બંગાળી ભાષી મુસલમાનોને કથિત રીતે 'મિયાં' કહેવા બદલ મુખ્ય મંત્રી હિમંત સામે ફરિયાદ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
લેખક અને સામાજિક કાર્યકર હર્ષ મંડરે આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ 27 જાન્યુઆરીએ હિમંતા બિસ્વા સરમાએ આપેલા એક નિવેદન પર આધારિત છે. તેમનાં નિવેદનો મુદ્દે કથિત રીતે એવું કહેવાય છે કે તેઓ આસામમાં બંગાળી ભાષી મુસલમાનો સામે નફરત, ઉત્પીડન અને ભેદભાવને પ્રોત્સાહન આપી રહ્યા છે.
લેખક હર્ષ મંડરે નવી દિલ્હીના હૌઝ ખાસ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા અને એફઆઇઆર નોંધવાની માગ કરી છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, "27 જાન્યુઆરીએ, આસામના તિનસુકિયા જિલ્લાના દિગબોઈમાં એક સત્તાવાર કાર્યક્રમ દરમિયાન મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ બંગાળી ભાષી મુસલમાનો અંગે 'મિયાં' શબ્દનો ઉપયોગ કર્યો હતો અને એવાં નિવેદનો આપ્યાં, જેનાથી ઉત્પીડન, સામાજિક ભેદભાવ અને મતદારયાદીમાંથી તેમનાં નામ દૂર કરવાને પ્રબલન મળે છે."
આસામમાં 'મિયાં' શબ્દ સામાન્ય રીતે બંગાળી ભાષી મુસલમાનો માટે 'અપમાનજનક' અર્થમાં ઉપયોગમાં લેવાય છે.
મુખ્ય મંત્રીની સ્પષ્ટતા
ગત દિવસોમાં હિમંત બિસ્વા સરમાએ તેમનાં નિવેદનોમાં 'મિયાં' શબ્દનો ઉપયોગ કર્યો હતો. જોકે, તેમણે ગુરુવારે તેમનાં નિવેદનો પર સ્પષ્ટતા આપી.
પત્રકારો સાથે વાત કરતી વખતે એક પત્રકારે તેમને પૂછ્યું, "શું તમારા 'મિયાં' બોલવાથી વિરોધીઓ સંતુષ્ટ નથી?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આના પર હિમંત બિસ્વા સરમાએ કહ્યું, "આમાં અસંતોષ થવા જેવું શું છે? બાંગ્લાદેશથી આવેલા લોકો પોતાને જ 'મિયાં' કહે છે. મેં આ નામ આપ્યું નથી. તેમણે પોતે જ આ નામ આપ્યું છે. તેઓ પોતે કહે છે કે તેમને 'મિયાં' કહેવા જોઈએ."
આસામના મુખ્ય મંત્રીના આ જવાબ પર પ્રતિક્રિયા આપતા એક પત્રકારે કહ્યું, 'વિરોધીઓનું કહેવું કે હિમંત બિસ્વા સરમામા માત્ર 'મિયાં, મિયાં' કરે છે.'
તો સરમાએ કહ્યું, "જો હું 'મિયાં, મિયાં' કહી રહ્યો છું, તેઓ પણ 'અસમિયા, અસમિયા' કહે, આમાં વાંધો શું છે?"
સુપ્રીમ કોર્ટે ભેદભાવ અટકાવવા માટેના યુજીસીના નિયમો પર રોક લગાવી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટીઓ તથા કૉલેજોમાં ભેદભાવને અટકાવવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો ઉપર ગુરુવારે રોક લગાવી દીધી હતી. છેલ્લા કેટલાક સમયથી આ નિયમોનો વિરોધ થઈ રહ્યો હતો.
બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દારના જણાવ્યા પ્રમાણે, સુપ્રીમ કોર્ટે અવલોક્યું છે કે "યુજીસીના પ્રમોશન ઑફ ઇક્વિટી રેગ્યુલેશન્સ 2026'માં પ્રથમ નજરે જોતા અસ્પષ્ટતા જણાય છે તથા તેના દુરુપયોગની આશંકા છે.
સર્વોચ્ચ અદાલતે આ નિયમોને ફરીથી ઘડવા કેન્દ્ર સરકારને કહ્યું છે, આવું ન થાય ત્યાં સુધી આ નિયમો ઉપર સ્ટે રહેશે.
યુજીસીએ તા. 13 જાન્યુઆરી 2026ના રોજ ભારતની કૉલેજો તથા યુનિવર્સિટીઓમાં ભેદભાવ અટકાવવા માટે નવા નિયમ બહાર પાડ્યા હતા.
નવા નિયમોએ વર્ષ 2012માં બહાર પાડવામાં આવેલા નિયમોનું સ્થાન લીધું હતું.
યુજીસીના નવા નિયમોને પડકારનાર અરજદારોએ દલીલ આપી હતી કે નવા નિયમો કેટલાક સમાજોને અલગ પાડી દેનાર છે. થોડા સમય માટે ચાલેલી સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ મુદ્દા સાથે સંકળાયેલા બંધારણીય તથા કાયદાકીય સવાલોની છણાવટ કરવાની બાકી છે.
મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે નવા નિયમોમાં "અસ્પષ્ટતા" છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે.
તેમણે ભારતના સૉલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે તેઓ કોર્ટને નિષ્ણાતોની સમિતિનું સૂચન કરે, જે આ મુદ્દે છણાવટ કરે. મુખ્ય ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે યુજીસીએ આ અરજીઓ ઉપર જવાબ આપવો જોઈએ.
મુખ્ય ન્યાયાધીશોએ મૌખિક રીતે એવું પણ કહ્યું હતું કે એવું પ્રતીત થાય છે કે નવા નિયમોનો મુસદ્દો તૈયાર કરતી વખતે કેટલાંક પાસાંને અવગણવામાં આવ્યાં હતાં.
આ અંગે તા. 19 માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રોહિત વેમુલાનાં માતા દ્વારા વર્ષ 2012ના યુજીસી નિયમોને પડકાર આપતી અરજીની સાથે સાંભળવામાં આવશે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારના દીકરા પાર્થ અને જયે મુખાગ્નિ આપ્યો

ઇમેજ સ્રોત, ANI
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારના પાર્થિવ દેહના બરામતીસ્થિત વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
દીકરા પાર્થ તથા જય પવારે મુખાગ્નિ આપ્યો હતો. અનેક નેતા, મોટી સંખ્યામાં મંત્રી અને સામાન્ય લોકો 'દાદા' તરીકે ઓળખાતા અજિત પવારને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા.
અજિત પવારનાં પત્ની અને રાજ્યસભાનાં સાંસદ સુનેત્રા પવારે પોતાના પતિને શ્રદ્ધાંજલિ આપી.
એ પછી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદે, અભિનેતા રિતેશ દેશમુખે પણ અજિત પવારને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સંવેદના વ્યક્ત કરી હતી.
અજિત પવારના અંતિમ સંસ્કાર: સુપ્રિયા સૂલેએ ભાભી સુનેત્રાને આશ્વાસન આપ્યું, અનેક રાજનેતા પહોંચ્યા

ઇમેજ સ્રોત, ANI
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ ખાતે ઍમ્બુલન્સમાં લાવવામાં આવ્યો છે.
જ્યાં આગામી કલાકોમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસના રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી છે.
અહીં એનસીપીનાં (એસપી) નેતા સુપ્રિયા સૂલે તેમનાં ભાભી સુનેત્રાને (અજિત પવારનાં પત્ની) સાંત્વના આપતાં નજરે પડ્યાં હતાં.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિન, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી નીતિન ગડકરી, એનસીપીના (એસપી) વડા અને અજિત પવારના કાકા શરદ પવાર, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા કૉંગ્રેસના નેતા સુશીલકુમાર શિંદે તથા કૉંગ્રેસનાં સાંસદ પ્રણિતી શિંદે પણ વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યાં છે.
આ સિવાય મોટી સંખ્યામાં સ્થાનિકો અજિત પવારના અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા હતા, જેમણે 'અજિત દાદા અમર રહે' જેવા નારા લગાવ્યા હતા.
બીજી બાજુ, ડીજીસીએ તથા ફોરેન્સિક ટીમના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય મંત્રી અજિત પવારના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારના અંતિમ સંસ્કાર બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ ખાતે હાથ ધરવામાં આવશે.
અહીં ગુરુવારે સવારે 11 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જેની તૈયારીઓ વહેલી સવારથી ચાલુ થઈ ગઈ હતી.
મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસના રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન રાષ્ટ્રધ્વજને અડધી કાઠી ફરકાવવામાં આવશે.
બુધવારે ઍરપૉર્ટ ઉપર લૅન્ડિંગ સમયે વિમાન અકસ્માતમાં અજિત પવાર ઉપરાંત ચાર અન્યોનાં મૃત્યુ થયાં હતાં.
અજિત પવારનું પ્લેન ક્રૅશમાં મૃત્યુ: પાઇલટ અને એટીસી વચ્ચે છેલ્લે શું વાત થઈ હતી?

ઇમેજ સ્રોત, ANI
બારામતી ખાતે ઍરપૉર્ટ ઉપર ઉતરાણ સમયે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં તેમના સિવાય ચાર અન્યનાં મૃત્યુ થયાં છે.
ત્યારે પીઆઇબીનું (પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો) એક નિવેદન બહાર પાડ્યું છે. જે મુજબ, બારામતી અનકંટ્રૉલ્ડ ઍરફિલ્ડ છે. અહીં ટ્રાફિક વિશેની માહિતી બારામતીસ્થિત ફ્લાઇંગ ટ્રેનિંગ ઑર્ગેનાઇઝેશનના ઇન્સ્ટ્રક્ટર કે પાઇલટ આપે છે.
ડીજીસીએ (ડાયરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન) દ્વારા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ ઉપર એક વિસ્તૃત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવ્યા મુજબ -
એટીસી (ઍર ટ્રાફિક કંટ્રોલર) સંભાળી રહેલી વ્યક્તિના નિવેદન મુજબ, તા. 28 જાન્યુઆરી 2026ના રોજ વિમાન VI-SSKએ સવારે 8:18 કલાકે પહેલી વખત બારામતીનો સંપર્ક સાધ્યો હતો.
એ પછી વિમાન બારામતીથી 30 નોટિકલ માઇલ દૂર હતું, ત્યારે પહેલી વખત કૉલ કર્યો હતો. ત્યારે તેને પુણે એપ્રોચથી રિલીઝ કરવામાં આવ્યું હતું.
પાઇલટને તેમના વિવેક મુજબ, વિઝ્યુઅલ તથા મેટ્રોલૉજિકલ સ્થિતિ જોઈને ઉતરાણ કરવાની સલાહ આપવામાં આવી હતી.
ક્રૂ દ્વારા હવા અને વિઝિબિલિટી વિશે માહિતી માગવામાં આવી હતી. તેમને જણાવવામાં આવ્યું કે હવા શાંત છે અને વિઝિબિલિટી ત્રણ હજાર મીટર છે.
એ પછી વિમાને રનવે ઇલેવન ઉપર ફાઇનલ એપ્રોચની માહિતી આપી. જોકે, ક્રૂને રનવે દેખાતો ન હતો. પહેલાં એપ્રોચમાં તેમણે ગો-અરાઉન્ડ કર્યું.
ગો-અરાઉન્ડ બાદ વિમાનને તેની પોઝિશન પૂછવામાં આવી. ક્રૂએ ફરી રનવે ઇલેવનના ફાઇનલ એપ્રોચ તરફ અગ્રેસર હોવાની માહિતી આપી.
તેમને રનવે દેખાય એટલે સૂચના આપવા માટે કહેવામાં આવ્યું. આ અંગે તેમણે કહ્યું, "હાલ રનવે દેખાઈ નથી રહ્યો અને દેખાશે એટલે કૉલ કરશે."
અમુક સેકન્ડ બાદ તેમણે કહ્યું કે રનવે દેખાઈ રહ્યો છે.
સવારે 8.43 કલાકે વિમાનને રનવે ઇલેવન ઉપર લૅન્ડિંગ કરવા માટે ક્લિયરન્સ આપવામાં આવ્યું, પરંતુ ક્રૂ તરફથી લૅન્ડિંગ ક્લિયરન્સ અંગે કોઈ રીડબૅક આપવામાં આવ્યું ન હતું.
એ પછી સવારે 8.44 કલાકે એટીસીએ રનવે ઇલેવનના થ્રેશહોલ્ડ પાસે આગની જ્વાળાઓ જોઈ, એ પછી આપાતકાલીન સેવાઓ ઘટનાસ્થળે પહોંચી. રનવેની ડાબી બાજુએ વિમાનનો કાટમાળ પડ્યો હતો.
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરોએ (એએઆઇબી) તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ માહિતી મળ્યે, સાર્વજનિક કરવામાં આવશે.
શરદ પવારની પ્રતિક્રિયા, 'દુર્ઘટના ઉપર રાજકારણ ન કરો'

ઇમેજ સ્રોત, Getty Images
એનસીપીના (એસપી) વડા તથા અજિત પવારના કાકાએ વિમાન દુર્ઘટના અંગે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "અજિત પવારના આકસ્મિક અવસાનથી મહારાષ્ટ્ર આઘાતમાં છે."
શરદ પવારે કહ્યું, "રાજ્યએ એવા નેતાને ગુમાવ્યા છે કે જેમનામાં નિર્ણય લેવાની દૃઢ ક્ષમતા હતી. આ નુકસાનની ભરપાઈ ન થઈ શકે."
તેમણે કહ્યું, "કોલકાતાથી આ અકસ્માત અંગે રાજકીય ષડ્યંત્રના દાવા કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ નથી. આ સંપૂર્ણપણે દુર્ઘટના હતી."
તેમણે કહ્યું, "આ અકસ્માતનું દર્દ અમે બધા અનુભવી રહ્યા છીએ તથા તેનાથી સમગ્ર મહારાષ્ટ્ર અસરગ્રસ્ત છે."
શરદ પવારે દુર્ઘટનાને રાજકીય સ્વરૂપ નહીં આપવા અપીલ કરી હતી.
આ પહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ અજિત પવારના મૃત્યુ અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને તપાસની માગ કરી હતી.
મમતા બેનરજીએ કહ્યું હતું, "અજિત પવાર ભાજપ છોડશે, એવી બે દિવસ પહેલાં માહિતી મળી હતી. એવામાં આ ઘટના બની ગઈ."
તેમણે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી હતી.
'ઈરાનના હાથમાંથી સમય નીકળી રહ્યો છે'

ઇમેજ સ્રોત, Handout via Reuters
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપતાં કહ્યું છે કે તેના પરમાણુ કાર્યક્રમ અંગે વાટાઘાટોનો સમય નીકળી રહ્યો છે.
ખાડી વિસ્તારમાં અમેરિકાના સૈન્યની હાજરી સતત વધી રહી છે, એવામાં ટ્રમ્પના નિવેદનને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ટ્રમ્પની ધમકી બાદ ઈરાને તેમને અફઘાનિસ્તાન તથા ઇરાકનાં યુદ્ધોને યાદ રાખવાની ચેતવણી આપી હતી.
ટ્રમ્પે બુધવારે ટ્રૂથ સોશિયલ ઉપર લખ્યું, 'એક મોટો નૌકાકાફલો' પૂર્ણ શક્તિ, ઉત્સાહ અને ધ્યેય સાથે ઈરાન તરફ આગળ વધી રહ્યો છે.
ટ્રમ્પે લખ્યું, "આશા છે કે ઈરાન ટૂંક સમયમાં વાતચીતની ટેબલ ઉપર આવી જશે અને એક નિષ્પક્ષ કરાર કરશે. કોઈ પરમાણુ હથિયાર નહીં."
ઈરાને પણ ટ્રમ્પની ધમકીઓ અંગે કડક પ્રતિક્રિયા આપી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશને એક્સ ઉપર લખ્યું, "ગત વખતે અમેરિકા અફઘાનિસ્તાન અને ઇરાકનાં યુદ્ધોમાં અટવાઈ ગયું હતું, તેણે સાત ટ્રિલિયન ડૉલર કરતાં વધુ ખર્ચ કરવા પડ્યા હતા અને સાત હજાર કરતાં વધુ અમેરિકન નાગરિકોના જીવ ગયા હતા."
"ઈરાન પરસ્પર સન્માન તથા હિતોના આધારે વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ જો દબાણ લાવવામાં આવશે, તો તે પોતાનો બચાવ કરશે અને એવો જવાબ આપશે, જે અગાઉ ક્યારેય નહોતો આપ્યો."
ઈરાનનું કહેવું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે તથા તેણે પરમાણુ હથિયાર બનાવવાના આરોપોને વારંવાર નકાર્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












