પૂનમ માડમ : પડતાં મુકાવાની અટકળો વચ્ચે ભાજપે ત્રીજી વખત ટિકિટ કેમ આપી?

પૂનમ માડમ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

25 ફેબ્રુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા આવ્યા હતા. અહીં તેમણે ઓખા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ પ્રસંગે કરેલા ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલાં આહીરાણીઓએ કરેલા મહારાસની પ્રશંસા કરી હતી. આ મહારાસના આયોજનમાં જામનગરનાં ભાજપનાં સાંસદ પૂનમ માડમ પણ સામેલ હતાં.

ત્યારે ભાજપે લોકસભાની ચૂંટણી માટે કોઈ ઉમેદવારોની યાદી નહોતી બહાર પાડી. પણ જ્યારે વડા પ્રધાને તેમના ભાષણમાં 25 હજાર કિલો સોના સાથે 37 હજાર આહીરાણીઓના મહારાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે જ રાજકીય વર્તૂળોમાં ચર્ચાતું થઈ ગયું હતું કે જામનગરમાંથી પૂનમ માડમનું નામ લગભગ નિશ્ચિત થઈ ગયું છે.

બન્યું પણ એમ જ. ભાજપે જ્યારે તેમના ઉમેદવારોની યાદી બહાર પાડી તેમાં ગુજરાતના 15 ઉમેદવારો હતા અને જેમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમનું નામ પણ હતું.

સતત ત્રીજી ટર્મ માટે ભાજપે પૂનમ માડમની લોકસભાની ઉમેદવારી માટે પસંદગી કરી.

જાણકારો કહે છે કે ‘પર્ફૉર્મન્સ, લોકસંપર્ક અને વોટબૅન્ક પર પકડ’ આ ત્રણ કારણોસર ભાજપે ફરી તેમને તક આપી છે.

કેટલાક જાણકારો એમ પણ કહે છે કે કૉર્પોરેટ ગૃહો સાથેનો તેમનો ઘરોબો પણ વધુ એક કારણ છે તેમની પસંદગી થવાનું.

પૂનમ માડમની પસંદગીનાં કારણો કયાં?

પૂનમબહેન માડમ

ઇમેજ સ્રોત, FACEBOOK/POONAMBEN MAADAM

ભાજપ સામાન્યરીતે 'નો રિપિટ' થિયરીમાં માને છે. જોકે તેમાં અપવાદ હોય છે પણ પૂનમ માડમની લોકસભાના સાંસદ તરીકેની બે ટર્મ પૂર્ણ થઈ ગઈ હતી તેથી તેમને ત્રીજીવાર ટિકિટ મળશે કે કેમ તે અંગે અટકળો ચાલતી હતી.

આ બધી અટકળો વચ્ચે જ્યારે લોકસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર થયું ત્યારે તેમણે ફરી એકવાર સાબિત કર્યું કે જામનગરના રાજકારણમાં તેમને દબદબો હજુ યથાવત્ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પૂનમ માડમની પસંદગીનાં કારણો વર્ણવતા રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા બીબીસી ગુજરાતીને કહે છે, "તેઓ મહિલા છે. આહીર સમુદાયમાંથી આવે છે જે જામનગરની મુખ્ય વોટબૅન્ક છે. પીએમ મોદી-અમિત શાહ અને પાટીલની ગુડબુકમાં છે. બેબાક છે અને બેદાગ પણ માનવામાં આવે છે. સાથે કૉર્પોરેટ જૂથની નજીકનાં મનાય છે. આ બધાં કારણો છે જેને કારણે તેમની પસંદગી થઈ છે."

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય આ વિશે વધુ ફોડ પાડતા કહે છે, "અહીં તેમના જ કાકા વિક્રમ માડમ કે જેઓ કૉંગ્રેસના પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે, તેમના પ્રભાવને ઓછો કરવો હોય અને આહીર વોટબૅન્ક અકબંધ રાખવી હોય તો જામનગરમાં ભાજપ માટે પૂનમબહેન માડમથી બીજું કોઈ અન્ય નામ નથી."

"તેમની કામગીરીનું મૂલ્યાંકન, સતત જનસંપર્ક અને આહીર વોટબૅન્ક પર પ્રભુત્વ. આ ત્રણ મુખ્ય કારણોસર તેમને ફરીવાર ટિકિટ મળી."

રાજકીય વિશ્લેશક કૌશિક મહેતા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "જામનગરમાં માડમ પરિવારનો દબદબો છે. પછી તે કૉંગ્રેસમાં હોય કે ભાજપમાં. રિવાબા જાડેજા સાથે થયેલા વિવાદ સિવાય તેમનું નામ બહુ કોઈ મોટા વિવાદમાં જોડાયું નથી. તેઓ વિવાદોથી દૂર રહ્યાં છે. તેમની સેવાકીય પ્રવૃત્તિઓ પણ એટલી બધી છે જે તેમને તેમના મતદારો સાથે સતત સંપર્ક જાળવી રાખે છે."

જાણકારો એમ પણ કહે છે કે તેઓ બધાને સાથે લઈને ચાલવામાં માને છે.

કૌશિક મહેતા વધુમાં કહે છે કે તેઓ સમાધાનની ભૂમિકામાં પણ હોય છે. "જ્યારે મોરારિબાપુની બલરામ અને યાદવોની દારૂ વિશેની કૉમેન્ટ પર વિવાદ થયો ત્યારે દ્વારકાના ધારાસભ્ય પબૂભા માણેક મોરારિબાપુને મારવા દોડ્યા હતા. આખા વિવાદમાં સમાધાન કરાવવાની ભૂમિકા પૂનમબહેન માડમે ભજવી હતી."

જામનગર ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી દર્શન ઠક્કર કહે છે કે તેઓ ડાઉન ટુ અર્થ છે. દર્શન ઠક્કર વધુમાં કહે છે, "જે લોકો તેમની પાસે કામ લઈને જાય છે, પૂનમબહેન અંગત રસ લઈને કામ કરી આપે છે. લોકોની વિવિધ સેવા માટે તેમણે કેટલીક જગ્યાએ ખાસ ઑફિસ શરૂ કરી છે."

જામનગરના વરિષ્ઠ પત્રકાર હિરેન ત્રિવેદી કહે છે, "તેમની સામે નકારાત્મક મુદ્દો ચર્ચિત નથી. જામનગરથી દેશના વિવિધ ભાગોમાં 12થી વધુ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. ખંભાળિયા અને દ્વારકાના રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ થયું. બે ઓવર બ્રિજની મંજૂરી અપાવડાવી."

પૂનમ માડમ શું કહે છે ?

પૂનમબહેન માડમને ભાજપની ટિકિટ મળી ત્યારબાદ શુભેચ્છા પાઠવતા રીવાબા જાડેજા

ઇમેજ સ્રોત, FACEBOOK/POONAMBEN MAADAM

ઇમેજ કૅપ્શન, પૂનમ માડમને ફરી લોકસભાની ટિકિટ મળી ત્યારે ધારાસભ્ય રીવાબા જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી

જ્યારે ભાજપની લોકોસભાના ઉમેદવારોની પ્રથમ યાદીમાં પૂનમ માડમનું નામ જાહેર થયું કે તરત જ તેમના સમર્થકો અને કાર્યકરો તેમના કાર્યાલય ખાતે ઉમટી પડ્યા અને તેમનું અભિવાદન કર્યું.

તેમણે પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઍક્સ પર લખ્યું કે, "જામનગર લોકસભા વિસ્તારના ભાજપ ઉમેદવાર બનાવવા બદલ યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું."

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પૂનમ માડમ તેમને જામનગર લોકસભા બેઠક પર ફરીથી ટિકિટ મળી તેનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને આપે છે. તેમનો દાવો છે કે તેમણે છેલ્લાં દસ વર્ષોમાં જે કામ કર્યાં છે તેને કારણે જ ભાજપે તેમની પસંદગી કરી છે.

તેઓ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "છેવાડાના માનવીની અમે ચિંતા કરી છે. જામનગરના અનેક વિકાસનાં કામો કર્યાં છે. સિગ્નેચર બ્રિજ હોય, કોસ્ટલ હાઇવે હોય કે પછી જામનગર-અમૃતસર ઍક્સ્પ્રેસવે. જામનગરની જનતાને મોદી સરકારે ઘણું આપ્યું છે."

તેઓ વધુમાં કહે છે, "કેન્દ્ર સરકાર દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં અમે એ દિશામાં ઘણું કામ કર્યું છે."

કેવી રીતે થયો પૂનમ માડમનો રાજકીય ઉદય?

પૂનમબહેન માડમ

ઇમેજ સ્રોત, FACEBOOK/POONAMBEN MAADAM

23 સપ્ટેમ્બર1974ના રોજ જામનગરમાં જન્મેલાં પૂનમ માડમના પિતા હેમતભાઈ માડમ અપક્ષ ઘારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

પિતાના મૃત્યુ પછીથી પૂનમ માડમે સ્નાતક પૂર્ણ કર્યું. તેમણે પરમિન્દર કુમાર સાથે લગ્ન કર્યું અને એક પુત્રીનાં માતા બન્યાં.

તેમના દાદા પણ સમાજના નેતા હતા. પિતા અને દાદાના રાજકીય વારસાની યાદ અપાવવા પૂનમ માડમે સેવાકાર્યો શરૂ કર્યાં. પહેલાં તેઓ કૉંગ્રેસમાં જોડાયાં હતાં.

વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન પૂનમબહેને કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને તેઓ ગણતરીના કલાકોમાં ખંભાળિયાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર બની ગયાં.

તેમનું કહેવું હતું કે તેઓ કૉંગ્રેસના માત્ર પ્રાથમિક સભ્ય હતાં તેમણે પાર્ટીમાં કોઈ મોટો હોદ્દો લીધો નહોતો.

વિધાનસભાની ચૂંટણીમાં તેમણે પહેલીવાર ચૂંટણી લડતાં વિક્રમભાઈની નજીક મનાતા એભાભાઈ કરમૂરને 38 હજાર મતોથી પરાજય આપ્યો.

2014ની લોકસભા ચૂંટણીમાં કાકા અને ભત્રીજી વચ્ચે સીધો જંગ થયો હતો. ભાજપે પૂનમબહેનને ઉમેદવાર બનાવ્યાં અને કૉંગ્રેસે વિક્રમભાઈને. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.

2019ની લોકસભાની ચૂંટણી પહેલાં 2018માં તેમનાં એકમાત્ર સંતાન શિવાની તેમના નોઇડા ખાતે આવેલા ઘરમાં ગિઝર ફાટવાથી દાઝી ગયાં. તેમને સિંગાપોર ખાતે ઉચ્ચસારવાર માટે લઈ જવાયાં પરંતુ ત્યાં તેમનું અવસાન થયું.

2019માં પૂનમબહેને બે લાખ 36 હજાર મતોથી કૉંગ્રેસના મૂળુ કંડોરિયાને પરાજય આપ્યો. ફરીવાર ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત થઈ હતી.

નજીકના લોકોમાં ભાજપનાં મહિલા સંસદસભ્ય પૂનમ માડમ ‘બહેન’ કે ‘દીદી’નાં હુલામણાં નામથી પણ ઓળખાય છે. બ્રાન્ડેડ કે ફૅન્સી ઘડિયાળો તથા પર્સ તેમનાં સ્ટાઇલ સ્ટેટમૅન્ટ છે.

જામનગરમાં જ્યારે તેઓ હોય ત્યારે સરળતાથી લોકો માટે ઉપલબ્ધ રહેવું એ પૂનમબહેનની ખાસિયત છે.

એક વખત રૉલ્સ રૉયસ સાથેની તેમની તસવીરો વાઇરલ થઈ હતી. સંસદસભ્ય બન્યાંના ગણતરીના દિવસોમાં આ પ્રકારની તસવીરો ધ્યાન ખેંચે તે સ્વાભાવિક હતું. પણ પાછળથી બહાર આવ્યું હતું કે તે સુરતસ્થિત ઉદ્યોગપતિની કાર હતી. 2019ની લોકસભા ચૂંટણી ઍફિડેવિટમાં પૂનમબહેને તેમની પાસે બે ફૉર્ચ્યુનર અને વેગનઆર કાર હોવાનું જણાવ્યું હતું.

2015માં વેરાવળ ખાતેના ડાયરામાં એક કાર્યક્રમમાં કથિત રીતે 30 સેકન્ડમાં ત્રણ કરોડ ઉડાડવામાં આવ્યા. આ કાર્યક્રમમાં પૂનમ માડમે ચલણી નોટો ઉડાડી હતી, જોકે વિવાદ બાદ તેમણે સ્પષ્ટતા કરી કે તે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ હતો અને ડાયરા દરમિયાન પૈસા ઉડાડવાની લાંબી પરંપરા રહી છે અને આ રકમ દાન સ્વરૂપે હતી.

જાનમગરનાં સાંસદ પૂનમ માડમ, જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને જામનગરનાં મેયર બીનાબહેનનો એક કથિત બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો. જામનગર મહાનગરપાલિકાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં રીવાબાએ દાવો કર્યો કે તેમણે પગરખાં ઉતારીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેના પર સાંસદ પૂનમબહેને ટિપ્પણી કરી હતી એટલે મામલો બિચક્યો હતો.

જોકે બાદમાં તેમના વચ્ચે સમાધાન થયું હતું. હાલ જ્યારે પૂનમબહેનને ત્રીજીવખત ટિકિટ મળી ત્યારે રીવાબાએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

કેવું રહેશે જામનગરનું ગણિત?

પૂનમબહેન માડમ

ઇમેજ સ્રોત, FACEBOOK/POONAMBEN MAADAM

જામનગર લોકસભા વિસ્તારમાં એક સમયે કૉંગ્રેસનો દબદબો હતો. 1952થી કૉંગ્રેસે અહીં 8 વખત જીત મેળવી છે. સ્વતંત્ર પાર્ટીએ અહીંથી એક વખત, જનતા પાર્ટીએ એક વખત જીત મેળવી છે. જ્યારે કે ભાજપે અહીંથી સાત વખત જીત મેળવી છે.

1998થી ભાજપના ચંદ્રેશ પટેલે કૉંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી. 1999 સુધી તે ભાજપનો ગઢ રહ્યો પણ 2004માં વિક્રમ માડમે અહીંથી કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી અને ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી. 2009માં પણ વિક્રમ માડમ જ જીત્યા જોકે 2014માં આ બેઠક પૂનમબહેન માડમે તેમના કાકા વિક્રમ માડમ પાસેથી છીનવી લીધી. 2019માં પૂનમબહેનને ફરી ભાજપે ટિકિટ આપી અને તેઓ ફરી જીત્યાં.

જામનગર લોકસભા વિસ્તારમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, જામખંભાળિયા અને દ્વારકા વિધાનસભા ક્ષેત્રો આવે છે. હાલ જામજોધપુર વિધાનસભા બેઠક સિવાય તમામ બેઠકો ભાજપ પાસે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં જામજોધપુર વિધાનસભા બેઠક પરથી હેમંત ખવા આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી અહીં જીત્યા હતા.

જામનગરના વરિષ્ઠ પત્રકાર હિરેન ત્રિવેદી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "આ વરસે પણ પૂનમબહેન માડમ માટે મેદાન સાફ છે. ગત વખતે પૂનમબહેને મુળુભાઈ કંડોરિયાને લગભગ 2.36 લાખ મતે હરાવ્યા હતા."

"મુળુભાઈ પણ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. અન્ય એક નામ ભીખુભાઈ વારોતરિયા જેને કૉંગ્રેસ ટિકિટ આપી શકે છે પણ તેમના ઘરના સ્વજનો તેમને આરોગ્યનું કારણ આગળ ધરીને ચૂંટણી લડવા ના પાડે છે."

"પૂનમબહેન માડમના કાકા વિક્રમ માડમ પણ પરિવારજન સામે ચૂંટણી લડવાની ના પાડે છે એટલે કૉંગ્રેસનું નામ આવે પછી ખબર પડે કે સ્પર્ધા કેવી થશે પણ હાલ તો પૂનમબહેનની જીત સામે બહુ અવરોધ નથી દેખાઈ રહ્યો."

જ્ઞાતિનાં સમીકરણો વિશે વિશ્લેષણ કરતા હિરેન ત્રિવેદી કહે છે, "જામનગરમાં આહીરોનું વર્ચસ્વ છે. અહીંના રાજકીય ઇતિહાસમાં એકાદ અપવાદને બાદ કરતા આહીરો જ ચૂંટાય છે. ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, ભાટિયામાં આહીરોની વસ્તી વધારે છે તથા પટેલોનું વર્ચસ્વ પણ છે."

"કાલાવાડ, જામજોધપુર, કલ્યાણપુરમાં કડવા અને લેઉવા પટેલોનો દબદબો છે. આ સિવાય ધ્રોળ, જોડિયા, ખંભાળિયા તથા દ્વારકામાં સથવારા કે સતવારા સમુદાયનું પણ વર્ચસ્વ છે. તેમના પણ 50 હજાર વોટ નિર્ણાયક છે. જોકે તે પૈકી મહત્તમ લોકો ભાજપને વોટ આપે છે."

"જામનગર શહેરમાં લગભગ મુસ્લિમ સમાજના એક લાખ લોકો છે. અહીં બ્રાહ્મણ અને વણિકની પણ 1.25 લાખની વસ્તી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોળી સમાજ પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે."

હિરેન ત્રિવેદી કહે છે કે કૉંગ્રેસ આહીર અને મુસ્લિમ મતદારો પર વધારે આધારિત છે જ્યારે ભાજપને મુસ્લિમ સિવાય લગભગ તમામ વર્ગોમાંથી સમર્થન છે. તેઓ કહે છે, "કૉંગ્રેસ કયા નામ પર પસંદગી કરે છે તેના પર નજર રહેલી છે પણ તેઓ આહીર મતદારોને અવગણી નહીં શકે."

કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું શું કહેવું છે?

પૂનમબહેન માડમ

ઇમેજ સ્રોત, FACEBOOK/POONAMBEN MAADAM

પૂનમ માડમના કાકા વિક્રમ માડમ 2004 અને 2009માં કૉંગ્રેસની ટિકિટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2014માં જ્યારે તેઓ તેમનાં ભત્રીજી પૂનમબહેન માડમ સામે હારી ગયા ત્યારથી તેમણે લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી.

વિક્રમ માડમ પૂનમબહેનની ઉમેદવારી પર બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે, "ભાજપ તેના ઉમેદવાર પસંદ કરે છે તેમાં મારે શું કહેવું? તેમને ચૂંટવા કે નહીં તે જનતા નક્કી કરે. તેમનું મૂલ્યાંકન પણ જનતા જ નક્કી કરશે, જનતા હોંશિયાર છે. હું હાલ શાંતિથી મારું કામ કરું છું."

જ્યારે અમે તેમની પાસે પૂનમ માડમે કરેલાં કામોના દાવા પર પ્રતિક્રિયા માગી ત્યારે તેમણે કહ્યું કે, "મારે તેમનાં લેખાંજોખા નથી કરવા, ચૂંટણીમાં લોકો જવાબ આપશે."

વિક્રમ માડમે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં એ વાત ફરી કરી કે તેમને લોકસભાની ચૂંટણી લડવાની કોઈ ઇચ્છા નથી.

જામનગર સંસદીય વિસ્તારમાં આવેલી વિધાનસભા બેઠકો પૈકી એક બેઠક જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "જામનગરમાં કેટલાંક કામો થયાં છે પણ ઘણાં કામો બાકી છે. જો પૂનમબહેને કામ કર્યાં હોય તો જનતા પાસે જઈને હિસાબ આપે."

જોકે જામનગરમાં ચૂંટણીની લડાઈ કેવી રહેશે તે પ્રશ્નના જવાબમાં હેમંત ખવા કહે છે, "અમે જામનગરમાં ભાજપને હરાવવા માટે કૉંગ્રેસ સાથે જ છીએ પણ જ્યાં સુધી કૉંગ્રેસ જ્ઞાતિનાં સમિકરણોને આધારે મનોમંથન કરી ઉમેદવારનું નામ જાહેર નહીં કરે ત્યાં સુધી કોઈ ભવિષ્યવાણી કરવી કઠિન છે."

"વિધાનસભા વેળા પણ લડાઈ કટોકટની હતી તેથી એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતમાં ભાજપ આ વખતે 26 એ 26 બેઠકો પર નહીં જીતી શકે."

જોકે, તેમણે પૂનમબહેન વિશે વ્યક્તિગત પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.