'ઊંઘના છૂટાછેડા' શું છે? જેમાં પતિ-પત્ની એકસાથે નહીં પરંતુ જુદા-જુદા રૂમમાં સૂવે છે

    • લેેખક, ફર્નાન્ડા પૌલ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

બે પૈકીની એક વ્યક્તિ જોરથી નસકોરાં બોલાવતી હોય ત્યારે ઘણા યુગલો અલગ-અલગ રૂમમાં સૂવાનું નક્કી કરે છે.

આ બધું કોવિડ-19 મહામારી પછી શરૂ થયું છે.

નસકોરાંનો અવાજ અસહ્ય બની ગયો હતો અને સેસિલિયા ઊંઘી શકતાં ન હતાં. તેઓ તેમના સાથીને પડખું ફરીને સૂવા દબાણ કરતાં હતાં, જેથી તેમના નસકોરાં બંધ થાય, પરંતુ તે વ્યર્થ હતું.

35 વર્ષનાં સેસિલિયા વધારે સહન કરી શકે તેમ ન હતાં. આખરે તેમણે નક્કી કર્યું હતું કે તેઓ તેમના પાર્ટનર સાથે એક રૂમમાં ઊંઘશે નહીં.

લંડન ખાતેના પોતાના ઘરેથી બીબીસી સાથે વાત કરતાં સેસિલિયાએ કહ્યું હતું, "હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી ન હતી. આખો દિવસ થાકેલી રહેતી હતી. થોડી રાતો સુધી તે સહન થઈ શકે, પરંતુ લાંબા સમય સુધી તે સહન કરવું શક્ય નથી."

તેમણે ઉમેર્યું હતું, "આ પસંદગી સરળ ન હતી. અમારા હૈયામાં થોડી પીડા થઈ હતી, પરંતુ અમે અલગ-અલગ ઊંઘી શકીએ એ સમજાયું ત્યારે હું રાજી થઈ હતી."

સેસિલિયા અને તેમના 43 વર્ષના પાર્ટનરે ‘સ્લીપ ડિવોર્સ’ નામની પ્રથા અપનાવી છે.

અમેરિકાની મેક્લીન હૉસ્પિટલના મનોચિકિત્સક સ્ટેફની કોલિયર કહે છે, "સ્લીપ ડિવોર્સ સામાન્ય રીતે કંઈક એવું છે, જે અસ્થાયી રૂપે કરવામાં આવે છે, પરંતુ પછી યુગલોને સમજાય છે કે તેઓ એકલા હોય ત્યારે વધારે સારી રીતે ઊંઘી શકે છે."

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "સામાન્ય રીતે તેનાં કારણો સ્વાસ્થ્ય સાથે સંકળાયેલાં હોય છે. વ્યક્તિ નસકોરાં લેતી હોવાથી, તેના પગ અસ્વસ્થ હોવાને લીધે, ઊંઘમાં ચાલવાની બીમારીને લીધે અથવા તબીબી કારણોસર બાથરૂમ જવું પડતું હોવાને કારણે તેવું થાય છે. એવા લોકો જે પડખાં ફેરવતા રહે છે અને તેનાથી તેમના જીવનસાથીને તકલીફ થાય છે."

તેઓ ઉમેરે છે, "આ ટ્રેન્ડ નિશ્ચિત રીતે વધુ લોકપ્રિય બની રહ્યો છે."

યુવાઓમાં વધતો ક્રેઝ

જાણીતાં અમેરિકન અભિનેત્રી કેમરન ડિયાઝે ‘લિપસ્ટિક ઑન ધ રિમ’ પોડકાસ્ટમાં ગયા વર્ષના અંતે જણાવ્યું હતું કે તેઓ અને તેમના પતિ એક રૂમમાં સૂતાં નથી.

તેમણે ઉમેર્યું હતું, "મને લાગે છે કે આપણે અલગ બેડરૂમમાં સૂવાની બાબતને સામાન્ય ગણવાની જરૂર છે."

આ ઘટસ્ફોટને પગલે સોશિયલ મીડિયા પર હજારો પ્રતિક્રિયાઓ આવી હતી અને મીડિયામાં હજારો લેખો લખાયા હતા. હોલીવુડ સ્ટારનો કિસ્સો અલગ નથી.

અમેરિકન એકૅડેમી ઑફ સ્લીપ મેડિસિન(એએએસએમ)ના 2023ના એક અભ્યાસ અનુસાર, આ અભ્યાસમાં ભાગ લેનારા 33 ટકાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે સારી રીતે ઊંઘવા માટે તેઓ અને તેમના પાર્ટનર્સ ક્યારેક અથવા તો નિયમિત રીતે અલગ-અલગ રૂમમાં સૂવે છે.

સંશોધન દર્શાવે છે કે આ વલણ મિલેનિયલ્સ (એટલે હાલની 28થી 42 વર્ષની વય વચ્ચેની પેઢી)માં વધારે જોવા મળે છે. તેમના પૈકીના 43 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે તેઓ તેમના જીવનસાથીથી દૂર, અલગ રૂમમાં ઊંઘે છે.

એ પછીના ક્રમે જનરેશન ઍક્સ (એટલે કે 1965થી 1980ની વચ્ચે જન્મેલા)ના 33 ટકા, ત્યાર બાદ જનરેશન ઝેડ (એટલે કે 1997થી 2012ની વચ્ચે જન્મેલા)ના 28 ટકા અને છેલ્લે બેબી બૂમર્સ (એટલે કે 1946થી 1964 વચ્ચે જન્મેલા)ના 22 ટકા લોકો આવે છે.

ડૉ. કોલિયર કહે છે, "યુવા પેઢી આવું શા માટે કરે છે તેનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ કેટલીક ધારણા છે. એક તો એ કે અલગ-અલગ ઊંઘવું એ કલંકરૂપ ગણાતું નથી. તે સાંસ્કૃતિક પરિવર્તન છે. તેઓ વિચારતા હોય છે કે હું સારી રીતે ઊંઘીશ તો મને સારું લાગશે. તો પછી અલગ શા માટે ન ઊંઘવું?"

આ વિચાર સમગ્ર ઇતિહાસમાં બદલાયો છે.

કેટલાક ઇતિહાસકારો સૂચવે છે કે ‘મેટ્રોમૉનિયલ બેડ’ (અથવા ડબલ બેડ) એ આધુનિક ખ્યાલ છે અને ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન લોકો વધુ વસ્તીવાળા વિસ્તારોમાં રહેતા થયા ત્યારથી તેનો ઉપયોગ વધ્યો હતો, પરંતુ 19મી સદી પહેલાં વિવાહિત યુગલો માટે અલગ-અલગ સૂવું તે સામાન્ય હતું.

ચિલીની મેડિકલ સ્કૂલ ઑફ કેથોલિક યુનિવર્સિટીના સોમ્નોલૉજિસ્ટ પાબ્લો બ્રોકમેન કહે છે, "સામાજિક-આર્થિક સ્તર વધવાની સાથે તે વધુ સામાન્ય બન્યું હતું. રાજવી પરિવારના સભ્યો કેવી રીતે ઊંઘતા હતા તેની આપણને ખબર છે."

અલગ સૂવાથી શું કોઈ લાભ ખરો?

અલગ-અલગ રૂમમાં સૂવાનું નક્કી કરવાથી યુગલોને ઘણા લાભ થતા હોવાની વાત સાથે ઘણા નિષ્ણાતો સંમત છે.

ડૉ. કોલિયર કહે છે, "મુખ્ય લાભ તો એ છે કે તેઓ નિયમિત અને ગાઢ ઊંઘ લઈ શકે છે. સારી ઊંઘ એકંદર સુખાકારી માટે જરૂરી છે."

તેઓ ઉમેરે છે, "કોઈ વ્યક્તિ સારી રીતે ઊંઘી ન શકે તો તેની રોગપ્રતિકારક શક્તિથી માંડીને તેના શારીરિક કાર્યો પર માઠી અસર થાય છે. એ ઉપરાંત તેમને ઝડપથી ગુસ્સો આવે છે અને તેમની ધીરજ ઘટી જાય છે. તેમને અમુક પ્રકારનું ડિપ્રેશન પણ આવી શકે છે."

મનોચિકિત્સકો માને છે કે સ્લીપ ડિવોર્સથી સ્વસ્થ સંબંધ જાળવી રાખવામાં પણ મદદ મળે છે.

ડૉ. કોલિયરના કહેવા મુજબ, "સારી રીતે આરામ ન કરતા યુગલો વચ્ચે વધારે દલીલબાજી થાય છે, તેઓ ચીડિયા બની જાય છે અને સહભાવ ગુમાવી બેસે છે, એ આપણે જાણીએ છીએ."

આ વાત સાથે પલ્મોનોલૉજિસ્ટ અને એએએસએમના પ્રવક્તા સીમા ખોસલા સહમત થાય છે.

એએએસએમએ સ્લીપ ડિવોર્સ બાબતે સંશોધન શરૂ કર્યું ત્યારે તેમણે નોંધ્યું હતું, "અપૂરતી ઊંઘ આપણો મૂડ બગાડી શકે છે અને ઊંઘથી વંચિત લોકો તેમના પાર્ટનર્સ સાથે વધારે દલીલબાજી કરે તેવી શક્યતા હોય છે, એ આપણે જાણીએ છીએ. ઊંઘમાં વિક્ષેપ કરતા વ્યક્તિ પ્રત્યે થોડો રોષ આવે છે, જે સંબંધને નકારાત્મક અસર કરી શકે છે."

તેઓ ઉમેરે છે, "રાતે સારી રીતે ઊંઘવું એ સ્વાસ્થ્ય અને સુખાકારી બન્ને માટે મહત્ત્વપૂર્ણ છે. તેથી કેટલાક યુગલો તેમની એકંદર સુખાકારી માટે અલગ-અલગ ઊંઘવાનું પસંદ કરે છે તે આશ્ચર્યની વાત નથી."

પોતાના વર્તમાન જીવનસાથીથી અલગ સૂવાને લીધે સેસિલિયાનું જીવન બદલાઈ ગયું છે.

સેસિલિયા કહે છે, "તે વધારે આરામદાયક છે. વધુ સારી ઊંઘ લઈ શકાય, પથારીમાં વધારે મોકળાશ હોય અને બીજી વ્યક્તિ પરેશાન કર્યા વિના પડખાં ફેરવી શકાય એ હકીકત છે."

"એ ઉપરાંત તમારો પાર્ટનર ઊઠે ત્યારે તમારે ઊઠવું પડતું નથી. વાસ્તવમાં તમારે જાગવું હોય ત્યારે જાગી શકો છો."

અલગ સૂવાના ગેરલાભ શું છે?

દેખીતો ગેરલાભ એ છે કે અલગ સૂવા માટે વધારાના પલંગ અને સંભવતઃ વધારાના રૂમની જરૂર પડે છે. તેથી ઘણા યુગલો માટે આ વિકલ્પ ઉપયોગી નથી.

આવું શક્ય હોય તો પણ આ નિર્ણયની કેટલીક નકારાત્મક અસર પણ થઈ શકે છે. નિષ્ણાતોના કહેવા મુજબ, ઘણા યુગલોને આત્મીયતા ગુમાવવાની ચિંતા થાય છે.

સેસિલિયા કહે છે, "મારા જીવનસાથી જોડેના સંબંધમાં કશુંક બદલાયું હોય તેવું મને લાગે છે. સંબંધ પર, આત્મીયતા પર અસર થાય છે, પરંતુ તે બહુ ગંભીર બાબત નથી. મને લાગે છે કે અલગ ઊંઘવાના ફાયદા વધારે છે."

ડૉ. કોલિયરના જણાવ્યા મુજબ, ફૂલ-ટાઇમ કામ કરતા અનેક લોકો ઊંઘવા જાય તે ક્ષણે જ તેમના જીવનસાથી જોડે કનેક્ટ થાય છે. એમ ડૉ. કોલિયર કહે છે, "તેથી એક સચોટ વિકલ્પ સાથે વિતાવેલા સમયને શ્રેષ્ઠતમ બનાવવાનો છે."

દરમિયાન, ડૉ. બ્રૉકમેન જણાવે છે કે આ સ્લીપ ડિવોર્સ બધા યુગલો માટે કારગત નથી.

તેઓ કહે છે, "એક દંપતિ તરીકે સાથે ઊંઘવાના અમુક જૈવિક લાભ છે. ઘણા લોકો માટે કનેક્શન સપનામાં જનરેટ થાય છે. માનવજાતિમાં આ આદિમ બાબત છે. દાખલા તરીકે, માતા અને તેના સંતાન વચ્ચેનું જોડાણ સ્તનપાન દરમિયાન દ્રઢ બને છે તથા તેમનું નિંદ્રાચક્ર સમાન હોય છે. તેથી બન્નેને આરામ મળે છે."

ડૉ. બ્રૉકમેન કહે છે, "વધારે સારી ઊંઘ લઈ શકાય એટલા માટે વર્ષોથી સાથે સુતા લોકો હોવાનું પણ અભ્યાસો દર્શાવે છે. તેનાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે."

નિષ્ણાતોના કહેવા મુજબ, કોઈ દંપતી સ્લીપ ડિવોર્સ અજમાવવાનું નકકી કરે તો તેમણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈ.

ડૉ. કોલિયર કહે છે, "બેમાંથી એક વ્યક્તિ જ આવું ઈચ્છતી હોય ત્યારે એ ઉપયોગી નથી અને તેનાથી નારાજગી સર્જાઈ શકે છે."

નકેટલાક લોકોને એકલા સૂવું ગમતું નથી. તેમને ખરાબ લાગે છે. તેથી તેમણે સમાન ભૂમિકા બાબતે, બંને સહમત હોય તેવા નિર્ણય વિશે વિચારવું પડે છે."

આ વાત સાથે સહમત થતાં ડૉ બ્રૉકમેન કહે છે, "જે વ્યક્તિ માટે નસકોરાં કે બેચેન પગ સમસ્યા હોય તેના માટે મુશ્કેલ હોઈ શકે, કારણ કે ઘણા લોકોને અલગ-અલગ પથારીમાં સૂવું ગમતું નથી. સામાન્ય રીતે પુરુષો એ માટે વધુ અચકાતા હોય છે."

અભ્યાસો સૂચવે છે કે ખાસ કરીને કેટલાક દેશોમાં આ ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે.

બ્રિટનમાં નેશનલ બેડ ફેડરેશનને જાણવા મળ્યું હતું કે 2020માં સાથે રહેતા યુગલો પૈકીના પ્રત્યેક છમાંથી એક યુગલ (15 ટકા) અલગ-અલગ સૂતા હતા. 10 પૈકીના નવ (89 ટકા) અલગ-અલગ રૂમમાં ઊંઘતા હતા.

ધ સ્લીપ કાઉન્સિલના 2009ના સર્વેક્ષણમાં જાણવા મળ્યુ હતું કે પ્રત્યેક 10માંથી એક યુગલ (સાત ટકા) પાસે અલગ બેડ્સ હતા. "તે સૂચવે છે કે છેલ્લા દાયકામાં અલગ-અલગ સૂવાનો દર લગભગ બમણો થયો છે," એવું ધ નેશનલ બેડ ફેડરેશનને જાણવા મળ્યું હતું.

કોણ, ક્યાં સૂવે છે તેના સંદર્ભમાં વધુને વધુ લોકો રાતની સારી ઊંઘને અગ્રતા આપી રહ્યા હોય એવું લાગે છે.

(સેસિલિયા એક ઉપનામ છે, કારણ કે તેઓ તેમની ઓળખ જાહેર કરવા ઇચ્છતાં નથી)