You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અદાણી જૂથ પર 'છેતરપિંડી'નો આરોપ, હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટનો શું છે વિવાદ?
24 જાન્યુઆરીના રોજ પ્રકાશિત પોતાના એક રિપોર્ટમાં અમેરિકાની ફાઇનાન્સિયલ ફોરેન્સિક કંપની હિંડનબર્ગ રિસર્ચે આરોપ લગાવ્યો હતો કે અદાણી સમૂહ માર્કેટની ‘ખૂબ મોટી હેરફેર’ અને ‘ઍકાઉન્ટિંગ ફ્રૉડ સ્કીમ’માં સામેલ છે.
આ આરોપ અંગેનો રિપોર્ટ સામે આવતાં જ અદાણી જૂથ ફરી એક વાર વિવાદમાં સપડાયું છે.
જોકે, જૂથે આ આરોપો નકારી કાઢ્યા હતા અને ગુરુવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેઓ હિંડનબર્ગ રિસર્ચ સામે કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.
હવે આ મામલે હિંડનબર્ગ રિસર્ચે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેઓ કોઈ પણ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર છે.
આ સમગ્ર મામલો હવે ચર્ચાનો મુદ્દો બન્યો છે. એ પહેલાં જાણીએ કે સમગ્ર વિવાદ શું છે?
રિપોર્ટમાં આરોપ અને અદાણીનો ખુલાસો
મંગળવારે છપાયેલા એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે 218 બિલિયન ડૉલરવાળું અદાણી સમૂહ ‘કારોબારી ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી’ કરી રહ્યું છે.
અમેરિકાની ફાઇનાન્સિયલ ફોરેન્સિક કંપની હિંડનબર્ગ રિસર્ચના આરોપો મામલે જવાબ આપતાં અદાણી સમૂહે બુધવારે કહ્યું હતું કે, “અમને આઘાત લાગ્યો છે કે હિંડનબર્ગ રિસર્ચે અમારાથી સંપર્ક કરવાનો કે તથ્યોને તપાસવાની કોશિશ કર્યા વગર 24 જાન્યુઆરી, 2023ના રોજ એક રિપોર્ટ છાપ્યો છે.”
“આ રિપોર્ટ અમુક ખોટી જાણકારીઓ જૂના, નિરાધાર અને બદનામ કરવા માટે લગાવાયેલ આરોપોનું એક દુર્ભાવનાપૂર્ણ સંયોજન છે જેને ભારતનાં ઉચ્ચતમ ન્યાયાલયોએ તપાસ્યા અને ફગાવી દીધા છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“રિપોર્ટના પ્રકાશન સમયે સ્પષ્ટપણે ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા એફપીઓ, અદાણી એન્ટરપ્રાઇઝના આગામી ફૉલો-ઑન પબ્લિક ઑફરિંગને નુકસાન પહોંચાડવાના હેતુ સાથે અદાણી સમૂહની પ્રતિષ્ઠાને નબળી પાડવાના એક ખુલ્લા અને દુર્ભાવનાપૂર્ણ ઇરાદાને દર્શાવે છે.”
આ નિવેદન બાદ અદાણી જૂથે ગુરુવારે ફરી એક વાર નિવેદન જાહેર કરીને આ મામલે જણાવ્યું હતું કે, “24 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગ રિસર્ચના દ્વારા દુર્ભાવનાપૂર્ણ અને સંશોધન વગર પ્રકાશિત કરાયેલ રિપોર્ટે અદાણી સમૂહ, અમારા શૅરધારકો અને રોકાણકારોને પર પ્રતિકૂળ અસર કરી છે.”
“રિપોર્ટના કારણે ભારતીય શૅરબજારોમાં અસ્થિરતા અત્યંત ચિંતાનો વિષય છે અને આના કારણે ભારતીય નાગરિકો વગર કારણે પરેશાન થયા છે.”
“સ્પષ્ટપણે, રિપોર્ટ અને તેની નિરાધાર સામગ્રી અદાણી સમૂહની કંપનીઓના શૅરની કિંમતો પર પ્રતિકૂળ અસર થાય તે માટે ડિઝાઇન કરાયાં હતાં, કારણ કે હિંડનબર્ગ રિસર્ચે જાતે માન્યું છે કે અદાણીના શૅરમાં ઘટાડાથી તેને ફાયદો થશે.”
“રોકાણકારો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવા, અદાણી સમૂહ અને તેના અધિકારીઓની પ્રતિષ્ઠા ઘટાડવા અને અદાણી એફપીઓ (ફૉલો-ઑન પબ્લિક ઑફરિંગ)ને નુકસાન પહોંચાડવા માટે એક વિદેશી એકમ દ્વારા જાણીજોઈને બેદરકારીથી કરાયેલા પ્રયાસથી અમે અત્યંત પરેશાન છીએ.”
“અમે હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી માટે અમેરિકન અને ભારતીય કાયદા અંતર્ગત પ્રાસંગિક જોગવાઈઓનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.”
હિંડનબર્ગ રિસર્ચની પ્રતિક્રિયા
હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ અદાણી સમૂહે કાયદાકીય કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યા બાદ હિંડનબર્ગ રિસર્ચે કહ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર છે.
તેમણે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, “અમારો રિપોર્ટ આવ્યા બાદ પાછલા 36 કલાકમાં અદાણીએ કોઈ પણ ગંભીર મુદ્દાને લઈને જવાબ આપ્યો નથી. અમે રિપોર્ટના નિષ્કર્ષમાં 88 સટીક સવાલો પૂછ્યા હતા જે અમારા અનુસાર કંપનીને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાની તક આપે છે.”
“અત્યાર સુધી અદાણીએ એક પણ જવાબ નથી આપ્યો. સાથે જ જેવી કે આશા હતી અદાણીએ ધમકીનો રસ્તો પસંદ કર્યો. મીડિયાને આપેલ એક નિવેદનમાં અદાણીએ અમારી 106 પાનાંની, 32 હજાર શબ્દોની અને 720 કરતાં વધુ ઉદાહરણોવાળી, બે વર્ષના ગાળામાં તૈયાર કરાયેલ રિપોર્ટને ‘વગર રિસર્ચનો’ ગણાવ્યો અને કહ્યું કે તેઓ અમારા વિરુદ્ધ ‘દંડાત્મક કાર્યવાહી માટે અમેરિકન અને ભારતીય કાયદા અંતર્ગત લાગતીવળગતી જોગવાઈઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે.’”
“જો કંપની દ્વારા કાનૂની ધમકીની વાત કરવામાં આવે, તો અમે એવું જણાવી દેવા માગીએ છીએ કે અમે તેનું સ્વાગત કરીશું. અમે અમારા રિપોર્ટ પર સંપૂર્ણપણે અડગ છીએ અને અમારા વિરુદ્ધ ઉઠાવાયેલ કાયદાકીય પગલાં આધારહીન હશે.”
“જો અદાણી ગંભીર છે, તો તેમણે આ કેસ અમેરિકામાં દાખલ કરવો જોઈએ. દસ્તાવેજોની એક લાંબી યાદી છે જેની કાનૂનીપ્રક્રિયા દરમિયાન અમે માગણી કરીશું.”