You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખાનગી કોચિંગ સેન્ટરમાં 16 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે, બીજા નવા નિયમો શું છે?
ભારતમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા કોચિંગ સેન્ટર માટે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન્સની જાહેરાત કરી છે.
આ નિયમો વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને ફીના નિયમનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.
સરકારે આ નિયમો ઘડતી વખતે વિદ્યાર્થીઓની આત્મહત્યા, વર્ગખંડોમાં આગની ઘટનાઓ અને સુવિધાઓના અભાવ જેવા મુદ્દાઓને પણ ધ્યાનમાં લીધા છે.
આ પ્રસંગે કેન્દ્ર સરકારે ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ખાનગી કોચિંગ સેન્ટરોના મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે.
કેન્દ્ર સરકારે પોતાના પરિપત્રમાં કહ્યું છે કે કોઈ નિયમનના અભાવે દેશમાં ગેરકાયદેસર ખાનગી કોચિંગ સેન્ટરો વધી રહ્યા છે.
ગાઇડલાઇન્સ અનુસાર આવાં કેન્દ્રો વિદ્યાર્થીઓ પાસેથી વધુ પડતી ફી વસૂલ કરે છે અને વિદ્યાર્થીઓ પર આત્મહત્યા કરવા દબાણ કરે છે. આ મુદ્દાઓ પર ઘણી ચર્ચા થઈ રહી છે અને સંસદમાં ઘણા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે નિયમો ઘડ્યા છે.
ખાનગી કોચિંગ સેન્ટરો માટે શું છે નવા નિયમો?
કેન્દ્ર સરકારે તેમના આદેશોમાં ફીના નિયમો, વર્ગખંડ (બિલ્ડિંગ), શિક્ષણ પદ્ધતિઓ, શિક્ષકો, વર્ગોની જાહેરાતની સ્પષ્ટતા કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યાનો ઉલ્લેખ પ્રૉસ્પેક્ટસમાં અને વેબસાઇટ પર હોવો આવશ્યક છે.
કોચિંગ સંસ્થાઓ વર્ગો શરૂ થયા પછી કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારી શકશે નહીં. કોચિંગ સેન્ટરો પાસે શિક્ષકોની લાયકાત, અભ્યાસક્રમની વિગતો, અભ્યાસક્રમ પૂરો થવાનો સમયગાળો, હોસ્ટેલની સુવિધા, ફી સહિતની વેબસાઇટ હોવી જોઈએ.
કોઈ પણ કોચિંગ ક્લાસમાં ભણાવતા શિક્ષકોની લઘુતમ શૈક્ષણિક લાયકાત સ્નાતકની હોવી જોઈએ.
માધ્યમિક શાળા પરીક્ષા (SSC) પછી જ વિદ્યાર્થી પોતાનાં નામોની નોંધણી ખાનગી કોચિંગ સેન્ટરોમાં કરાવી શકે છે. આ ઉપરાંત 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
કોચિંગ સેન્ટરોએ વિદ્યાર્થીઓને અગાઉથી જાણ કરવી જોઈએ કે પરીક્ષાઓ કેટલી અઘરી છે અને અભ્યાસક્રમ શું છે? અને અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની તૈયારી કેવી રીતે કરવી?
વિદ્યાર્થીઓને શૈક્ષણિક વાતાવરણ, શાળાની પરીક્ષાઓની તૈયારી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વિશે જાગૃત કરવા જોઈએ.
એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ ઉપરાંત અન્ય કારકિર્દીના વિકલ્પો પણ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવા જોઈએ. જેથી વિદ્યાર્થીઓ કોઈ પણ દબાણ વગર અન્ય વૈકલ્પિક કારકિર્દી પસંદ કરી શકે.
વિદ્યાર્થીઓની ક્ષમતા ચકાસવા માટે પહેલાં મૉક ટેસ્ટનું આયોજન કરવું જોઈએ. ખાનગી કોચિંગ સંસ્થાઓએ વિદ્યાર્થીનાં માતા-પિતાને તેમની ક્ષમતાઓ અને અપેક્ષાઓ વિશે જાણકારી આપવી જોઈએ.
વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતાને જાગરૂક કરવા જોઈએ કે ખાનગી કોચિંગ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવો એ એન્જિનિયરિંગ, મેડિકલ, કાનૂન કે સંચાલન કે અન્ય પરીક્ષાઓમાં સફળતાની ગૅરંટી નથી.
કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે મનોચિકિત્સકો સાથે નિયમિત વર્કશૉપ અને સત્રોનું આયોજન કરવું જોઈએ.
કોચિંગ સંસ્થાઓએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અભ્યાસક્રમનો સમયગાળો અને કોચિંગ ક્લાસમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે જાણ કરવી જોઈએ.
માતા-પિતાએ પણ પોતાનાં બાળકો સાથે અપેક્ષાઓનાં ભારણ અને તણાવ વિશે ચર્ચા કરવી જોઈએ.
કોચિંગ સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવેલા ટેસ્ટનાં પરિણામો બહાર જાહેર ન કરવા જોઈએ.
ટેસ્ટનાં પરિણામોને ગુપ્ત રાખવા અને તેનો ઉપયોગ વિદ્યાર્થીઓની ક્ષમતાનું નિયમિત મૂલ્યાંકન કરવા માટે થવો જોઈએ.
જે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક પ્રદર્શન ખરાબ થઈ રહ્યું છે તેમને નિર્ધારિત માપદંડો અનુસાર કાઉન્સિલિંગ મળવું જોઈએ.
કોચિંગ સંસ્થાઓ માટે ફીની જોગવાઈઓ
દરેક પાઠ્યક્રમો માટે રાખવામાં આવેલી ફી પારદર્શક અને યોગ્ય હોવી જોઈએ. કોચિંગ સંસ્થાએ વિદ્યાર્થીઓને ફી ભર્યા બાદ રસીદ આપવાની રહેશે.
જો કોઈ વિદ્યાર્થી અભ્યાસક્રમ અધવચ્ચે જ છોડી દે છે, તો કોચિંગ ક્લાસ 'પ્રો-રોટા' ધોરણે 10 દિવસની અંદર બાકીની રકમ પરત કરશે. જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલ અને મેસની ફી પણ પાછી કરવી જોઈએ.
વિદ્યાર્થીનું એકવાર નામ નોંધાયા પછી તેમની ફી અને કોર્સમાં કોઈ વધારો થવો જોઈએ નહીં. કોચિંગ ક્લાસ બિલ્ડિંગમાં 'ફાયર સેફ્ટી કોડ' અને 'બિલ્ડિંગ સેફ્ટી કોડ'નું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
વિદ્યાર્થીઓને મદદ કરવા માટે કોચિંગ સેન્ટરોમાં મૂળભૂત સારવાર કિટ અને તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવી જોઈએ.
કોચિંગ સેન્ટરની બિલ્ડિંગમાં દરેક વર્ગખંડમાં વેન્ટિલેશન હોવું જોઈએ. વર્ગખંડો બહારના અવાજ અને ગરમીથી સુરક્ષિત હોવા જોઈએ. કોચિંગ સંસ્થાએ વર્ગખંડમાં જરૂરી સૂર્યપ્રકાશ મળે તેની ખાતરી કરવી જોઈએ.
આ ઉપરાંત કોચિંગ ક્લાસમાં પીવાના પાણીની સુવિધા, ફરિયાદ પેટી, સીસીટીવી કૅમેરા, પુરૂષો અને મહિલાઓ માટે અલગ-અલગ શૌચાલય જેવી સુવિધાઓ હોવી જોઈએ.