સોનું રેકૉર્ડ સ્તરે મોંઘું, કોણ જવાબદાર, પડદા પાછળ શું ચાલી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સોનાનો ભાવ કદાચ આટલો ઊંચો પહેલાં ક્યારેય નહીં ગયો હોય.
જે લોકોએ થોડા મહિના પહેલાં સોનાના દાગીના ખરીદ્યા હતા અથવા સોનામાં રોકાણ કર્યું હતું તેમને પસ્તાવો થઈ રહ્યો છે કે કાશ તેમણે વધુ સોનું ખરીદ્યું હોત.
જે લોકો સોનું ખરીદી શક્યા નથી તેઓ પૂછી રહ્યા છે કે શું ભાવ આ રીતે વધતો રહેશે?
શું તમે પણ એવું વિચારી રહ્યા છો કે સોનાના દાગીના ખરીદવા એ સારો વિચાર છે કે પછી ગોલ્ડ ETFમાં રોકાણ કરવું એ સમજદારીભર્યું છે?
સોનાના ભાવમાં હાલના વધારાને જોતાં, તેની માંગ ટૂંક સમયમાં ઘટવાના કોઈ સંકેત નથી. શું સોનાની માગ ખરેખર વધી છે? શું આની પાછળ કોઈ બીજું કારણ છે?
ગોલ્ડ ETF શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના ડેટા અનુસાર, વિશ્વભરની સેન્ટ્રલ બૅન્કો તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે, અને વિશ્વભરના લોકો ગોલ્ડ ETF (ઍક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ) માં વધુને વધુ રોકાણ કરી રહ્યા છે.
સપ્ટેમ્બરમાં ગોલ્ડ ETFમાં રેકૉર્ડબ્રેક રોકાણ જોવા મળ્યું હતું. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગોલ્ડ ETFમાં પણ રેકૉર્ડ રોકાણ જોવા મળ્યું.
સોનાના ભાવ કેમ વધી રહ્યા છે તે જાણતા પહેલાં ચાલો એ પણ શીખીએ કે ગોલ્ડ ETF શું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોલ્ડ ETF ને ડિજિટલ ગોલ્ડ પણ કહી શકાય.
ગોલ્ડ ETF એ મ્યુચ્યુઅલ ફંડ જેવું છે. તે 99.5 ટકા શુદ્ધ સોનાની કિંમત પર નજર રાખે છે. દરેક યુનિટની કિંમત લગભગ એક ગ્રામ સોના જેટલી હોય છે.
તેનું શેર બજારમાં ટ્રેડિંગ થઈ શકે છે.
ગોલ્ડ ETF માં રોકાણ કરવા માટે ડીમેટ ઍકાઉન્ટ જરૂરી છે. આ શેરબજાર દ્વારા ખરીદવામાં અને વેચવામાં આવે છે.
શેરબજાર ટ્રેડિંગ દરમિયાન તેના ગમે ત્યારે યુનિટ્સ ખરીદી અને વેચી શકાય છે.
જો તમે ડીમેટ ઍકાઉન્ટ વિના સોનામાં સરળતાથી રોકાણ કરવા માંગતા હો, તો ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ ગણાય છે.
ગોલ્ડ ETFમાં રેકૉર્ડ રોકાણ
માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં, સામાન્ય રોકાણકારો ETF દ્વારા સોનામાં રોકાણ કરી રહ્યા છે.
જુલાઈ-સપ્ટેમ્બરના ક્વાર્ટર દરમિયાન ગોલ્ડ ETFમાં લગભગ 26 અબજ ડૉલર (રૂ. 2,30,816 કરોડ)નું રોકાણ નોંધાયું હતું.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન અમેરિકનોએ 16 અબજ ડૉલર (રૂ. 1.42 લાખ કરોડ) મૂલ્યના ગોલ્ડ ETF ખરીદ્યા હતા, યુરોપિયનોએ લગભગ આઠ અબજ ડૉલર (રૂ. 71,038 કરોડ) અને ભારતીયોએ 902 મિલિયન ડૉલર કે લગભગ 8000 કરોડ મૂલ્યના ETF ખરીદ્યા હતા.
એશિયાની દૃષ્ટિએ, ચીન 602 મિલિયન ડૉલરની ખરીદી સાથે બીજા સ્થાને રહ્યું, ત્યાર બાદ જાપાનનો ક્રમ (415 મિલિયન ડૉલર) આવે છે.
વિશ્વભરમાં ગોલ્ડ ETFનું કુલ મૂલ્ય 472 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે, જે પાછલા ક્વાર્ટર કરતા 23 ટકા વધુ છે.
કહેવાની જરૂર નથી કે આ ગોલ્ડ ETF નું મૂલ્ય વિશ્વના ઘણા દેશોના GDP કરતાં વધારે છે.
શું સોનામાં રોકાણ કરવું સલામત છે?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતો કહે છે કે સોનાના રોકાણ પર આટલી તેજીના કેટલાંક કારણોમાં ટ્રમ્પની ટેરિફ નીતિઓ, રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં તણાવને કારણે વિશ્વભરમાં રોકાણકારોની ગણતરીઓમાં ગડબડનો સમાવેશ થાય છે.
ડૉલર નબળો પડી રહ્યો છે. અમેરિકામાં તાજેતરમાં થયેલા શટડાઉનથી ડૉલરની સ્થિતિ વધુ નબળી પડી છે.
યુએસ સેન્ટ્રલ બૅન્કે વ્યાજદરમાં 25 બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો છે, અને નિષ્ણાતો વર્ષના અંત સુધીમાં વધુ ઘટાડાની અપેક્ષા રાખે છે.
આનો અર્થ એ થયો કે શેરબજારમાં અસ્થિરતા હોઈ શકે છે. આવી પરિસ્થિતિઓમાં, લોકો સોનામાં રોકાણ કરવાનું સુરક્ષિત અનુભવે છે, જેનાથી તેની લોકપ્રિયતા વધે છે.
સેન્ટ્રલ બૅન્કો તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે
વિશ્વભરની મધ્યસ્થ બૅન્કો સોનું ખરીદી રહી છે. આ બીજું એક કારણ છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, ઑગસ્ટમાં કેન્દ્રીય બૅન્કોએ 15 ટન સોનું ખરીદ્યું હતું.
આશ્ચર્યજનક વાત એ છે કે કઝાકિસ્તાન, બલ્ગેરિયા અને અલ સાલ્વાડોર જેવા દેશો સોનાની ખરીદીની યાદીમાં ટોચ પર છે. જે દેશોએ તેમના સોનાના ભંડારમાં વધારો કર્યો છે તેમાં ભારત, ચીન અને કતારનો સમાવેશ થાય છે.
જ્યારે સોનાના ભંડારની વાત આવે છે, ત્યારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના વાર્ષિક આંકડા અનુસાર, ડિસેમ્બર 2024 સુધીમાં અમેરિકા 8,133 ટન સોનાના ભંડાર સાથે વિશ્વમાં આગળ છે. જર્મની 3,351 ટન સાથે બીજા સ્થાને છે, ઇટાલી ત્રીજા સ્થાને છે, ફ્રાન્સ ચોથા સ્થાને છે અને ચીન 2,280 ટન સાથે પાંચમા સ્થાને છે.
ભારત 876 ટન સાથે આ યાદીમાં આઠમા ક્રમે છે.
શું કોઈએ સોનામાં રોકાણ કરીને પૈસા ગુમાવ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
રોકાણકારોમાં સોના પ્રત્યેના હાલના ક્રેઝને જોતાં, એવું માનવું મુશ્કેલ છે કે ભૂતકાળમાં સોનામાં રોકાણ કરવાથી નુકસાન થયું હોય તેવા કોઈ કિસ્સા બન્યા હોય.
છેલ્લાં 20 વર્ષમાં સોનાના ભાવ પર નજર કરીએ તો, ફક્ત ચાર કૅલેન્ડર વર્ષ એવાં રહ્યાં છે જ્યારે સોનાના ભાવમાં ઘટાડો થયો હોય અને રોકાણકારોને થોડું નુકસાન થયું હોય.
2013માં સોનાના ભાવમાં 4.50 ટકાનો ઘટાડો થયો હતો. 2014માં તેમાં 7.9 ટકા, 2015માં 6.65 ટકા અને 2021માં 4.21 ટકાનો ઘટાડો થયો હતો. આ સમય દરમિયાન રોકાણકારોને થોડું નુકસાન થયું હતું.
શું નજીકના ભવિષ્યમાં સોનાના ભાવ ઘટશે?
શું સોનાના ભાવ વધતા રહેશે કે પછી ઘટવા લાગશે? આ જ ચર્ચા હાલ બધે ચાલી રહી છે.
ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે 2026 ના બીજા છ મહિનાના અંત સુધીમાં સોનાના ભાવમાં વધુ છ ટકાનો વધારો થઈ શકે છે.
નિષ્ણાતો માટે પણ આ વિશે પર ચોક્કસપણે કંઈ કહેવું મુશ્કેલ છે.
પરંતુ લોકો જે રીતે ગોલ્ડ ETF તરફ વળી રહ્યા છે તે જોતાં ચોક્કસપણે કહી શકાય કે સોનામાં તેમનો વિશ્વાસ પહેલાં કરતાં વધુ વધ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












