ચાર રાજ્યોનાં ચૂંટણી પરિણામો આજે થશે જાહેર, ક્યા મુદ્દાઓ પર લડાઈ ચૂંટણી, કોની રચાશે સરકાર?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા – આ ચાર રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો થોડા જ કલાકોમાં આવી જશે. આ સાથે જ ક્યા રાજ્યમાં કોની સરકાર રચાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ચૂંટણી પરિણામો આવતા જ સ્થાનિક રાજકારણથી માંડીને રાષ્ટ્રીય રાજકારણ સુધી તેના પડઘા પડશે. વધુમાં, 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ છેલ્લી ચૂંટણી હોવાને કારણે સૌની નજર તેના પરિણામો પર છે.

પૂર્વ ભારતના રાજ્ય મિઝોરમમાં પણ ચૂંટણી આ ચાર રાજ્યો સાથે જ સંપન્ન થઈ છે. પરંતુ તેનું પરિણામ આવતીકાલે 4 ડિસેમ્બરે જાહેર થશે.

છત્તીસગઢમાં બે તબક્કામાં એટલે કે સાતમી અને 17મી નવેમ્બરે, મિઝોરમ અને મધ્યપ્રદેશમાં સાતમી નવેમ્બરે, રાજસ્થાનમાં 23 નવેમ્બરે અને તેલંગણામાં 30મી નવેમ્બરે મતદાન થયું હતું.

મધ્યપ્રદેશમાં આ ચૂંટણીમાં 76.22 ટકા, છત્તીસગઢમાં 76.31 ટકા, રાજસ્થાનમાં 74.13 ટકા અને તેલંગણામાં 71.34 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન મિઝોરમમાં 80.66 ટકા થયું છે.

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે, તેલંગણામાં મુકાબલો ભારત રાષ્ટ્ર સમિતિ અને કૉંગ્રેસ વચ્ચે, તો મિઝોરમમાં મુખ્ય મુકાબલો મિઝો નૅશનલ ફ્રન્ટ, કૉંગ્રેસ અને ઝોરામ પીપલ્સ મૂવમૅન્ટ વચ્ચે છે.

પરિણામો પહેલા પાંચેય રાજ્યોના ઍક્ઝિટ પોલ પણ જાહેર થઈ ચૂક્યા છે. ઍક્ઝિટ પોલના અનુમાનો કોઈ એક પક્ષની જીત સૂચવતા ન હોવાથી લોકોમાં પરિણામોની ઇંતેજારી જોવા મળી રહી છે.

મધ્યપ્રદેશ: કૉંગ્રેસને બે દાયકા પછી સત્તા મળશે કે ભાજપનો ગઢ વધુ મજબૂત થશે?

મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠકો છે. સરકાર બનાવવા માટે કુલ 116 બેઠકો જીતવી જરૂરી છે.

‘હિન્દી હાર્ટલૅન્ડ’ કહેવાતાં રાજ્યોમાં મધ્ય પ્રદેશ એક અગત્યનું રાજ્ય ગણાય છે. સત્તાધારી પક્ષ ભાજપ માટે પણ આ અતિશય અગત્યનું રાજ્ય છે.

હાલ મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્ત્વમાં ભાજપની સરકાર છે. જોકે, નોંધનીય છે કે વર્ષ 2018ની ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી.

અંતિમ પરિણામો મુજબ 114 બેઠકો મેળવીને કૉંગ્રેસ રાજ્યની સત્તામાં અન્ય પક્ષોના ટેકાથી પરત ફરી હતી. જોકે, થોડા સમય બાદ ફરીથી રાજકીય સમીકરણો કંઈક એવાં સર્જાયાં કે ભાજપના હાથમાં મધ્યપ્રદેશ સરકારની ધુરા આવી ગઈ હતી.

એક સમયે મધ્યપ્રદેશ ક઼ૉંગ્રેસનો મુખ્ય ચહેરો મનાતા જ્યોતિરાદિત્ય સિંધિયા હવે ભાજપની સરકારમાં કેન્દ્રીય મંત્રી છે. આ ચૂંટણીપરિણામો તેમના માટે પણ લિટમસ ટેસ્ટ સમાન છે. ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં ભાજપને કેવા પરિણામો મળે છે એ તેમનું ભાવિ નક્કી કરશે.

તેમની પરંપરાગત સીટ બુધનીથી મેદાને ઊતરેલા અને ચાર વાર મુખ્યમંત્રી રહેલા શિવરાજસિંહ ચૌહાણનું ભવિષ્ય પણ દાવ પર છે. જીત કે હારની પરિસ્થિતિઓમાં તેમનું ભવિષ્ય શું રહેશે એ તો પરિણામો આવ્યા બાદ જ ખબર પડશે.

આ સિવાય ભાજપે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સહિત કુલ સાત સાંસદોને મધ્યપ્રદેશમાં ટિકિટ આપી છે. જો તેમની હાર થાય તો તેમનું ભવિષ્ય શું રહેશે તે ચર્ચામાં છે.

તો બીજી તરફ જ્યોતિરાદિત્ય સિઁધિયાના કૉંગ્રેસ છોડ્યા બાદ પૂર્વ મુખ્ય મંત્રીઓ કમલનાથ અને દિગ્વિજય સિંહે આ ચૂંટણીમાં કૉંગ્રેસનું નેતૃત્ત્વ કર્યું છે. કારકિર્દીના અંતિમ પડાવે પહોંચેલા આ નેતાઓને શું ફરીથી સત્તામાં ભાગીદારી મળશે કે કેમ તેના પર સૌની નજર છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે કૉંગ્રેસ અને ભાજપે ખેડૂતો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને ઘણા વાયદાઓ કર્યા છે. તો બીજી તરફ ભાજપના હિન્દુત્વ કાર્ડ સામે કમલનાથે હનુમાન કેન્દ્રિત કાર્યક્રમોમાં ભાગ લઇને સોફ્ટ-હિન્દુત્ત્વનો આશરો લીધો છે. કૉંગ્રેસે ચૂંટણીપ્રચારમાં જાતિગત વસ્તીગણતરીનો મુદ્દો પણ જોરશોરથી ઊઠાવ્યો છે. આ સિવાય આદિવાસી મતદારો પણ નિર્ણાયક ભાગ ભજવશે તેવું મનાય છે.

મોટાભાગના ઍક્ઝિટ પોલે એવો વરતારો કર્યો છે કે ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવશે. તો કેટલાક ઍક્ઝિટ પોલે રાજ્યમાં પાતળી બહુમતીથી કૉંગ્રેસની સરકારનું અનુમાન કર્યું છે.

અગત્યની બેઠકો અને નેતાઓ:

બુધનીથી શિવરાજસિંહ ચૌહાણ, છિંદવાડાથી કમલનાથ, ઇન્દોર-1 થી કૈલાશ વિજયવર્ગીય, દિમનીથી કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર

છત્તીસગઢ: શું ભૂપેશ બઘેલ કૉંગ્રેસની સત્તા ટકાવી શકશે?

છત્તીસગઢમાં વિધાનસભાની કુલ 90 બેઠકો છે અને બહુમતી માટે 46 બેઠકો જીતવી અનિવાર્ય છે.

2018માં ભાજપની સતત 15 વર્ષથી ચાલતી સરકારનો અંત કરીને ભારે બહુમતીથી કૉંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવી હતી. 90 બેઠકો ધરાવતી વિધાનસભામાં કૉંગ્રેસે 68 બેઠકો જીતીને ભારે બહુમતીથી સરકાર બનાવી હતી.

મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલના નેતૃત્વમાં કૉંગ્રેસ ફરીથી રાજ્યમાં સત્તા મેળવવા તલપાપડ છે. જયારે છેલ્લી ચૂંટણીમાં માત્ર 15 બેઠકો મેળવનાર ભાજપ પણ પોતાની ખોવાયેલી મતબેન્ક પાછી મેળવવાનો ભરપૂર પ્રયત્ન કરશે.

રાજ્યની વસ્તીમાં લગભગ 70 ટકાથી વધુ ખેડૂતો હોવાથી ખેડૂતોના મુદ્દાઓ રાજ્યની ચૂંટણીમાં મોટો ભાગ ભજવશે. કૉંગ્રેસે ખેડૂતોની લોન માફીનો કરેલો વાયદો 2018ની ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થયો હતો.

ચૂંટણી પહેલા મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલના નજીકના લોકો પર ઇડીની રેડ તથા મહાદેવ બેટિંગ એપ મુદ્દે ભૂપેશ બઘેલ પર ભ્રષ્ટાચારના લગાવાયેલા આરોપો ખૂબ ગૂંજ્યા હતા. ભાજપે ચૂંટણીપ્રચારમાં તેનો ખૂબ ઉપયોગ કર્યો છે.

ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે થોડી મજબૂત સ્થિતિમાં રહેલા ભૂપેશ બઘેલ સામે ભાજપે ઉગ્ર હિન્દુત્ત્વ કાર્ડ રમ્યું છે. તો બીજી તરફ કૉંગ્રેસ મોટેભાગે ખેડૂતો, સામાજિક મુદ્દાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ફોકસ કરી રહી છે.

લગભગ તમામ ઍજન્સીઓના ઍક્ઝિટ પોલ રાજ્યમાં બહુમતી સાથે કૉંગ્રેસની સરકારનું અનુમાન કરી રહ્યા છે. તો જૂજ ઍક્ઝિટ પોલ બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર થશે તેમ કહી રહ્યા છે.

અગત્યની બેઠકો અને નેતાઓ:

પાટણથી ભૂપેશ બઘેલ, અંબિકાપુરથી ઉપ મુખ્ય મંત્રી ટી.એસ.સિંહદેવ, રાજાનંદગાંવથી પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના નેતા રમણસિંહ

રાજસ્થાન: ચારેકોર એક જ ચર્ચા, ‘રાજ’ બદલાશે કે ‘રિવાજ’?

રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન થયું છે અને બહુમતી માટે 100 બેઠકો જીતવી અનિવાર્ય છે.

દર પાંચ વર્ષે સરકાર બદલવાનો નિયમ પાળતા રાજસ્થાનમાં આ વખતે શું થશે તેના પર સૌ કોઇની નજર છે. દરેક જગ્યાએ એક જ ચર્ચા ચાલી રહી છે કે શું અશોક ગેહલોત આ વખતે રિવાજ બદલી શકશે?

200 બેઠકો ધરાવતી વિધાનસભામાં કૉંગ્રેસે 100 બેઠકો જીતી હતી. આ સિવાય અપક્ષોના ટેકાથી તે 122ના સંખ્યાબળ સાથે મુખ્ય મંત્રી અશોક ગેહલોતના નેતૃત્વમાં રાજ્યમાં મજબૂતીથી સરકાર ચલાવી રહી છે. ભાજપને ગત ચૂંટણીમાં 73 બેઠકો મળી હતી.

રાજ્યમાં સચીન પાઇલટ અને અશોક ગેહલોત વચ્ચેના આંતરિક સંઘર્ષના મામલા સતત સપાટી પર આવતા રહે છે તો બીજી બાજુ ભાજપના મુખ્ય નેતા ગણાતા વસુંધરા રાજેને પણ સતત સાઇડલાઇન કરાતાં હોવાના સમાચારો ચમકતા રહે છે.

ધારાસભ્યોની જૂથબંધી વચ્ચે પણ અશોક ગેહલોત પોતાની સરકાર ટકાવી રાખવામાં સફળ થયા છે.

500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર, હેલ્થ બિલ, ચૂંટણી ટાણે જ નવા ત્રણ જિલ્લાઓની જાહેરાત વગેરે જેવા નિર્ણયોથી તેઓ રાજ્ય સરકાર સામે ઉદ્ભભવતી કથિત એન્ટી-ઇન્કમબન્સીને કેટલી ટાળી શકે છે તે જોવાનું રહ્યું.

ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે અહીં પણ રસાકસીનો માહોલ જોવા મળશે એવું જાણકારો કહી રહ્યા છે. જો અશોક ગેહલોત રાજ્યમાં પોતાની સરકાર ટકાવી શકશે તો તેઓ ઇતિહાસ રચશે. કૉંગ્રેસની તરફેણમાં પરિણામો અશોક ગેહલોતનું કદ વધારશે તો સચીન પાઇલટનું ભવિષ્ય પણ દાવ પર છે.

બીજી તરફ રાજસ્થાનમાં ‘મજબૂત સંગઠન અને શિસ્તબદ્ધ પાર્ટી’ ગણાતા ભાજપમાં પણ આ વખતે ટિકિટ વહેંચણી સમયે જૂથવાદ સામે આવ્યો છે. રાજ્યમાં ભાજપ જીતશે તો વસુંધરા રાજેને ફરી મુખ્ય મંત્રી બનાવાશે કે પછી ગજેન્દ્ર સિંહ શેખાવત અને બાબા બાલકનાથનું કદ વધશે તેની પણ ચર્ચા છે.

ઍક્ઝિટ પોલના તારણો અનુસાર બંને પક્ષો વચ્ચે રાજસ્થાનમાં ભારે રસાકસી થવાની શક્યતા છે. કોની સરકાર બનશે તેનું અનુમાન કરવામાં રાજકીય વિશ્લેષકો પણ સાવચેતી વર્તી રહ્યા છે.

અગત્યની બેઠકો અને નેતાઓ:

સરદારપુરાથી અશોક ગેહલોત, ઝાલરાપાટણથી વસુંધરા રાજે સિંધિયા, ટોંકથી સચીન પાઇલટ, ઝોટવારાથી રાજ્યવર્ધન સિંહ રાઠૌર, નાથદ્વારાથી સીપી જોશી

તેલંગણા: રાષ્ટ્રીય રાજકારણમાં ડગ માંડવા આતુર કેસીઆર શું સત્તા બચાવી શકશે?

તેલંગણામાં વિધાનસભાની કુલ 119 બેઠકો છે અને બહુમતી માટે 60 બેઠકો જીતવી અનિવાર્ય છે.

દક્ષિણ ભારતના આ રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્થાનિક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (પહેલા તેલંગણા રાષ્ટ્ર સમિતિનો ) દબદબો રહ્યો છે.

છેલ્લી ચૂંટણીમાં ભારત રાષ્ટ્ર સમિતિએ રાજ્યની 119 બેઠકોમાંથી 88 બેઠકો પર વિજય મેળવીને રાજ્યમાં સરકાર રચી હતી.

રાજ્યમાં ભારત રાષ્ટ્ર સમિતિના પ્રભુત્ત્વને કારણે ગત ચૂંટણીમાં કૉંગ્રેસ માત્ર 21 સીટો સુધી જ સીમીત થઈ ગયું હતું.

જોકે, કર્ણાટકની ચૂંટણીમાં વિજેતા બનીને ઊભર્યા પછી કૉંગ્રેસ ઉત્સાહિત છે અને જાણકારોના મતે આ વખતે સીધી લડાઈ કૉંગ્રેસ અને ભારત રાષ્ટ્ર સમિતિ વચ્ચે જ મનાય છે. કૉંગ્રેસે તેલંગણામાં આ વખતે ‘ઇનોવેટિવ અને આક્રમક’ પ્રચાર કર્યો છે.

એક મીડિયા અહેવાલ પ્રમાણે રાજ્યમાં બેરોજગારીનો મુદ્દો સૌથી મોટો મનાય છે. તમામ પક્ષોએ આ મુદ્દે તેમના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દે અઢળક વાયદાઓ કર્યા છે.

એક તરફ બીઆરએસ રાજ્યમાં પોતાની સત્તા બચાવવા તલપાપડ છે તો બીજી તરફ કૉંગ્રેસ તેનો દક્ષિણ ભારતનો જનાધાર ફરીથી પાછો મેળવવા તત્પર છે. દક્ષિણ ભારતમાં પગપેસારો કરવા લાંબા સમયથી પ્રયત્ન કરી રહેલા ભાજપે પણ આ વખતે શિવાજીનો સહારો લીધો છે. ઔવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમ પણ ‘હૈદરાબાદની પાર્ટી’ નું મહેણું ભાંગવા પ્રયત્ન કરી રહી છે.

લગભગ તમામ ઍક્ઝિટ પોલના તારણો રાજ્યમાં કૉંગ્રેસના સત્તા પુનરાગમનની આગાહી કરી રહ્યા છે.

અગત્યની બેઠકો અને નેતાઓ:

ગજવેલ અને કામારેડ્ડીથી કે. ચંદ્રશેખર રાવ, સિર્કીલાથી તેમના કેસીઆરના પુત્ર કેટી રામારાવ, કોડાંગલથી કૉંગ્રેસ અધ્યક્ષ રેવંથ રેડ્ડી

મિઝોરમ: પાડોશી રાજ્ય મણિપુરનો મુદ્દો કેટલી અસર કરશે?

મિઝોરમ રાજ્ય તરીકે 1987માં અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારથી જ અહીં એવો ઇતિહાસ રહ્યો છે કે દર બે ટર્મ પછી સરકાર બદલી નાખવી.

મોટેભાગે રાજ્યની રાજનીતિમાં સ્થાનિક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ અને કૉંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે.

ગત ચૂંટણીમાં મિઝો નેશનલ ફ્રન્ટે 40માંથી 26 બેઠકો મેળવી હતી જ્યારે કૉંગ્રેસે 5 અને ભાજપે 1 બેઠક પર વિજય મેળવ્યો હતો.

મુખ્ય મંત્રી ઝોરામથાંગાના નેતૃત્વમાં રાજ્યની સરકાર ચાલી રહી છે.

અન્ય એક પક્ષ ‘ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ’એ ગત ચૂંટણીમાં કૉંગ્રેસ કરતાં વધુ બેઠકો (8) મેળવીને તેની પાસેથી વિપક્ષની જગ્યા આંચકી લીધી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી ઝોરામથાંગા પર મણિપુરના વિષયમાં પણ દખલગીરી કરવાનો આરોપ લાગતો રહ્યો છે જેના કારણે મણિપુર હિંસાનો મુદ્દો પણ આ ચૂંટણીમાં હાવી રહેશે તેવું મનાય છે. મિઝોરમમાં પણ બેરોજગારી અને શરણાર્થીઓ અને ઘૂસણખોરોનો મુદ્દો હાવી રહ્યો છે.

મોટાભાગના ઍક્ઝિટ પોલ એવા અનુમાનો કરી રહ્યા છે કે આ વખતે ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ સૌથી મોટી પાર્ટી બનશે પરંતુ તેને બહુમતી મળશે કે નહીં તે નિશ્ચિત નથી.

અગત્યની બેઠકો અને નેતાઓ:

ઐઝવલ ઇસ્ટ-1 થી મુખ્યમંત્રી ઝોરામથાંગા