉપરાંત અનેક સ્વતંત્ર હોદ્દા ધરાવે છે તે જગજાહેર છે અને અમે શરૂઆતથી જ પારદર્શક રહ્યા છીએ.”
નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે “ડૉ. જાબેરનું ધ્યાન સીઓપીના કામકાજ અને સીઓપી28માં આબોહવા સંબંધી મહત્ત્વાકાંક્ષી અને પરિવર્તનકારી લક્ષ્યાંકો હાંસલ કરવા પર કેન્દ્રિત છે. આબોહવા સંબંધી અર્થપૂર્ણ પગલાં લેવા પર તેમનું ધ્યાન નથી, એમ કહેવું ખોટું છે.”
આ આરોપો ગંભીર છે, પરંતુ નિષ્ણાતો કહે છે તેમ, આબોહવા સંબંધી વાટાઘાટોમાં યુએઈના નેતૃત્વની અને સીઓપી28ના પ્રમુખની સફળતાનો નિર્ણય શિખર પરિષદના પરિણામ દ્વારા થશે.
સીઓપી28 શિખર પરિષદ 12 ડિસેમ્બરે પૂર્ણ થવાની છે.
(પૂરક માહિતીઃ એડમ એલી અને સોફી વૂડકોક)












