આપ નેતા સંજય સિંહે છ મહિના બાદ જેલમાંથી બહાર આવીને શું કહ્યું?

કથિત શરાબનીતિ કૌભાંડમાં પકડાયેલા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ જામીન પર બહાર આવી ગયા છે.

દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે આ અંગે કહ્યું કે, "સંજય સિંહ હમણાં જ જેલમાંથી બહાર આવ્યા છે. હજારો કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું. સંજય સિંહે કાર પર ચઢીને કાર્યકર્તાઓને એક વાત કહી. આ ખુશી વ્યક્ત કરવાનો નહીં, આ સંઘર્ષનો સમય છે."

તેમણે કહ્યું, "હજી આપણા ત્રણ મોટા નેતા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં છે. જ્યાર સુધી એ લોકો બહાર નહીં આવે, ત્યાર સુધી આપણે ઊજવીશું નહીં. આ સંઘર્ષ કરવાનો સમય છે."

તેઓ બોલ્યા, "હજુ અમારા ત્રણ મોટા નેતા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અન સત્યેન્દ્ર જૈન જેલની અંદર છે, જ્યાર સુધી એ લોકો નહીં છૂટે ત્યાર સુધી ખુશી નહીં મનાવીએ. જેલનાં તાળાં તૂટશે..."

સંજય સિંહ ઑક્ટોબર 2023થી જેલમાં બંધ હતા. ઈડીની ટીમે સંજયસિંહને દિલ્હીના શરાબનીતિ સાથે સંકળાયેલા કથિત ગોટાળાના કેસમાં ધરપકડ કરી હતી.

સંજય સિંહને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા.

જેલની બહાર આવ્યા પછી સંજય સિંહે કહ્યું, "અમારી પાર્ટીના સૌથી મોટા નેતા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈનને જેલના સળિયા પાછળ રાખવામાં આવ્યા છે. મને પૂર્ણ ભરોસો છે કે જેલનાં તાળાં તૂટશે...એટલે હું કહેવા માગીશ કે જશ્ન મનાવવાનો સમય નથી, સંઘર્ષનો સમય છે."

સંજય સિંહના જેલમાંથી બહાર આવ્યા બાદ ભાજપે પણ પ્રતિક્રિયા આપી હતી.

દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, "ભ્રષ્ટાચારી પાર્ટીના એક નેતા જો જામીન પર બહાર આવે છે અને તેની ઉજવણી કરે તો તેનાથી તેમની વિચારસરણી સમજી શકાય છે."

તેમણે કહ્યું કે, "જામીન પર બહાર આવવું અપરાધમુક્ત થવું નથી. જામીન મળે છે તો જામીન ખતમ પણ થાય છે. આરોપી અથવા ગુનેગારને તેના નિયમોનું પાલન પણ કરવાનું હોય છે."

સચદેવાએ કહ્યું કે, "મારું માનવું છે કે શરાબનીતિ કૌભાંડ એક બહુ મોટું કૌભાંડ છે. એ કૌભાંડમાં જેટલા લોકો છે, બધાની ભૂમિકાની તપાસ થવી જોઈએ."

રાહુલ ગાંધીએ વાયનાડથી લોકસભાનું ઉમેદવારીપત્રક ભર્યા બાદ શું કહ્યું?

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્રક ભર્યું છે. આ સમયે તેમનાં બહેન પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત હતાં.

અહીંથી વર્ષ 2019માં રાહુલ ગાંધી જીતીને લોકસભા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં તેના પર હજુ રહસ્ય છે. કૉંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠક પરથી ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં નથી.

રાહુલ ગાંધીએ ઉમેદવારીપત્રક ભર્યા બાદ કહ્યું કે, "આ લડાઈ લોકશાહી અને બંધારણને બચાવવા માટે છે. એક તરફ કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન બંધારણ માટે લડી રહ્યા છે. બીજી તરફ, વડા પ્રધાન મોદી, અમિત શાહ, ભાજપ અને આરએસએસના લોક લોકશાહી અને બંધારણને ખતમ કરવામાં લાગ્યા છે."

રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડતા આવ્યા છે. પરંતુ 2019માં તેમને ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ હરાવ્યા હતા.

રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી ચૂંટણી લડતાં આવ્યાં છે. હવે આ વખતે કૉંગ્રેસ અહીંથી કોને ઉતારે છે તેના પર નજર રહેલી છે. સોનિયા ગાંધીએ સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. મનાય છે કે રાયબરેલીથી પ્રિયંકા ગાંધીને ટિકિટ મળી શકે છે.

રૂપાલા વિવાદ : અમદાવાદમાં ક્ષત્રિયોની બેઠક, રાજકોટમાં પણ લાગ્યાં વિરોધનાં પોસ્ટરો

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીનો વિવાદ દિવસે-દિવસે વકરતો જાય છે. આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની એક બેઠક મળી રહી છે અને ત્યારબાદ તેઓ ભાજપની નેતાગીરી સાથે પણ એક બેઠક કરશે.

સુરેન્દ્રનગર બાદ હવે રાજકોટના કેટલાક વિસ્તારમાં પણ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ કરતાં પોસ્ટર લાગ્યાં છે.

બીજી તરફ રૂપાલાની ઉમેદવારીને હઠાવવાની માગ પણ ઉગ્ર બની રહી છે. આજે ક્ષત્રિય સમાજનાં મહિલા આગેવાન પદ્મિનીબા વાળા રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ પર બેસી ગયાં છે.

જોકે, અમદાવાદ ખાતે ભાજપના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી રહી છે તેમાં ભાગ લેવા માટે પદ્મિનીબા વાળા અમદાવાદ જવા માટે નીકળી ગયા છે.

બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરિખ જણાવે છે કે, “રૂપાલાની ઉમેદવારીનો વિરોધ કરવા રાજકોટમાંથી ક્ષત્રિય સમાજના 300-350 લોકો લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. આજે મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલા દિલ્હી હાઇકમાનને મળશે. ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે પોતાનો અહેવાલ આપી દીધો છે. દિલ્હી ખાતે આ અંગેની ચર્ચા કરવા ગુજરાત ભાજપના નેતાઓ ગુજરાતભવન ખાતે મળી રહ્યા છે.”

કેજરીવાલના જેલમાંથી સરકાર ચલાવવા પર હાઇકોર્ટે ઈડીને શું કહ્યું?

દિલ્હી હાઇકોર્ટે મંગળવારે પ્રવર્તમાન નિદેશાલય એટલે કે ઈડીને કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના સીએમ રહેતાં જેલમાંથી આદેશ આપે તો તે મામલે પોતાનો જવાબ વિશેષ જજને સોંપે.

દિલ્હીના મુખ્ય મંત્રી દિલ્હીની શરાબ નીતિ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં જેલમાં છે.

દિલ્હી હાઇકોર્ટના કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહનની બૅંચે કહ્યું કે વિશેષ જજને જરૂર પડે તો કાયદા મુજબ આદેશ આપવાનો નિર્દેશ આપવામાં આવે છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે અરજીકર્તાના અધિકારક્ષેત્ર પર કોઈ ટિપ્પણી નથી કરી.

આ સાથે કોર્ટે એ અરજી ફગાવી દીધી જેમાં અરવિંદ કેજરીવાલને જેલમાં રહેતા મુખ્ય મંત્રી તરીકે આદેશ આપવા પર રોક લગાવવાની માગ કરવામાં આવી હતી.

અરવિંદ કેજરીવાલ આ સમયે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તેઓ જેલમાં રહીને સરકાર ચલાવશે.

જેલમાં રહેતાં કેજરીવાલે પાણીવિભાગ સાથે જોડાયેલો એક આદેશ જારી કર્યો હતો. તેમણે વિભાગના અધિકારીઓને ગરમી આવવા પહેલાં પાણીની યોગ્ય વ્યવસ્થા કરવાનો નિર્દેશ કર્યો હતો.

કચ્છતીવુ પર સ્ટાલિનનો મોદીને સવાલ

તામિલનાડુના મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિને મંગળવારે બીજીપી પર પલટવાર કરતાં કહ્યું છે કે કચ્છતીવુ પર ભાજપ ‘કલાબાજી’ કરે છે.

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલ કરતા કહ્યું, “વડા પ્રધાનની એ હિંમત નથી કે તેઓ આ સવાલ શ્રીલંકાને પૂછે કે માછીમારોને કેમ પકડી લેવામાં આવે છે, એની નિંદા કરે. ન તેઓ ચીનને અરુણાચલ પ્રદેશ પર કંઈ કહી શકે છે ન તો તેઓ કચ્છતીવુ પર શ્રીલંકાને કંઈ કહી શકે છે.”

સત્તારુઢ ડીએમકેના અધ્યક્ષ સ્ટાલિને એક ચૂંટણીની રેલીમાં કહ્યું કે વડા પ્રધાન કચ્છતીવુ વિવાદ પર ‘નાટક’ કરે છે અને ‘વાર્તા’ઓ કહે છે. તેમની સરકારે આરટીઆઈ અંતર્ગત ‘ખોટી માહિતી’ આપી.

તેમણે વડા પ્રધાનને પૂછ્યું કે "દસ વર્ષથી તમારી સરકાર છે તો આ દસ વર્ષમાં તમે શું કર્યું?"

સ્ટાલિને એ પણ કહ્યું કે સરકારે આરટીઆઈ અંતર્ગત એ માહિતી છુપાવી છે કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે અને 2015માં મોદી સરકારે પણ કહ્યું હતું કે કચ્છતીવુ ક્યારેય ભારતનો ભાગ નહોતું અને આ જાણકારી એસ. જયશંકરે આપી હતી જે તત્કાલીન વિદેશ સચિવ હતા.

તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી નજીક છે એટલે ભાજપ પોતાની ઇચ્છાનુસાર જાણકારી બદલી નાખે છે.