ભારત-ઇયુ વેપાર સંધિ : લક્ઝરી કારથી માંડીને ચૉકલેટ સુધી આ વસ્તુ સસ્તી થશે

ઇમેજ સ્રોત, EPA/Shutterstock
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે લાંબી વાતચીત પછી આખરે વેપાર સંધિ થઈ છે.
અમેરિકાએ ભારત પર આકરા ટેરિફ ઝીંક્યા છે ત્યારે યુરોપિયન યુનિયન સાથે ભારતની વેપાર સંધિથી બંને પક્ષને ફાયદો થશે તેવો દાવો કરવામાં આવે છે.
ભારતે યુરોપથી આયાત કરવામાં આવતી મોંઘી લક્ઝરી કાર પરની ઇમ્પૉર્ટ ડ્યૂટી તો ઘટાડી જ છે. જેના કારણે ઇયુમાં ઉત્પાદિત કાર સસ્તી થવાની છે. આ ઉપરાંત બીજી કેટલીક ચીજોના ભાવ પણ ઘટશે.
ભારત-ઇયુ ટ્રેડ ડીલથી કઈ ચીજોના ભાવ ઘટશે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે યુરોપિયન યુનિયનથી આયાત કરવામાં આવતી જે વસ્તુઓ પર ડ્યૂટી ઘટાડવા સહમતિ વ્યક્ત કરી છે, તેમાં વાઇન, ઓલિવ ઑઇલ અને પ્રોસેસ્ડ ફૂડનો પણ સમાવેશ થાય છે. તેથી આગામી દિવસોમાં ભારતમાં આ વસ્તુઓ સસ્તી થાય તેવી શક્યતા છે.
રૉયટર્સના અહેવાલ પ્રમાણે ઇયુમાંથી આયાત કરવામાં આવતી કાર પરની ડ્યૂટી 110 ટકાથી ઘટીને દસ ટકા કરવામાં આવશે. આ ઘટાડો દસ વર્ષમાં તબક્કાવાર લાગુ થશે.
ઇયુમાંથી કરવામાં આવતી મોટા ભાગની આયાત પરના ટેરિફ રદ કરવામાં આવ્યા છે, જેમાં મશીનરી, ઇલેક્ટ્રિકલ ઉપકરણો, રસાયણો અને દવાઓ સામેલ છે.
હાલમાં ઇયુથી આયાત થતી મશીનરી પર 44 ટકા ડ્યૂટી લાગે છે. જ્યારે રસાયણો પર 22 ટકા અને ફાર્માસ્યુટિકલ્સ પર 11 ટકા ડ્યૂટી લાગે છે. આ ડ્યૂટી સંપૂર્ણપણે ખતમ કરવામાં આવશે.
ડીલ લાગુ થતાની સાથે ઇયુ ભારતના 90 ટકા માલ પરના ટેરિફ ખતમ કરી દેશે જ્યારે ભારત ઇયુના 30 ટકા માલ પર શૂન્ય ટકા ટેરિફ કરી નાખશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત સાથે આ કરારને કારણે ઇયુની કંપનીઓ વર્ષે લગભગ 4.74 અબજ ડૉલરની બચત કરી શકશે.
ચૉકલેટ પણ સસ્તા ભાવે મળશે

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે રાજકીય રીતે સંવેદનશીલ ગણાતા કૃષિ ઉત્પાદનોને આ ડીલમાંથી બહાર રાખ્યા છે. તેથી યુરોપમાંથી તેની સસ્તી આયાત નહીં કરી શકાય.
એટલે કે ચોખા, ખાંડ અને માંસ જેવી ચીજોને પણ આ ડીલમાંથી બાકાત રાખવામાં આવી છે.
છતાં કેટલીક ચીજોના ભાવ ઘટવાના છે જેમાં ચોકલેટ પણ સામેલ છે.
વાઇન પર હાલમાં 150 ટકા ટેરિફ લાગે છે જે ઘટાડીને 75 ટકા કરવામાં આવશે. ધીમે ધીમે તેને 20 ટકા પર લઈ જવાશે.
શરાબ પર 150 ટકા સુધી ટેરિફ છે તે સાત વર્ષની અંદર ઘટાડીને 40 ટકા કરવામાં આવશે.
બિયર પર 110 ટકા ટેરિફ છે જે આગામી સમયમાં ઘટીને 50 ટકા થઈ જશે.
ઓલિવ ઑઇલ પર ટેરિફ 45 ટકાથી ઘટીને પાંચ વર્ષમાં શૂન્ય ટકા થઈ જશે.
પ્રોસેસ્ડ ખેત પેદાશો પરના ટેરિફ 50 ટકાથી ઘટાડીને સાવ ખતમ કરવામાં આવશે. તેના કારણે ઇયુમાં ઉત્પાદિત બ્રેડ અને મીઠાઈઓ સસ્તી થશે.
વિદેશથી આવતાં ફળોના જ્યૂસ અને નૉન-આલ્કોહૉલિક બિયર પર 55 ટકા ટેરિફ લગાવાય છે, જે શૂન્ય થઈ જશે.
આ ઉપરાંત ઘેંટાના માંસ પરનો ટેરિફ 33 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવશે. પરિણામે આયાતી માંસ સસ્તું થશે.
કઈ કઈ વસ્તુઓને બાકાત રખાઈ
ભારતે ઈયુ સાથેની ટ્રેડ ડીલમાં બીફ, ચિકનનું માંસ, ખાંડ અને ચોખાને બાકાત રાખ્યાં છે. પૉલ્ટ્રી આઇટમોના ટેરિફમાં પણ કોઈ ઘટાડો નથી કરાયો.
આ કરારની સાથે ઇયુએ ભારત માટે પોતાના 144 સર્વિસના પેટા સેક્ટરને ખુલ્લા મૂક્યા છે. જ્યારે ભારતે 102 પેટા સેક્ટરમાં ઇયુ માટે દરવાજા ખોલ્યા છે.
તેના કારણે ફાઇનાન્શિયલ, મેરીટાઇમ, ટેલિકોમ સહિતના સેક્ટરમાં ઇયુની કંપનીઓ પ્રવેશી શકશે.
યુરોપિયન યુનિયન માટે મોટી સફળતા

ઇમેજ સ્રોત, Narendra Modi/X
ઇયુ માટે આ ડીલ મોટી સિદ્ધિ સમાન છે, કારણ કે તેમના માટે ભારતનું 1.45 અબજ લોકોનું માર્કેટ ખૂલી જશે. 2032 સુધીમાં ભારતમાં ઇયુના માલની નિકાસ બમણી થવાનો અંદાજ છે, જેમાં હાલમાં આઠ લાખ લોકોને રોજગારી મળે છે. ઇયુની કંપનીઓને અત્યાર સુધી ભારતમાં નિકાસ કરવામાં લગભગ ચાર અબજ યુરોની ડ્યૂટી ભરવી પડતી હતી, તેમાંથી તેમને મુક્તિ મળશે.
મશીનરી અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો એ ઇયુની ભારતમાં સૌથી મોટી નિકાસ હતી અને તેના પર ટેરિફ ઝીરો થઈ જવાના કારણે ઇયુની કંપનીઓને બહુ મોટો ફાયદો થશે. ખાસ કરીને ઍરક્રાફ્ટ, રસાયણો, પ્લાસ્ટિક, લોખંડ, સ્ટીલ, મેડિકલ ઉપકરણો અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે ઇયુની કંપનીઓને ભારતમાં વિશાળ બજાર મળશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












